ડર્ટી પિક્ચર

***

ચેતવણીઃ જો ભૂલેચૂકેય તમે આ ફિલ્મમાં ઘૂસી ગયા, તો તમને આત્મઘાતી વિચારો આવવાની પૂરેપૂરી શક્યતા છે. ઇવન ફિલ્મ જોઇને સાંગોપાંગ બહાર નીકળી જાઓ, તો પણ તમને રિહેબિલિટેશનની જરૂર પડી શકે છે.

***

dirty-politics-movie-posterઆમ તો મલ્લિકા શેરાવત શરીર ઢાંકવા માટે તિરંગો ઓઢીને લાલ બત્તીવાળી કાર પર બેઠી હોય એવું પોસ્ટર જોઇને જ ફિલ્મમાં કેવા પ્રકારની સામગ્રી હશે તેનો અછડતો ખ્યાલ આવી જાય. પરંતુ સવા બે કલાકની આ ફિલ્મ જોયા પછી આપણને પહેલો સવાલ એ આવે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આવી થર્ડ રેટ ફિલ્મ બને એ તો જાણે સમજ્યા, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધરખમ કલાકારોને આટલી રેઢિયાળ ફિલ્મમાં કામ કરવું પડે એવી તો કઈ મજબૂરી હશે?

સેક્સ-પોલિટિક્સનું ડર્ટી કોકટેલ

ઉત્તેજક ગીતો પર ડાન્સ કરતી એક નૃત્યાંગના અનોખી દેવી (મલ્લિકા શેરાવત) પર વયોવૃદ્ધ રાજકીય નેતા દીનાનાથ (ઓમ પુરી) ફિદા થઈ જાય છે. અનોખીની કાયાનાં કામણમાં કેદ થયેલા દીનાનાથ એને રાજકારણમાં ખેંચી લાવે છે. પરંતુ રાજકારણની કિંગમેકર બનવા લાગેલી અનોખીની વધતી દાદાગીરી દીનાનાથ બાબુને સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં મૂકી દે છે. એટલે બસ, એક દિન અચાનક અનોખી ગાયબ. સામાજિક કાર્યકર મનોજ સિંઘ (નસીરુદ્દીન શાહ)ના પ્રેશરથી આખો કૅસ સીબીઆઈને સોંપાય છે. સીબીઆઈના બાહોશ ઑફિસર સત્યપ્રકાશ મિશ્રા (અનુપમ ખેર) બે પોલીસ અધિકારી નિર્ભય સિંઘ (અતુલ કુલકર્ણી) અને નિશ્ચય સિંઘ (સુશાંત સિંઘ)ની મદદથી કૅસ સોલ્વ કરી નાખે છે. પરંતુ ત્યાં સુધીમાં તમે થિયેટરની બહાર ભાગી છૂટવાના રસ્તા શોધવામાં પડી જાઓ એવી સ્થિતિ આવી જાય છે.

આખિર ક્યોં?

આ ‘ડર્ટી પોલિટિક્સ’ ફિલ્મની શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ એટલા બધા એક્ટરોનો ઢગલો થઈ જાય છે કે આપણે મુંઝાઇને ટીકુ તલસાણિયા જેવો ડાયલોગ બોલી નાખીએ કે, ‘આખિર યે ક્યા હો રહા હૈ?’ જાણે એટીએમમાંથી ચલણી નોટો બહાર નીકળતી હોય એ રીતે ધડાધડ જૅકી શ્રોફ, અતુલ કુલકર્ણી, સુશાંત સિંઘ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, આશુતોષ રાણા, અનુપમ ખેર, રાજપાલ યાદવ, ગોવિંદ નામદેવ અને મલ્લિકા શેરાવત જેવાં કલાકારોનો ખડકલો થવા માંડે છે. એક સિમ્પલ સ્ટોરીને અલગ અંદાજમાં કહેવાની લાલચમાં ડિરેક્ટર કે. સી. બોકાડિયાએ ‘નોન લિનિઅર’ સ્ટાઇલમાં અધવચ્ચેથી સ્ટોરી શરૂ કરી છે, જે આપણા દિમાગમાં ઊતરવામાં થોડો ટાઇમ લગાડે છે. પરંતુ એક વાર સ્ટોરી સમજમાં આવ્યા પછી ક્લિક થાય છે કે અમાં યાર, આ વાર્તામાં નવું શું છે? અગાઉ પ્રકાશ ઝાની ‘રાજનીતિ’ જેવી  ફિલ્મમાં શ્રુતિ શેઠ અને અર્જુન રામપાલનાં પાત્રો વચ્ચે જોવા મળેલા એક ટાંકણીના ટોપકા જેવા નાનકડા ટ્રેકને અહીં ખેંચી-તાણીને પરાણે આખી ફિલ્મનું સ્વરૂપ આપી દેવાયું હોય એવું જ લાગે છે.

કહેવાય છે કે આ ફિલ્મ રાજસ્થાનનાં ભંવરી દેવી અને કોંગ્રેસી નેતા મહિપાલ મદેરણાના અશ્લીલ સીડીકાંડ પરથી બની છે. પરંતુ વાર્તાની દૃષ્ટિએ તેમાં કશું જ નવું નથી. ઉપરથી રાઇટર-ડિરેક્ટર કે. સી. બોકાડિયાની ટ્રીટમેન્ટ પણ એટલી જરી પુરાણી છે કે ક્યાંય એવું લાગતું જ નથી કે આ નવી ફિલ્મ છે. જાણે કૅબલ ટીવી પર કોઈ વાસી સસ્તી ભોજપુરી ફિલ્મ જોઈ રહ્યા હોઇએ એવી વાસ સતત ફિલ્મમાંથી આવ્યા કરે છે. તદ્દન નકલી લાગે એવી ફાઇટ, શરાબ-સુંદરી અને સત્તાના નશામાં રત રહેતા ભ્રષ્ટ નેતાઓ, ગુંડાઓ અને પોલીસ સાથે એમનું નેક્સસ, સાસ-બહુની સિરિયલો જેવા ઝૂમ અને ફ્રીઝ થઈ જતા શોટ્સ, તદ્દન નાટકીય અને શીખાઉ લાગે તેવી એક્ટિંગ… યકીન માનો, આ બધું જ આપણી ફિલ્મોમાંથી એક્સપાયરી ડેટ વટાવી ચૂક્યું છે.

સૌથી વધુ ગુસ્સો આપણને આલા દરજ્જાના અદાકારોને આ ફિલ્મમાં રાષ્ટ્રીય સંપત્તિની જેમ વેડફાતા જોઇને આવે. નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાને કોઈ નાની કોલેજના એકાંકીમાં બોલાતા હોય એ પ્રકારના શીખાઉ સંવાદો બોલતા જોઇને ચોખ્ખી ખબર પડે છે કે તેઓ આ ફિલ્મમાં જરાય ઓતપ્રોત નથી. આખી ફિલ્મમાં સતત પીધેલા લાગતા ઓમ પુરીને મલ્લિકા શેરાવત સાથે બેડરૂમ સીન આપતા કે એના પગના નખ રંગી દેતા જોઇને અરેરાટી થઈ આવે છે. માત્ર અમુક વર્ગના પ્રેક્ષકોને ગલગલિયાં કરાવવા માટે જ આવા સીન નખાયા છે એ ચોખ્ખી ખબર પડી જાય છે.

શટલકોકની જેમ અહીંથી તહીં ફંગોળાતી આ ફિલ્મમાં અતુલ કુલકર્ણી, સુશાંત સિંઘ, જેકી શ્રોફ કે રાજપાલ યાદવના ભાગે નક્કર કહી શકાય એવું કશું કામ આવ્યું નથી. આ ફિલ્મને થોડી ઘણી સહ્ય બનાવે છે અનુપમ ખેરની ‘અ વેન્સડે’ સ્ટાઇલની મારફાડ નો-નોનસેન્સ એક્ટિંગ અને વારેઘડીએ રંગબેરંગી કોટી પહેરતા મુચ્છડ આશુતોષ રાણા. અને હા, આટલા ધરખમ અદાકારો હોવા છતાં આ નબળી ફિલ્મને વેચવા માટે જેની જરૂર પડી એ મલ્લિકા શેરાવતને તો કેમ ભુલાય? વધારે પડતા મેકઅપમાં પણ મલ્લિકા હૉટ લાગે છે, પરંતુ એનું ગ્લેમર આ ડૂબતી ફિલ્મને તારી શકે એમ નથી. અરે, ઇન્ટરવલ પછી વીસેક મિનિટમાં પતી જાય એવી સ્ટોરીને એટલી બધી ખેંચીને છેક નોનસેન્સપુર નામના સ્ટેશન સુધી લઈ જવાઈ છે. જાણે ડિરેક્ટર આપણને ચેલેન્જ આપતા હોય, કે તાકાત હોય તો છેક સુધી બેસીને બતાવો તો જાણીએ.

દુઃખ સાથે નોંધવા જેવી બીજી એક વાત એ છે કે કથળી ગયેલી વર્તમાન પરિસ્થિતિના વર્ણન માટે હમણાંથી ગાંધીજીને વચ્ચે લાવવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. નોટ પરના ગાંધીજીને સંબોધીને કમેન્ટો પાસ કરીને કે બાપુના પૂતળા-તસવીર સામે અસામાજિક હરકતો થતી બતાવીને જાણે ગાંધીજી હવે વ્યર્થ છે એ બતાવવાનો અત્યંત હલકો પ્રયાસ થઈ રહ્યો છે. નવી પેઢીના મનમાં ગાંધીજી પ્રત્યે પરાણે અણગમો પેદા કરવાના પ્રયાસ કરવાનો કોઈ હેતુ ખરો?

બચીને રહેજો, સ્વાઇન ફ્લુ અને આ ફિલ્મ બંનેથી

હોળી જેવો તહેવાર હોય, ક્રિકેટનો વર્લ્ડકપ ચાલતો હોય, વીકએન્ડ હોય, ત્યારે પરિવારજનો સાથે ગમતીલો સમય પસાર કરવાને બદલે જો આવી મહાકંગાળ ફિલ્મ જોવા ગયા તો જનતા માફ નહીં કરેગી. સ્વાઇન ફ્લુથી બચવા માટે જેવી કાળજી રાખો છે, એટલી જ કાળજી આ ફિલ્મ જોવાઈ ન જાય તેની પણ રાખજો.

રેટિંગઃ અડધો સ્ટાર

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s