ચીટિંગ કરાઈયાં વે!

***

તમે ફ્લિપકાર્ટ પર મોબાઇલ ઑર્ડર કર્યો હોય અને બૉક્સ ખોલ્યા પછી અંદરથી ઇંટ કે મોબાઇલનો માત્ર ફોટો જ નીકળે તો? બસ, આ ‘રૉય’ ફિલ્મ જોતી વખતે આવી જ છેતરાઈ ગયાની લાગણી થાય છે.

***

roy_film_poster‘રૉય’નું ટ્રેલર જોઇને લાગતું હતું કે આ તો કોઈ ચોર-પોલીસની મજા પડે તેવી ફિલ્મ લાગે છે. એમાંય સુપર સ્ટાઇલિશ રણબીર કપૂર હોય, એટલે બધાએ હડી કાઢીને ફિલ્મને બમ્પર ઑપનિંગ અપાવી દીધું. પરંતુ અંદર ઘૂસ્યા પછી ખબર પડી કે ચોરની થ્રિલિંગ વાર્તાનું તો કોટિંગ માત્ર હતું. અંદર તો એક લેખકની વાર્તાસૃષ્ટિની ફિલોસોફિકલ (વાંચોઃ બોરિંગ) વાતો જ હતી.

ચોર કરાયે બોર

કબીર ગ્રેવાલ (અર્જુન રામપાલ) એક લેખક-ફિલ્મમેકર છે, જેનાં જીવનમાં બે જ કામ છે. એક, દર મહિને ગર્લફ્રેન્ડ બદલવાનું અને બીજું, ટીવી પર એક રહસ્યમય ચોરના ન્યૂઝ જોઇ જોઇને એના પરથી ફિલ્મો બનાવવાનું. આવી જ એક ફિલ્મ બનાવવા એ મલેશિયા જાય છે, ત્યારે ત્યાં એને બીજી એક ફિલ્મમેકર આયેશા આમિર (જૅકલિન ફર્નાન્ડિઝ) મળી જાય છે. એ ટેસ્ટમેચ રમતો હોય એ રીતે નિરાંતે પ્રેમમાં પડે છે અને વાસ્તવિકતા અને કલ્પનાની ભેળપૂરી બનાવીને એક વાર્તા ઘડી કાઢે છે.

બતાઓ મત, દિખાઓ

પહેલી વાત, આ ફિલ્મ રણબીર કપૂરની છે જ નહીં. ટ્રેલરમાં ભલે જોરશોરથી પ્રચાર કરાયો હોય, પણ રણબીરના ભાગે ગણીને વીસેક મિનિટનાં દૃશ્યો માંડ આવ્યાં છે. એમાંથી મોટા ભાગનાં તદ્દન નિસ્તેજ અને બોરિંગ છે. ‘રૉય’ ફિલ્મનો મુખ્ય હીરો અર્જુન રામપાલ છે અને એ બડી તબિયતથી બોર કરે છે.

ફિલ્મમેકિંગનો એક શાશ્વત નિયમ છે, બોલ બોલ ન કરો, તમારી પાસે કેમેરા છે તો બતાવીને બતાડો. ‘રૉય’ના ફર્સ્ટટાઇમ રાઇટર-ડિરેક્ટર વિક્રમજિત સિંઘને આ વાતની ખબર જ લાગતી નથી. એટલે એમણે જાણે કોઈ રેડિયો નાટક જોતા હોઇએ એવી બોલબોલ કર્યા કરતા પાત્રોવાળી ફિલ્મ બનાવી કાઢી છે. રણબીર કપૂર આંતરરાષ્ટ્રીય ચોર છે એવું કહેવાયું છે, પણ આખી ફિલ્મમાં સમ ખાવા પૂરતું એક પાકિટ ચોરતો પણ એને બતાવ્યો નથી. એટલે જ બિચારાએ દર બીજા સંવાદે ચોખવટ કરતા રહેવું પડે છે કે, ‘મૈં ચોર હૂં, ચોર.’ એક સ્માર્ટ ચોરમાં હોવી જોઇએ એવી શાર્પનેસ એના પાત્રમાં ક્યાંય દેખાતી નથી. એને બદલે એ નોકરીની તલાશમાં રખડીને થાકેલા બેરોજગાર યુવાન જેવો વધારે લાગે છે.

ચકાચક પૉશ વસ્તુઓ બતાવવા માત્રથી જ જો સારી ફિલ્મ બની જતી હોત તો શૉપિંગ મૉલની જાહેરખબરોને જ ઑસ્કર મળતો હોત. આ ફિલ્મનાં પાત્રો પૉશ બંગલા-હૉટેલમાં રહે છે, ડિઝાઇનર કપડાં પહેરે છે, લક્ઝરી કારમાં ફરે છે, મોંઘાદાટ શરાબ પીએ છે, સિગાર ફૂંકે છે, જાણે લોકલ ટ્રેનમાં ચર્ચગેટથી –વિરાર અપડાઉન કરતા હોય એ રીતે ભારત-લંડન-મલેશિયા વચ્ચે ઊડાઊડ કરતા રહે છે… પરંતુ ફિલ્મની વાર્તાને આગળ વધારવા માટે નક્કામી ફિલોસોફીઓ ફેંકવા સિવાય કશું જ કરતાં નથી.

પહેલી નજરે સ્ટાઇલિશ લાગતી આ ફિલ્મમાં એટલા બધા ચવાયેલા ‘ક્લિશે’ નુસખા નાખવામાં આવ્યા છે કે ગણી ગણીને થાકી જઇએ. લેખક ગમે તેટલો આધુનિક હોય, પણ બાબા આદમના જમાનાના ટાઇપરાઇટર પર જ લખે. અને જેટલું લખે એના કરતાં દસ ગણા વધારે કાગળના ડૂચા ચારેકોર વેરે. વળી, એવો કયો ફિલ્મમેકર હશે જે કરોડો રૂપિયાનું મીટર ચડાવીને, આખી જાન જોડીને મલેશિયા શૂટિંગ માટે જાય અને ત્યાં જઇને શૂટિંગ કરવાને બદલે હજી ફિલ્મની વાર્તા લખતો હોય? ચવાઈ ગયેલો ઓવરકોટ અને હૅટ પહેરેલો ડિટેક્ટિવ ગામ વચાળે બાંકડે બેસીને બાયનોક્યુલરમાંથી જોતો ચોરને શોધે? અને ચોર એની બાજુમાં આવીને બેસી જાય ને ડિટેક્ટિવને ક્લાસિક સવાલ પૂછે, ‘આપ કિસી કો ઢૂંઢ રહે હો?’ જૅકલિન ફિલ્મના શૂટિંગ માટે આવી હોવાનું જાણવા છતાંય અર્જુન રામપાલ પેલીને હડપ્પીયન સંસ્કૃતિ વખતનો સવાલ કરે, ‘ઇતને બડે એસ્ટેટ મેં અકેલી રહતી હો, આપકો ડર નહીં લગતા?’

‘ક્યા તુમ સચ મેં વો હો જો લોગ કહતે હૈ, યા તુમ વો બનને કી કોશિશ કર રહે હો જો લોગ કહતે હૈ’ જેવી અટપટી અને મીનિંગલેસ ફિસોલોફીઓવાળા અઢળક સીન આ ફિલ્મમાં ઠેરઠેર વેરાયેલા પડ્યા છે. વળી, એ દૃશ્યો પણ કોઈ સઢ વિનાની હોડીની જેમ ભટક્યા કરે છે અને કારણ વગર ખેંચાયા કરે છે. ફેરારી જેટલી મોંઘી ટિકિટ લઇને સાવ બળદગાડાની જેમ આગળ વધતી આ ફિલ્મ જોઇને મગજ એટલું બહેર મારી જાય છે કે ક્લોરોફોર્મની મદદ વગર પણ આપણું એપેન્ડિક્સ કે હાડકાનું ઓપરેશન થઈ શકે. પાછી ફિલ્મમેકરોની હિંમત એટલી બધી છે કે આટલી હદે કંટાળાજનક ફિલ્મ બનાવ્યા પછીયે ખર્ચો કાઢવા માટે ફિલ્મની વચ્ચે વિવિધ પ્રોડક્ટ્સની જાહેરખબરો બિનધાસ્ત ઘુસાડી દીધી છે.

પાર્ટનર્સ ઇન ક્રાઇમ

આગળ કહ્યું એમ રણબીર કપૂરના ભાગે આ ફિલ્મમાં થાળીમાં ચટણી જેટલું જ કામ આવ્યું છે, પરંતુ એટલા ભાગમાંય એણે સાવ પ્લાયવૂડના પાટિયા જેવો સપાટ ચહેરો જ રાખ્યો છે. જ્યારે આવો ચહેરો અર્જુન રામપાલની તો સ્પેશ્યાલિટી છે. એટલે આખી ફિલ્મ ટી-સીરિઝને બદલે કોઈ હાર્ડવેરવાળાએ સ્પોન્સર કરી હોય એવું લાગ્યા કરે છે. હા, જૅકલિન ફર્નાન્ડિઝના ચાહકોને મજા પડશે. એણે વિચિત્ર કપડાં અને ઇયરિંગ્સથી માંડીને બેલે ડેન્સ સુધીનું બધું જ પ્રદર્શિત કર્યું છે, સારી એક્ટિંગ સિવાય.

આ ફિલ્મની કરુણતા જુઓ કે જે અદાકારે વર્ષો પહેલાં બાસુ ચેટર્જીની ‘વ્યોમકેશ બક્ષી’ સિરિયલમાં ચબરાક જાસૂસની ભૂમિકા ભજવી હતી એના ભાગે અહીં ગંદી વિગ પહેરેલા તદ્દન ડફોળ લાગતા ડિટેક્ટિવનો રોલ પ્લે કરવાનો આવ્યો છે. ફિલ્મમાં બે-ચાર સીનમાં અનુપમ ખેર પણ છે, પરંતુ પહેલા જ વાક્યમાં એમને સ્ત્રીનાં અંતઃવસ્ત્રોનો વાહિયાત જોક કરતા જોઇને આપણને અરેરાટી છૂટી જાય. ગંભીર સીનમાં પણ અજાણતા જ લોકોને હસાવી દે એવી અનઇન્ટેન્શનલ લાફ્ટર શેરનાઝ પટેલ અને અર્જુન રામપાલનાં દૃશ્યો જોઇને પેદા થાય છે.

અઢી કલાક લાંબી આ ફિલ્મનું જો એકમાત્ર પોઝિટિવ પાસું હોય તો તે છે તેનું એકદમ મસ્ત મ્યુઝિક. પરંતુ આખી ફિલ્મ સળંગ એટલી બોરિંગ છે કે ગીતો આવે ત્યારે સફાળી જાગી જતી ઑડિયન્સ પર ગીત પતે એટલે પાછી ઘેનની અસર થવા માંડે છે.

મરના હૈ ક્યા?

રણબીરના નામે ‘રૉય’ જોવા જનારા લોકો સૌથી વધુ દુઃખી થશે. પરંતુ રણબીરે આ ફિલ્મ એટલા માટે કરી છે કેમ કે ડિરેક્ટર વિક્રમજિત સિંહ એનો દોસ્તાર છે. હશે, આપણો નથી. એક થ્રિલર ફિલ્મના રોમાંચનો એક છાંટોય આ ફિલ્મમાં નથી. ઇવન એક સારી લવસ્ટોરી પણ આ ફિલ્મ પિરસી શકી નથી. મસાલા ફિલ્મના પૅકિંગમાં પિરસાયેલી પકાઉ મીનિંગલેસ સ્યુડો ઇન્ટેલિજન્ટ ફિલ્મ જોવા માટે આપણે જરાય થિયેટર સુધી ધક્કો ખાવાની જરૂર નથી.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s