Mr. Why!

***

એક્ચ્યુઅલી આ ફિલ્મનું નામ ‘મિસ્ટર એક્સ’ને બદલે ‘મિસ્ટર વ્હાય’ (Mr. Why) હોવું જોઇતું હતું. કારણ કે આ ફિલ્મ જોયા પછી એક જ સવાલ થાય છે, આવી બાલિશ, ઢંગધડા વિનાની ફિલ્મો શા માટે બનતી હશે? વ્હાય?

***

mr-x-poster-embedસાજિદ ખાન બિચારો ‘હિમ્મતવાલા’ અને ‘હમશકલ્સ’ જેવી ફિલ્મો બનાવીને વગોવાઈ ગયો, પણ વિક્રમ ભટ્ટ બેધડક વધારે ને વધારે ભંગાર ફિલ્મો બનાવી રહ્યો છે, અને તોય છૂટ્ટો ફરે છે. એની આ નવી ફિલ્મ ‘મિસ્ટર એક્સ’ની રિલીઝ પછી આપણે વિશ્વભરમાં ગૌરવભેર કહી શકીશું કે ઇન્વિઝિબિલિટીના વિષય પર બનેલી સૌથી મહાન (મિસ્ટર ઇન્ડિયા) અને સૌથી રેઢિયાળ ફિલ્મ (મિસ્ટર એક્સ) આપણા બૉલીવુડે જ બનાવી છે.

જરા તરા સ્ટોરી

રઘુરામ રાઠોર (ઇમરાન હાશ્મી) અને સિયા વર્મા (અમાયરા દસ્તુર) બંને ‘એન્ટિ ટેરરિસ્ટ ડિપાર્ટમેન્ટ’ના ઇકલૌતા જાંબાજ ઑફિસરો છે. પરંતુ એક મોટી સાઝિશમાં ઈમરાન એવો સલવાય છે કે સાજા થવા માટે એણે એક ખાસ પ્રકારની દવા પીવાનો વારો આવે છે. એ દવા પીધા પછી એ માણસમાંથી ટ્યુબલાઇટ થઈ જાય છે. મીન્સ કે ગાયબ થઈ જાય છે, જે જૂની ટ્યુબલાઇટની જેમ લબુકઝબુક થતો આવ-જા કરવા માંડે છે. બસ, પછી આ સ્થિતિમાં એ પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવામાં કલાક ઉપરનો સમય કાઢી નાખે છે.

બધું જ ગાયબ

આ ફિલ્મમાં માત્ર હીરો જ સરકારી ફાઇલની જેમ ગાયબ નથી થતો. બલકે બીજું ઘણું બધું ફિલ્મમાંથી ગાયબ છે. જેમ કે, ભેજામાં ઊતરે એવી સ્ટોરી, ફ્રેશનેસ, એક્ટિંગ, સારું મ્યુઝિક બધું જ. ઇવન, થિયેટરમાંથી પ્રેક્ષકો પણ ગાયબ છે. એમાંય લોજિકનું તો આખી ફિલ્મમાં નામ જ લેવા જેવું નથી. આખા શરીરે દાઝી ગયેલા હીરોને બચાવવા માટે ‘ઉજાલા’ ગળીની જાહેરખબરમાં બતાવે છે તેવું દ્રાવણ ટેસ્ટટ્યૂબમાં ભરીને પીવડાવવાથી તે માણસ ગાયબ થઈ જાય, યુ નૉ? એ પણ એન્ટિ રેડિયેશન થેરપીના ભાગરૂપે. ‘મિસ્ટર ઇન્ડિયા’ લાલ રંગમાં દેખાતો હતો, તો અહીં ‘મિસ્ટર એક્સ’ બ્લ્યુ રંગમાં દેખાય છે (કદાચ ઈમરાન હાશ્મી હશે એટલે?). તેમ છતાં એ અરીસામાં દેખાય છે, બોલો? અને શા માટે ગાયબ થાય છે, એ ક્યારે દેખાય છે, વારેવારે લબુકઝબુક શું કામ થાય છે એની કોઈ ચોખવટ જ નહીં. વળી, એ ગાયબ થયા પછી પોતાના દુશ્મનોની ગેમ બજાવવા નીકળ્યો હોય, ત્યારે એક ઝાટકે ગેમ ઓવર કેમ નહીં કરતો હોય? અરે, એક તરફ કહે છે કે આ નમૂનો સૂર્યના તડકામાં દેખાશે, પણ અગાઉ આખા મુંબઈમાં હડિયાપટ્ટી કરતી વખતે એ દેખાતો નથી. કેમ ભઈ? આ ઉપરાંત બીજા ઘણા સવાલો તમારા મગજમાં વરસાદી દેડકાંની જેમ સતત કૂદાકૂદ કરતા રહે. જેમ કે, દાઝેલો માણસ ટકોમુંડો થઈ જાય, અને પછી ફરી પાછા ઇન્સ્ટન્ટ્લી વાળ ઊગી નીકળે? (તો તો ટાલિયાઓએ આ દવા અજમાવવા જેવી.) એય ફેર એન્ડ હેન્ડસમ ત્વચા સાથે? માત્ર તડકાનું રિફ્લેક્શન મારવાથી ફાયર એલાર્મ કઈ રીતે વાગવા માંડે? બોમ્બ બ્લાસ્ટ થવાને દસેક સેકન્ડ બાકી હોય અને હીરો-હિરોઇન ‘મુઝસે પ્યાર કરતી હો કે નહીં?’ ટાઇપની લપ માંડે? એન્ટિ ટેરરિસ્ટ ડિપાર્ટમેન્ટમાં રહેલી ‘જાંબાઝ’ ઑફિસર એક તરફ ફર્ઝ-કાનૂનની પીપુડી વગાડે અને બીજી તરફ બ્લાસ્ટ થનારી બસમાં ઘાયલ પડેલા માણસને બચાવવાનો ઇનકાર કરી દે? એ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને શા માટે નહાય છે? વળી, આશ્ચર્યોનો પણ પાર નથી. એન્ટિ ટેરરિસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાને લીધે હોય કે કેમ તે ખબર નહીં, પણ હિરોઇનને હીરોનો જરા સરખો હાથ અડકી જવા માત્રથી તેને સૂંઘીને સ્નિફર ડૉગની જેમ ખબર પડી જાય છે કે આ તો મારો કહ્યાગરો કંથ જ છે. આખી ફિલ્મમાં બધા ‘ગોલી માર દૂંગા’ની ધમકી આપે છે, કોઈ મારતું નથી.

ખરેખર તો આ ફિલ્મ લવસ્ટોરી છે કે રિવેન્જ ડ્રામા છે, કે પછી સાયન્સ ફિક્શન છે કે ફેન્ટેસી છે કે પછી બીજું કંઈક છે, એ વિશે તો વિક્રમ ભટ્ટ પોતે જ કન્ફ્યુઝ હશે. એમને આવી ફિલ્મો બનાવવાના પૈસા ક્યાંથી મળી જાય છે એ માટે ‘બ્યોમકેશ બક્ષી’ને કામ સોંપવું પડે તેવું છે. કેમ કે, એક તો ફિલ્મનો ફર્સ્ટ હાફ ડિટ્ટો શાહરુખ ખાનની ‘બાદશાહ’ ફિલ્મ જેવો જ છે (તે ‘બાદશાહ’ પોતેય ‘નિક ઑફ ટાઇમ’ નામની હૉલીવુડ ફિલ્મની કૉપી હતી. કોના વખાણ કરવા?). જ્યારે સૅકન્ડ હાફમાં અદૃશ્યતાની બાલિશ ભેળપુરી છે, જેને જોઇને ‘પોગો’ ચેનલ જોતું નાનું બચ્ચું પણ ઇમ્પ્રેસ ન થાય.

નથી ફિલ્મમાં કોઇનીયે એક્ટિંગમાં કશાં ઠેકાણાં. ઇમરાન હાશ્મીનું તો સમજ્યા કે એણે ‘વિશેષ ફિલ્મ્સ’ની મુવીમાં વ્યવહાર સાચવવા કામ કરવું પડે. પરંતુ હિરોઇન અમાયરા કે અરુણોદય સિંહ પણ અત્યંત સિલી લાગે છે. આ ફિલ્મમાં પેલો ‘એઆઇબી’ના વીડિયોવાળો જાડિયો તન્મય ભટ પણ છે, પરંતુ એ આખી ફિલ્મમાં ‘રઘુભાઈ રઘુભાઈ’ની જ માળા જપ્યા કરે છે. ગણીને એક ગીત (‘તૂ જો હૈ તો મૈં હૂં’) સહન થાય એવું છે, પણ એય તમે ધ્યાન દઇને સાંભળો તો ‘એક વિલન’ના ‘તેરી ગલિયાં’ની જ યાદ અપાવે.

તમેય ગાયબ થઈ જાઓ

પરાણે થ્રીડી કરેલી આ ફિલ્મ જોવાનું એક પણ કારણ જડતું નથી. તેમ છતાં તમે ઇમરાન હાશ્મીના ફૅન હો અને ભૂલેચૂકેય આ ‘મિસ્ટર એક્સ’માં સલવાઈ ગયા, તો તેને સહન કરવાની એક જ ટ્રિક છે. આ ફિલ્મને કોમેડી ફિલ્મ તરીકે જુઓ. પછી જુઓ કે, ‘મૈં ગાયબ હો ગયા હૂં ઔર બચ્ચે ભી નહીં પૈદા કર સકતા’ કે ‘જો લોગ ગાયબ હોતે હૈ, ક્યા ઉન્હેં નહાને કી ઝરૂરત પડતી હોગી?’ જેવા ડાયલોગ્સ સાંભળીને તમને જે હસવું આવે છે. સીધી વાત છે, આ ફિલ્મ જોવા કરતાં વિશેષ ફિલ્મના દાદાજી અને પ્યોર ગુજરાતી એવા નાનાભાઈ ભટ્ટે બનાવેલી આવા જ વિષય પરની ‘મિસ્ટર એક્સ’ અને ‘આધી રાત કે બાદ’ જુઓ, કે પછી ઑલ ટાઇમ ગ્રેટ એવી ‘મિસ્ટર ઇન્ડિયા’ ફરી એકવાર જોઈ પાડો. નહીંતર, આ ફિલ્મ જોયા પછી તમે એવું પૂછતા ફરશો કે આવી ભંગાર ફિલ્મો બનાવનારાઓ પાસેથી ગ્રાહક સુરક્ષા હેઠળ પૈસા પાછા માગી શકાય ખરા?

રેટિંગઃ (ઝીરો સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s