મેસેજ મસ્ત, ફિલ્મ પસ્ત

***

ધડાધડ કટાક્ષનાં બાણ ચલાવ્યા બાદ આ ફિલ્મ અચાનક મેસેજ મોડમાં જતી રહે છે અને આપણાં બગાસાંનો સિલસિલો શરૂ થાય છે.

***

cf66a27124275f356b9b468aa1eb437cઆતંકવાદ અને ધર્માંધતા જેવા અસૂરોનો વિરોધ બે રીતે થઈ શકે, એક તો તેની સામે કાળો કકળાટ કાઢો અને જીવ બાળો, અથવા તો પછી તેના પર કટાક્ષનાં બાણ ચલાવીને તેને હસી કાઢો. ફિલ્મ વિવેચકમાંથી ફિલ્મમૅકર બનેલા કરણ અંશુમાને પોતાની પહેલી ફિલ્મમાં આ બીજો રસ્તો લીધો છે. આપણી સામે એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય અને સાથે તીખા તમતમતા કટાક્ષનો વરસાદ પણ થતો રહે. પરંતુ એ પછી ડિરેક્ટરને અચાનક સર્વધર્મ સમભાવનો સંદેશો આપવાનું સૂઝી આવે છે અને ફિલ્મ સીધી જ ‘ઑહ માય ગોડ’, ‘પીકે’ અને ‘ધરમ સંકટ મેં’ની ગલીમાં ઘૂસી જાય છે. કટાક્ષના ડબ્બા ડૂલ થાય છે અને ફારસનો ફેસ્ટિવલ શરૂ થઈ જાય છે.

મઝહબ નહીં સીખાતા

આ વાર્તા છે બૅંગિસ્તાન નામના દેશની, જ્યાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે સતત ઢીશુમ ઢીશુમ ચાલતું રહે છે. થોડા સમય પછી પૉલેન્ડમાં એક વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની છે. બંને ધર્મના બની બેઠેલા લેભાગુ નુમાઇંદા (કુમુદ મિશ્રા, ડબલ રોલમાં) તેમાં બ્લાસ્ટ કરવા માટે બે જુવાનિયા હાફિઝ બિન અલી (રિતેશ દેશમુખ) અને પ્રવીણ ચતુર્વેદી (પુલકિત સમ્રાટ)ના દિમાગને ડિટર્જન્ટથી ધોઇને પૉલેન્ડ પાર્સલ કરે છે. હવે જોવાનું એ છે કે એ બંને જણા બ્લાસ્ટ કરશે ખરા?

ટાયર્ડ સટાયર

કટાક્ષ અને એ પણ ધર્મમાં ઘૂસેલાં દૂષણો પરનો કટાક્ષ એ વાઘની સવારી કરવા જેવું કામ છે. સહેજ ચૂક્યા, તો કોળિયો થતાં વાર ન લાગે. તેમ છતાં દિગ્દર્શક કરણ અંશુમાને આ બેધારી તલવાર પકડી છે. એક્ચ્યુઅલી આગળ કહ્યું તેમ પૂર્વાશ્રમમાં તેઓ ફિલ્મ વિવેચક હતા, એટલે કે આ રિવ્યૂની જેમ તેઓ પણ ફિલ્મોની ચીરફાડ કરતા. એટલે જ એમની ફિલ્મમાં સંખ્યાબંધ દેશી-વિદેશી ફિલ્મોના રેફરન્સિસ આવે છે. જેમ કે, ફિલ્મની કટાક્ષના મરીમસાલાથી ભરપુર શરૂઆત તથા બધાં પાત્રોની લાંબીલચ્ચ દાઢી સાશા બૅરન કોએનની સરમુખત્યારોની ખિલ્લી ઉડાવતી ફિલ્મ ‘ડિક્ટેટર’ની યાદ અપાવે છે. એક પોલીસમેન પોતાનું નામ ‘વાઈ કાર વૉંગ’ બોલે છે (સંદર્ભઃ દક્ષિણ કોરિયામાં વાંગ કાર વાઈ નામના દિગ્ગજ ફિલ્મમૅકર છે). આ ઉપરાંત અહીં ઑલ ટાઇમ ગ્રેટ ફિલ્મ ‘સિટિઝન કૅન’થી લઇને રૉબર્ટ ડી નિરોની ‘ટેક્સી ડ્રાઇવર’ સુધીની ફિલ્મોના સંદર્ભો અહીં વેરાયેલા પડ્યા છે. ઇવન સાયન્સ ફિક્શન ફિલ્મ સિરીઝ ‘સ્ટાર વૉર્સ’ને પણ અહીં એક ધર્મ તરીકે રજૂ કરાઈ છે. લોચો માત્ર એટલો જ છે કે તમે ઘાટઘાટની ફિલ્મોનાં પાણી પીધાં હોય, તોય તમને તેમાં હસવું તો આવતું જ નથી. એટલે આ બધી માત્ર ડિરેક્ટરની પોતાની અંજલિઓ બનીને રહી જાય છે.

અમુક સિક્વન્સિસ ખરેખર સારી બની છે. જેમ કે, ‘મૅકડોનલ્ડ્સ’ જેવી અમેરિકન ચેનમાં બેસીને તેનું ડ્રિંક પીતાં પીતાં જ કટ્ટર ધાર્મિક આગેવાન અમેરિકાના કહેવાતા પ્રોપેગન્ડાનો વિરોધ કરે છે. અમેરિકાના પ્રખ્યાત ‘આઇ વૉન્ટ યુ ફોર યુએસ આર્મી’ પોસ્ટરની તર્જ પર ‘આઇ વૉન્ટ યુ ફોર અલ કામ તમામ’ ત્રાસવાદી સંગઠનનું પોસ્ટર બને છે. ગેરકાયદે હથિયારો વેચતો રશિયન વેપારી ટેલિશોપિંગની સ્ટાઇલમાં સ્યુસાઇડ બોમ્બની એડ બતાવે છે. ‘કિપ કામ ઍન્ડ આઇ એમ નૉટ અ ટેરરિસ્ટ’ જેવું લખેલાં ટીશર્ટ પહેરીને વિદેશમાં મુસ્લિમો ફરે છે, જેથી એમને કોઈ ત્રાસવાદી ન ગણી લે વગેરે. હસતાં હસાવતાં આ ફિલ્મ આપણને કહી દે છે કે કેવી રીતે યંગસ્ટર્સને કહેવાતા ધાર્મિક નેતાઓ બ્રેઇનવૉશ કરી દે છે, બીજા ધર્મની વાત છોડો, આપણને આપણા જ ધર્મનું કશું જ્ઞાન નથી હોતું અને કાને પડતી સાચી-ખોટી વાતો સ્વીકારી લઇએ છીએ, કેવી રીતે જગતમાં ઇસ્લામોફોબિઆ ફેલાયેલો છે, પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાઓને આપણે આપણા દિમાગનો એક ટકોય ઉપયોગ કર્યા વિના સ્વીકારી લઇએ છીએ, બહારનાં કપડાંમાં અને દાઢી-તિલકમાં ધર્મ શોધીએ છીએ ઇત્યાદિ. સારી વાત એ છે કે આવી અઢળક વાતો કહેવા માટે ફિલ્મ અમુકથી વધારે ઉપદેશાત્મક થઈ નથી.

પરંતુ હવાઈ ગયેલા ફટાકડાની જેમ ફિલ્મમાં શરૂઆતી તણખા પછી સૂરસૂરિયાં જ ભર્યાં છે. ચટાકેદાર કટાક્ષનો બધો જ સ્ટૉક ઇન્ટરવલ આવતાં સુધીમાં ખલાસ થઈ જાય છે. કદાચ તેની ભરપાઈ કરવા માટે જૅક્લિન ફર્નાન્ડિઝને કોઈ જ દેખીતા કારણ વિના ફિલ્મમાં આયાત કરવામાં આવે છે. જે દારૂ પીવડાવીને અને એકાદું નાચકણું કરીને જતી રહે છે. કટાક્ષ તો ગાયબ થઈ જ જાય છે, પરંતુ શરૂ કરેલી વાર્તાને જેમ તેમ પૂરી કરવા માટે સાવ હાસ્યાસ્પદ કહી શકાય તેવી ફારસછાપ સ્થિતિઓ મૂકવામાં આવી છે. ન તમને ક્યાંય એનર્જી મહેસૂસ થાય, કે ન આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા થાય. હિન્દુ-મુસ્લિમ એક છે અને બધાં ધર્મો શાંતિ, પ્રેમ, અહિંસા અને ભાઈચારાનો સંદેશો જ આપે છે એવો ઉપદેશ આપવાનો બાકી રહી ગયો હોય તેમ છેલ્લે પાછું રિતેશ પાસે એક નાનકડું પ્રવચન કરાવાયું છે. તમે બીજા ધર્મને જાણો નહીં ત્યાં સુધી તેની સારી વાતો તમને ખબર જ ન પડે તે મેસેજ આપવા માટે જ બંને હીરો પોતાનાથી વિરુદ્ધ ધર્મ સ્વીકારે છે તે ટ્રેક ઘુસાડાયો છે (જે બધું જ તમને ‘ધરમ સંકટ મેં’ની યાદ અપાવ્યા કરે). ઇવન ટાઇટલને બાદ કરતાં આખી ફિલ્મમાં ક્યાંય ‘બૅંગિસ્તાન’નો સંદર્ભ આવતો નથી.

નો ડાઉટ, રિતેશ દેશમુખનું કોમિક ટાઇમિંગ સરસ છે, પરંતુ બિચારા તેના એકલા પર જ આખી ફિલ્મનો ભાર નાખી દઇએ તો બાળમજૂરીનું પાપ લાગે. તેની સાથે ‘ફુકરે’ ફેમ પુલકિત સમ્રાટ છે, જે એક્ટિંગ કરતાં પોતાના લુક માટે વધારે સભાન હોય તેવું લાગ્યા કરે છે. હા, બંને બાજુના કટ્ટરપંથી તરીકે (‘રૉકસ્ટાર’ અને ‘બદલાપુર’ ફેમ) કુમુદ મિશ્રાને એક્ટિંગ કરતા જોવા ગમે છે, તો એમને ઝાઝું ફૂટેજ નથી અપાયું. એમ તો ફિલ્મમાં ટૉમ ઑલ્ટર પણ છે, પરંતુ ફિલ્મ શરૂ થયા પછી આવીને વહેલા જતા રહેતા લોકોને તો એમની હાજરીનો અહેસાસ સુધ્ધાં નહીં આવે. ચટણી જેવડો એક નાનકડો રોલ આર્ય બબ્બરને પણ અપાયો છે. આર્ય બબ્બર કોણ છે એ તો ખબર છેને? નહીં? તો જવા દો.

ફિલ્મમાં કશી જ જરૂર ન હોવા છતાં રામ સંપતે આ ફિલ્મ માટે મ્યુઝિક કંપોઝ કર્યું છે. તેમાં ખાસ કશું વખાણવાલાયક તો નથી, પરંતુ ‘હોગી ક્રાંતિ ચારો ઓર’, ‘મૌલા’ અને ‘મેરી ઝિદ હૈ જીને કી’ના શબ્દો ગીતકાર પુનીત ક્રિશ્નાએ ખરેખર સરસ લખ્યા છે.

નો સ્થાન ફોર બૅંગિસ્તાન

આખી પિંજણ વાંચ્યા પછી તમારા મનમા સવાલ થવાનો કે પૈસા ખર્ચીને આ ફિલ્મ જોવા જવાય? સીધો જવાબ છે, ના. ‘બૅંગિસ્તાન’નો મેસેજ ખરેખર ઉમદા છે એ વાત સાચી. તેના પર પ્રતિબંધ મૂકવાને બદલે ખરેખર તો તેને ટૅક્સ ફ્રી કરી દેવી જોઇએ. પરંતુ મોંઘીદાટ ટિકિટો ખર્ચીને થિયેટર સુધી લાંબા થવાને બદલે ફિલ્મની ડીવીડી બહાર પડે અથવા તો ફિલ્મ ચેનલ પર આવે ત્યાં સુધી રાહ જોવી જ હિતાવહ છે.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s