પકાઉ હરિયાણવી બિરિયાની

***

માત્ર મંજાયેલા કલાકારોને કારણે સહ્ય બનેલી આ ફિલ્મમાં કશું જ નવું નથી.

***

guddu-rangeela-posterઆપણો દેશ વિરોધાભાસોનો દેશ છે. એક બાજુ ‘ડિજિટલ ઇન્ડિયા’ની વાતો થતી હોય અને બીજી બાજુ ‘ખાપ પંચાયત’ જેવી તાલિબાની સંસ્થાઓ જાત-બિરાદરીના નામે ઑનર કિલિંગની ઘૃણાસ્પદ દાદાગીરી ચલાવતી હોય. એની સામે બે છટે હુએ બદમાશ અને એક ફૂટડી યુવતી બંદૂકડીઓ ધણધણાવતી નીકળી પડે એટલે બને આ અઠવાડિયાની ફિલ્મ ‘ગુડ્ડુ રંગીલા’. પરંતુ જો ફિલ્મમાંથી રાઇટર-ડિરેક્ટર સુભાષ કપૂરનું નામ હટાવી દો તો કલ્પના પણ ન આવે કે આ એ જ ડિરેક્ટરની ફિલ્મ છે જેણે ‘ફંસ ગયે રે ઓબામા’ અને ‘જોલી એલએલબી’ જેવી અફલાતૂન ફિલ્મો બનાવી હશે.

હરિયાણવી જય-વીરુ

ગુડ્ડુ (અમિત સાધ) અને રંગીલા (અર્શદ વારસી) બંને હરિયાણા બાજુના ઑર્કેસ્ટ્રાવાળા છે. પરંતુ જાતભાતનાં મ્યુઝિકલ ફંક્શનોના નામે બંને જણા શેઠિયાઓનાં ઘરમાં ડોકિયાં કાઢી આવે છે અને પછી ચોરલોકોને બાતમી આપીને પોતાની મલાઈ કાઢી લે છે. પરંતુ એક વખત બંગાલી (દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય) નામનો એક ખબરી બંનેને બાતમી આપે છે કે બેબી (અદિતી રાવ હૈદરી) નામની એક છોકરીને ઉઠાવવાની છે, જેના ગાડું ભરીને પૈસા મળશે. હવે ઉઠાવ્યા પછી ખબર પડે છે કે એ છોડી તો હરિયાણાની ખાપ પંચાયતના માથાભારે નેતા બિલ્લુ પહલવાન (રોનિત રૉય)ની સાળી છે. એટલે પહેલવાલ ભુરાયો થઈને આ બંનેની પાછળ પડી જાય છે. ઉપરથી પેલી છોડી પણ કોથળામાંથી એવો વાઘ કાઢે છે કે પહેલવાનથી લઇને ગુડ્ડુ રંગીલા સુધીના લોકોને ઘોડાનો જુલાબ લાગી જાય છે.

નયા ક્યા હૈ મેરે પ્યારે?

કહેવાય છે કે આ ફિલ્મ હરિયાણાનાં મનોજ-બબલી ઑનર કિલિંગ કાંડ પરથી પ્રેરિત છે. જે હોય તે, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં હરિયાણાની પૃષ્ઠભૂમાં અને એમાંય ઑનર કિલિંગની થીમ પર એટલી બધી ફિલ્મો આવી ગઈ છે કે હવે પાત્રોને હરિયાણવી બોલી બોલતાં સાંભળીને જ બકારી આવે છે. છતાં ચલો અગાઉ ‘હિટ એન્ડ રન’ જેવા અત્યંત ગંભીર મુદ્દા પર અત્યંત મૅચ્યોર તથા વર્ષો સુધી યાદ રહી જાય એવી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ બનાવ્યાની ગુડવિલ પર આપણે આ ફિલ્મની પોઝિટિવ વાતો પર ફોકસ કરીએ.

ફિલ્મની શરૂઆતને મૂળ વાર્તા સાથે ખાસ કશો સંબંધ નથી, પરંતુ પહેલી વીસેક મિનિટ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. એક તો સુભાષ કપૂરે પોતે બનાવેલું ‘માતા કા ઈ-મેલ’ ગીત. ઉપરથી ફૂટબૉલ રમતા ભગવાધારી સાધુઓ, ફૂટબૉલ સ્ટાર્સ મૅસ્સી અને મારાડોનાના માસ્ક પહેરીને કરાતી ડકૈતી… આ બધું એકદમ કલરફુલ લાગે છે. એમ તો દર થોડી વારે નવું સસ્પેન્સ પેદા કરતો ફર્સ્ટ હાફ પણ ઘણે અંશે ગ્રિપિંગ છે. લેકિન અફસોસ, ત્યાર પછી આ ‘બડ્ડી મુવી’માં ખરેખર જેને નવું ને મજેદાર કહી શકાય એવું લગભગ કશું જ બનતું નથી. જે કંઈ આનંદ આપે છે તે મંજાયેલા કલાકારોની એક્ટિંગ જ છે.

ફિલ્મની સૌથી મોટી હૂક છે તેનો વિલન રોનિત રૉય. ટીવીના પડદે ‘અદાલત’ જેવી સિરિયલમાં એ ભલે શુદ્ધ હિન્દી સાથે કાનૂનની રખેવાળી કરતો હોય. પરંતુ મોટા પડદે તો એ ભયંકર ડરામણો શેતાન લાગે છે. ‘ઉડાન’, ‘બૉસ’, ‘ટુ સ્ટેટ્સ’, ‘અગ્લી’ જેવી ફિલ્મોમાં એણે ભલે એકસરખાં પરંતુ ભારતીય સિનેમાનાં સૌથી સશક્ત વિલનમાં સ્થાન પામે એવાં પાત્રો ભજવ્યાં છે. અહીં પણ એણે એવો જ ગબ્બરછાપ ભય ફેલાવ્યો છે.

બીજો હૂક છે અન્ડરરેટેડ એક્ટર એવો અર્શદ વારસી. અહીં એના ભાગે ‘જોલી એલએલબી’ કરતાં ‘મુન્નાભાઈ’ના ‘સર્કિટ’ જેવી એક્ટિંગ વધારે આવી છે. પરંતુ એની એક્ટિંગમાં ક્યાંય સિન્સિયારિટીની ઊણપ દેખાતી નથી. ઑર્કેસ્ટ્રા સિંગર, ચોર, મવાલી, પ્રેમી અને બદલો લેવા નીકળેલા હીરો, પોતાના પાત્રના આ બધા જ રંગો એણે બરાબરના ઉપસાવ્યા છે. ફિલ્મમાંથી જો ત્રીજું સૌથી મોટું પાત્ર ઊપસીને આવ્યું હોય તો તે છે ફિલ્મમાં કોન્સ્ટેબલ બનતા શાનદાર એક્ટર રાજીવ ગુપ્તાનું. ફિલ્મની મોટા ભાગની કોમિક મોમેન્ટ્સ એ જ મેળવી ગયા છે. તેમાંય ખાસ કરીને સંડાસની બહાર અંતાક્ષરી રમવાવાળો સીન તો ખરેખર લાજવાબ બન્યો છે. અગાઉ ‘બી.એ. પાસ’ ફિલ્મમાં મસ્ત એક્ટિંગ કરનારા એક્ટર દિવ્યેન્દુ ભટ્ટાચાર્યની એક્ટિંગ સરસ છે, પણ એનું ડફોળ પાત્ર જોઇને એક સૅકન્ડ માટે પણ એ અન્ડરવર્લ્ડનો ખબરી લાગતો નથી.

આવી પોઝિટિવિટીને બાદ કરતાં ફિલ્મ હવા નીકળેલા ટાયરની જેમ તદ્દન ફ્લેટ છે. ચવાયેલા વલ્ગર જોક્સ, ડબલ મિનિંગ ડાયલોગ્સ, માત્ર બે કલાકની હોવા છતાં પણ ધીમી લાગતી ફિલ્મની ગતિ, એકદમ પ્રીડિક્ટેબલ સ્ટોરી, અમિત સાધ અને અદિતી રાવ હૈદરીની બિલકુલ પરાણે ઘુસાડેલી લવસ્ટોરી અને તદ્દન બિનજરૂરી ગીતો, સાવ ફારસ બની જતો ક્લાઇમેક્સ… આ બધું જ ભેગું મળીને સેકન્ડ હાફનો તો કચ્ચરઘાણ વાળી દે છે. ગોરીચિટ્ટી અદિતી રાવ હૈદરી સરસ લાગે છે, પણ બચાડીના ભાગે ખાસ કશું આવ્યું નથી. જ્યારે અમિત સાધના ભાગે રોલ આવ્યો છે, તો એણે ખાસ કશું ઉકાળ્યું નથી. એકરસપ્રદ ઑબ્ઝર્વેશન એવું છે કે ફિલ્મમાં માત્ર રોનિત રૉય જ હરિયાણવી બોલે છે, બાકીનાં પાત્રોએ તો રાષ્ટ્રભાષા ઝિંદાબાદ જ કરી છે. એટલે એ જોતાં કોઇને હરિયાણવી બોલીનો ક્રેશ કૉર્સ કરવો હોય, તો આ ફિલ્મના રોનિત રૉયના ડાયલોગ્સનું કમ્પાઇલેશન બતાવી દેવાય.

આખી ફિલ્મમાં ભારતીય તાલિબાન જેવી ‘ખાપ’નો તાપ બતાવ્યો છે અને આખી વાતને બૅલેન્સ કરવા માટે ખાપની વિરુદ્ધની વાત કરતો માત્ર એક સીન નાખી દીધો છે. વાત સાચી છે પણ આખો વખત પોલીસથી લઇને હાઇકૉર્ટ અને મુખ્યમંત્રી સુધીના લોકોની નિષ્ક્રિયતાનું વરવું પ્રદર્શન કર્યા પછી એક નાનકડો સીન જરાય પલ્લું બૅલેન્સ કરતો નથી.

લખતાં અમારા હાથ ધ્રૂજે છે, પણ આપણા ગુજરાતી હોનહાર સંગીતકાર અમિત ત્રિવેદીના મ્યુઝિકમાં પણ આ વખતે એવી જમાવટ નથી. બહાર નીકળીએ ત્યારે માત્ર એક જ ગીત યાદ રહી જાય છે, ‘માતા કા ઈ-મેલ’. પરંતુ એ ગીત અમિત ત્રિવેદીએ નહીં, પણ સુભાષ કપૂર અને ગાયક ગજેન્દ્ર ફોગટનું સર્જન છે.

ક્યા કિયા જાયે?

સુભાષ કપૂરની અગાઉની ફિલ્મો મનોરંજક હોવા છતાં વાસ્તવિક લાગતી હતી, તેવું અહીં થતું નથી અને ‘ગુડ્ડુ રંગીલા’ એક ટાઇમપાસ ફિલ્મ બનીને રહી જાય છે. એટલે જીવનની આપાધાપીઓથી કંટાળ્યા હો અને ફિલ્મો એકમાત્ર રસ્તો દેખાતો હોય અથવા તો તમે રોનિત રૉય કે અર્શદ વારસીના ફૅન હો, તો આંટો મારી આવો. પણ હા, વાસી છતાં ગંદા જોક્સ સાંભળવાની તૈયારી રાખજો.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s