Mad Max: Fury Road

10636937_661847177254140_3001186770164503894_o– આમ તો મને જેમાં પૃથ્વી પર પ્રલય આવી ચૂક્યો હોય અને માનવજાતનો નાશ થઈ ગયો હોય એવી “પોસ્ટ અપોકલિપ્ટિક” ફિલ્મો ઓછી ગમે છે. કારણ કે અંગત રીતે હું માનતો જ નથી કે એક ઝાટકે માનવજાતનો અંત આવી જાય. માણસ સાલા ગાંડી વેલ જેવા છે, ગમે તેટલા કાપો એ ફરી ફરીને ઊગી જ નીકળવાના. સ્ટિફન હૉકિંગ ભલે કાળવાણી કાઢ્યા કરતા, પણ માણસ ટકશે.

– આ ફિલ્મ (મેડ મેક્સઃ ફ્યુરી રોડ)માંય ડિરેક્ટર જ્યોર્જ મિલરની પોસ્ટ અપોકલિપ્ટિક દુનિયા તો મને નથી જ ગમી. લેકિન એમાં જે એક્શન છે એના માટે એક જ શબ્દ વાપરી શકાય “મૅડ” કમ્પ્લિટ મૅડનેસ. ફિલ્મની શરૂઆતમાં ચાર્લીઝ થેરોન જે એક્સલરેટર પર પગ દબાવે છે, એ સ્પીડ ઓલમોસ્ટ છેક સુધી ઓછી થતી નથી. મગજની નસો ખેંચી નાખે એટલી લાંબી ચેઝ સિક્વન્સ અને એમાં જન્નતનાં સપનાં જોઇને ગાંડપણની હદ વટાવી ગયેલા પાગલ બ્રેઇનવૉશ્ડ લડવૈયાઓ (ફિલ્મની ભાષામાં ‘વૉર બૉય્સ’). જે રીતે અહીં ગાડીઓના ભુક્કા બોલે છે, ‘વિટનેસ મી’ કહીને વૉર બૉય્સ હારાકીરી કરે છે, ભાલાની અણીએ ને બંદૂકડીઓના ધડાકે ભડાકા થાય છે… એ બધું જોઇને ક્યારે આપણે સીટનો ટેકો છોડીને ટટ્ટાર થઈ જઈએ અને ક્યારે આપણી અંદર એડ્રિનાલિનનો પ્રવાહ તેજ થઈ જાય એ ખબર જ ન પડે. મને તો એ જ આશ્ચર્ય થાય છે કે આ લોકો આવી ફિલ્મનો સ્ક્રીનપ્લે કેવી રીતે લખતા હશે અને કેવી રીતે પાગલપણાની ચરમસીમા જેવી એક્શન સિક્વન્સીસ ડિઝાઇન કરતા હશે?!

– ગુડ વર્સસ ઇવિલની વાર્તાને અસરકારક બનાવવાની સાદી (છતાં અઘરી) રેસિપી એ છે કે વિલનને શક્ય તેટલો વિકરાળ, ખોફનાક, ક્રૂર બતાવો. તો જ હીરોની કદર થશે. અહીંયા ‘ઇમ્મોર્ટન જૉ’ એવો જ ‘ડાર્ક નાઇટ’ના ‘જોકર’ની યાદ અપાવે એવો, પણ એકદમ સ્વાર્થી અને મેનિપ્યુલેટિવ વિલન છે.

– હીરો ભલે ‘મૅડ મેક્સ’ (ટૉમ હાર્ડી) હોય, પણ દાદુ પર્ફોર્મન્સ તો ચાર્લીઝ થેરોનનું છે, બોસ. આ પાતળી પરમાર નખશિખ બ્યુટી એના બીએફ શૉન પેન સાથે બીચની રેતીમાં બિકિનીભેર સૂતી હોય, એવા (લંડનના ‘ડેઇલી મેલ’માં આવતા) ફોટોગ્રાફ્સ જોઇને સપનેય ખ્યાલ ન આવે કે આ છોડી આ હદનો એક્સ્ટ્રીમ મેકઓવર કરીને (‘ફ્યુરિયોસા’ જેવો) આટલો માચો રોલ કરી શકે.

– જોકે ‘મૅડ મેક્સ’ સિરીઝના અગાઉના મેલ ગિબ્સન સ્ટારર ત્રણ ભાગ ન જોયા હોય, તો અહીં ઘણા સવાલોના જવાબો મળતા નથી. જેમ કે, પૃથ્વીનો પ્રલય કઈ રીતે થયો? એવો તે કેવો પ્રલય થયો કે ખાલી આટલા-આવા લોકો જ બચ્યા અને પૃથ્વી રણપ્રદેશમાં ફેરવાઈ ગઈ? ‘ઇમ્મોર્ટન જૉ’નો ઉદય કેવી રીતે થયો અને એ પેલા પહાડનુમા કિલ્લામાં પાણી ક્યાંથી કાઢે છે? મૅડ મેક્સને ભૂતકાળની જે ભૂતાવળો સતાવે છે એ સ્ટોરી શું હતી? પ્રચંડ તાપમાનમાં ગાડીઓ કેવી રીતે ટકે છે? પાણી વગર લોકો આટલી એક્ઝોસ્ટિંગ ફાઇટ્સ કેવી રીતે કરી શકે છે/કેવી રીતે જીવી શકે છે? પાણી-પેટ્રોલ જો ખરેખર ખૂટી ગયાં હોય, તો એનો આટલો ભયંકર બગાડ શું કામ થાય છે? મૅડ મેક્સ કૉપ હતો, પણ અત્યારે એ ક્યાંથી આવ્યો છે, શું કામ આવ્યો છે? અને ફિલ્મની વાર્તામાં અત્યારે કયો કાળખંડ ચાલી રહ્યો છે? વગેરે…

– સામાન્ય રીતે ફિલ્મોના સ્ટોરી ટેલિંગનો ગ્રાફ આપણા રાસ-ગરબાની જેમ છેલ્લે ચલતીની જેમ ક્લાઇમેક્સ પર ખતમ થાય છે, પણ અહીં તો ઓલમોસ્ટ બે કલાક લાંબો સુપર એક્સાઇટિંગ ચેઝ સિક્વન્સવાળો ક્લાઇમેક્સ જ ચાલે છે. અહીં બધું જ મૅડ છેઃ બે માથાળો કાચિંડો જીવતો ચાવી જતો હીરો, વાંસડા પર લટકીને ફાઇટ કરતા યોદ્ધાઓ, જીવતા માણસનો ‘બ્લડ બૅગ’ તરીકે થતો ઉપયોગ, બાઇકો પર ઊછળીને લડતી વૃદ્ધાઓ (ફિલ્મમાં ‘મૅની મધર્સ’), કોઈ ઇવિલ જીનિયસે ડિઝાઇન કર્યાં હોય એવા વિચિત્ર કાંટાળા રાક્ષસી વાહનો, કલ્પના કરીએ તોય ધ્રુજી ઊઠીએ એવી ઘોર નિરાશાવાદી ભવિષ્યની સૂક્કીભઠ દુનિયા અને અબોવ ઑલ, સેંકડો સ્પીકર્સની આગળ લટકીને આગની જ્વાળાઓ ફેંકતો ગિટારિસ્ટ (વાંચવામાં આવ્યું છે કે ગિટારમાંથી વછૂટતી એ જ્વાળાઓ સાચી છે, કમ્પ્યુટર ગ્રાફિક્સ નથી). આ ફિલ્મની બીજી એક મજા એ છે કે એની સ્પેશ્યલ ઇફેક્ટ્સ ‘હેરી પોટર’ જેવી અંધારિયા નથી, બલકે બ્રૉડ ડે લાઇટમાં છે. એટલે તૂટતાં વાહનોનાં એકેએક પૂરજા છૂટા પડતા જોઈ શકો. બાય ધ વે, ઘણા સમયે સીધી ચહેરા પર આવે અને પળ વાર માટે આંખો બંધ થઈ જાય એવી થ્રીડી ઇફેક્ટ્સ જોઈ.

– જો તમનેય જડબાં ભીંસાઈ જાય અને રૂંવાડાં ખડાં થઈ જાય એવી દિલધડક નહીં, દિલફાડક એક્શન સિક્વન્સીસમાં રસ પડતો હોય, તો આ ફિલ્મ વહેલી તકે જોઈ પાડવા જેવી છે. બહાર નીકળ્યા પછી તમેય મારી જેમ એ ફિલ્મનું ઢીનચાક બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ગણગણતા બહાર નીકળશો! હા, સાથે પાણીની બૉટલ રાખજો, જોતાં જોતાં તરસ લાગી આવશે! (આ ફિલ્મની શરૂઆતમાં પાછું ભયંકર ડિસ્ટ્રક્શન બતાવતું ડ્વેઇન જ્હોનસનની ‘સાન એન્ડ્રિયાસ’ ફિલ્મનું ટ્રેલર બતાવીને ગાજર લટકાવી દીધું છે.)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s