ઑહ નો, માય ગોડ!

***

આ ફિલ્મ જોઇને બહાર નીકળ્યા પછી એક જ ઉદગાર નીકળે, ‘આ એ જ ડિરેક્ટરની ફિલ્મ છે, જેણે ઑહ માય ગોડ બનાવેલી?’

***

aiwfpજે બેટ્સમેને ગઈ મૅચમાં ઝન્નાટેદાર સેન્ચુરી ફટકારી હોય તેની પાસે તમે સાવ મીંડીમાં આઉટ થવાની તો અપેક્ષા ન જ રાખો ને? આપણા ગુજરાતી ફિલ્મમૅકર ઉમેશ શુક્લની ‘ઑલ ઇઝ વેલ’માં એવું જ થયું છે. તમારી પાસે દમખમવાળી સ્ટારકાસ્ટ હોય, તો એમની વચ્ચે કેમિસ્ટ્રી જામે નહીં. ચચ્ચાર સંગીતકારો હોય, પણ એકેય ગીતમાં ભલીવાર ન હોય. ચાઇનીઝ માંજા જેવા ધારદાર રાઇટર્સ હોય, પણ આખી ફિલ્મનું રાઇટિંગ જ હવા નીકળેલા ફુગ્ગાની જેમ ફ્લેટ જતું હોય. અને છેક સુધી ખબર ન પડે કે આપણે કોઈ સંવેદનશીલ પારિવારિક ફિલ્મ જોવા આવ્યા છીએ કે ટાઇમપાસિયું ગુજરાતી પ્રહસન? નતીજા? ઑહ માય ગોડ, યે ક્યા હો રહા હૈ?

છોટા પરિવાર, દુઃખી પરિવાર

ભજનલાલ ભલ્લા (ઋષિ કપૂર) હિમાચલ પ્રદેશના કસોલ ગામમાં બૅકરી ચલાવે છે. પરંતુ એમની બૅકરીમાં ગ્રાહકો કરતાં માખીઓ વધારે આવે છે. એટલે બિચારા ચીડિયા સ્વભાવના થઈ ગયા છે. એમના આ નોનસ્ટોપ કકળાટથી કંટાળીને દીકરો ઇન્દર (અભિષેક બચ્ચન) બૅંગકોક ભાગી જઇને ત્યાં ગિટાર વગાડવા માંડે છે. ત્રાસી ગયેલી એમની પત્ની પમ્મી (સુપ્રિયા પાઠક)ને કોઈ મહાવ્યાધિ લાગુ પડી જાય છે. અધૂરામાં પૂરું ભજનલાલનો એકેક વાળ દેવામાં ડૂબેલો છે. ઉધારીના આ જ ચક્કરમાં ગામનો એક માથાભારે વકીલ કમ ગુંડો કરતાર સિંઘ ચીમા (મોહમ્મદ ઝીશન ઐયુબ) વાસ્કો દ ગામાના જમાનાની બંદૂક લઇને પાછળ પડી ગયો છે કે મારી પાસેથી લીધેલા પૈસા પાછા આપો બાકી તમારી દુકાન હું ખાઈ જવાનો. આ પકડાપકડીમાં બચાડી રૂપાળી નિમ્મી (અસિન) પણ જોતરાય છે. એને આ એક્સપ્રેશન્સ વિનાના ઇન્દર સાથે લગન કરવાં છે, પણ મમ્મી-પપ્પાના ઝઘડા જોઇને ઇન્દરિયાને લગનનું નામ સાંભળીને ટાઢિયો તાવ આવે છે. હવે જોવાનું એ છે કે ઘીના ઠામમાં ઘી પડે છે કે કેમ.

મામલા ગડબડ હૈ

શબ્દો ચોર્યા વિના કહીએ તો આ ફિલ્મનો સૌથી મોટો વિલન તેનું નબળું રાઇટિંગ છે. મોટા ભાગના જૉક્સ અહીં તદ્દન ફ્લૅટ જાય છે. ખરું પૂછો તો બાલિશ લાગે છે. લગભગ પહેલા જ દૃશ્યથી ફિલ્મમાં એવી બોલાચાલી શરૂ થઈ જાય છે કે જાણે આપણે કોઈ લાઉડ એક્ટિંગવાળું સોશ્યલ નાટક જોવા આવ્યા હોઇએ એવી ફીલ આવવા માંડે છે. ત્યાં જ ફિલ્મમાં દેવના દીધેલ જેવા મિસ્ટર ડિપેન્ડેબલ મોહમ્મદ ઝીશન ઐયુબની એન્ટ્રી થાય છે અને અચાનક ફિલ્મ ટ્રેક ચૅન્જ કરીને ‘સ્ટાર પ્લસ’માંથી ‘સબ ટીવી’ થઈ જાય છે. મતલબ કે ડ્રામામાંથી કોમેડી. એ કોમેડીયે પાછી કેવી? તો કહે એકદમ સ્થૂળ, બાલિશ અને દેકારાવાળી. જેમ કે, એક માણસ સીડી પરથી નીચે ખાબકે, દરવાજામાં માથું ઘુસાડી દે, ટાણે બંદૂકડી ફૂટે નહીં અને ફૂટે ત્યારે માથા પર ધૂળ પડે, કો’કની ગાડી કો’ક ઉપાડી જાય વગેરે. આવી જાડી કોમેડીના હેવી ડૉઝમાં એક નિષ્ફળ ગયેલા પિતાનું પત્ની અને બાળક પર ઊતરતું ફ્રસ્ટ્રેશન, તેને કારણે ઉદ્દંડ અને મોટો થઇને કમિટમેન્ટ ફોબિક બની ગયેલો દીકરો, એ બંને વચ્ચે પીડાતી માતાની પીડા, સતત ભાગતા ફરતા પ્રેમીથી નાસીપાસ થયેલી પ્રેમિકા… આમાંનું કશું જ આપણને એકેય તબક્કે સ્પર્શી શકતું નથી. નબળી બૉલિંગમાં જેમ ક્રિસ ગૅલ જેવો ફટકાબાજ આવીને સટાસટી બોલાવી દે, એ જ રીતે ફિલ્મ પૂરી થયા પછી આપણને મારફાડિયો મોહમ્મદ ઝીશન ઐયુબ જ યાદ રહી જાય છે.

આ ફિલ્મ ફૂવડ કોમેડી છે કે સંવેદનશીલ પારિવારિક, એ સવાલ સતત હેલિકોપ્ટરની જેમ માથે ઘૂમરાતો રહે છે. કેમ કે, આડકતરી રીતે આપણને એવો મેસેજ મળે છે કે સંવેદના આપણે માત્ર અભિષેકના પરિવાર પ્રત્યે જ રાખવાની છે, બાકીનાં પાત્રો તો ઠીક મારા ભૈ. જેમ કે, ફિલ્મમાં જ સિનિયર અભિનેત્રી સીમા પાહવાના પતિનું મૃત્યુ થાય, તો તેને સાવ વાહિયાત કોમેડી બનાવી દેવામાં આવે. જેમાં પતિનું મોત જોઇને પત્ની કહે, ‘ઓયે, ઇસકા તો ધી એન્ડ હો ગયા.’ ઘરમાં લાશ પડી હોય અને બહાર બધા મીઠાઇઓ ખાતા હોય, સ્મશાનયાત્રામાં લાશ દડો કૅચ કરે, લોકો નનામીના ફોટા પાડે… આઈ મીન, યે ક્યા હો રહા હૈ?

અને જો આપણે અભિષેકના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ જ રાખવાની હોય, તો અલ્ઝાઇમર્સ જેવી ગંભીર બીમારીના દર્દીને અહીં લબડધક્કે કેમ લેવામાં આવે છે? ઋષિ કપૂરની બૅકસ્ટોરી સાવ મનઘડંત અને અવાસ્તવિક કેમ લાગે છે? જો અભિષેકનું પાત્ર કમિટમેન્ટ ફોબિક હોય, તો તેમાં તેને પોતાની મિત્ર અસિન સાથે સતત ઉદ્ધતાઈથી વર્તવાની ક્યાં જરૂર છે? રાધર, અભિષેકે સતત જૂની કબજિયાતથી પીડાતા દર્દીની જેમ કરડું ડાચું રાખીને ફરવાની પણ ક્યાં જરૂર છે?

આ આખી ફિલ્મને જાણે પરાણે બનાવી હોય તેવી વાસ આવ્યા કરે છે. મોહમ્મદ ઝીશનની બંદૂકડી, મૂછો તદ્દન નકલી લાગે છે. અભિષેકનું પાત્ર ગિટારિસ્ટ છે, પણ ગિટાર પર સરખી આંગળીઓ ફેરવતાં પણ એને આળસ આવે છે. આપણને હસાવવાના મરણિયા પ્રયાસરૂપે પંજાબીઓનું સાવ મૂર્ખ તરીકે ક્લિશે ચિત્રણ કરાયું છે. અભિષેક પોતાની જ જૂની ફિલ્મ ‘બ્લફમાસ્ટર’નો ડાન્સ કરે છે અને ‘બરફી’ની સ્ટાઇલ કરીને સ્માઇલ કરવાનું કહે છે. ફિલ્મના બૅકગ્રાઉન્ડમાં હૉલીવુડની ક્લાસિક ‘ધ ગુડ, ધ બૅડ એન્ડ ધ અગ્લી’ની જગજાહેર ટ્યૂન વાગે છે. કેનેથ દેસાઈ જેવા દમદાર એક્ટર માત્ર એક તદ્દન ફૂવડ સીનમાં આવીને જતા રહે છે. જેમાં એ પોતાના પક્ષના ચૂંટણીપ્રતીક તરીકે વરરાજાનો સેહરો પહેરીને પ્રવચન કરે છે, તમે માનશો?

ઉપરથી ઢગલાબંધ વણજોઇતા ટ્રેક આખી ફિલ્મને ઓર નબળી પાડે છે. જેમ કે, અક્કલ વિનાની ચેઝ સિક્વન્સીસ માટે જ આ ફિલ્મને ‘રૉડ મુવી’ કહેવાઈ હશે? (જેમાં પોલીસની ગાડી લઇને ભાગતી વ્યક્તિ સાઇરન પણ ચાલુ રાખે?) અભિનેત્રી સીમા પાહવા (‘આંખો દેખી’ ફિલ્મનાં અમ્મા)ના ટ્રેકની પણ ફિલ્મમાં કશી જ જરૂર નહોતી. એવું જ ગીતોનું છે. જેમ લગ્નના જમણવારમાં પરાણે આગ્રહ કરીને મીઠાઇઓ મોઢામાં ઠૂંસવામાં આવે, એ જ રીતે અહીં ઘૂસેલાં નકામાં ગીતોમાં વચ્ચે સોનાક્ષી સિંહા પણ આવીને ઢેકાં ઉલાળી જાય છે. એકદમ સિરિયસ સિચ્યુએશનમાં લોજિકની ઐસીતૈસી કરીને અભિષેક પણ પોતાના જૂના સ્ટેપ પર ડાન્સ કરી લે છે. ઉપરથી સમ ખાવા પૂરતું એકેય ગીત સારું નથી. એકમાત્ર ‘એ મેરે હમસફર’ને બાદ કરતા. પરંતુ એ તો ‘કયામત સે કયામત તક’માંથી લેવાયું છે.

૧૨૫ મિનિટની આ ઘોંઘાટિયા ફિલ્મમાં એકમાત્ર મોહમ્મદ ઝીશન ઐયુબ મજા કરાવે છે. એનું કોમિક ટાઇમિંગ એટલું પર્ફેક્ટ છે કે પંચ વિનાના સીનમાં પણ એ લોકોને હસાવી દે છે. ચોમાસાની તાજી લીલોતરી જેવી ખૂબસૂરત અસિનને આ ફિલ્મમાં વેડફાતી જોઇને આપણું બશ્શેર લોહી બળી જાય. અભિષેકના પાત્રને એના પ્રત્યે પ્રેમ તો દૂર, એક ટકો સહાનુભૂતિ હોય એવો રોકડો એકેય સીન નથી. તેમ છતાં એ આવા કાચકાગળ જેવા બરછટ માણસના પ્રાણીસંગ્રહાલય જેવા ફેમિલીમાં પોતાનાં લગ્ન છોડીને શું કામ ઠેબે ચડે છે એ જ સમજાય નહીં. એ જ રીતે ટીકુ તલસાણિયા, સીમા પાહવા, ટેલેન્ટેડ સુમિત વ્યાસ અને અબોવ ઑલ સુપ્રિયા પાઠક જેવા મસ્ત કલાકારો દેશની સંપત્તિની જેમ વેડફાઈ ગયાં છે. ફારુખ શેખની ‘લિસન અમાયા’ અને મણિ રત્નમની ‘ઓકે કન્મની’ જોઇએ ત્યારે ખ્યાલ આવે કે અલ્ઝાઇમર્સથી પીડાતી વ્યક્તિની સ્થિતિ કેવી હોય. અહીં સુપ્રિયાઆન્ટીની એક્ટિંગમાં એ જરાય દેખાતું નથી. ઋષિ કપૂર અને અભિષેકને જોવા ગમે છે, પણ આપણે ક્યાંય એમની સાથે કનેક્ટ થઈ શકતા નથી. નહીંતર, આ જ ઋષિ કપૂર આવા જ ગેટઅપમાં ‘દો દૂની ચાર’ ફિલ્મમાં કેવો સંવેદનશીલ અભિનય કરી ગયેલા. અને અભિષેકના પપ્પાએ તો દીકરાના ગ્રહો જોવડાવવાની જરૂર છે.

મેસેજ સારો, ફિલ્મ નહીં

આટલા કકળાટ પછી એ તો સમજાઈ જ ગયું હશે કે ભલે આપણા ગુજ્જુભાઈની એકદમ પારિવારિક હોય, પણ આ ફિલ્મ થિયેટર સુધી લાંબા થવા જેવી નથી. પરિવાર પ્રત્યેના પ્રેમ અને જવાબદારીનો મેસેજ સારો છે, પણ એ દોડાદોડીમાં ક્યાંક ખોવાઈ ગયો છે. ઉમેશભાઈ, આ ક્યાંય તમારી ફિલ્મ લાગતી નથી. સો, બેટર લક નેક્સ્ટ ટાઇમ.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s