પ્લીઝ, ગો બૅક
***
છુટાછવાયાં વનલાઇનર્સને બાદ કરતાં આ ચ્યુઇંગમછાપ ફિલ્મ અઢી કલાકના ભવાડાથી વિશેષ કશું જ નથી.
***
આ વર્ષે ‘MSG’, ‘મિસ્ટર એક્સ’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મો આવી ત્યારે થયેલું કે હવે આ વર્ષનો ક્વોટા પૂરો. આનાથી વધારે બાલિશ અને રેઢિયાળ ફિલ્મ થોડી આવવાની? પણ ના. આપણા બૉલીવુડે જાયન્ટ સાઇઝનો હથોડો ઝીંકવા માટે ‘વેલકમ બૅક’ને બચાવી રાખેલી. જો ટીવી-ઇન્ટરનેટ પર બાબા રામરહીમની ‘MSG-2’નાં ટ્રેલર શરૂ ન થઈ ગયાં હોત તો ‘વેલકમ બૅક’ને આ વર્ષની સૌથી હાસ્યાસ્પદ ફિલ્મનો અવૉર્ડ આપી શકાત.
ભવાડાની સિક્વલ
દુબઈમાં રહેતા ડૉ. ઘૂંઘરુ (પરેશ રાવલ)ને એમની બૉયકટ પત્ની (સુપ્રિયા કર્ણિક) અચાનક બ્રૅકિંગ ન્યૂઝ આપે છે કે લગ્ન પહેલાંની ઇતર પ્રવૃત્તિથી એમને એક જુવાન દીકરો છે, જે મુંબઈમાં ડૉન અજ્જુભાઈ (જ્હોન અબ્રાહમ) તરીકે સૅટ છે. બીજી બાજુ ડૉનમાંથી શરીફ થઈ ગયેલા મજનુભાઈ (અનીલ કપૂર) અને ઉદય શેટ્ટી (નાના પાટેકર)ને એમના પપ્પા (સિનિયર નાના પાટેકર) સાઉથ ઇન્ડિયન લૅંગ્વેજમાં શૉક આપે છે કે તારી ત્રીજી મમ્મીથી તને એક જુવાન બહેન રંજના (શ્રુતિ હાસન) છે, જેનાં તારે લગ્ન કરવવાનાં છે.
આ ઉદય અને મજનુ બંને હજી વાંઢા છે. ગઈ ફિલ્મની મલ્લિકાની જેમ આ ફિલ્મમાં ચોટ્ટી મા-દીકરી (ડિમ્પલ કાપડિયા-નવોદિત અંકિતા શ્રીવાસ્તવ) આ બેય ભાઇઓને પ્રેમ કા ગેમમાં ફસાવીને બાટલીમાં ઉતારવાની ફિરાકમાં છે. ત્રીજી બાજુ ખૂનખાર અને સિલેક્ટિવ અંધ ડૉન વૉન્ટેડ ભાઈ (નસીરુદ્દીન શાહ)નો જુવાન દીકરો હની (શાઇની આહુજા) ઘરમાં બેઠો ગાંડા કાઢે છે કે પરણું તો ઓલી શ્રુતિ હાસનને જ પરણું વર્ના આપઘાત કરી લઉં.
ત્રિરંગી ઢોકળા નાખેલી આ ચાઇનીઝ ભેળમાં હજી કેટલાય નમૂનાઓ આવ-જા કરે છે, ગરબડ ગોટાળા થાય છે, ગીતો આવે છે. એક માત્ર પિક્ચર જ પૂરું થવાનું નામ નથી લેતું.
બાલિશોત્સવ
ડિરેક્ટર અનીસ બઝ્મી ફિલ્મોના નામે સુરતી ગોટાળા પિરસવા માટે કુખ્યાત છે. અગાઉ તેઓ ‘નૉ એન્ટ્રી’, ‘વેલકમ’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘નો પ્રોબ્લેમ’, ‘રેડી’, ‘થેન્ક યુ’ જેવી ફિલ્મો બનાવવાની જુર્રત કરી ચૂક્યા છે (જેવાં એમની ફિલ્મોનાં ટાઇટલ હોય છે, એ જોતાં આગળ જતાં તેઓ ‘હૉર્ન ઑકે પ્લીઝ’, ‘ઓકે ટાટા બાય બાય’, ‘બૂરી નઝર વાલે તેરા મૂંહ કાલા’, ‘કીપ સેફ ડિસ્ટન્સ’, ‘હમ દો હમારે દો’ જેવી ફિલ્મો પણ બનાવે તો નવાઈ નહીં). પરંતુ હવે તેઓ સિક્વલના રવાડે ચડ્યા છે.
‘વેલકમ બૅક’ જેવી ફિલ્મમાં તમને મજા આવશે કે નહીં, તેનો આધાર તમે કઈ અપેક્ષા લઇને ફિલ્મ જોવા જાઓ છો તેના પર છે. જો તમને પાંચ-પચ્ચીસ ચબરાકિયાં સાંભળીને ખીખીયાટા છૂટી જતા હોય, ડબલ મીનિંગ ડાયલોગથી રોમરોમમાં ગલગલિયાં થવા માંડતાં હોય, ઢેકા ઉલાળતી બાઇઓનાં શરીરના વળાંકો જોઇને સીટીઓ મારવાનું મન થઈ જતું હોય, અને બહાર નીકળીને કોઈ પૂછે, તો જવાબમાં ‘આપણને તો બે ઘડી મોજ કરાવીને ફ્રેશ કરી દ્યે એવી ફિલ્મો બવ ગમે’ એવી વાયડાઈ કરવી ગમતી હોય, તો કસમ મજનુભૈયા કી, આ ફિલ્મ તમને હસાવી હસાવીને તમારા ગાભા કાઢી નાખશે.
‘વેલકમ બૅક’ને સિક્વલ તરીકે પ્રમોટ કરાઈ છે, પરંતુ હકીકતમાં તેની પ્રિક્વલ એવી અક્ષય કુમાર સ્ટારર ‘વેલકમ’ની રિમેક જ છે. અહીં એ જ રીતે ઉદય-મજનુ એક લેભાગુ લલનાના ઝાંસામાં આવે છે, એ જ રીતે ભાઈ વર્સસ-ઘૂંઘરુ અને ભાઈ વર્સસ બડે ભાઈની તડાફડી બોલે છે અને એવા જ ઘોંઘાટિયા ગરબડ ગોટાળા સાથે ફિલ્મ (માંડ) પૂરી થાય છે. ફિલ્મના એક સીનમાં એક પાત્ર નાના પાટેકર-અનીલ કપૂર માટે કહે છે, ‘ઓ ગુંડો કે લૉરેલ-હાર્ડી.’ ડિટ્ટો જો તમે એવી જ સિલી, સ્લૅપસ્ટિક ફિલ્મ તરીકે આ ફિલ્મને લો, તો તે તમને છૂટક છૂટક હસાવવામાં સફળ થાય છે ખરી. થેન્ક્સ ટુ, તેના ત્રણ ડિપેન્ડેબલ કલાકારો, નાના પાટેકર, અનીલ કપૂર અને પરેશ રાવલ. આ ત્રણેય કલાકારોનું કોમિક ટાઇમિંગ ગજબનાક છે. ગમે તેવા ફાલતુ સીનમાં પણ તેઓ પોતાની એક્ટિંગથી તમને હસાવી દે. જેમ કે, એક સીનમાં નાના-અનીલ કબ્રસ્તાનમાં ભૂતો સાથે અંતાક્ષરી રમે છે. માત્ર એક્ટિંગના જોરે જ એ સીન કોમેડીની પંગતમાં ગોઠવાયો છે. પરેશભાઇના ચહેરા પર હવે થોડી ઉંમર દેખાય છે, પરંતુ નાના પાટેકર અને અનીલ કપૂરને તો સત્વરે ‘સંતૂર’ સાબુના બ્રૅન્ડ એમ્બેસેડર બનાવી દેવા જોઇએ. એ બંનેને જોઇને એમની ઉમ્ર કા પતા હી નહીં ચલતા.
આ ફિલ્મનું ચોથું સરપ્રાઇઝ એલિમેન્ટ છે, તેનાં ઘણે ઠેકાણે દ્વિઅર્થી અને ક્યાંક સ્માર્ટ એવાં વનલાઇનર્સ. ‘વો ઇતને શરીફ હૈ કિ ઉનકે ઘર કી મખ્ખિયાં ભી દુપટ્ટા ઓઢ કે ઊડતી હૈ’ જેવાં સિલી વનલાઇનર્સથી લઇને ખાડો ખોદતો અનીલ બોલે છે, ‘યે તો દુબઈ હૈ ઇસલિયે ખોદના પડ રહા હૈ, ઇન્ડિયા હોતા તો વહાં ઇતને ખડ્ડે હૈ કિ…’ પહેલી ફિલ્મના ફિરોઝ ખાન પાછા થયા એટલે એમને ઠેકાણે અહીં નસીરુદ્દીન આવ્યા છે. એમણે પોતાની જૂની મૂડી ધોઈ નાખવાનો નિર્ધાર કર્યો હોય તેમ તેઓ એકથી એક વાહિયાત રોલ કરી રહ્યા છે. અહીં તેઓ બ્લાઇન્ડ ડૉન બન્યા છે. એમને બ્લાઇન્ડ માત્ર એટલા માટે જ બનાવાયા છે, જેથી તેઓ ક્લાઇમેક્સમાં એક સ્માર્ટ લાઇન બોલી શકે કે, ‘યહાં કાનૂન ભી હમ હૈ, ઔર અંધે ભી હમ હૈ.’
આ એક અનઅપેક્ષિત ફિલ્મ છે. અહીં ગમે ત્યારે ગમે તે આવતું રહે છે, ‘ધ એન્ડ’ સિવાય. બદ સે બદતર ગીતો, કાગડા, ઊંટ, જથ્થાબંધ હૅલિકોપ્ટર, ટૂંકાં કપડાંવાળી છોકરીઓ, ‘પીકે’ની મિમિક્રી કંઇ પણ. અને કલાકારો તો જાણે ચુરમાના લાડુ પર ખસખસ ભભરાવ્યું હોય એટલા બધા છે. ખાલી નામ જ વાંચી લોઃ ડિમ્પલ કાપડિયા, રણજિત, રાજપાલ યાદવ, નીરજ વોરા, શાઇની આહૂજા, અદી ઇરાની, સ્નેહલ ડાભી, લૉરેન ગોટ્ટલિબ, સુરવીન ચાવલા, વિજય રાઝનો વોઇસઓવર ઉફ્ફ.
જ્હોન અબ્રાહમ માટે અનીલ કપૂર એક સીનમાં કહે છે, ‘યે સાલા, જિમ મેં પૈદા હુઆ લગતા હૈ.’ ખરેખર, બાવડાં બનાવવાની ફિરાકમાં જ્હોન બિચારો ભૂલી જ ગયો છે કે ઢીકાપાટું ઉલાળવા સિવાય એક્ટિંગમાં બીજું ઘણુંય કરવાનું હોય છે. અને એક સવાલઃ શ્રુતિ હાસન ખરેખર કમલ-સારિકાની જ દીકરી હશે? તો એને ગળથૂથી કોણે પાઈ હશે? મમ્મી પપ્પાની એક્ટિંગની એક ટકોય ટૅલેન્ટ એનામાં ઊતરી નથી.
ઇન્ટરવલ પછી આ ફિલ્મમાં ખરેખર કોઈ નક્કર ટ્રેક જ નથી. પરાણે ફિલ્મને અઢી કલાક ઉપર ખેંચી છે અને પછી અચાનક પૂરી થયેલી જાહેર કરી દેવાઈ છે. ખરેખર તો આ ફિલ્મમાં બફૂનરીનો માસ્ટર એવો અક્ષય કુમાર હોત, ફિલ્મને કાપીકૂપીને બે કલાકમાં સમેટી લેવાઈ હોત, ગીતો કંઇક ઠેકાણાંસરનાં હોત (આવાં તે કંઈ ગીત હોતાં હશેઃ ‘તુ બન્ટી હુઆ, મૈં બબલી હુઈ, ફિર બંદ કમરે મેં ટ્વેન્ટી ટ્વેન્ટી હુઈ’), સસ્તા દ્વિઅર્થી જોક્સનું પ્રમાણ ઓછું હોત, તો આ ‘વેલકમ બૅક’ પ્લેઝર રાઇડ બની શકી હોત. આના મૅકર્સને ખબર છે કે તેઓ બાલિશ ફિલ્મ બનાવે છે, એટલે જ ફિલ્મમાં શક્ય તેટલી હાસ્યાસ્પદ સ્પેશ્યલ ઇફેક્ટ્સ પણ ઠપકારાઈ છે.
નો એન્ટ્રી
આમ તો અનીસ બઝમીની ફિલ્મો થિયેટર સુધી લાંબા થવા જેવી હોતી જ નથી. આ ‘વેલકમ બૅક’નું પણ એવું જ છે. ગિલ્ટી પ્લેઝર તરીકે ટાઇમપાસમાં ટીવી પર આવતી હોય ત્યારે જોવાય. થિયેટરમાં પૈસા ન બગાડાય.
રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)
(Published in Gujarati Mid Day)
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.