ઑન્લી કટ્ટી, નો બટ્ટી

***

ના, કંગના કે ઇમ્પ્રેસિવ પ્રોમોના નામે પણ આ બોરિંગ ફિલ્મમાં ભંગાવા જેવું નથી.

***

katti-batti-poster-3ડિરેક્ટર નિખિલ અડવાણી અત્યંત બહાદૂર માણસ છે. કહો કે, ૫૫.૯૯ ઇંચની છાતીવાળા. હજુ ગયા શુક્રવારે જ તેઓ ‘હીરો’ નામનો રિમેક હથોડો આપણા પર ફટકારી ચૂક્યા છે. એ ફિલ્મથી લોકો એવા ત્રાહિમામ પોકારી ગયા કે એક જ અઠવાડિયામાં તેનાં પાટિયાં પડી ગયાં. પરંતુ બહાદૂર નિખિલભાઇએ તરત જ બીજા શુક્રવારે એનાથીયે મોટો હથોડો આપણા પર માર્યો છે, જેનું નામ છે ‘કટ્ટી બટ્ટી.’ કંગનાની બિનધાસ્ત અદાઓ અને કલરફુલ ક્રિયેટિવ ટ્રેલર જોઇને બહુ બધા લોકો અંજાઈ ગયા હતા. પરંતુ હકીકત એ છે કે ફિલ્મમાં મજા આવે એવું માત્ર ટ્રેલરમાં હતું એટલું જ છે. બાકીની આખી ફિલ્મ પ્લાસ્ટિકનાં ફૂલોથી વિશેષ કશું જ નથી.

રોમાન્સ, કોમેડી વિનાની રોમ-કોમ

માધવ કાબરા ઉર્ફ મૅડી (ઇમરાન ખાન) અને પાયલ (કંગના રણૌત) અમદાવાદની કોઈ ડિઝાઇન કમ આર્કિટેક્ચર સ્કૂલમાં ભણે છે. કંગનાએ બનાવેલાં કાગળનાં વિમાનોથી ઘાયલ થયેલો ઇમરાન તાત્કાલિક અસરથી એના પ્રેમમાં પડી જાય છે. લેકિન અડધી દુનિયાના બૉયફ્રેન્ડ્સની અનુભવી કંગના પ્રેમ-બેમના મૂડમાં નથી અને બંને ચાઇનીઝ પ્રોડક્ટ જેવો ટાઇમપાસ પ્રેમ શરૂ કરે છે. મામલો થોડો ગંભીર થાય છે અને બંને લિવ-ઈન રિલેશનશિપ સ્ટાર્ટ કરે છે. પરંતુ વન નૉટ સો ફાઇન મૉર્નિંગ કંગના મૅગી નૂડલ્સની જેમ માર્કેટમાંથી ગાયબ થઈ જાય છે અને ઇમરાન એને ‘અચ્છે દિન’ની જેમ શોધવા માંડે છે. કંગનાની યાદમાં દેવદાસ થયેલો ઇમરાન એને શોધી તો કાઢે છે, પણ ખબર પડે છે કે એ કંગના તો રાકેશ આહુજા (વિવાન ભતેના) નામના ભટૂરિયા સાથે લગ્ન કરી રહી છે. થોડી વારે એક નવું ગિયર પડે છે અને કહાનીમાં નવો ને વધુ બોરિંગ એવો ટ્વિસ્ટ આવે છે.

દિમાગ કી છુટ્ટી

જો ફિલ્મોના ટાઇટલ્સ વાંચવાની ટેવ હશે તો કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનું નામ એકાદ વાર આંખે પડ્યું હશે. ફિલ્મોના કલાકારોની પસંદગી માટે આ ભાઇએ ‘કટ્ટી બટ્ટી’ની મુખ્ય જોડી તરીકે કંગના અને આમિરના ભાણિયા ઇમરાનને લીધાં છે, પણ બંને એકેય ઍન્ગલથી પ્રેમી-પ્રેમિકા લાગતાં નથી. ક્યુટ ગલુડિયા જેવા લાગતા ઇમરાનની સામે કંગના આખી ફિલ્મમાં વીફરેલી વાઘણની જેમ ઘૂરકિયાં કર્યાં કરે છે. એવું જ લાગે, જાણે એ ફરીથી ‘તનુ વેડ્સ મનુ’ના સૅટ પરથી ભાગીને અહીં આવી ગઈ છે. પ્રેમની વાત તો દૂર રહી, જે રીતે કંગના ખડૂસ ક્લાસટીચરની જેમ ઇમરાનને ખખડાવતી રહે છે, એ જોતાં એની સાથે દોસ્તી કરવાની પણ કોઈ હિંમત ન કરે.

આ ફિલ્મનું ટાર્ગેટ ઑડિયન્સ શહેરોનાં મલ્ટિપ્લેક્સમાં જતાં યંગ જુવાનિયાંવ છે. એટલે એમને ગમે એવી રોમ-કોમ ફિલ્મના તમામ ટિપિકલ મસાલા અહીં ઠૂંસવામાં આવ્યા છે. જેમ કે, બૉય મીટ્સ ગર્લ, ચકાચક કોલેજ, ડિઝાઇનર કપડાં, પૉશ કાર, વિમાનમાં ઊડાઊડ, ‘એપલ’નાં લેપટોપ અને ફોન, ઉત્સાહી ફ્રેન્ડ્સ, કૂલ મમ્મી-પપ્પા, હીરોની ચિબાવલી બહેન, ગિટાર, કલરફુલ ઑફિસ, થોડા અશ્લીલ જોક્સ, દારૂ-બારૂ, પાર્ટી સોંગ, રોના-ધોના એટસેટરા. પરંતુ આ બધું ભયંકર કૃત્રિમ લાગે છે. એ જોતાં ફિલ્મોને બદલે ડિરેક્ટર નિખિલ અડવાણી પ્લાસ્ટિકનો સામાન બનાવવાની ફેક્ટરી નાખે, તો તેમાંથી નીકળતી પ્રોડક્ટ્સમાં પણ વધારે જીવંતતા હોય.

ફર્સ્ટ હાફમાં સ્ટોરી શરૂ થવાની રાહમાં જ ઇન્ટરવલ પડી જાય છે. ત્યારપછી ગાંડીઘેલી દોડાદોડ અને ઇમોશનલ વેવલાવેડામાં ફિલ્મ પૂરું થવાનું નામ જ લેતી નથી. ફિલ્મમાં તો જાણે એટન્ટરટેન્મેન્ટનો છાંટોય નથી, પણ તમે (જો ભૂલથી થિયેટરમાં ઘૂસી ગયા, તો) તમારું પોતાનું મનોરંજન પેદા કરી શકો છો. મતલબ કે કાઉન્ટ કરો કો આ ફિલ્મમાં કંગના કુલ કેટલી હેરસ્ટાઇલો ચૅન્જ કરે છે?, એમાં અંગ્રેજી ફિલ્મ ‘પલ્પ ફિક્શન’ની ઉમા થર્મન જેવી હેરસ્ટાઇલ કઈ છે?, કંગના અને ઇમરાનના શરીર પર કયાં અને કેટલાં ટૅટૂ છે?, કંગનાનો ડાન્સ વધારે કૃત્રિમ છે કે એની નિતનવી વિગ?, આખી ફિલ્મમાં જાજરૂનું કમોડ કુલ કેટલી વાર આવે છે?, કાચબાને કુલ કેટલીવાર ખાવાનું ખવડાવવામાં આવ્યું છે?, કાચબાનું નામ ‘મિલ્ખા’ રાખવાનો જિનિયસ આઇડિયા કોનો હોઈ શકે?, કેટલીવાર તમને જેન્યુઇન હસવું (કે રડવું) આવે છે?, હીરો-હિરોઇન કેવી ગંભીર બાબતો પર ઝઘડે છે? (સૅમ્પલઃ તું સૂ-સૂ કેમ પ્રોપર્લી કરતો નથી? તું કાચબાને કેમ ખવડાવતો નથી? તને પડદા બદલ્યા તે કેમ ભાન પડતી નથી? તું મારી સાથે વાત કેમ કરતો નથી? સચીનની છેલ્લી હોય તો શું થયું, તું મૅચ કેમ જુએ છે?), ‘દેવદાસ’વાળો સીન ‘જાને ભી દો યારો’થી કઈ રીતે પ્રેરિત છે?, બીયર પીવાથી માણસ આખી રાત અને આખો દિવસ કઈ રીતે ઘેનમાં રહી શકે?, (ડ્રાય ગુજરાતના) અમદાવાદની કોલેજમાં બિનધાસ્ત બીયર પીને ટલ્લી કઈ રીતે થઈ શકાય? તમે દેવદાસિયા પ્રેમીઓનું પોપબૅન્ડ જોયું છે ખરું?, એ પોપબૅન્ડમાં રહેલી બૉયકટવાળ ધરાવતી છોકરી ‘એરટેલ 4G’ની જાહેરખબરવાળી જ છે કે કેમ?, આખી ફિલ્મમાં ઇમરાન કુલ કેટલીવાર ‘પ્લીઝ’ અને ‘સોરી’ બોલે છે? ફિલ્મમાં કયાં કયાં પાત્રોનો સ્ક્રૂ ઢીલો લાગે છે? ટૂંકમાં તમારી જિજ્ઞાસાને સંતોષવાના આ ફિલ્મમાં પૂરેપૂરા સ્કોપ છે.

જુઓ, ડિરેક્ટર નિખિલ અડવાણી સાથે આપણને કોઈ ખાનદાની દુશ્મની તો છે નહીં. એટલે મોટું મન રાખીને એટલું કહી શકાય કે ‘કટ્ટી બટ્ટી’નાં ‘મૈં ભી સરફિરા’, ‘લિપ ટુ લિપ દે કિસ્સિયાં’, ‘ઓવે જાણિયા’ જેવાં ગીતો સાંભળવાં ગમે છે. તેમાં મ્યુઝિક ડિરેક્ટર શંકર-એહસાન-લૉયનો ટચ  વર્તાઈ આવે છે. ‘મૈં ભી સરફિરા’ ગીત થોડું વધારે ક્રિયેટિવ થઈ ગયું છે, એટલે તે જોવાની મજા પડે છે, પણ ફિલ્મની બહારનું હોય તેવું લાગે છે.

કમ્પ્લિટ કટ્ટી

હૉલીવુડની ફિલ્મો જોનારા કહે છે કે આ તો ‘500 ડેય્ઝ ઑફ સમર’ અને ‘ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ’ જેવી ફિલ્મોની ખીચડી છે. જ્યારે હિન્દીવાળા કહે છે કે નિખિલભાઇએ અહીંના જ જૂના માલની ભેળપુરી બનાવી કાઢી છે. આપણા માટે સાર એટલો જ કે ભલે તમે કંગનાના દિલોજાનથી આશિક હો અને ભલે તમને ઇમરાન ક્યુટ લાગતો હોય, પણ અંતે પૈસા આપણે જ ખર્ચવાના છે. એટલે એક કામ કરો, ચેતન ભગત, દુર્જોય દત્તા જેવા લેખકોની એકાદી રોમ-કોમ બુક લો અને સેવ-મમરા સાથે વાંચી કાઢો. દોઢસો રૂપિયામાં મસ્ત ટાઇમપાસ થઈ જશે. શું કહ્યું, ફિલ્મ? એ તો ટીવી પર આવે ત્યારે શાક સમારતાં, વાળમાં ડાઈ કરાવતાં કે કપડાંને ઇસ્ત્રી કરતાં કરતાં જોઈ નાખજો ને તમતમારે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s