એક પહેલી લીલા

ત્રાસલીલા

***

કમનીય કાયાના કામણમાં કેદ કશ્મકશની કંટાળાજનક કથા.

***

ek-paheli-leela_poster_goldposter_com_1એક જ્યુસી સત્ય એવું છે કે સની લિયોની તરીકે ઓળખાતી ભૂતપૂર્વ પોર્નસ્ટાર અને અત્યારની ફિલ્મસ્ટારની ફિલ્મ હોય એટલે મોટાભાગની પબ્લિકને ફિલ્મમાં ઓછો ને એનાં શરીરનાં વળાંકોમાં વધારે રસ હોય છે. એવી ફિલ્મ બનાવનારા પણ આ સત્યથી પૂરેપૂરા વાકેફ છે. એટલે જ તેઓ લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે સનીની કાયાનો લોહચુંબકની જેમ ઉપયોગ કરે છે. પરંતુ સતત બે-અઢી કલાક સુધી એની કાયા પર કેમેરો ફરતો રહે એવી ફિલ્મો ખૂફિયા સર્ક્યુલેશનમાં ચાલે, મોટા પડદા પર નહીં. એટલે સની લિયોનીની આસપાસ થોડાંઘણાં કપડાં અને નછૂટકે જરાતરા સ્ટોરી પણ ભભરાવવી પડે છે. ‘એક પહેલી લીલા’ નામની આ અઠવાડિયે રિલીઝ થયેલી ડિરેક્ટર બોબી ખાનની ફિલ્મમાં પણ સ્ટોરી ભભરાવી છે, એ પણ બબ્બે જન્મની. ફિલ્મ પણ બે ભવ વીતી ગયા હોય એટલી જ લાંબી અને ત્રાસદાયક લાગે છે.

એક ભવમાં બે ભવનો અનુભવ

મુંબઈના એક સંગીતકાર કરન (જય ભાનુશાળી)ને રોજ રાત્રે કોઇક ચાબુકથી ફટકારતું હોય એવાં સપનાં આવે છે અને ઊંઘમાં એ ‘લીલા… લીલા’ નામની બૂમો પાડે છે. જ્યારે લંડનની મૉડલ મીરાં (સની લિયોની)ને અંધારાનો ને સાંકડી જગ્યાઓનો ડર છે. કરન પોતાના ભયનો ઇલાજ કરાવવા માટે ડૉક્ટરને બદલે એક બાબાજી પાસે જાય છે, જે એના કપાળ પરની અદૃશ્ય ચાંપ દબાવીને શોધી કાઢે છે કે આજથી ત્રણસો વર્ષ પહેલાંની એક અધૂરી વાર્તાનો એ હિસ્સો છે. બાબાજી પોતાની નાડીવિદ્યાના ડેટાબેઝમાંથી માહિતી આપે છે કે ત્રણસો વર્ષ પહેલાં પણ એક લીલા નામની સની લિયોની હતી, જેની કાયાના કામણમાં ફસાઈને એક શિલ્પકાર ભૈરવ (મુકુલ દેવ)એ ખૂન કી નદિયાં બહાવી કાઢેલી. એ લોહિયાળ વાર્તેની સિક્વલ પૂરી કરવા કરણ જોધપુર જાય છે. ત્યાં સુધીમાં લંડનની મૉડલ મીરાં પણ એક ફોટોશૂટ માટે જોધપુર આવે છે અને ત્યાંના પ્રિન્સ રણવીર સિંહ (મોહિત અહલાવત) સાથે ઠરીઠામ થઈ જાય છે. આટલું થાય ત્યાં સુધીમાં પોણો ડઝન ગીતો, સની લિયોનીનું ત્વચાપ્રદર્શન, કારણ વિનાની મગજમારી, વલ્ગર જોક્સ અને એક રાયના દાણા જેવડું સિક્રેટ પણ ખૂલે છે. પરંતુ જો આટલો સમય તમે જોગિંગ કર્યું હોત તો પણ તમને ઓછો થાક લાગ્યો હોત.

ધ સની લિયોની શૉ

‘એક પહેલી લીલા’ ફિલ્મ બનાવવાનો હેતુ સ્પષ્ટ છેઃ સની લિયોનીની લીલા બતાવો અને એનું નામ સાંભળીને સિસકારા બોલાવતા એના ચાહકોને થિયેટર સુધી ખેંચી લાવો. અને એના ચાહકોની સંખ્યા પણ નાનીસૂની નથી. એ ચાહકોને ઠેકઠેકાણેથી ગલગલિયાં કરાવવા માટે સનીની કાયાના તમામ ખૂણાખાંચરા પર કેમેરા ફરી વળે છે. લગભગ બધા જ સીનમાં એનો ક્લિવેજ દેખાય તેનું ખાસ ધ્યાન રખાય છે. ઇવન ત્રણસો વર્ષ પહેલાંની લીલા પણ એવાં ટૂંકાં કપડાં પહેરે છે કે અત્યારના સ્વિમિંગ કોશ્ચ્યુમ જ જોઈ લો. વળી, સની લિયોનીનું ફોટો શૂટ હોય કે તેની પીઠી ચોળવાની હોય, એની મૂર્તિ બનાવવાની હોય કે પછી એના ટ્રેડમાર્ક જેવાં ઉત્કટ પ્રણયદૃશ્યો હોય, બધું જ અહીં એટલા માટે છે જેથી એવું બધું જોવા આવેલા લોકોની આંખોને ટાઢક થતી રહે. એટલે સુધી કે ફિલ્મની શરૂઆતમાં ખુદ સનીના મોઢે જ ડાયલોગ મુકાયો છે, ‘ગ્લેમર ઇન્ડસ્ટ્રી મેં સક્સેસ કા શોર્ટકટ હૈ, શોર્ટ સ્કર્ટ.’ લેકિન ઝાઝા ઉત્સાહી થવાની જરૂર નથી. કારણ કે હવે સેન્સર બૉર્ડના ચીફ પાપા પહેલાજ નિહલાની છે. એમણે એવાં કડક ફિલ્ટર બેસાડ્યાં છે કે ‘એ’ સર્ટિફિકેટ ધરાવતી સની લિયોનીની ફિલ્મમાં પણ ખાસ કશું છટકવા દેતા નથી.

વળાંકની પેલે પાર

તો પછી એ સિવાય ફિલ્મમાં છે શું? પહેલો જવાબ છે, ઢગલાબંધ ગીતો. તમારી જરાય દયા ખાધા વિના માલગાડીની જેમ એક પછી એક કુલ નવ ગીતો આવ્યાં જ કરે છે. એમાંય બે તો રિમિક્સ (‘ઢોલી તારો ઢોલ બાજે’ અને સોનુ નિગમનું ‘દીવાના તેરા’) છે. ચીલાચાલુ ગીતો અને જાણે આપણે થિયેટરમાં રાતવાસો કરવા આવ્યા હોઇએ એ રીતે ધીમે ધીમે ચાલતી ફિલ્મને કારણે છેક અઢી કલાક પછી તમારો છૂટકારો થાય છે. એક્ચ્યુઅલી, આ આખી ફિલ્મ કોઈ લાં…બા વીડિયો આલબમ જેવી વધારે લાગે છે.

બીજો જવાબ છે, કંગાળ એક્ટિંગ. આમ તો જેની પાસેથી સારી એક્ટિંગની અપેક્ષા રાખી શકાય એવું કોઈ ફિલ્મમાં છે જ નહીં. સની લિયોનીની અમુક પ્રકારની ફિલ્મો જોવા ટેવાયેલા લોકો પણ (ભલે ખાનગીમાં) કબૂલશે કે એ જ્યારે બોલવા માટે મોઢું ખોલે ત્યારે પૈસા પડી જાય છે. એ હદની કૃત્રિમ લાગે છે. બાકીના કલાકારોમાં મોહિત અહલાવત અને જસ અરોરા છે. હવે આ બંનેનું પહેલાં તો ઇન્ટ્રોડક્શન આપવું પડે તેવું છે. મોહિત અહલાવતને રામ ગોપાલ વર્મા ક્યાંકથી પકડી લાવેલા અને ‘જેમ્સ’ જેવી ફિલ્મમાં લીધેલો. જસ અરોરાએ છૂટક વીડિયો આલબમ્સ અને એકાદ દાયકા પહેલાંની ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મમાં તો એ દાઢી લગાવીને ડિટ્ટો ગુલશન ગ્રોવર જેવી જ સ્ટાઇલો મારે છે. આ ત્રણેય કલાકારો જાણે રાજસ્થાનના રણમાં ‘સિયારામ્સ શૂટિંગ સર્ટિંગ્સ’ અને ‘ગાર્ડન વરેલી’ની જાહેરખબરોનું શૂટિંગ કરતા હોય એ જ રીતે અહીંથી તહીં ફર્યા કરે છે. આપણો ગુજરાતી જય ભાનુશાળી દેખાવે ક્યુટ છે, પણ આપણે ઓવારણાં લેવા માંડીએ એવી એક્ટિંગને હજી ઘણું છેટું છે. હા, હજી મુકુલ દેવ પણ ફિલ્મમાં બિરાજમાન છે, જેણે પોતાની બધી ફિલ્મો જેવા જ કારણ વિનાના વિલનવેડા કર્યા છે. વચ્ચે વચ્ચે અહેસાન કુરેશી નામના કોમેડિયન પણ આવે છે, જે એટલા ગંદા જોક્સ કરે છે કે છૂટ્ટો ખાસડો મારવાનું મન થાય.

ઇન શૉર્ટ

આ ફિલ્મ જોવા જતાં પહેલાં તમારી જાતને સવાલ પૂછોઃ શું તમે સની લિયોનીના ફૅન છો? ભલે રસકસ વિનાની હોય, પણ પુનર્જન્મની વાર્તાઓ તમને ગમે છે? દર થોડી વારે સ્પીડબ્રેકરની જેમ આવી જતાં ગીતો તમે બર્દાશ્ત કરી શકો છો? નબળી-કૃત્રિમ એક્ટિંગ, ગંદા સંવાદો, પ્રેક્ષકોમાંથી ઊઠતી ગલીચ કમેન્ટ્સ વગેરે બધું જ સહન કરવાની અસીમ શક્તિ કુદરતે તમારામાં મૂકી છે? જો બધા જ સવાલોના જવાબો ‘હા’માં મળે તો આ ફિલ્મ જોવા જજો અને સાથોસાથ આવતા વર્ષના બહાદૂરી પુરસ્કાર માટે પણ તમારું નોમિનેશન મોકલી આપશો.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s