કંટાળાનું ઠેકાણું

***

આ ફિલ્મ તમને એક જ રીતે ખડખડાટ હસાવી શકે, જો થિયેટરમાં લાફિંગ ગૅસ છોડવામાં આવ્યો હોય તો.

***

welcome-to-karachi-first-look-poster-stills-upcoming-movie-of-arshad-warsi-2015પ્રોમો કે ટ્રેલર કહેતા ફિલ્મની જાહેરખબર જોઇને એ ફિલ્મ વિશે મનમાં આશાનાં તોરણિયાં બંધાય અને આપણે જોવા માટે હડી કાઢીએ. આ પ્રક્રિયામાં આંખે પાટા બાંધીને કાર ચલાવવા જેટલું જોખમ છે. પ્રોમો જોઇને લાગતું હોય કે આ ફિલ્મ તો હસાવી હસાવીને આપણા ગાભા કાઢી નાખશે, પણ થિયેટરમાં ઘૂસ્યા પછી ખબર પડે કે ખરેખર તો ટ્રેલરમાં હતું એટલું જ હસવાનું હતું. બાકી આખી ફિલ્મમાં બગાસાં સિવાય કશું જ નથી. બસ, એવી જ મહાબોરિંગ દાસ્તાન છે આ ‘વેલકમ ટુ કરાચી’ની.

મૂર્ખ મીટ્સ મહામૂર્ખ

ઉપરવાળાએ જેમને બનાવીને બીબું તોડી નાખ્યું હોય એવા બે નમૂના શમ્મી ઠાકુર (અર્શદ વારસી) અને કેદાર પટેલ (જૅકી ભગનાણી) બંને દોસ્તાર છે. ભારતીય નૌકાદળમાં પોતાની અક્કલનું પ્રદર્શન કરવા બદલ શમ્મીને કોર્ટમાર્શલ કરી દેવાયો છે. જ્યારે અક્કલનો ઓથમીર કેદાર એક રેગ્યુલર ગુજરાતીની જેમ અમેરિકા જવાનાં સપનાં જુએ છે અને એના પપ્પા મિતેષ પટેલ (દલીપ તાહિલ)નો ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ ડૂબાડવાના પૂરા પ્રયાસો કરે છે. જામનગરના દરિયામાં બોટપાર્ટી કરવાના આવા જ એક પ્રયાસમાં બંને નમૂના ભૂલથી કરાચી પહોંચી જાય છે. ઘરે પાછા ફરવાના પ્રયાસમાં આ બંને નમૂના કરાચીના ગુંડાઓથી લઇને વઝિરિસ્તાનના તાલિબાનીઓ વાયા અમેરિકન સૈન્ય સુધીના લોકોની અડફેટે ચડી જાય છે. પોતાની સિરિયલ મુર્ખામીઓને લીધે આ બંને એવું કમઠાણ ઊભું કરે છે કે ઠેઠ પાકિસ્તાની સંસદ સુધી પહોંચી જાય છે.

વેલકમ ટુ બોરડમપુર

કોઈપણ સ્ટેન્ડઅપ કોમેડિયન કે હાસ્યકારનું સૌથી મોટું દુઃસ્વપ્ન શું હોય છે ખબર છે? એ સ્ટેજ પરથી એક પછી એક જોક્સ ફેંકતો જાય અને લોકો હસવાને બદલે જાણે બેસણામાં આવ્યા હોય એમ મોં વકાસીને બેઠા રહે. અમુક સીનને બાદ કરતાં ‘વેલકમ ટુ કરાચી’ની હાલત એવી જ છે. ૧૩૧ મિનિટની ફિલ્મમાં પહેલા અડધા કલાક સુધી જેને ખરેખર કોમિક કહી શકાય એવો કોઈ સીન જ નથી. એક પછી એક પાત્રો ઇન્ટ્રોડ્યુસ થતાં જાય  અને હસવાને બદલે આપણે મનમાં બોલતા રહીએ, ‘ઓકે, નેક્સ્ટ’.

જેને આઇક્યૂની ટેસ્ટમાં પણ પાસિંગ માર્ક્સ આવતા હોય એવાં ડફોળ પાત્રોની ફિલ્મો આપણે ‘લૉરેલ એન્ડ હાર્ડી’થી લઇને હૉલીવુડની જિમ કેરી સ્ટારર ‘ડમ્બ એન્ડ ડમ્બર’ વાયા ‘પિંક પેન્થર’માં જોઈ ચૂક્યા છીએ. પરંતુ જો એ પેંગડામાં પગ ઘાલવો હોય તો એકદમ શાર્પ સ્ક્રિપ્ટ અથવા તો સુપર્બ કોમિક ટાઇમિંગ સાથેની સ્લેપસ્ટિક એટલે કે સ્થુળ કોમેડી જોઇએ. અહીં એવું કોમિક ટાઇમિંગ માત્ર અર્શદ વારસી પાસે જ છે, પરંતુ એ કંઈ ક્રિસ ગેલ નથી કે આખી ફિલ્મ પોતાના ખભે ઊંચકી લે. આ ફિલ્મનો રાઇટિંગ ડિપાર્ટમેન્ટ આપણા ગુજરાતી હાસ્ય અભિનેતા વ્રજેશ હિરજીએ સંભાળ્યો છે, પરંતુ એ જો સદેહે ફિલ્મમાં અવતર્યા હોત તો ફિલ્મને કંઇક ફાયદો થાત.

જેના નામે ડફોળનું સર્ટિફિકેટ ફાડી શકાય એવો એક નમૂનો પાકિસ્તાનમાં સલવાઈ જાય, એવી સ્ટોરી ધરાવતી ફિલ્મ ગયા વર્ષે આપણે ‘ફિલ્મીસ્તાન’માં જોઈ ચૂક્યા છીએ. અહીં બે નમૂના છે એટલું જ. પરંતુ ‘ફિલ્મીસ્તાન’માં બે મુખ્ય એક્ટર્સ શારીબ હાશમી અને ઇનામુલ હકની સુપર્બ કેમિસ્ટ્રી અને દમદાર એક્ટિંગે ફિલ્મમાં એન્ટરટેન્મેન્ટના રંગો ભર્યા હતા. અહીંયા બિચારો અર્શદ વારસી એકલો હવામાં એક્ટિંગના પીંછડા ફેરવ્યા કરે છે. જૅકી ભગનાણીને તો ઠીક છે કે એના પપ્પા ફિલ્મના પ્રોડ્યુસર છે એટલે એને ફિલ્મની મુખ્ય ભૂમિકામાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી જાય, પરંતુ એક્ટિંગનું શું? એ જેવું ગુજરાતી છાંટવાળું હિન્દી બોલવાનો પ્રયત્ન કરે છે, એ કોઈ ગુજ્જુ ચાર પેગ પેટમાં પધરાવીને બોલતો હોય એવું જ સંભળાય છે.

પ્રયત્નપૂર્વક હોય કે જોગાનુજોગ હોય, પણ આ ફિલ્મમાં બીજી કેટલીયે ફિલ્મોની અસર દેખાયા કરે છે. હૉલીવુડની ‘ડમ્બ એન્ડ ડમ્બર’ અને આપણી ‘ફિલ્મીસ્તાન’ તો ગણાવી. પાકિસ્તાનમાં બેસીને ભારતની જીતનો જશ્ન મનાવવાની સિક્વન્સ પણ ડિટ્ટો ‘ફિલ્મીસ્તાન’વાળી છે. પરંતુ જૅકી ભગનાણીનો વિઝા ઇન્ટરવ્યૂવાળો સીન સીધો જ ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ની યાદ અપાવે છે. પાકિસ્તાની રાજકારણી એક દૃશ્યમાં હૉલીવુડની સુપર સટાયરિકલ ફિલ્મ ‘ડિક્ટેટર’ના હીરો સાચા બૅરન કોહેનની જેમ વર્તે છે. દુશ્મન દેશમાં ભરાઈ ગયેલા બે નવાણિયાને કાઢવાની મથામણ ગયા વર્ષાંતે આવેલી વિવાદાસ્પદ અંગ્રેજી કોમેડી ફિલ્મ ‘ધ ઇન્ટરવ્યૂ’ને ખો આપે છે. જ્યારે ખોટા પાસપોર્ટથી છુપાવેશે પ્લેનમાં બેસીને બહાર નીકળવાનો આખો ટ્રેક આપણે હમણાં જ અક્ષય કુમારની ‘બૅબી’માં જોયેલો, જે મૂળે હૉલીવુડ ફિલ્મ ‘આર્ગો’ પરથી પ્રેરિત હતો. પરંતુ આ જેટલી ફિલ્મોનાં નામ ગણાવ્યાં એ બધી જ એટલી અફલાતૂન છે, કે આ વીકએન્ડમાં જોઈ પાડશો તો ઘરમાં મસ્ત ફિલ્મ ફેસ્ટિવલ જેવો માહોલ થઈ જશે.

વિષમ પરિસ્થિતિઓમાં સમય ધીમો પડી જાય છે, તેના અનુભવમાં આ ‘વેલકમ ટુ કરાચી’ના સેકન્ડ હાફમાં પાકિસ્તાની ઘૂસણખોરોની જેમ ઘૂસી આવતાં ગીતો ઓર ઉમેરો કરે છે. ત્યાં કોઈ કારણ વગર અચાનક ટેલેન્ટેડ એક્ટર પવન મલ્હોત્રા ફૂટી નીકળે છે અને એટલી જ ઝડપથી પાછા ગાયબ થઈ જાય છે. કદાચ હીરોલોગની હસાવવાની કાબેલિયત પર શંકા હોય કે કેમ, પણ પત્રકાર દીપક ચૌરસિયા પણ ન્યૂઝ એન્કર તરીકે યથાશક્તિ કોમેડી કરવાનો (નિષ્ફળ) પ્રયાસ કરે છે.

હા, એટલું કહી શકાય કે ફિલ્મમાં અમુક સિક્વન્સીસ ખરેખર સારી છે. જેમ કે, ઇન્ડિયન એમ્બેસી પાસે એક ગોળીબાર ભારત, પાકિસ્તાન, નેપાળ, ચીન, રશિયા, યુક્રેન, ઇઝરાયેલ, પેલેસ્ટાઇન વચ્ચે જંગ છેડી દે છે. ‘કોક સ્ટુડિયો કી પૈદાઇશ’ અને ‘તાલિબાન સે ખાલિબાન હો ગયા’ જેવાં છૂટક વનલાઇનર્સ પણ ક્રિયેટિવ છે. પરંતુ આ ક્રિયેટિવિટી મ્યુનિસિપાલિટીના નળની જેમ જરા સરખી આવીને જતી રહે છે.

બીજી એક નાનકડી પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફિલ્મમાં સેન્સર બૉર્ડે ‘એર ઇન્ડિયા’નાં વિમાનોનાં ગંદા ટોઇલેટ્સ અને બુઢ્ઢી એરહોસ્ટેસો પરની એક જોકમાં ‘એર ઇન્ડિયા’નું નામ મ્યુટ કરી દીધું છે. સર્વિસ સુધારવાને બદલે સરકાર હર્ટ થઈ જાય, બોલો!

ડૉન્ટ ક્રોસ ધીસ બૉર્ડર

‘વેલકમ ટુ કરાચી’ના  ડિરેક્ટર આશિષ આર. મોહન અગાઉ ‘ખિલાડી ૭૮૬’ જેવી મહા હથોડાછાપ ફિલ્મ બનાવી ચૂક્યા છે. જ્યારે પ્રોડ્યુસર વાશુ ભગનાણી દીકરા જૅકીને લાઇને લગાડવા માટે આ ફિલ્મની સિક્વલ પણ બનાવશે. પરંતુ આપણા પપ્પાની અટક ‘ભગનાણી’ નથી. એટલે આપણે આ ફિલ્મ પાછળ રૂપિયાનું આંધણ કરવાની જરૂર નહીં.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s