કંટાળાનું બીજું નામ

***

માત્ર કંગનાના ક્રેઝને વટાવી ખાવા માટે જ ડબામાં પડેલી આ ડબા જેવી ફિલ્મને અત્યારે રિલીઝ કરવામાં આવી છે. આપણે તેનાથી પચાસ પચાસ કોસ દૂર જ રહેવું.

***

i-love-ny-movie-first-look-posterઅમુક વર્ષે એક જ વાર દેખાતા ધૂમકેતુ જેવી દુર્લભ ઘટના એ છે કે આ અઠવાડિયે રિલીઝ થયેલી ‘આઈ લવ NY’ ફિલ્મની રિલીઝ અટકાવવા માટે ખુદ એની હિરોઇન કંગના રનોટે જ ભરચક પ્રયાસો કરેલા. આ ફિલ્મ છેલ્લાં બે વર્ષ ઉપરથી ડબામાં પડી હતી. અચાનક કંગના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘ક્વિન’ બની ગઈ એટલે પ્રોડ્યુસર ટી-સિરીઝને લાગ્યું કે જૂનો નુકસાનીવાળો માલ માર્કેટમાં પધરાવી દેવાનો આ ગોલ્ડન ચાન્સ છે. કંગના રનોટ અને સની દેઓલના કજોડાવાળી આ ફિલ્મ એટલી બધી બોરિંગ છે કે ભવિષ્યમાં શબ્દકોશમાં કંટાળાના એક સમાનાર્થી તરીકે ‘આઈ લવ NY’ ફિલ્મનું નામ લખાય તો નવાઈ નહીં.

ટ્રેજેડી ઑફ એરર્સ

છોકરાંવ અંકલને બદલે ગ્રાન્ડપા કહેવા માંડે એ ઉંમર સુધી વાંઢો રહી ગયેલો રંધીર સિંઘ (સની દેઓલ) શિકાગોમાં પોતાની બોરિંગ બીબાંઢાળ લાઇફ જીવે છે. હવે રહી રહીને રિયા (તનિષ્ઠા ચેટર્જી) નામની પોતાની માથાભારે ગર્લફ્રેન્ડ સાથે પૈણું પૈણું કરી રહ્યો છે. ન્યુ યરની આગલી સાંજે એના દોસ્તારો સાથે છાંટોપાણી કરીને ફુલ ટાઇટ થયા પછી, દોસ્તારને બદલે એ પોતે ન્યુ યૉર્ક પાર્સલ થઈ જાય છે. હવે કરમનું કરવું અને ન્યુ યૉર્કમાં પણ શિકાગો જેવું જ સરનામું અસ્તિત્વ ધરાવે છે. એટલે બેવડો સની પોતાનું ઘર સમજીને કોઇકના ફ્લેટમાં ઘૂસીને નસકોરાં બોલાવવા માંડે છે. હકીકતમાં એ ફ્લેટમાં ટિક્કુ વર્મા (કંગના રનોટ) પોતાની એક એરહોસ્ટેસ બહેનપણી સાથે રહે છે. કંગનાના બેડરૂમમાં એક પરપુરુષને અર્ધનગ્નાવસ્થામાં સૂતેલો જોઇને કંગનાનો અમેરિકન ઇંગ્લિશ બોલતો બૉયફ્રેન્ડ વિલનવેડા કરવા માંડે છે. ખાસ્સી વારે ભાનમાં આવેલો સની સોરી સોરી કહ્યા કરે છે, પણ પાછો શિકાગોભેગો થવાનું નામ લેતો નથી. એને લીધે ગરબડ ગોટાળાઓની હારમાળા સર્જાયા કરે છે અને તમે માથાના દુખાવાની ગોળી શોધવા માંડો છો.

અંતહીન દુઃસ્વપ્ન

પહેલો સવાલ તો એ જ થાય કે આ ફિલ્મમાં કંગના રનોટની અપોઝિટ સની દેઓલને લેવાનો આઇડિયા કોનો હશે? ૨૮ની કંગનાની સામે ૫૭નો સની? યે બાત ઝરા ભી હઝમ નહીં હુઈ. એક્ચ્યુઅલી, ફિલ્મની સ્ટોરીમાં મોટી ઉંમરનો હીરો જ લેવો પડે એવી કોઈ જરૂરિયાત જ નથી. એના કરતાં કોઈ યંગ અને અપીલિંગ હીરોને લીધો હોત તો ફિલ્મ થોડુંક ‘વાઉ ફેક્ટર’ ક્રિયેટ કરી શકી હોત.

આ ફિલ્મની ડિરેક્ટર જોડી રાધિકા રાવ અને વિનય સપ્રુ નેવુના દાયકાના ઇન્ડિપોપ મ્યુઝિકના જમાનામાં આશા ભોંસલે, પંકજ ઉધાસ, ફાલ્ગુની પાઠકથી લઇને ‘કાંટા લગા’ જેવા અફલાતૂન મ્યુઝિક વીડિયોઝ બનાવી ચૂકી છે. એટલું જ નહીં, એમણે સલમાન સ્ટારર ‘લકી’ ફિલ્મ બનાવેલી અને ‘દબંગ’, ‘જય હો’, ‘રમૈયા વસ્તાવૈયા’ જેવી ફિલ્મોનાં ગીતો પણ બનાવ્યાં છે. ટૂંકમાં આ જોડીને મ્યુઝિક વીડિયો બનાવવામાં હથોટી છે, ફિલ્મોમાં નહીં. પરંતુ એક આખી પેઢીની યુવાનીના ભાગરૂપ બની ગયેલાં ગીતો બનાવનારાં જ્યારે આવી કંગાળ ફિલ્મ બનાવે ત્યારે એ ગીતોના ચાહક તરીકે પણ દુખ થાય.

એન્સાઇક્લોપીડિયા કહે છે કે ‘આઈ લવ NY’ ફિલ્મ એક સોવિયેત રશિયન રોમેન્ટિક કોમેડી ટેલિફિલ્મ ‘ધ આયરની ઑફ ફૅટ’ પરથી પ્રેરિત થઇને બનાવાઈ છે. આપણનેય એ જ વિચાર આવે કે જો સવા બે કલાકની આ ફિલ્મને આપણે ત્યાં પણ માળીની કાતર વડે કાપકૂપ કરીને કલાકેકની ટેલિફિલ્મ તરીકે સીધી ટીવી ચેનલ પર જ રિલીઝ કરાઈ હોત, તો કંગના અને સની દેઓલના નામે ઊંચા દામે વેચાઈ જાત અને જોવાઈ પણ જાત.

રાઇટિંગથી લઇને એક્ટિંગ સુધીના દરેક તબક્કે આ ફિલ્મમાં ઘોર નિરાશા જ વ્યાપેલી દેખાય છે. એક પછી એક નક્કામાં દૃશ્યો આવ્યાં કરે છે અને સ્ટોરી આગળ વધવાનું નામ જ લેતી નથી. જો આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી હોય, તો તેના એકેય સીનમાં હસવું આવતું નથી. હા, ક્યારેક અચાનક હસવું આવી જાય, જ્યારે સની દેઓલ (જેને ડાન્સ સાથે કશી લેવાદેવા નથી એ) કંગનાને કહે છે, ‘મૅ આઈ હેવ અ ડાન્સ વિથ યુ?’ જો આ ડ્રામા ફિલ્મ હોય, તો એવો કોઈ ડ્રામા પણ દેખાતો નથી. જો તે માત્ર રોમેન્ટિક ફિલ્મ હોય, તો બાપ-દીકરીની ઉંમરનાં હીરો-હિરોઇનને પરાણે પ્રેમમાં પડતાં જોઇને ‘બેટી બચાવો આંદોલન’નો ઝંડો લઇને નીકળી પડવાની ઇચ્છા થઈ આવે. ક્યાંક એડિટિંગમાં લોચા છે, તો ફિલ્મના અંતે પહેલું જ નામ સુરેખા સિક્રીનું આવે છે, જે ફિલ્મમાં ક્યાંય છે જ નહીં. એટલે ફિલ્મમાં કેટલી હદે વેઠ ઊતરી છે એ સમજી શકાય એવું છે.

ડંકી ઉખાડવા ટેવાયેલો સની દેઓલ અહી રોમેન્ટિક રોલમાં જરાય કમ્ફર્ટેબલ નથી એ દેખાઈ આવે છે. પ્રેમ ચોપડા, રીમા લાગુ, માયા અલઘ જેવાં સિનિયર એક્ટર્સ હાઉકલી કરીને જતાં રહે છે. મૅચમાં હાર નિશ્ચિત હોવા છતાં રહી સહી ઇજ્જત બચાવવા માટે એક જ ખેલાડી પ્રામાણિકતાથી રમ્યે જતો હોય, એમ એકમાત્ર કંગના પોતાનું સો ટકા પર્ફોર્મન્સ આપે છે. આમ તો આ ફિલ્મ થિયેટરની ઠંડકમાં ઊંઘી જવા માટે પર્ફેક્ટ છે, પરંતુ તાજા ખીલેલા ગુલાબ જેવી ફ્રેશ અને મનમોહક દેખાતી કંગના તમારું ધ્યાન પોતાના પરથી હટવા દેતી નથી. સરવાળે તમને ઊંઘવા પણ દેતી નથી.

બસ, એક ગીત

બળબળતા રણમાં મીઠી વીરડી જેવી એક માત્ર શાતાદાયક વાત છે, આ ફિલ્મમાં લેવાયેલું ‘આજા મેરી જાન’ ગીત. તેને આર. ડી. બર્મને મૂળ બંગાળીમાં કમ્પોઝ કરેલું અને એમણે પોતે તથા આશા ભોંસલેએ ગાયું. પછી ટી-સિરીઝની ૧૯૯૩માં આવેલી ફિલ્મ ‘આજા મેરી જાન’માં એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ અને અનુરાધા પૌંડવાલના અવાજમાં લેવાયું. હવે એ જ ગીત આપણા ગુજરાતી ગીતકાર મયુર પુરીએ લખેલા નવા શબ્દો સાથે ફરીથી લેવાયું છે. પરંતુ તે એક ગીત માટે કંઈ થિયેટરમાં લાંબા થવાય નહીં. યુટ્યૂબમાં જોઈ લેવાય.

ટૂંકમાં આ ફિલ્મને હિરોઇન કંગના સહિત સૌ કોઈ ભૂલી ગયા છે અથવા તો ભૂલવા માગે છે. આપણેય યાદ રાખીને મગજની હાર્ડડિસ્કમાં ખોટી જગ્યા રોકવાની જરૂર નથી.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s