અમારી રક્ષાબંધન

હલ્લો સિસ્ટર,

‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ, તુમ હોતી તો ઐસા હોતા તુમ હોતી તો વૈસા હોતા…’ અમિતાભ બચ્ચનને આ વિચાર ભલે રેખા માટે આવ્યો હોય, પણ મને ક્યારેક તારા વિશે એટલે કે મારી લાઇફમાં ક્યારેય ન આવેલી બહેન વિશે પણ આવે છે.

આમ તો આપણા મગજમાં એવી સિસ્ટમ ગોઠવેલી છે કે જે પણ નામ બોલીએ એટલે તેની સાથે જોડાયેલી કોઈ તસવીર આંખ સામે ડિસ્પ્લે થવા માંડે. પરંતુ હું જ્યારે ‘સિસ્ટર’ કે ‘બહેન’ બોલું ત્યારે મને તો હૉસ્પિટલની સિસ્ટરથી લઇને ‘દયા ટપુ કે પાપા ગડા’ સુધીના અઢળક ચહેરા દેખાય છે, પરંતુ એક્ઝેક્ટ્લી હું જેને બહેન કહી શકું એવો કોઈ ચહેરો દેખાતો જ નથી. એક્ચ્યુઅલી, મારા જેવી જ સ્થિતિ ઉપરવાળાની પણ હશે. કદાચ એટલે જ એણે ‘ફ્લિપકાર્ટ’ જેવી સાઇટ્સની જેમ છેક છેલ્લી ઘડીએ ઑર્ડર ચેન્જ કરીને તારા બદલે મને એક ગોળમટોળ ભાઈ મોકલી આપ્યો. અફ કોર્સ, એમાં અપુન કો કોઈ પ્રોબ્લેમ નહીં હૈ. વી આર કૂલ. મીઠો પ્રોબ્લેમ ખાલી એ થયો કે આપણું ઘર બૉય્ઝ ક્લબ જેવું બનીને રહી ગયું.

ક્યાંક કોઇક ખૂણે અમારું સંવેદનશીલતાનું પાસું ક્યારેય બૅલેન્સ થયું જ નહીં. સ્વભાવમાં એક જે ટેન્ડરનેસ, એક કુમાશ આવવી જોઇએ એ સાવ સૂકીભઠ જ રહી ગઈ. ફોર એક્ઝામ્પલ, ટીવી પર હૃતિક રોશનવાળી ‘અગ્નિપથ’ની રિમેક ચાલતી હોય અને તેમાં ‘અભી મુઝ મેં કહીં બાકી હૈ ઝિંદગી’ ગીત આવે અને લોકો પોતાની બહેનને યાદ કરી કરીને ગળગળા થઈ જાય, એવું અમારા કિસ્સામાં બનતું જ નથી. ‘બાબુલ કી દુઆએં લેતી જા’થી લઇને ‘એક હઝારોં મેં મેરી બહના હૈ’ જેવાં ગીતો સાંભળીને અમને એવો જ વિચાર આવે કે આ શું મેલોડ્રામા માંડ્યો છે? પેલી કેડબરીઝ સેલિબ્રેશન ચોકલેટની જાહેરાતોય સાવ મોળી લાગે છે.

પણ તેં આપણે ત્યાં આવવાનું માંડી વાળ્યું, તેનો સૌથી મોટો લોસ મમ્મીને થયો. એને એક રેડીમેઇડ બહેનપણી ક્યારેય મળી જ નહીં. એવી બહેનપણી, જે સાસરે ગયા પછીયે ઇમોશનલી એની સાથે જ રહે, એની તમામ જરૂરિયાતો મમ્મી બોલે એ પહેલાં જ સમજી લે. અને અમેય તે હૉસ્ટેલના છોકરાંવની જેમ સાવ આળસુના પીર જ રહ્યા. મમ્મી બિચારી અમને સાચવે કે ઘરમાં અમે જ્યાં ત્યાં ફંગોળી દીધેલી વસ્તુઓ ગોઠવતી ફરે? જો તું હોત તો મારો કાન પકડીને કહ્યું હોત કે આ તારી કચ્ચરપટ્ટી ઠેકાણે મૂક. અને યાદ રાખી લે, જો મારા ખાનાને હાથ લગાડ્યો છે, તો તું તે દિવસે ભણવાને બદલે કઈ વેબસાઇટ ખોલીને બેઠો’તો એ ન્યૂઝ પપ્પાને આપતાં મને જરાય વાર નહીં લાગે!

આ બહેનપણી પરથી યાદ આવ્યું, કે મમ્મીની જેમ બહેનપણીવાળો લોસ તો મનેય ગયો છે. મને ક્યારેય તને ઠોંસો મારીને એવું કહેવાનો ચાન્સ જ ન મળ્યો કે, ‘ઓય, તારી પેલી બહેનપણી સાથે ઇન્ટ્રો કરાય ને! પ્લીઝ પ્લીઝ પ્લીઝ…!’ આપણા ઘરમાં ક્યારેય ચણિયાચોળી આવ્યાં જ નહીં. અને એટલે જ  નવરાત્રિમાં તમારા ગર્લ્સ ગ્રૂપમાં ઘૂસ મારવાનો મારો ચાન્સ પણ ગયો.

પણ હા, એક વાતની તને ખાતરી આપું છું, કે જો તું મારી લાઇફમાં આવી હોત, તો મેં તારી રક્ષા કરવાના નામે તારા પર ભાઈગીરી તો ન જ કરી હોત. ‘તે દિવસે તું કોની સાથે જતી’તી?’ કે ‘પેલો છોકરો કોણ હતો?’ એવી લુખ્ખી દાદાગીરી મેં ક્યારેય તારા પર કરી જ ન હોત. કારણ કે મને ખબર જ હોય, કે મારી બેન સમજદારીમાં મારા કરતાં ચાર ચાસણી ચડે તેવી જ હોય. બલકે, તું મારો ઇટર્નલ ઇમોશનલ સપોર્ટ બની રહી હોત. હા, એટલું ખરું, કે તારી સાથે કોઈ અન્યાય થાય, તો હું જ તારો કાયમનો વકીલ હોઉં.

આ ફેસબુક ને ટ્વિટરના ટાઇમમાં આનાથી વધારે લાંબું લખીશ, તો તનેય બગાસાં આવવા મંડશે. અને તું જ કહીશ, કે, ‘બસ હવે, ઝ્યાદા સેન્ટી મત બન!’ પણ એટલું ખરું, કે જો તું હોત તો આપણે આ રક્ષાબંધનના દિવસે બીજો ફ્રેન્ડશિપ ડૅ સેલિબ્રેટ કરતાં હોત. હવે જોકે એવું બધું ખાસ ફીલ નથી થતું, પણ તોય રક્ષાબંધનના દિવસે ખાલી કાંડા પર હાથ જરૂર ફરી જાય છે.

લિખિતંગ,

ક્યારેક તો આપણે મળશું જ એવી આશામાં
થોડોક અધૂરો રહી ગયેલો તારો ભાઈ.

(Script of audio link written for Gujarati Radio.Com)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s