ગુજરાતી ફિલ્મોનું ભુલાયેલું પ્રાણીઃ દર્શક

ગુજરાતી ફિલ્મોમાં અત્યારે એક પ્રકારની વર્ચ્યુઅલ દોરડાખેંચ ચાલી રહી છે. એક તરફ છે ફૂટપટ્ટીમાં માપી શકાય તેટલાં લાંબાં નામ ધરાવતી ટ્રેડિશનલ ફિલ્મો. બીજી તરફ ન્યુ એજ, અર્બનનાં લટકણિયાં સાથે મલ્ટિપ્લેક્સમાં આવતી અને આધુનિક કહેવાતી ગુજરાતી ફિલ્મો. ગુજરાતી ઑડિયન્સ આવે છે, ટેનિસની મૅચના પ્રેક્ષકોની જેમ ડાબે-જમણે માથું ધુણાવે છે અને ટિકિટ બારી પર જઇને કોઈ ગમતી બૉલિવુડ કે હૉલિવુડ ફિલ્મની ટિકિટ ખરીદીને તેમાં ગોઠવાઈ જાય છે.

***

અનુભવ નં. ૧. બેએક વર્ષ પહેલાં આવેલી એક ‘અર્બન’ ગુજરાતી ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉમાં જોવાનું નક્કી કર્યું. ફિલ્મના પ્રોમોઝ પરથી કન્સેપ્ટ તો સરસ લાગતો હતો. સાથે ગુજરાતી-હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં કાઠું કાઢી ચૂકેલા બે કલાકારોને પણ ગુજરાતી ફિલ્મમાં મોટા પડદે જોવાની લાલચ હતી. બંદા તો પહોંચી ગયા મલ્ટિપ્લેક્સમાં. પરંતુ બૉક્સ ઑફિસ પરથી જાણવા મળ્યું કે રાહ જુઓ, પાંચ લોકો થાય, તો શૉ સ્ટાર્ટ કરીએ. અમને થયું કે ફાઇન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સારી ફિલ્મો માટે આટલી રાહ જોઈ છે, તો પાંચ મિનિટ ઔર સહી. લકીલી, પાંચ નહીં ટોટલ સાત વ્યક્તિઓ થઈ ગઈ. માંડ પચ્ચીસેક વર્ષનાં છોકરા-છોકરીઓની ત્રણ જોડીએ ટિકિટો ખરીદી. પણ હૉલની અંદર થયું શું? તો કહે, બાકીનાં એ ત્રણેય કપલિયાંએ ખૂણાની સીટો પકડી લીધી. દેખીતી રીતે જ એમને ફિલ્મ જોવામાં નહીં, પણ પોતાનું જ મનોરંજન ઊભું કરવામાં રસ હતો. એટલે મેં ફાઇનલી પડદા પરની ફિલ્મમાં મન પરોવ્યું. નવા જ પ્રકારનો સબ્જેક્ટ લાવી હોવાનું કહેવાતી એ ફિલ્મ તદ્દન ફૂવડ કોમેડીથી ફાટફાટ થતી હતી. એકદમ લાઉડ અને કૃત્રિમ એક્ટિંગનો ત્રાસ ઓછો ન હોય એમ એમાં જોક્સ પણ એવા વાસી કે ખાસડું છૂટ્ટું મારવાનું મન થાય.

અનુભવ નં. ૨. થોડાં અઠવાડિયાં પહેલાં અમદાવાદના એક પૉશ મલ્ટિપ્લેક્સમાં હું એક લેટેસ્ટ હિન્દી ફિલ્મ જોવા ગયેલો. શુક્રવારની સવાર હતી એટલે આખું ઑડિટોરિયમ યંગસ્ટર્સથી ભરચક હતું. ત્યાં જ આગામી દિવસોમાં રિલીઝ થઈ રહેલી વધુ એક ‘અર્બન’ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર આવ્યું. જાણે કોઈ ‘સી’ ગ્રેડની સોફ્ટ પોર્ન ફિલ્મ હોય એવું એ ટ્રેલર જોઈને જુવાનિયાંવમાં હસાહસ થઈ ગઈ. એ હાસ્યમાં ઉપહાસ કહેતાં રિડિક્યુલની ફીલિંગ સ્પષ્ટપણે કળી શકાતી હતી.

અનુભવ નં. ૩. મારો એક મિત્ર ફિલ્મો જોવાનો ગાંડો શોખીન, પણ ગુજરાતી ફિલ્મોની બાબતમાં તદ્દન ‘પીકે’નો આમિર ખાન. મતલબ કે એકદમ એલિયન. અચાનક એક દિવસ ભૂલથી એણે યુટ્યૂબ પર ‘કેવી રીતે જઇશ’ ફિલ્મ જોઈ નાખી. તાત્કાલિક અસરથી એને વિષાદયોગ આવી ગયો, કે સાલી આપણી ગુજરાતી ભાષામાં આવી સારી સારી ફિલ્મો બને છે અને આપણે જોતાંય નથી? ધિક્કાર હૈ! મને ઢસડીને એ સીધો અમદાવાદની સારું એવું કલેક્શન ધરાવતી વીડિયો લાઇબ્રેરીએ ખેંચી ગયો. ત્યાં જઇને સીધો જ ઑર્ડર મારી દીધો, ‘છેલ્લાં બેએક વર્ષમાં રિલીઝ થયેલી બધી જ મસ્ત ગુજરાતી ફિલ્મો કાઢી આપો.’ જે જવાબ મળ્યો એ શૉકિંગ હતો, ‘સાહેબ, ‘કેવી રીતે જઇશ’ની ઑરિજિનલ ડીવીડી છે અને ‘બે યાર’ની પાઇરેટેડ. એ સિવાય એકેય ફિલ્મની સીડી નથી.’ તોય અમે તંત ન મૂક્યો, ‘પણ તો ગુજરાતી ફિલ્મો જોવી હોય તો?’ દુકાનવાળાએ વેપારીની સ્ટાઇલમાં હસીને ડીવીડીની એક થપ્પી અમારી સામે મૂકી, ‘આ રહી, જુઓને તમતમારે.’ અમે જોયું તો એ તો બધી પાછલા દાયકાઓમાં આવેલી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેને કારણે હાંસીને પાત્ર બને છે એવી જ ફિલ્મો હતી. ‘ગામ-ગરબા-ગોકીરો’ જેવા ‘થ્રી-જી’વાળી એ ફિલ્મો જોવામાં અમને રસ નહોતો, એટલે અમે હડી કાઢીને ભાગી આવ્યા.

હજી એક વિકલ્પ હતો, યુટ્યૂબનો. એમાં લોગઇન થઈને જોયું તો એક ‘કેવી રીતે જઇશ’ને બાદ કરતાં એકેય નવી ગુજરાતી ફિલ્મ નહીં. આખરે નિરાશ થઇને મારા એ દોસ્તારે ‘ગુજરાતી ફિલ્મ કેવી રીતે જોઇશ’વાળું ચવાયેલું વાક્ય ઉચ્ચાર્યું અને ગુજરાતી ફિલ્મો જોવાનો કાર્યક્રમ અનિશ્ચિત સમય માટે મુલતવી કરી દીધો.

***

ઉપરના ત્રણેય અનુભવો સેન્સર બૉર્ડના અત્યારના કડક પ્રમુખ પહલાજ નિહલાણી પણ એકેય વાંધાવચકા કાઢ્યા વિના પાસ કરી દે એ હદે સાચા છે. હવે આ ત્રણેય પ્રસંગોનું અનુસંધાન જોડીએ આ જ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ સાથે. ગુજરાતી સાહિત્યના આ ધજમજેના મેળાવડામાં એક સેશન ગુજરાતી ફિલ્મોનું પણ હતું. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તો સામસામી તલવારો ટકરાતી હતી. રુરલ ફિલ્મો વર્સસ અર્બન ગુજરાતી ફિલ્મોના ટેકેદારો વચ્ચે તિખારા નીકળે એટલા જોરશોરથી વાક્યુદ્ધ ચાલી રહ્યું હતું.

વીરરસના કવિઓની પેઠે ટ્રેડિશનલ ગુજરાતી ફિલ્મોના ટેકેદારો કહી રહ્યા હતા કે સાચી ગુજરાતી ફિલ્મો તો એ જ છે, જે આટલાં વર્ષોથી બનતી આવી છે. આજેય વિક્રમ ઠાકોર જેવા અભિનેતાઓની ફિલ્મો લાગટ પચ્ચીસ અઠવાડિયાં સુધી ગ્રામ્ય વિસ્તારોનાં થિયેટરોમાં ચાલે છે. ‘રસિયા તારી રાધા રોકાણી રણમાં’ જેવાં ટાઇટલ ધરાવતી આ ફિલ્મો જોવા માટે લોકો ટ્રેક્ટરો ભરી ભરીને આવે છે. એમની એક દલીલ એવી પણ હતી કે તમે લોકો અર્બનના નામે જે ફિલ્મો પિરસો છો, તેની સાથે ગુજરાતનાં મોટાં શહેરોના સીમાડાની બહાર કોઈ રિલેટ કરી શકતું જ નથી. અરે, એક ભાઇએ તો પ્રેક્ષકોમાંથી ઊભા થઈને ત્યાં સુધી કહી નાખ્યું કે, “ફટ્ છે આ બધા ગુજરાતના દર્શકોને. જે લોકો ગુજરાતી ફિલ્મો નથી જોવા જતા એમને તો ઊંધા વાળીને શરીરના ચોક્કસ ભાગમાં ડામ દેવા જોઇએ.” (એ બહાદૂરશ્રીના આ લલકારના જવાબમાં લોકોએ રોમાંચિત થઈને તાળીઓ પણ પાડેલી.)

બીજો વર્ગ જરા સમજાવટના મૂડમાં હતો. એમની દલીલ કંઇક એવી હતી કે અમે તો નવી પેઢીને ગમે તેવી અત્યારના જમાનાને અનુરૂપ ફિલ્મો બનાવવા પ્રયત્નશીલ છીએ જ. જરૂર છે બધાએ સાથે મળીને કામ કરવાની. વળી, ગમે તેટલી મહેનત કરીને ફિલ્મો બનાવીએ પણ તેને મલ્ટિપ્લેક્સમાં સ્ક્રીન જ ન મળે, કે લોકો જોવા જ ન આવે તો પછી શું કરવું?

***

ફાઇન. આ બંને પક્ષોમાં લઘુતમ સામાન્ય અવયવ તરીકે કાઢી શકાય તેવી એક વાત એ છે કે બંને ગુજરાતી ફિલ્મો માટે ‘ડીડીએલજે’નાં ‘રાજ-સિમરન’ જેવો પ્રેમ ધરાવે છે અને ખરેખર કશુંક કરવા મક્કમ છે. પરંતુ આમ જનતા ધેટ ઇઝ મેંગો પબ્લિકને તો કોઈ પૂછતું જ નથી કે એમને ખરેખર કેવી ફિલ્મો જોવામાં રસ છે. વિક્રમ ઠાકોર-ચંદન ઠાકોર જેવા અભિનેતાઓ રુરલ એરિયામાં મૅગા ક્રાઉડ પુલર હશે, પણ એમની ફિલ્મો સહેજ અર્બન વિસ્તારોમાં લગાડો તો કોઈ ચકલુંય ન ફરકે. બીજું એ કે સલમાન ખાનની ફિલ્મોની જેમ એમની ક્વોલિટી વિશે તો કોઈ હરફ સુધ્ધાં ઉચ્ચારતું નથી. એંસી-નેવુંના દાયકાની નબળી પોટબોઇલર જેવી આ ફિલ્મોમાં મોટે ભાગે શું હોય છે? એના એ જ ચવાયેલા ફોર્મ્યૂલા, એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલું મ્યુઝિક, એમેચ્યોરિશ ડાયલોગ ડિલિવરી કે હડપ્પા-મોહેંજો દડોમાંથી ખોદી કાઢ્યાં હોય એવા પહેરવેશ, ફાઇટ્સ, ઇલ્લોજિકલ સિક્વન્સીસ… આ બધાથી ફાટફાટ થતી એ બધી ‘ટ્રેડિશનલ ગુજરાતી’ ફિલ્મોને અત્યારની પેઢી માત્ર એક જ રીતે જોઈ શકે, હાસ્યાસ્પદ ટાઇમપાસ તરીકે. જેને ‘સિનેમા’ કહી શકાય એવું તો એકેય લક્ષણ એ ફિલ્મોમાં દેખાતું નથી. યુપી, બિહાર, રાજસ્થાન બધા જ માર્કેટમાં આવી ફિલ્મો બને છે, તો ગુજરાત કઈ રીતે તેમાંથી બાકાત રહી શકે?

બીજી એક દલીલ એ છે કે અર્બન ફિલ્મો સાથે ગ્રામ્ય વિસ્તારોના લોકો રિલેટ કરી શકતા નથી. જો ખરેખર એવું હોય, તો શાહરુખ-સલમાન-આમિરની ફિલ્મો પણ અર્બન સેટઅપમાં જ હોય છેને. તો ત્યાં કેમ ‘કલ્ચરલ ગૅપ’નો કોઈ પ્રશ્ન નડતો નથી? ખરેખર તો અમુક પ્રકારની ફિલ્મો જ સાચી અને બાકીની બધી ચાઇનીઝ માલ જેવી એ ફૅક દલીલ જ વાહિયાત છે. ટ્રેડિશનલ કહેવાતી ફિલ્મો બને છે, અમુક પ્રેક્ષકો તેને જુએ છે. ધેટ્સ ગુડ. પરંતુ જેમને એ ફિલ્મો જામતી નથી એ લોકો દ્રોહી છે એવું લેબલ મારવું તો સરાસર અન્યાય છે.

હવે આવીએ સો કૉલ્ડ અર્બન ફિલ્મો તરફ. આશિષ કક્કડની ‘બેટર હાફ’ અને અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’ આવી, ત્યાર પછી એક મોટો ફાલ ઊતરવા લાગ્યો આવી ફિલ્મોનો. તે ફિલ્મો મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થાય, તેનાં નામો અંગ્રેજી લિપિમાં લખેલાં હોય, ઇવન ટાઇટલ ક્રેડિટ્સ પણ અંગ્રેજીમાં આવે, હિન્દી ફિલ્મોની લઘુતાગ્રંથિ દૂર કરવી હોય તેમ એમાં પરાણે આઇટેમ સોંગ્સ અને પાર્ટી સોંગ્સ ઠૂંસ્યાં હોય, હિરોઇનને પરાણે ટૂંકાં કપડાં પહેરાવ્યાં હોય, ચકાચક ઑફિસોમાં બેસીને કરોડોનાં કન્સાઇન્મેન્ટની વાતો કરતા ટાઇધારી હીરોલોગ હોય, શાળા-કોલેજની નાટ્યસ્પર્ધામાં બોલાતા ગોખેલા ડાયલોગ્સની જેમ કૃત્રિમ અભિનય કરતા કલાકારો હોય, અને અબોવ ઑલ વેવલી ફિલોસોફિકલ વાતો અને સસ્તી કોમેડીની ભેળપુરી હોય… આ બધું ‘ન્યૂ ઍજ’ અને ‘અર્બન’ના લિસ્સા કાગળમાં પૅક કરીને પિરસી દેવાનું અને પછી અપેક્ષા રાખવાની કે લોકો ટોળે વળીને આ ફિલ્મો જોવા આવે. જો એવું ન થાય, તો વાંક કોનો? તો કહે, ગુજરાતની બેકદર જનતાનો, જેને પોતાની માતૃભાષા પ્રત્યે જ પ્રેમ નથી!

અંગત મતે સ્થિતિ એવી છે કે અર્બન ગુજરાતી અને આધુનિકતાના નામે ગુજરાતી દર્શકોના માથે ઘણા સમયથી નબળો માલ માથા પર મારવામાં આવે છે. ઉપરથી પ્રેક્ષકોના માથે માતૃભાષાના પ્રેમ અને મૃતઃપ્રાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જીવાડવાના ગિલ્ટનો ભાર મૂકી દેવાનો. મતલબ કે અમે તો આવી જ ફિલ્મો બનાવવાના, અને તેને તમે જો નહીં ગમાડો તો તમે બેકદર.

સારી ફિલ્મો નહીં બની શકવાના ગુજરાતી ફિલ્મમૅકરો પાસે સરકારી સબસિડીથી લઇને મલ્ટિપ્લેક્સનાં સ્ક્રીનની અવેલેબિલિટી, જંગી ખર્ચા, ખમતીધર પ્રોડ્યુસરોના કે પ્રોફેશનાલિઝમના અભાવનો વગેરે અઢળક કારણો હશે. પરંતુ એક સામાન્ય દર્શકને એની સાથે શી લેવાદેવા? એને તો અગાઉ ‘ઘ. દરે’ (ઘટાડેલા દરે) ફિલ્મો જોવા મળતી હતી, જેના હવે લગભગ હિન્દી ફિલ્મો જેટલા જ પૈસા ચૂકવવાના રહે છે. અને એટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ જો એને સાવ રદ્દી ફિલ્મો જ જોવા મળવાની હોય, તો પછી સ્વાભાવિક જ છે કે તે તેનાથી છેટો જ રહે.

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રની સરકારે મલ્ટિપ્લેક્સોને ફરજિયાત મરાઠી ફિલ્મો અને એ પણ પ્રાઇમટાઇમમાં બતાવવાનો ફતવો બહાર પાડ્યો, તે સાંભળીને આપણે ત્યાંના ફિલ્મમેકરો પણ ગેલમાં આવી ગયેલા. સૂર એવો કે આપણે ત્યાં પણ આવું જ થવું જોઇએ. ચલો, એક વાર માની પણ લઇએ કે આપણે ત્યાં પણ આવું થયું, તો પણ મલ્ટિપ્લેક્સ તો માર્કેટ છે. ત્યાં તો ડાર્વિનદાદાનો સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટનો જ નિયમ લાગુ પડવાનો. ફિલ્મ સારી હશે, વર્ડ ઑફ માઉથથી વખણાશે, તો જ લોકો આવશે. નહીંતર અમુક શૉઝ જ નહીં, આખાં મલ્ટિપ્લેક્સ ગુજરાતી ફિલ્મો માટે આરક્ષિત કરો તોય કાગડા જ ઊડવાના. ‘કેવી રીતે જઇશ’ તો પ્યોર તેના પ્રામાણિક અને નિષ્ઠાવાન પ્રયાસને કારણે વર્ડ ઑફ માઉથથી ચાલેલી. મારો પોતાનો અનુભવ છે કે તે વખતે આખું ઑડિટોરિયમ યંગસ્ટર્સથી ભરચક હતું. મતલબ કે સારી બનેલી ફિલ્મ હોય તો લોકો અર્બન-રુરલ કે ભાષાની આભડછેટ નથી રાખતા, અને સામે પક્ષે રેઢિયાળ બની હોય તો લોકો રણબીર કપૂરની કે ઇવન સલમાન-શાહરુખની ફિલ્મોની પણ સાડાબારી નથી રાખતા.

મરાઠી ફિલ્મોની વાત નીકળે એટલે ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કાયાપલટ કરી નાખનારી ‘શ્વાસ’ની વાત નીકળે જ. ૨૦૦૪ની એ ફિલ્મ વિશે ‘વિકિપીડિયા’ કહે છે કે તે માત્ર ત્રીસ લાખના બજેટમાં જ બનેલી. માત્ર શ્વાસ જ નહીં, તેની આસપાસ આવેલી ‘દેઉળ’, ‘બાલક પાલક’, ‘ડોમ્બિવલી ફાસ્ટ’, ‘ગંધ’, ‘ટિંગ્યા’, ‘વળુ’, ‘ફેંડ્રી’, ‘શાળા’, ‘મુંબઈ-પુણે-મુંબઈ’, ‘વિહિર’ જેવી ફિલ્મો જુઓ તો તમને લાગે કે સારી ફિલ્મ બનાવવા માટે બજેટ કરતાં દાનતની વધારે જરૂર પડતી હોય છે. જો બજેટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તો ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’, ‘નટરંગ’ કે ‘બાલગંધર્વ’ જેવી ગ્રૅન્ડ સ્કેલની ફિલ્મો પણ બનાવી શકાય. જો ફિલ્મ સારી રીતે લખાયેલી હોય, સારી ટ્રીટમેન્ટથી બનેલી હોય, તો કોઈ ઈશ્યૂ પર પણ મનોરંજક અને પારિવારિક ફિલ્મ બનાવી શકો. જરૂરી નથી કે લોકોને વ્હોટ્સેપિયા જોક્સના કલેક્શન જેવી સસ્તા નાટકછાપ ફિલ્મો જ બનાવવી.

‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ની સફળતામાં તેના એકદમ મૅચ્યોર રાઇટિંગ, વાસ્તવિક લાગે તેવાં પાત્રો, રિયલ લાઇફનું પરફેક્ટ ઑબ્ઝર્વેશન, દિલકશ મ્યુઝિક, ઑવરઑલ ટ્રીટમેન્ટ અને વ્યવસ્થિત રીતે વિચારીને અમલમાં મુકાયેલા માર્કેટિંગ પ્લાન ઉપરાંત એક કારણ એ પણ હતું કે તેમાં અનંગ દેસાઈ, કેનેથ દેસાઈ, રાકેશ બેદી, મનોજ જોશી, દર્શન જરીવાલા, ટૉમ ઑલ્ટર, અમિત મિસ્ત્રી જેવા જાણીતા (અને દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી જેવા ટકોરાબંધ) કલાકારો હતા. આપણી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલા ગુજરાતીઓ છે કે જો ગુજરાતીઓ બાદ કરી નાખો તો કદાચ બૉલિવૂડની કમર તૂટી જાય. ખબર નહીં કેમ, પણ ગુજરાતી કલાકારોને કે ઇવન ગુજરાતીઓ દ્વારા ચલાવાતા પ્રોડક્શન હાઉસોને પણ ગુજરાતી ફિલ્મો બનાવવામાં રસ નથી. મરાઠીના આલા દરજ્જાના ડિરેક્ટરો અને અદાકારોને મરાઠી ફિલ્મો સાથે જોડાવામાં નાનમ લાગતી નથી. માત્ર એક જ દાખલોઃ રિતેશ દેશમુખે ગયા વર્ષે ‘લય ભારી’ નામની આઠ કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મ પ્રોડ્યુસ કરેલી. જેમાં એણે પોતે એક્ટિંગ કરેલી અને હોનહાર ડિરેક્ટર નિશિકાંત કામતે તેને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ મરાઠી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. આપણે ત્યાં આવું કેમ શક્ય ન બને?

જો અમિતાભ બચ્ચનને ગુજરાત રાજ્યના બ્રૅન્ડ એમ્બેસેડર બનાવી શકાતા હોય, તો ફિલ્મી નગરિયાના ગુજરાતી બાશિંદાઓને આપણે ત્યાં લાલ જાજમ પાથરીને કેમ ન બોલાવી શકાય? અભિષેક જૈને તાજેતરમાં જ ‘ચિત્રલેખા’ સાપ્તાહિકને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે તેમ, ‘સરકાર જો ઊગતા ફિલ્મમેકરોને અવનવી ફિલ્મો બનાવવામાં સહાય કરે, એમને સાધનો-લોકેશન વગેરે ભાડે આપવામાં ડિસ્કાઉન્ટ અપાવે તો વધુ ફાયદો થાય.’

નવી ગુજરાતી ફિલ્મોની માહિતી લોકો સુધી પહોંચતી નથી તે મુદ્દે એક (ઘણે અંશે સાચી) એવી ફરિયાદ એ પણ છે કે ગુજરાતી મીડિયા તેની નોંધ સુધ્ધાં લેતું નથી. અખબારોને તેના વિશે વાત કરવી નથી, એફ એમ રેડિયો પર તેનાં ગીતો વાગતાં નથી. ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ ચેનલ તો ગણીને એક જ છે, અને તેનેય ગુજરાતી ફિલ્મો બતાવવામાં રસ નથી. અધૂરામાં પૂરું મોટાભાગની ગુજરાતી ફિલ્મોની ઑરિજિનલ ડીવીડી પણ રિલીઝ ન થતી હોય કે અત્યારના જમાના પ્રમાણે તેને યુટ્યૂબ પર પણ ફિલ્મ અપલોડ ન કરાતી હોય, તો ફિલ્મો લોકો સુધી ન પહોંચે તેમાં શી નવાઈ? માત્ર ફેસબુક આણિ સોશિયલ મીડિયા પર ફિલ્મોનાં (મોટેભાગે નબળાં) પ્રોમો અપલોડ કરી દેવા માત્રથી લોકો થિયેટર સુધી ન આવે.

સો વાતની એક વાત, ફિલ્મમાં કૌવત હશે તો લોકો વખાણશેય ખરા, જોવા પણ આવશે અને બીજા ચારને ખેંચી પણ લાવશે. અને તો મલ્ટિપ્લેક્સોને પણ એકના ચાર શૉ કરવાની ફરજ પડશે. બાકી, લોકો તો ગ્રાહકો છે. એમને સારી પ્રોડક્ટ અને સારી સર્વિસ આપશો તો તે આવશે જ. પરંતુ પ્રોડક્ટ દમ વિનાની હશે, તો ગ્રાહકોને દોષ દેવાથી કે માતૃભાષાની દુહાઈઓ દેવાથી કશો શુક્કરવાર નહીં વળે.

(Published in ‘Sadhana’ weekly)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s