ચાલો, દુનિયાને બચાવવા

***

એક ટિકિટમાં એક ડઝન સુપરહીરોનો જલસો કરાવતી આ ફિલ્મ પરફેક્ટ વેકેશન એન્ટરટેનર છે.

***

4529342-avengers__age_of_ultron_poster__fm__by_krallbaki-d8gdz0nહૉલીવુડના એકદમ કસાયેલા સર્જકોને નવા નવા સુપરહીરો સર્જવામાં અને કોમિક્સમાંથી એમને ફિલ્મના પડદે લાવવામાં જબરદસ્ત માસ્ટરી છે. એમાંય ‘માર્વેલ કોમિક્સ’ પાસે તો સુપરહીરોની ખાણ છે. તેમાંથી છ જેટલા સુપરહીરોને ત્રણ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ ‘એવેન્જર્સ’માં ભેગા કરેલા. એ ફિલ્મ આપણી ‘લગાન’ જેવી હતી. તેમાં અલગ અલગ શક્તિઓ ધરાવતા સુપરહીરોને દુનિયાના વિવિધ ખૂણેથી ચૂંટીને ભેગા કરવાનું કામ ‘શિલ્ડ’ નામની કાલ્પનિક સંસ્થાના વડા ‘નિક ફ્યુરી’ (અદાકાર સેમ્યુઅલ એલ. જેક્સન)એ કરેલું. હવે આ અઠવાડિયે તેની સિક્વલ રિલીઝ થઈ છે. અને યકીન માનો, એક પરફેક્ટ સુપરહીરો ફિલ્મને છાજે એવા તમામ મરી-મસાલાથી આ ફિલ્મ ભરપુર છે.

વિશ્વરક્ષક

હજી તો આપણે સીટો શોધવામાં અને થ્રીડી ચશ્માં ચૅક કરવામાં પડ્યા હોઇએ, ત્યાં જ પોણો ડઝન સુપરહીરોઝ ‘હાઇડ્રા’ નામની આતંકવાદી સંસ્થાના ઠિકાના પર હલ્લાબોલ કરી દે છે. ત્યાં ખબર પડે છે કે એ વિલનલોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કંઈક મોટી ભાંગફોડ કરવાની ફિરાકમાં છે. વળી, બે દુભાયેલાં સુપરહીરો ભાઈ-બહેન ક્વિક સિલ્વર અને સ્કાર્લેટ વિચ પણ એમની સાથે મળી ગયાં છે. એમના ઘાતક પ્રયોગના બીજ જેવું એક હથિયાર લઇને આયર્નમેન (રૉબર્ટ ડાઉની જુનિયર) પોતાની પ્રયોગશાળામાં આવે છે. ત્યાં એ બીજા માથાભારે સુપરહીરો હલ્ક (માર્ક રફાલો) સાથે મળીને આખી પૃથ્વીને બચાવી શકાય તેવું શીલ્ડ બનાવવાના ‘અલ્ટ્રોન’ નામના પ્રોગ્રામમાં એ હથિયારના બીજને આરોપી દે છે. પરંતુ પરિણામ ઊંધું આવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામ ‘અલ્ટ્રોન’ પેલા રજનીકાંતના રોબોટની જેમ એ આઉટ ઑફ કંટ્રોલ થઈ જાય છે અને પોતાના જેવા જ હજારો ભાંગફોડિયા રોબોટ બનાવવા માંડે છે. એટલું જ નહીં, એનું લક્ષ્ય છે, દુનિયા કી તબાહી. એટલે પૃથ્વીને બચાવવા માટે આ સુપરહીરોની ટીમને સાથે મળીને દો-દો હાથ કર્યા સિવાય છૂટકો નથી.

એવેન્જર્સની ઓળખાણ

એવેન્જર્સ ફિલ્મ સિરીઝમાં બતાવેલા સુપરહીરોઝ વિશે જેમને ખબર નથી એમના માટે ક્વિક ઇન્ટ્રોડક્શનઃ બિલ્યનેર બિઝનેસમેન ટૉની સ્ટાર્ક એક સંશોધક છે, જે અનોખો એક્ઝોસ્કેલિટન સૂટ પહેરીને  ‘આયર્નમેન’ બની જાય છે. હાથમાં ઢાલવાળો ‘કેપ્ટન અમેરિકા’ પહેલો સુપર હીરો છે, જેની ઉંમર ક્યારેય વધતી નથી. જિનિયસ સાયન્ટિસ્ટ બ્રુસ બેનર ગુસ્સે થાય ત્યારે લીલા રંગનો દૈત્ય ‘હલ્ક’ બની જાય છે. બીજા વિશ્વમાંથી આવેલા ‘થોર’ પાસે એવો હથોડો છે, જે ભલભલાને ક્લિનબોલ્ડ કરી શકે છે. ‘બ્લેક વિડો’ એકદમ સ્ફૂર્તિલી જાસૂસ (બ્યુટિફુલ સ્કાર્લેટ જોહાનસન) છે. જ્યારે આપણા ‘મહાભારત’ના ‘અર્જુન’ જેવો બાણાવળી છે ‘હૉકઆઈ’ (એક્ટર જેરેમી રેનર). આ બધાની ટીમ એટલે ‘એવેન્જર્સ’.

એક્શન-ઇમોશનનું રોલર કોસ્ટર

આમ તો સુપરહીરોની ફિલ્મો એટલે ‘ગુડ વર્સસ ઇવિલ’નો જંગ. પરંતુ હૉલીવુડના લખવૈયાઓ આ સિમ્પલ વાતમાં પણ દર વખતે એવું નવું નક્શીકામ કરે કે આપણે હોંશે હોંશે થિયેટરોમાં હડી કાઢીએ. વળી, જ્યાં સુધી સુપર વિલન સામે ન હોય, ત્યાં સુધી સુપરહીરોનોય કોણ ભાવ પૂછે? અહીં ઇલેક્ટ્રોનિક દૈત્ય જે લેવલની ભાંગફોડ કરીને જોખમ ઊભું કરે છે, ત્યાં આપણા સુપરહીરો પણ વામણા લાગવા માંડે. ત્યાં જ આપણી જૂની કહેવત ‘એકલી લાકડી તૂટે, પરંતુ લાકડીનો ભારો ન તૂટે’ કામે લાગે છે. ‘એવેન્જર્સ-૧’ આપણી ટિપિકલ ફિલ્મો જેવી હતી. હીરો ભેગા થાય અને વિલનની છૂટ્ટી કરી નાખે. પરંતુ તેની આ નવી સિક્વલ રૉલર કોસ્ટર રાઇડ જેવી છે. પહેલા જ સીનમાં નખ ચાવી જાઓ એવી થ્રિલિંગ ફાઇટ બતાવ્યા પછી ફિલ્મ એકદમ નીચે જાય અને આપણને સુપરહીરોઝના મગજના એક ખૂણામાં પડેલા દુઝતા ઘા જેવા ભૂતકાળની સફરે લઈ જાય છે. ત્યારે ખબર પડે કે આ સુપર હીરો તો આપણા જેવા જ માણસો છે અને ખાસ્સું બલિદાન આપ્યા પછી સુપરહીરો બન્યા છે.

યંગસ્ટર્સને જલસા પડે એવું અહીં બધું જ છેઃ હાઇટેક-હૉલોગ્રાફિક કમ્પ્યુટરો, લેટેસ્ટ ગેજેટ્સ, માઇન્ડ બ્લોઇંગ એક્શન સિક્વન્સીસ, થ્રીડી ચશ્માંમાંથી પણ આપણી આંખો બહાર લટકી પડે એવી સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને તમે સીટીઓ મારી બેસો એવો સતત વહેતો કોમિક રસ. એક્ચ્યુઅલી, બધા સુપરહીરોલોગ વચ્ચે સતત હળવી તૂતૂ-મૈંમૈં ચાલ્યા કરે છે, જે આ બધાં જ પાત્રો આપણા પણ દોસ્તાર હોય એવું ડાયરેક્ટ દિલ કા કનેક્શન જોડી આપે છે. એમાંય સૌથી વધુ લાફ્ટર ઊઘરાવી જાય છે, ‘હલ્ક’. જ્યાં છળ કે કળ એકેયથી કામ ન ચાલે, ત્યાં અચાનક જ ક્યાંકથી હલ્ક ટપકી પડે છે અને પોતાના બળથી એકઝાટકે ખેલ ખલાસ કરી નાખે. આપણો સની દેઓલ સમજી લો ને. આ બધાની કેમેસ્ટ્રી એટલી બધી પાવરફુલ છે કે ઇવન દરેક આયર્નમેન ફિલ્મમાં માત્ર એક અવાજ તરીકે સંભળાતા કમ્પ્યુટર પ્રોગ્રામ ‘જાર્વિસ’ સાથે પણ આપણને આત્મીયતા બંધાઈ જાય (તેના વિશેનું એક સરપ્રાઇઝ પણ છે ફિલ્મમાં).

ફિલ્મના રાઇટર-ડિરેક્ટર જોસ હ્વીડન બડી ચતુરાઈથી દરેક ફિલ્મમાં નવા નવા સુપરહીરોઝ ઉમેરતા રહે છે. આ વખતે પણ તેજલિસોટાની જેમ દોડી શકતા ‘ક્વિક સિલ્વર’ તથા લોકોના દિમાગ સાથે રમી શકતી અને હાઇ એનર્જી શૉક વેવ્સ ફેંકી શકતી એની જુડવા બહેન ‘સ્કાર્લેટ વિચ’નો પણ ઉમેરો કર્યો છે. જોકે હિન્દીમાં આ ફિલ્મ જોનારા આ બંને પાત્રોને હરિયાણવી શૈલીમાં ડાયલોગ્સ બોલતાં જોઇને કપાળ કૂટશે (‘મૈં થારે સે સાડે દસ્સ મિણટ બડા હૂં, બૈણા!’). બધા જ કલાકારોની પરફેક્ટ એક્ટિંગ, એમનું કોમિક ટાઇમિંગ, એકદમ મૅચ્યોર રાઇટિંગ, કાન પર હાવી ન થાય પણ રોમાંચથી રૂંવાડા ઊભા કરી દે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને દર વખતે આપણી કલ્પના કરતાં કશુંક વધારે-કશુંક નવું આપતી એક્શન સિક્વન્સીસ… આ બધાનું પરફેક્ટ કોમ્બિનેશન છે અહીં. સાથોસાથ એકતા, મશીનો કરતાં માણસ-પરિવાર-દોસ્તો વધારે મહત્ત્વનાં છે, પૃથ્વીને બચાવવા માટે અંગત પ્રેમનો ભોગ આપવો પડે એવા હાર્ટવૉર્મિંગ મેસેજ પણ ખરા.

ફાસન યૉર સીટબેલ્ટ્સ

આ સિક્વલ જોઇને એ ચર્ચા ચાલશે કે તેનો પહેલો ભાગ સારો હતો કે બીજો? પરંતુ એક વાત ચોક્કસ છે, જો તમને સુપરહીરો મુવીઝમાં મજા પડતી હોય તો આ ફિલ્મ તમને એકદમ પૈસા વસૂલ જલસો કરાવશે. હવે પછીના ત્રીજા ભાગમાં બીજા ચાર નવા સુપરહીરો એન્ટર થવાના છે (આમેય ‘માર્વેલ કોમિક્સ’ને તો સુપરહીરોની ઘરની જ ખેતી છે). દુઃખ ખાલી એ જ વાતનું છે કે આ ફિલ્મનો ત્રીજો ભાગ હવે છેક ત્રણ વર્ષ પછી ૨૦૧૮માં આવશે. અને હા, ફિલ્મના એન્ડ ક્રેડિટ્સ શરૂ થઈ જાય ત્યારપછી પણ રોકાજો, ત્રીજી ફિલ્મમાં ‘એવેન્જર્સ’ને  કેવા દૈત્યનો સામનો કરવો પડશે તેની ઝલક ચૂકશો નહીં.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s