હવામાં ગોળીબાર

***

રામ ગોપાલ વર્માનું ભૂત આવીને પિરસી ગયું હોય એવી આ વાસી ફિલ્મમાં એક્ટિંગના છૂટક ચમકારા સિવાય કશો ભલીવાર નથી.

***

ab-tak-chhappan-2-to-release-on-27th-february-2015-1એક દાયકા પહેલાં આપણી ફિલ્મોમાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટનો કન્સેપ્ટ નવો હતો. સમાજની ગંદકી સાફ કરવા સુપર કોપ નાના પાટેકર ઠંડા કલેજે ગુનેગારોને ઠાર કરતા અને પછી ઘરે ફોન કરીને ખાવામાં શું બનાવ્યું છે એ પૂછતા. ડિરેક્ટર શિમિત અમીન તથા પ્રોડ્યુસર રામ ગોપાલ વર્માની એ ‘અબ તક છપ્પન’માં બતાવેલી ઠંડી ક્રૂરતા જોઇને લોકો ધ્રુજી ગયેલા. હવે આજે જો એ વાર્તામાં કશું જ નવું ઉમેરવા જેવું ન હોય, તો તેની બોરિંગ, ચવાયેલી સિક્વલ બનાવવાનો શો અર્થ?

ભડાકે દેજો રાજ

પત્નીના અવસાન બાદ પોતાના દીકરા સાથે મુંબઈથી દૂર એક ગામડામાં આવીને વસી ગયેલા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ કોપ સાધુ અગાશે (નાના પાટેકર)ને હવે પોલીસ ફોર્સમાં પાછા ફરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ મુંબઈમાં ગેંગસ્ટરોનો ઉત્પાત એટલો વધી જાય છે કે મુખ્યમંત્રી અન્ના સાહેબ (દિલીપ પ્રભાવલકર) અને હોમ મિનિસ્ટર જનાર્દન જાગીરદાર (વિક્રમ ગોખલે) નાના પાટેકરને ફરી પાછો મુંબઈ તેડાવે છે. એની આગેવાની હેઠળ ફરી પાછી એન્કાઉન્ટર સ્ક્વૉડ શરૂ કરાય છે. ધડાધડ ઢીમ ઢળે છે. પરંતુ લોહીનો રેલો પોતાના સુધી પહોંચ્યા બાદ નાના પાટેકરને સમજાય છે કે એ પોતે અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે.

નહીં માફ નીચું નિશાન

નાના પાટેકરના દમદાર અવાજવાળા મોનોલોગથી શરૂ થતી આ ફિલ્મના આરંભમાં નાના પાટેકર એક અલગ અંદાજમાં પેશ થાય છે. બંદૂક મૂકીને હવે નાના બૉટમાં બેસીને ફિશિંગ કરે છે, ખાવાનું બનાવે છે, નાળિયેર છોલે છે ઇવન બાળકો સાથે લખોટીએ પણ રમે છે. આપણને થાય કે આ નાનો મુંબઈ આવીને ગુંડાલોકોનાં પણ આ જ રીતે છોતરાં કાઢી નાખશે. શરૂઆતમાં નાના મુંબઈ આવીને પોતાના મારફાડિયા ઓરિજિનલ મિજાજનો પરચો પણ બતાવે છે, જેમાં આશુતોષ રાણા જેવા જુનિયર એન્કાઉન્ટર કોપ અડફેટે પણ આવી જાય છે. પરંતુ પછી ફિલ્મમાં નક્કર કહી શકાય એવું કશું બનતું જ નથી.

નાના પાટેકરને ફોન પર ટિપ મળતી રહે છે અને ઢીમ ઢળતાં રહે છે, પરંતુ એ લોકો ખરેખર કોને મારે છે, શા માટે મારે છે, એનાથી સિસ્ટમ કઈ રીતે સાફ થઈ રહી છે એવા કોઈ સવાલોના જવાબો મળતા નથી. આખી વાતનો તાળો છેલ્લે એક વાક્યમાં આપી દેવાય છે, જે કાચી રસોઈની જેમ આપણા ગળે ઊતરતો નથી. તે પહેલાંની આખી ફિલ્મ છૂટક એન્કાઉન્ટરોનું કલેક્શન જ બનીને રહી જાય છે. નાના પાટેકર મુંબઈ શહેરની ગુનાખોરી ડામવા આવે છે, પણ એવું કોઈ જાતનું ચિત્ર સ્પષ્ટ થતું નથી.

આખી ફિલ્મ એટલી હદે પ્રીડિક્ટેબલ છે કે શરૂઆતમાં કોઈ પાત્ર દેખાય, એ જ ક્ષણે આપણને ખબર પડી જાય કે ગમે ત્યારે આની ગેમ ઑવર થવાની છે, અને થાય પણ ખરી. વાંદરો બે બિલાડીને લડાવીને મલાઈ ખાઈ જાય એવી વાર્તા ધરાવતી જથ્થાબંધ ફિલ્મો છેલ્લા દાયકામાં આપણે ત્યાં આવી ગઈ છે. એટલે શરૂઆતની દસ મિનિટમાં (રહસ્ય સહિત) આખી વાર્તાનું લૉજિક આપણને સમજાઈ જાય. પરંતુ આટલી અમથી વાત સાધુ અગાશે બનતા નાના પાટેકરના પાત્રને કેમ સમજાય નહીં એ આપણા દિમાગમાં ઊતરે એવી વાત નથી.

૨૦૦૪ની ‘અબ તક છપ્પન’ રામ ગોપાલ વર્માની સ્ટ્રોંગ છાપ હેઠળ બની હતી. આ ફિલ્મમાં પણ રામ ગોપાલ વર્મા વેતાળની જેમ અદૃશ્ય રીતે ઊડતા દેખાય છે. અત્યારે વર્માભાઉ હિન્દીને બદલે ભળતી સળતી તેલુગુ ફિલ્મો બનાવે છે અને એમાં પણ પોતાના ટ્રેડમાર્ક કેમેરા એન્ગલ્સને તિલાંજલી આપી ચૂક્યા છે. જ્યારે અહીં રામુના એ જ ભેદી કેમેરા એન્ગલ્સ ઠેરઠેર જોવા મળે છે. ટેબલની નીચે, કોઈ પાત્રના બે પગની વચ્ચે, અભેરાઈ પર, ડ્રૉઅરમાં, કારના ડૅશબૉર્ડપર અને ઇવન પેંડાના બૉક્સમાં પણ કેમેરા ઘુસાડીને શૉટ્સ લીધા છે. એવું જ ડાયલૉગ્સનું છે. ‘તુમ સિસ્ટમ કા એક મામુલી હિસ્સા હો, ઔર મૈં સિસ્ટમ હૂં’ ટાઇપના સંવાદો રામુની અઢળક ફિલ્મોમાં વપરાઈ ગયા છે, જે અહીં ફરીથી રિપીટ થાય છે.

આ ફિલ્મનું બેરહેમીથી એન્કાઉન્ટર કરવાનું બાકીનું કામ સેન્સર બૉર્ડે ઉપાડી લીધું છે. આખી ફિલ્મમાં એટલી બધી જગ્યાએ અપશબ્દો મ્યુટ કરવામાં આવ્યા છે કે મોટા ભાગના સંવાદો મરી ગયા છે.

આ સિક્વલનું એકમાત્ર સ્ટ્રોંગ પાસું હોય તો તે છે સિનિયર અદાકારોની જાની-પહેચાની દમદાર એક્ટિંગ. નાના પાટેકર જેવા સશક્ત અભિનેતા જવલ્લે જ ફિલ્મોમાં આવે અને તે પણ આવી નબળી ફિલ્મોમાં વેડફાતા હોય, એ જોઇને આપણું પા શેર લોહી બળી જાય. હા, એક્શન દૃશ્યોમાં હવે એમની ઉંમર વર્તાય છે. તે ઉપરાંત વિક્રમ ગોખલે, આશુતોષ રાણાની એક્ટિંગનો એ કમાલ છે કે તેઓ માત્ર સામે જોઇને પણ ભયનો માહોલ સર્જી શક્યા છે. આ સિવાય ફિલ્મમાં દિલીપ પ્રભાવલકર અને મોહન અગાશે જેવા કલાકારો ઘણા સમયે પડદા પર દેખાયા છે. પણ અફસોસ કે એમના ભાગે ખાસ કશું નોંધપાત્ર કામ આવ્યું જ નથી. ગુલ પનાગને આ ફિલ્મ માટે પોલિટિક્સમાંથી સમય મળી ગયો છે, પરંતુ એની એક્ટિંગ કરતાં એના ચહેરા પર લાગેલાં ગંદી ફ્રેમવાળા ચશ્માં પર જ આપણું ધ્યાન ચોંટેલું રહે છે. હજી આ ફિલ્મમાં કલાકારોની ભીડમાં વધારો કરવા માટે ગોવિંદ નામદેવ અને રાજ ઝુત્સી પણ છે.

નો લપ્પન છપ્પન

જો તમે નાના પાટેકરના કાળમીંઢ પ્રસંશક હો, અને આ ફિલ્મ જોવા જાઓ તો તમને કોઈ રોકી શકવાનું નથી. નહીંતર, ‘અબ તક છપ્પન’નું નામ વાંચીને આ ફિલ્મ જોવા ગયા તો પછી ઈશ્વર તમારી રક્ષા કરે. અગાઉ ડઝનબંધ ફિલ્મોમાં ફાઇટ માસ્ટર રહી ચૂકેલા એજાઝ ગુલાબે ડિરેક્ટ કરેલી આ મુરઝાયેલી ફિલ્મનું સૌથી મોટું શાતાદાયક પાસું એ જ છે કે તે માત્ર ૧૦૫ જ મિનિટની છે.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s