આંસુ બને અંગારે

***

ફર્સ્ટ હાફમાં રડારોળ અને સેકન્ડ હાફમાં ઢીકાપાટું. એ પછી તમે કહેશો, બધું જોયેલું છે મારું બેટું.

***

brothers-hindi-movie-posters-3કલ્પના કરો કે આપણું બૉલીવુડ એક જાયન્ટ સાઇઝનું અનોખું કૉપીઅર મશીન છે. તેમાં એક છેડેથી ગમે તેવો ફોરેનનો માલ નાખો, પરંતુ બીજા છેડેથી આપણી ટિપિકલ બૉલીવુડિયન સ્ટાઇલની કૉપી જ બહાર નીકળે. તેનું એકદમ ગરમાગરમ એક્ઝામ્પલ છે બાબા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘બ્રધર્સ.’ સૌ જાણે છે તેમ આ ફિલ્મ ૨૦૧૧ની હૉલીવુડની મસાલા મુવી ‘વૉરિયર’ની સત્તાવાર રિમેક છે. સત્તાવાર મીન્સ કે એમણે આ ફિલ્મ ક્યાંથી આયાત કરી છે તેનાં નામ-ઠામ સાથે ક્રેડિટ પણ આપી છે. પરંતુ હૉલીવુડની એ ફિલ્મ જોઇને બેઠેલા લોકો પોપકોર્નનો ફાકડો મારતાં મારતાં કહે છે કે એ અંગ્રેજી ફિલ્મ તો નખશિખ મસાલા મુવી હતી, જ્યારે અહીં તો એટલી બધી રડારોળ છે કે આખો રૂમાલ પલળી જાય. વાત સાચી છે, પરંતુ સાથોસાથ બીજા કેટલાક મુદ્દા પણ ચર્ચવા જેવા છે.

લડ મેરે ભાઈ

ગાર્સન ફર્નાન્ડિઝ (જૅકી શ્રોફ) ફાઇટર જોરદાર, લેકિન એક નંબરનો બેવડો. દારૂના નશામાં જ એણે એવાં બે પાપ કરી નાખ્યાં કે આખ્ખી લાઇફ બરબાદ થઈ ગઈ. પાપની સજા પૂરી થઈ, તો ખબર પડી કે જેને ફાઇટર બનાવવા માટે આટલી મહેનત કરેલી એ મોટો દીકરો ડેવિડ (અક્ષય કુમાર) તો જૅની (જૅક્લિન ફર્નાન્ડિઝ) નામની એક પોટ્ટી સાથે શાદી બનાવીને ખુશ છે. એની એક છ વર્ષની બૅબી પણ છે. ઉપરથી એનું મોઢું જોવા પણ રાજી નથી. ગાર્સનનો નાનો દીકરો મોન્ટી (સિદ્ધાર્થ મલ્હોત્રા) પણ હવે તો ક્વાર્ટરમાંથી પટિયાલા જેવો લાંબો થઈ ગયો છે. એય બાપ કી માફિક સ્ટ્રીટ ફાઇટર છે. પરંતુ નીલી છતરીવાલા ગોડની ગેમ એવી છે કે મોટા દીકરાને સગા બાપ અને નાના ભાઈ બંને સાથે જરાય બનતું નથી. નાનો દીકરો પણ મોટા ભાઈ પ્રત્યેના ધિક્કારના જ્વાળામુખી પર બેઠો છે. બડે ભૈયાની મજબુરી અને લિટલ બ્રધરના વોલ્કેનોને ફાટવાનું સ્ટેજ મળે છે ‘રાઇટ ટુ ફાઇટ’ નામની ‘મિક્સ્ડ માર્શલ આર્ટ્સ’ની કોમ્પિટિશનમાં. એક જ સ્ટેજ પર બંને ભાઇઓ સામસામે.

ભાઈ, તુમ ફાઇટ કરોગે યા નહીં?

ફિલ્મનું નામ ‘બ્રધર્સ’ અને ટૅગલાઇન ‘બ્લડ અગેઇન્સ્ટ બ્લડ’ રાખવાનો સૌથી મોટો ગેરફાયદો એ થયો કે ફિલ્મ જોયા પહેલાં જ ક્લિયર થઈ ગયેલું કે ‘દીવાર’ ફિલ્મની જેમ અહીં બે ભાઈ સામસામે ટકરાવાના છે. એટલા પૂરતી ફિલ્મ પ્રીડિક્ટેબલ થઈ ગઈ. એટલે સસ્પેન્સ માત્ર કયા સંજોગો બંને ભાઇઓને એકબીજાની સામે લાવીને મૂકી દે છે તે જ વિચારવામાં રહ્યું.

મેલોડ્રામા ભલે ગમે તેટલો લાઉડ અને ફિલ્મી લાગે, પરંતુ આપણે ત્યાં લોકો પાણીપૂરીની જેમ તેને સિસકારા બોલાવતાં પણ ચાટી જાય છે. પછી ફિલમવાળાઓ આખી વસઈની ખાડી ભરાઈ જાય એટલો મેલોડ્રામા ઠપકારે જ ને. એટલે જ એક્શન ફિલ્મની રિમેક પણ અહીં ઇમોશનલ થઈ જાય છે. ફર્સ્ટ હાફમાં શેખર કપૂરની ‘માસૂમ’ની ફીલ આપતી ‘બ્રધર્સ’ વિશે જોકે એટલું કહેવું પડે કે જૅકી શ્રોફ અને અક્ષય કુમાર બંનેની ઇમોશનલ બૅકસ્ટોરી અફલાતૂન રીતે ઝીલાઈ છે. જેમ કે, જૅકી શ્રોફનો શરૂઆતનો આખો ટ્રેક કરુણ હોવાની સાથોસાથ એટલો જ ડરામણો લાગે છે. એ જ રીતે અક્ષય કુમારની ફેમિલી લાઇફમાં પણ કૂટી કૂટીને ક્યુટનેસ ભરી છે.

પરંતુ સમજાતું એ નથી કે જથ્થાબંધ મેલોડ્રામા કર્યા પછીયે આપણી ફિલ્મોને લાગણીઓ વ્યક્ત કરવા માટે ગીતોની શા માટે જરૂર પડે છે? મમતા બતાવવા માટે એક ગીત, પર્ફેક્ટ ફેમિલી છે તો નાખો એનું એક સોંગ. ઇવન પાત્રો એકાદા આઇટેમ સોંગ વિના તો ખુશ જ ન થઈ શકે. એડિટિંગ ટેબલ પર બેઠેલા એડિટર તથા ડિરેક્ટરને એક વાર પણ એવો વિચાર ન આવે કે આ બધો પોચો પોચો મસાલો નાખવામાં ફિલ્મ લંબાઈ રહી છે અને તેની ગતિ અત્યંત ધીમી પડી રહી છે. ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ અગાઉ બનાવેલી ‘અગ્નિપથ’માં પણ એમની સાથે મ્યુઝિક ડિરેક્ટર તરીકે અજય-અતુલ જ હતા. એ ફિલ્મનું ‘અભી મુઝ મેં બાકી હૈ’ ગીત હીટ ગયું એટલે ડિટ્ટો એવું જ ગીત ‘સપના જહાં’ ઠપકાર્યું છે. ત્યાં ‘ચિકની ચમેલી’ ચાલી ગયું એટલે અહીં કશી જરૂર નહોતી તોય કરીના પાસે ‘મેરા નામ મૅરી’ જેવું સાવ સસ્તું આઇટેમ સોંગ કરાવડાવ્યું છે. મજાની વાત એ છે કે આ ગીત સંગીતકાર અજય-અતુલે પોતાની  ૨૦૦૬માં આવેલી મરાઠી ફિલ્મ ‘જત્રા’ના ગીત ‘યે ગો યે યે મૈના’ને જ રિસાઇકલ કર્યું છે. યાને કે ગીતની પણ રિમેક.

આ ફિલ્મ મિક્સ્ડ ફીલિંગ્સથી ભરચક છે. એક તરફ આપણને તેનાં દુખિયારાં પાત્રોથી કંટાળો આવવા માંડે, તો બીજી તરફ તેમાં શેફાલી શાહની અને જૅકી શ્રોફની એક્ટિંગ સારી પણ લાગે. એમાંય જૅકી શ્રોફના હૅલુસિનેશનવાળો સીન અને આંસુઓ ખાળીને હસતી શેફાલી શાહની એક્ટિંગ બંને દમદાર છે. એક તરફ થાય કે આખો સૅકન્ડ હાફ તદ્દન પ્રીડિક્ટેબલ અને અક્ષય કુમારની જ ‘ખિલાડીયોં કા ખિલાડી’માં જોઈ ચૂક્યા છીએ તેવી ‘WWE’ ટાઇપની ફાઇટિંગને જ હવાલે કરી દીધો છે. પરંતુ એ જ ફાઇટિંગ જોતી વખતે આપણું જડબું ભીંસાઈ જાય અને ઑડિયન્સની ચિચિયારીઓની વચ્ચે આપણનેય મજા તો આવી જ જાય. એક તરફ થાય કે આપણા બંને હીરોને એકદમ મસ્ક્યુલાઇન અને સિરિયસ બતાવવા માટે જ એમના હરીફોને સાવ કાર્ટૂન જેવા ચીતરી દીધા છે. તો બીજી તરફ જોઇને લાગે કે દાઢી ભલે સફેદ રહી, પણ અક્ષય કુમાર આજેય એવો જ ફિટ છે. એક તરફ ફિલ્મમાં લગભગ કોઈ યાદગાર સંવાદો નથી, તો બીજી બાજુ ‘હર બેટા બાપ નહીં હોતા’ જેવી છૂટક લાઇન્સ પણ આશુતોષ રાણા ઉપાડી ગયો છે. એક બાજુ થાય કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ માત્ર બૉડી જ બનાવી છે, એક્સ્પ્રેશન્સ પર ધ્યાન આપ્યું નથી, પરંતુ સાથોસાથ એવોય વિચાર આવે કે એનું પાત્ર સતત એક લાગણીઓના સુષુપ્ત વોલ્કેનો પર બેઠું છે, જે ગમે ત્યારે ફાટશે.

એક જ સ્થળે બાપ-બેટાઓના ભૂતકાળ અને વર્તમાનનાં પાત્રો હોય કે લોહિયાળ જગ્યાએ ક્યુટ બાળક ઊભેલું દેખાય, આ બંને શૉટ્સ વિઝ્યુઅલી એકદમ સુપર્બ લાગે છે. પરંતુ એ જ વખતે બૅકગ્રાઉન્ડમાં રાજ ઝુત્સીની તદ્દન વાહિયાત કોમેન્ટરી સતત સંભળાતી રહે છે (એના કરતાં ‘પોગો’ ચેનલ પર આવતા ‘તાકાશીસ કૅસલ’ પ્રોગ્રામમાં જાવેદ જાફરીની કોમેન્ટરી ક્યાંય રસપ્રદ હોય છે). ગુસ્સો ત્યારે આવે કે કુલભૂષણ ખરબંદા, આશુતોષ રાણા, કિરણ કુમાર જેવા દમદાર એક્ટરો કરતાં પણ રાજ ઝુત્સીના કાર્ટૂનિયા પાત્રને ક્યાંય વધારે ફૂટેજ મળતું દેખાય. જૅક્લિનને હવે શ્રીલંકન મૅનિકિન બનવાનું ફાવી ગયું છે, એટલે એના ચાહકોએ તો એને ટૂંકું ખોખલું ટૉપ પહેરીને કૂદતી જોવામાં જ ખુશ થવાનું છે. લેખકોએ રાઇટિંગમાં એટલી આળસ કરી છે કે જુલિયસ સિઝરના પ્રખ્યાત ક્વૉટ ‘વેની વિદી વિકી’નું ‘વો આયે, વો લડે ઔર વો ચલે ગયે’ જેવું સીધું જ હિન્દી ટ્રાન્સલેશન કરી નાખ્યું છે.

નૉકઆઉટ પંચ

કુલ મિલા કે, તમામ બૉલીવુડિયા મસાલા સાથેની આ ફિલ્મમાં આપણે અગાઉ ન જોયું હોય એવું કશું જ નથી. તેમ છતાં દર થોડા સમયાંતરે પાણીપુરી ખાવાની ઇચ્છા થાય, એ રીતે આ ફિલ્મ જોઈ શકાય. મીન્સ કે તમે જો અક્ષય કુમારના ફૅન હો, ચપટી જેટલી જૅક્લિનને જોવામાં પણ ધન્ય થઈ જતા હો અને અમુક ખરેખર સારા બનેલા સીન, સારી રીતે કોરિયોગ્રાફ થયેલી ફાઇટ સિક્વન્સીસ તથા હિન્દી ફિલ્મોમાં દુર્લભ એવું લખાણ ‘અડેપ્ટેડ સ્ક્રીનપ્લે’ના સાક્ષી બનવું હોય, તો આ ફિલ્મ જોઈ શકાય. પરંતુ ફુરસદે ટીવી પર જોશો તો પણ તમારી મજામાં કંઈ ખાસ ઘટાડો (કે વધારો) નહીં થાય.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s