NH 10

અહીંથી જવાય નરક તરફ

***

આપણા સમાજનો કદરૂપો ચહેરો બતાવતી આ ધીમી, પ્રીડિક્ટેબલ ડાર્ક થ્રિલર મુઠ્ઠીભર વિવેચકોને વધારે પસંદ આવશે.

***

nh10-posterઆપણો દેશ વિરોધાભાસોથી ભરચક છે. હાઇરાઇઝ બિલ્ડિંગોની આસપાસ ઝૂંપડપટ્ટીઓ ઊભરાતી હોય છે અને આધુનિકતાની ચાડી ખાતા ચકાચક શૉપિંગ મૉલની ચમકદમક પૂરી થાય, ત્યાં આઝાદ ભારતનું એક પછાત કાયદાવિહોણું જંગલ ખદબદતું હોય છે. આપણી આ સામાજિક કુરુપતા બતાવતી ક્રૂર ડાર્ક થ્રિલર ફિલ્મ ‘એનએચ ૧૦’ (નેશનલ હાઇવે નં. ૧૦)થી અભિનેત્રી અનુષ્કા શર્મા પ્રોડ્યુસર બની છે. ડિરેક્ટર નવદીપ સિંઘ આપણને હરિયાણાના એવા પુરુષ આધિપત્ય ધરાવતા વિસ્તારમાં લઈ જાય છે, જ્યાં સ્ત્રીઓને એક વસ્તુથી વિશેષ નથી સમજવામાં આવતી. આ વાત આપણને અત્યંત ઘાતકી રીતે બતાવવામાં આવે છે. પરંતુ આ વાસ્તવિકતાના નામે અત્યંત ધીમી ગતિએ લગભગ આખી ફિલ્મમાં જે કંઈ બને છે એ આપણે અગાઉ અનેક ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ.

ડેડ એન્ડ

મીરાં (અનુષ્કા શર્મા) અને અર્જુન (નીલ ભૂપાલમ) દિલ્હી-ગુડગાંવનું અર્બન કપલ છે. બંને નોકરી કરે છે અને ચિક્કાર કમાય છે. દિલ્હીની વરવી વાસ્તવિકતાના એક ખરાબ અનુભવ પછી બંને નક્કી કરે છે કે શહેરથી દૂર એક રિસોર્ટમાં જઇને થોડા ફ્રેશ થઈ આવવું. પરંતુ હરિયાણામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-૧૦ પર એ જુએ છે કે એક ભાગી છૂટેલા કપલની પાછળ એનો ભાઈ (‘મૅરી કોમ’ ફેમ દર્શન કુમાર) અને તેના ગુંડાઓ પડ્યા છે. એ ઝઘડામાં વચ્ચે પડવાનું એવું કરુણ પરિણામ આવે છે કે મીરાં અને અર્જુનની જિંદગીની આ સૌથી ગોઝારી રાત થઈ પડે છે.

હાઇવે ટુ હેલ

ડિરેક્ટર નવદીપ સિંહે ૨૦૦૭માં ‘મનોરમા સિક્સ ફીટ અન્ડર’ જેવી સસ્પેન્સ થ્રિલર ફીલ્મ બનાવેલી. એ ફિલ્મમાં નવદીપે રાજસ્થાનનો આબેહૂબ ખરબચડો માહોલ ખડો કરેલો. અહીં એમણે સ્ત્રીઓ માટે અંધારિયા ખંડ જેવા હરિયાણાનો ઘાતકી ચહેરો બતાવ્યો છે. સામાન્ય રીતે થ્રિલર ફિલ્મમાં એક પછી એક ઘટનાઓ એટલી ઝડપથી બનતી રહેતી હોય છે કે આપણને વિચારવાનો મોકો જ ન મળે. જ્યારે અહીં ફિલ્મનાં પાત્રો ગાડીઓમાં ફરે છે, પણ સ્ટોરી બળદગાડાની રફ્તારથી આગળ વધે છે. જાણે કે ફિલ્મ રિયલ ટાઇમમાં આગળ વધતી હોય, એમ રાત પૂરી થવાનું નામ જ લેતી નથી. વધારે અકળામણ  ત્યારે થાય, જ્યારે ખાસ કશું બન્યા વગર બસ પકડદાવ જ ચાલ્યા કરે. ઇવન છેક સુધી કોઈ મોટા ટ્વિસ્ટ આવતા નથી કે છાપ છોડી જાય એવાં કોઈ પાત્રો પણ ઇન્ટ્રોડ્યુસ થતાં નથી. યાદ રહી જાય એવા કોઈ ચોટદાર ડાયલોગ પણ આપણને સાંભળવા મળતા નથી.

કદાચ ફિલ્મમેકરે નક્કી કર્યું હશે કે આપણે એકદમ ડાર્ક થ્રિલર ફિલ્મ જ બનાવવી છે. એટલે એક પ્રેક્ષક તરીકે દિમાગની નસો ખેંચાઈ જાય પણ આપણને રાહત મળે એવું કશું જ ન બને. ઊલટું, પરિસ્થિતિ વધુ ને વધુ બદતર થતી જાય. પરંતુ એમાંય લોચો એ છે કે ફિલ્મની મુખ્ય વાર્તા જ્યારે શરૂ થાય, ત્યારે આપણા મગજના કોઈ ખૂણે અંદેશો આવી જાય કે ખરાબમાં ખરાબ સ્થિતિમાં કંઇક આવું બનશે. અને ડિટ્ટો એવું જ થાય. એટલે આખી ફિલ્મને રિયલિસ્ટિક ટચ આપ્યા પછીયે અંતે તો આખી વાર્તા પ્રીડિક્ટેબલ ફિલ્મીના ખાનામાં જ જઇને પડે છે. ઓછામાં ઓછા ડાયલોગ, મિનિમમ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને અજાણ્યા લોકોના ચહેરાના ક્લોઝ અપ ભયનું વાતાવરણ જરૂર ખડું કરી દે છે, પરંતુ એનું વારંવારનું રિપીટેશન અકળાવવા લાગે છે.

તેમ છતાં ૧૧૩ મિનિટની આ ફિલ્મ પર વિવેચકો અને સમાજનો વિચારતો વર્ગ ઓવારી જાય તેવું પાસું છે તેમાં ઉઠાવાયેલા મુદ્દા. સૌથી ક્રૂર મુદ્દો છે ઑનર કિલિંગ, જેના માટે હરિયાણા દેશભરમા કુખ્યાત છે. એ સિવાય ધ્યાનથી જુઓ તો તમને અમીર-ગરીબ, શહેર-ગામડા વચ્ચે વધતી ખાઈ, અમીરો પ્રત્યેની ઘૃણા, સ્ત્રીઓને એક વસ્તુ અને સેક્સ સિમ્બોલ ગણી લેવાની આપણી માનસિકતા, નોકરી કરતી, સિગારેટ પીતી, સ્વતંત્ર રીતે નિર્ણયો લેતી સ્ત્રીઓને ચારિત્ર્યહીન ગણી લેવાની આપણી હલકી વૃત્તિ, ડોમેસ્ટિક વાયોલન્સ અને વારસામાં ઊતરતા એના સંસ્કારો, જીવ કરતાં પણ જાત-બિરાદરી-કોમને વધારે મહત્ત્વ આપતા લોકો, પ્રાંતવાદ અને બીજા રાજ્યમાંથી આવેલા લોકો પ્રત્યે ડોકાતો અણગમો… આ બધું પણ રાઇટર સુદીપ શર્મા અને ડિરેક્ટર નવદીપ સિંઘે બખૂબી વાર્તામાં વણી લીધું છે.

પરંતુ આટલા બધા ઇશ્યૂ એકસાથે ઉઠાવવાની લાલચમાં ફિલ્મનાં બધાં જ પાત્રો બ્લેક એન્ડ વ્હાઇટ બની ગયાં છે. પોલીસ અને ગુંડા વચ્ચે કોઈ જ ફરક ન હોય, ગામડાંના લોકો તો શહેરીઓને એલિયન સમજીને કોઈ મદદ જ ન કરે, રિયલ ઇન્ડિયામાં તો જંગલરાજ જ ચાલે છે, સ્ત્રી ભલે સરપંચ હોય પણ એય તે જાત-પાતથી દૂર ન રહી શકે વગેરે.

હા, પ્રોડ્યુસર તરીકે પહેલી જ ફિલ્મ હોવા છતાં અનુષ્કા શર્માએ કમાણી કરી આપતી પોપ્યુલર ફિલ્મ બનાવવાને બદલે આવી અઘરી ફિલ્મ પસંદ કરી તે બદલ એને દાદ દેવી પડે. ઇવન એણે એક્ટિંગમાં પણ મહેનત કરેલી દેખાય છે. ‘મૅરી કોમ’ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના આદર્શ પતિદેવ તરીકે મીઠડી ભૂમિકા ભજવનારા દર્શન કુમારે એવા કદરૂપા શૅડનું પાત્ર બખુબી નિભાવ્યું છે કે એ વિલન તરીકે એસ્ટાબ્લિશ થઈ જાય, તોય નવાઈ નહીં. અન્ય જાણીતા કલાકારમાં માત્ર દીપ્તિ નવલ છે, જેમને આવા રોલમાં જોઇને એમના ચાહકોને હળવો કરન્ટ લાગે તો નવાઈ નહીં.

એક વાત આપણા સૅન્સર બૉર્ડ વિશે પણ. અઢાર વર્ષથી ઉપરના લોકો એડલ્ટ માટેનું ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હોવા છતાં આ ફિલ્મમાં બધી ગાળો મ્યુટ કરી દેવાઈ છે. ઘણે ઠેકાણે શબ્દો પણ બદલી નખાયા છે. પરંતુ આ જ બધી વસ્તુઓ ટ્રેલરમાં છૂટથી બતાવાતી હતી. અને મ્યુટ કરાયેલાં અમુક શબ્દો પાછા ફિલ્મમાં લખેલા દેખાય. આ પ્રકારની ડબલ સ્ટાન્ડર્ડવાળી અને તર્કહીન સૅન્સરશિપનો કોઈ અર્થ ખરો?

ટોલ ટેક્સ ભરવો કે નહીં?

આ ફિલ્મ માત્ર એવા લોકોને જ ગમશે જેમને કોઈ રાહત વિનાની ‘નિયો નોઇર’ કહેવાતી ડાર્ક ફિલ્મો ગમતી હોય. અહીં હસવા માટેનો કોઇ સ્કોપ નથી, એકાદ-બે ગીત છે, જે પરાણે ઘુસાડેલાં લાગે છે. આ ફિલ્મ જોવા જવાની ઇચ્છા ન થાય તેનું સૌથી મોટું કારણ એ છે કે આખી ફિલ્મ એક નકારાત્મક, વિષાદમય નૉટ પર પૂરી થાય છે. અડધો ડઝન મુદ્દા ઉઠાવ્યા પછીયે ‘એનએચ ૧૦’ સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે કોઈ આશાનું કિરણ દેખાય એવી વાત કરતી નથી. ઊલટું એવો પણ વિચાર આવે કે કાયદો તો સ્ત્રીઓ માટે કશું કરી શકવાનો નથી, સ્ત્રીએ જ પોતાના હાથમાં બંદૂક કે લોખંડનો સળિયો ઊઠાવવો પડશે. હવે તમે જ નક્કી કરો કે થિયેટર સુધી લાંબા થવું કે નહીં.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s