Hunterrr

કોઈની આંખમાં સાપ રમે

***

થોડી કાપીને, વધુ સારી રીતે લખીને પછી જો આ ફિલ્મને એડલ્ટ કોમેડી તરીકે રજૂ ન કરાઈ હોત તો તે આવા અધકચરા પ્રયત્નમાંથી બચી ગઈ હોત.

***

hunterrrકહે છે, ‘સેક્સ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સેલેબલ પ્રોડક્ટ ઇન ધ વર્લ્ડ.’ તમારી ફિલ્મમાં દ્વિઅર્થી ડાયલોગ, ઉઘાડાં શરીરે ફરતી યુવતીઓ, બેડરૂમ સીન વગેરે નાખો એટલે લોકો થિયેટર સુધી ચુંબકની જેમ ખેંચાઈ આવશે એવું માનવામાં આવે છે. પરંતુ ક્યારેક આનાથી ઊલટું પણ થાય. ટ્રેલર જોઇને ફિલ્મ પર સેક્સ કે એડલ્ટ કોમેડીનો સિક્કો લાગી જાય એટલે મોટેભાગે જનરલ ઑડિયન્સ ફિલ્મથી દૂર રહે. જ્યારે થિયેટરમાં ગયા પછી ખબર પડે કે અલ્યા, આ તો છેક નાખી દીધા જેવી ફિલ્મ નથી. અગાઉ ‘મસ્તરામ’ અને ‘બી.એ. પાસ’ જેવી ફિલ્મોમાં એવું જ થયું હતું. હવે આવી છે લેખક-દિગ્દર્શક હર્ષવર્ધન કુલકર્ણીની ‘હન્ટર’. ભલે સેક્સ મેનિયાક યુવાનની વાત હોય, પરંતુ આ ફિલ્મ એડલ્ટ કોમેડી તો નથી જ.

કામદેવતાની આરાધના

મંદાર પોંક્શે (ગુલશન દેવૈયા) એક કામી, કામુક, કામાંધ, કામાતુર ટાઇપનો યુવાન છે, જેને મન સ્ત્રીમાત્ર સેક્સને પાત્ર એવું સમીકરણ જ ફિટ થયેલું છે. પોતે ભોગવેલી સ્ત્રીઓ વિશે એ ખંધુ સ્મિત વેરીને કહે છે, ‘હું તો હન્ડ્રેડ નોટઆઉટ છું.’ પોતાનાં આ જાતીય પરાક્રમોમાં એણે ઘણી વાર માર ખાધો છે અને ઠેકઠેકાણેથી હાંકી કાઢવામાં આવ્યો છે. આખરે એક તબક્કે થાકી હારીને એ ઠરીઠામ થવા માટે અરેન્જ્ડ મેરેજની શરણે જવાનું વિચારે છે. ત્યારે એની મુલાકાત થાય છે, તૃપ્તિ ગોખલે (રાધિકા આપ્ટે) સાથે. તૃપ્તિ પણ ભૂતકાળમાં પ્રેમસંબંધોના વિચ્છેદથી કંટાળીને હવે લગ્નપ્રથાની શરણે જઈ રહી છે. હવે સવાલ એ છે કે બંનેના ભૂતકાળ એમના વર્તમાનની વચ્ચે ફાચર મારશે?

તમે કઈ તરફ છો?

પહેલી વાત, આ ફિલ્મના પ્રોમો ભલે ગમે તે કહેતા હોય, ભલે તેને સેન્સર બૉર્ડે પુખ્ત વયનાઓ માટેનું ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હોય, પરંતુ આ ફિલ્મમાં ભાગ્યે જ કોઈ દ્વિઅર્થી સંવાદ છે. ઇવન જેને સેક્સ સીનની કેટેગરીમાં મુકાય એવું પણ એક જ દૃશ્ય છે (કદાચ બાકીનું બધું સેન્સર બૉર્ડનો કોપ ઊતરવાને કારણે કપાઈ ગયું હોય તો કહેવાય નહીં).

પ્રોબ્લેમ તમે આ પ્રકારની ફિલ્મોને કયા એન્ગલથી જુઓ છો ત્યાંથી શરૂ થાય છે. જો તમને સ્ત્રીઓને સેક્સ ઑબ્જેક્ટ તરીકે જોતાં અને માત્ર બે સાથળની વચ્ચેથી જ વિચારતા પુરુષોની વાર્તાથી ત્રાસ છૂટતો હોય, તો આ ફિલ્મ જોઇને તમારા મગજની નસો ફાટફાટ થવા માંડશે. કેમ કે, અહીં દિગ્દર્શકે એકદમ પુરુષના જ એન્ગલથી બતાવ્યું છે કે દેખાવમાં સીધોસાદો દેખાતો હીરો કોઇપણ સ્ત્રીની સામે જોવામાત્રથી, એકાદી ફાલતુ લાઇન ફેંકીને અથવા તો સીધા શારીરિક ચેનચાળાં કરીને તેમને પોતાની સાથે સેક્સ માણવા તૈયાર કરી દે છે. તમને એવો પણ સવાલ થશે કે આ તો દિગ્દર્શકે ઊભું કરેલું ગંદી માનસિકતાવાળું વિશ્વ છે, જેમાં સ્ત્રીઓ એટલી ડફોળ હોય કે પહેલીવાર મળતા પુરુષની સાથે એક હૉટેલના રૂમ સુધી આવવા તૈયાર થઈ જાય? કે એક માતા પોતાના દીકરાની હાજરીમાં પરપુરુષને ઘરે આવવા દે? રિયલ લાઇફમાં આવું કરતો પુરુષ ભટકાઈ જાય, તો એને સ્ત્રીઓ પોતે જ બરાબરનો મેથીપાક જમાડે. અને વળી કંઈ બધી સ્ત્રીઓ સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ હોય અને સેક્સ માટે અવેલેબલ હોય એવું માની લેવાની છૂટ દિગ્દર્શકને કોણે આપી? એટલે સુધી કે પોર્ન કોમિક્સ ‘સવિતાભાભી’ જેવી એક ગૃહિણી પણ અહીં હોય અને એવી એક સ્ત્રીનું નામ પણ હીરોએ ‘સવિતાભાભી’ તરીકે મોબાઇલમાં સેવ કર્યું હોય? જીવનમાં નૈતિકતા જેવું કંઈ હોય કે નહીં? હરિ હરિ.

હવે વાતનો બીજો એન્ગલ. અહીં ફિલ્મનો હીરો દૂધે ધોયેલો નથી. તો સામે પક્ષે હિરોઇન પણ ભૂતકાળમાં શારીરિક સંબંધોમાંથી પસાર થઈ ચૂકી છે. આ હકીકત સામે બંનેમાંથી એકેયને ફરિયાદ નથી. ઊલટું, બંને કોરી પાટી સાથે લગ્નજીવન શરૂ કરવા તૈયાર છે. ઇન્ટરવલ પછી હીરો-હિરોઇનની એક જોવાની મજા પડે એવી લવસ્ટોરી શરૂ થાય છે.

ઉપરથી ડિરેક્ટરે ફિલ્મને ખાસ્સો રિયલિસ્ટિક ટચ આપ્યો છે. એક તો નેવુંના દાયકામાં મોટાં થતાં બાળકોની કિશોરાવસ્થાને ડિરેક્ટરે જરાય શરમ રાખ્યા વગર ઝીલી છે. કુતૂહલથી પ્રેરાઈને એક ટીનેજર સસ્તી સોફ્ટ પોર્ન ફિલ્મ જોવા જાય-પકડાય, હસ્તમૈથુન કરે, સ્કૂલની છોકરીઓને તાક્યા કરે અને ફ્રેન્ડશિપ કરે એ બધામાં ક્યાંય કૃત્રિમતા દેખાતી નથી. ઉપરથી વીતેલા બે દાયકાનું વિશ્વ આંખ સામે આળસ મરડીને બેઠું થઈ જાય, જેમાં ઑરિજિનલ અગ્નિપથ હોય, ઑડિયો કસેટ્સ હોય, લુના-પેજર હોય તથા અલતાફ રાજા અને બપ્પી લાહિરીનાં ગીતો હોય. ડિરેક્ટર પોતે પુણેની ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ’માં ભણેલા છે એટલે એમણે એને દરવાજો અને હોસ્ટેલની અંદરનાં દૃશ્યો બતાવીને પોતાનું ઋણ ઉતાર્યું છે.

પરંતુ આખી ફિલ્મ પર મરણતોલ ફટકો મારે છે એની ભયંકર ધીમી ગતિ. લગભગ અઢી કલાકની આ ફિલ્મની પહેલી કલાક તો હીરોની કામુકતાની દાસ્તાન કહેવામાં જ જાય છે. હા, એમાં હસવું આવે છે, પણ મોટે ભાગે છૂટક ભવાડાઓની હારમાળામાંથી. ઉપરથી આખી ફિલ્મ સતત વર્તમાન, ભૂતકાળ અને ચાર-છ મહિના પહેલાંના ભૂતકાળની વચ્ચે શટલકોકની જેમ ઝૂલ્યા કરે છે. એક તબક્કે તો આપણે ભૂલી જઇએ કે ભઈ, એક્ઝેક્ટ્લી આ વાર્તા કયા સમયમાં ચાલી રહી છે. વાર્તાની ગતિને ધીમી પાડતા અને ફિલ્મને ચ્યુઇંગગમની જેમ ખેંચતા અમુક સબપ્લોટ પણ હન્ટરની જેમ વાગે છે. ઇવન ઘણી બધી જોક્સ પણ યોગ્ય ટાઇમિંગના અભાવે કિલ થઈ ગઈ છે.

‘હન્ટર’ ફિલ્મના સેક્સ મેનિયાક હીરો ગુલશન દેવૈયાને આપણે અગાઉ ‘શૈતાન’ અને ‘રામલીલા’માં જોઈ ચૂક્યા છીએ. અહીં એ બબુચક છતાં કામાંધ યુવાનના રોલમાં એકદમ ફિટ લાગે છે. એવું જ ફિલ્મની મુખ્ય અભિનેત્રી રાધિકા આપ્ટેનું છે. એક સ્વતંત્ર, સંવેદનશીલ, લવેબલ યુવતી તરીકે એકદમ લાઇવ લાગે છે. કંટાળેલી ગૃહિણી ‘જ્યોત્સના’ તરીકે મરાઠી અભિનેત્રી સઈ તામ્હણકર એકદમ પરફેક્ટ કાસ્ટિંગ છે. એણે માત્ર આંખોના ઇશારાથી પણ વાસનાનાં સાપોલિયાં સળવળતાં બતાવી દીધાં છે.

મોરાલિટી કે ગિલ્ટી પ્લેઝર?

આગળ કહ્યું એમ તમે જો નૈતિકતાનાં ચશ્માં પહેરીને આ ફિલ્મ જોવા જશો તો દુઃખી જ થવાના છો. પરંતુ આ સંસારની એક લીલાના ભાગરૂપે આ ફિલ્મને લેશો તો થોડા ઓછા દુઃખી થશો, પણ બહુ ઝાઝા ખુશ નહીં થાઓ એ હકીકત છે. ટૂંકમાં, થિયેટર સુધી લાંબા થવાની જરૂર નથી. ડીવીડી બહાર પડે ત્યારે વાત.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s