મેરી આવાઝ હી પહચાન હૈ, હંય!

***

એકદમ ઝક્કાસ અને અત્યંત બોરિંગની વચ્ચે ઝોલાં ખાતી આ ફિલ્મ સિનેમા પ્રત્યેના પ્રેમ અને અમિતાભ બચ્ચનના અવાજનું સેલિબ્રેશન છે.

***

shamitabh-poster-2જો અત્યારે ભારતીય સિનેમાના કોઈ બ્રૅન્ડ એમ્બેસેડર બનાવવાના હોય, તો તે માટે એક જ નામ સૂઝે અમિતાભ બચ્ચન. માત્ર આપણે જ નહીં, દિગ્દર્શક આર. બાલ્કી પણ અમિતાભના સુપર ફૅન છે. એટલે જ એ અમિતાભ વિના ફિલ્મ બનાવી શકતા નથી. જ્યારે આ ફિલ્મ ‘શમિતાભ’ તો તેના નામથી લઇને પૂરેપૂરી બચ્ચનની જ આસપાસ પરકમ્મા કરે છે.

સ્ટાર સાઉન્ડ ઍન્ડ એક્શન

દાનિશ (ધનુષ) ઇગતપુરીનો એક નબાપો છોકરો છે, જેના દિમાગમાં સતત સિનેમાની રીલ જ ઘૂમ્યા કરે છે, લેકિન સાયલન્ટ. બડે હો કે એક્ટર બનવાનું સપનું જોતા દાનિશને ઈશ્વરે મ્યુટનું બટન દબાવીને ધરતી પર મોકલ્યો છે. નસીબ, ઝનૂન અને ટેલેન્ટ એને બૉલીવુડમાં લાવીને તો મૂકી દે છે, પણ અવાજ વિના આગળ કઈ રીતે વધવું? એટલે આસિસ્ટન્ટ ડિરેક્ટર અક્ષરા (અક્ષરા હાસન)ની મદદથી શોધ શરૂ થાય છે દાનિશને સૂટ થાય એવા અવાજની. આ અવાજ એ બંનેને ખેંચી લાવે છે એક દારૂડિયા અમિતાભ સિંહા (અમિતાભ બચ્ચન) પાસે. અમિતાભનો ઘૂંટાયેલો બૅરિટોન અવાજ અને દાનિશની એક્ટિંગ ફિલ્મ ઇન્ટસ્ટ્રીમાં રાતોરાત-ફિલ્મમાં જાવેદ અખ્તર કહે છે તેમ- આંધીની જેમ ફેલાઈ જાય છે. પરંતુ પછી શરૂ થાય છે બંને વચ્ચેનું ઈગોયુદ્ધ. અમિતાભ કહે છે કે મારા અવાજ વિના તું કશું જ નથી, તો પેલો દાનિશ કહે છે કે મૈં ફિનિશ્ડ તો તેરી આવાઝ ભી ફિનિશ્ડ. શું અવાજ અને એક્ટિંગ બંને એક બીજા વગર રહી શકે ખરા?

બચ્ચનોત્સવ

ફિલ્મના એક સીનમાં અભિનેતા ધનુષના મોઢેથી અમિતાભનો અવાજ સાંભળીને મહેમાન કલાકાર રેખા ચમકે છે અને પછી કહે છે, ‘યુ આર ટ્રુલી ગોડ્સ ગિફ્ટ… ટુ સિનેમા.’ બીજે એક ઠેકાણે અમિતાભ બોલે છે કે, ‘સ્ટુડિયો તો ક્યા, રેડિયો ને ભી મુઝે રિજેક્ટ કર દિયા થા.’ (રેફરન્સઃ અમિતાભનું ઑલ ઇન્ડિયા રેડિયોમાં રિજેક્શન.) ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઇન્સાઇડર કહેવાય તેવી આવી કેટલીયે અંજલિઓ આ ફિલ્મમાં ઠેર ઠેર વેરાયેલી પડી છે. ફિલ્મના લેખક-દિગ્દર્શક આર. બાલ્કીએ કેટલાય સીન સ્પેશ્યલી અમિતાભ માટે જ લખ્યા છે. ફિલ્મમાં માત્ર અમિતાભ જ પરફોર્મ કરતો હોય એવા ત્રણ-ચાર લાંબા મોનોલોગવાળા સીન છે અને એ બધા જ સીનમાં અમિતાભ રીતસર છવાઈ જાય છે. એવા જ એક દૃશ્યમાં પીધેલો અમિતાભ હૉલીવુડના દિગ્ગજ એક્ટર રૉબર્ટ ડી નિરોના પોસ્ટર સામે જોઇને (અત્યારના કલાકારો પર) કમેન્ટ કરે છે કે, ‘હાથ-પગ, સાઉન્ડ, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, સ્પેશ્યલ ઇફેક્ટ આ બધાને ટેકે તો સૌ એક્ટિંગ કરી લે, પરંતુ અસલી ચીજ છે (મારી-તમારી પાસે છે તેવો) અવાજ. એ હોય તો હાથ-પગ હલાવવાની પણ જરૂર ન પડે.’ સૂક્ષ્મ રીતે જોઇએ તો આ ફિલ્મમાં અમિતાભના ડબલ રોલ છે. સ્વાભાવિક રીતે જ ફિલ્મમાં સૌથી વધુ તાળીઓ પણ બચ્ચનમોશાય જ ઉઘરાવી જાય છે. પરંતુ બચ્ચનને બાદ કરી નાખો તો ફિલ્મમાં સાવ બરફી પર લગાડવામાં આવતા ચાંદીના વરખ જેટલી પાતળી સ્ટોરી સિવાય કશું બચતું નથી.

મેરે પાસ સિને-મા હૈ

જેમણે ગળથૂથીમાં ફિલ્મી ગાજરનો હલવો ખાધો હોય અને જેમનું બ્લડ ગ્રૂપ ‘એ’ કે ‘બી’ નહીં પણ ‘સી’ એટલે કે ‘સિનેમા પોઝિટિવ’ હોય એમના માટે આ ફિલ્મનો ઘણો ખરો હિસ્સો જલસો કરાવે તેવો છે. સિનેમાઘેલો ધનુષ ખાવાનું છોડીને પણ ગામના એકમાત્ર ‘પેરેડાઇઝ’ નામના થિયેટરમાં ફિલ્મ જોવા જતો રહે છે. વર્લ્ડ સિનેમાના ચાહકોને આ ગાંડપણ પ્રસિદ્ધ ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરેડિસો’ની યાદ અપાવી દેશે. ધનુષ ફિલ્મી કલાકારોના ફોટાવાળા કપડામાંથી શર્ટ બનાવીને પહેરે છે, સ્ટાર બન્યા બાદ આખા ઘરમાં ઠેરઠેર હિચકોકથી લઇને માર્લોન બ્રાન્ડો સુધીના દિગ્ગજોના ફોટોગ્રાફ-ક્વોટ્સ લટકાવે છે. એટલે સુધી કે એના ઘરની છતમાં પણ ફિલ્મની રીલના ગોળ ડબ્બાની ડિઝાઇન રખાવે છે. ઇવન પોતાના રિયલ લાઇફ સસરાની જેમ ધનુષ પણ ફિલ્મમાં કંડક્ટર બને છે. ફિલ્મના કોઈ સીનમાં તમને મરતાં પહેલાં જોવા જેવી ૫૦૧ ફિલ્મોનું ખ્યાતનામ પુસ્તક પણ પડેલું દેખાય. આ બધું જોઇને હાડોહાડ સિનેરસિયાઓ પોતાના બંને હાથની પહેલી આંગળી મોઢામાં નાખીને સિટીઓ ન વગાડે તો જ નવાઈ.

લેકિન ફ્લો કિધર હૈ, બાંગડુ?

અમિતાભ કે સિનેમા પ્રત્યેના અહોભાવથી જ એક ઝક્કાસ ફિલ્મ બની જતી હોત તો આ અગાઉ આવેલી ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ પણ ક્લાસિક બની ગઈ હોત. નાળિયેરની જેમ માથા પર અફળાય એવી વાત એ છે કે એક વાર ફિલ્મની મૂળ વાર્તા એસ્ટાબ્લિશ થઈ જાય, પછી બાલ્કી પાસે બાલ કી ખાલ ઊધેડવા સિવાય ખાસ કશું બચતું જ નથી. અને એમાં જ ૧૫૩ મિનિટની આ ફિલ્મ અત્યંત ઢીલી અને લાંબી લાગવા માંડે છે. ખાસ કરીને ઇન્ટરવલ પછી તો આપણું ધ્યાન જકડી રાખે એવા ભાગ્યે જ કોઈ સીન છે.

બેસ્ટ કેટેગરી

ક્લિયર્લી, અમિતાભની એક્ટિંગ આ ફિલ્મમાં જોરદાર છે એવું કહીએ તો સૂરજને અરીસો ધરવા જેવી વાત થાય. લગભગ કોઈ નક્કર સપોર્ટિંગ સ્ટારકાસ્ટ વિનાની આ ફિલ્મમાં પીઠ થાબડવા જેવું કામ છે ધનુષ અને કમલ હાસન-સારિકાની નાની દીકરી અક્ષરાનું. અમિતાભ જેવા કદાવર વડલાની સામે ઝીંક ઝીલવી અને એમાંય પ્રેક્ટિકલી કશું જ બોલવાનું ન હોય અને માત્ર હાવભાવથી જ બધું બતાવવાનું હોય એવું પાત્ર સ્વીકારવું-કરવું એટલે બેલેસ્ટિક મિસાઇલનો સામનો તીર-કામઠાંથી કરવો. એ જ રીતે આખી ફિલ્મમાં સતત પોતાના ચહેરા પર આવતા વાળ સરખા કર્યા કરતી અક્ષરા આત્મવિશ્વાસની દુકાન ખોલી શકે એવી કોન્ફિડન્ટ લાગે છે. એક પણ વખત એવું લાગતું નથી કે આ છોકરડીની આ પહેલી ફિલ્મ છે.

આપણે ત્યાં બાલિશ ફિલ્મોના રોગચાળા વચ્ચે શમિતાભ જેવી એકદમ મૅચ્યોર રીતે લખાયેલી ફિલ્મ આવે તો ઉનાળાની બપોરે કોઇએ એસી ચાલુ કર્યું હોય એવી રાહત થાય. પોતાની ટેલેન્ટને વ્હિસ્કી અને ધનુષને પાણી ગણાવતા અમિતાભ માટે બાલ્કીએ ફિલ્મમાં લખ્યું છે, ‘વ્હીસ્કી ઇઝ રૅર, પાની એવરીવ્હેર.’ આવાં સ્માર્ટ અને જરાય પરાણે ઘુસાડ્યાં હોય એવું ન લાગે તેવાં વનલાઇનર્સ ધરાવતું બાલ્કીનું રાઇટિંગ આ ફિલ્મનું ત્રીજું સૌથી મોટું પાત્ર છે. કાશ તેઓ આખી ફિલ્મને એટલી મજબૂત રીતે લખી શક્યા હોત. વ્યવસાયે એડ ફિલ્મમૅકર એવા આર. બાલ્કીએ વધારે પડતી સ્માર્ટનેસ વાપરીને ફિલ્મમાં ઢગલાબંધ પ્રોડક્ટ્સની જાહેરખબરો પણ ઘુસાડી દીધી છે. એ તો દાળમાં કાંકરીની જેમ ખૂંચે જ છે.

ભાગ્યે જ બૉલીવુડ બાજુ ફરકતા લેજન્ડરી સંગીતકાર અને એ. આર. રહેમાનના ગુરુ એવા ઈલૈયારાજાએ શમિતાભનું સંગીત આપ્યું છે. ત્રણ ગીતો ‘શશશ મિમિમિ’, ‘ઈશ્ક-એ-ફિલ્લમ’ અને  ‘પિડલી સી બાતેં’ એકદમ ઢિનચાક બન્યાં છે (અને એમની ટેવ પ્રમાણે ‘સ્ટિરિયોફોનિક સન્નાટા’ ગીતનું પોતાના એક જૂના ગીતમાંથી રિસાઇકલિંગ કર્યું છે). થોડાં અઠવાડિયાં પહેલાં દક્ષિણની ‘આઈ’ ફિલ્મમાં છવાઈ જનારા સિનેમેટોગ્રાફર પી. સી. શ્રીરામે અહીં સ્પેશ્યલી પોંખવા પડે એવું કામ કર્યું નથી.

ગો ફોર સિનેતાભ બચ્ચન

જો તમેય આ ફિલ્મના ધનુષની જેમ ફિલ્મોના ગાંડા શોખીન હો અથવા તો બચ્ચનના રેખા કરતાંય વધારે મોટા ફૅન હો, તો બોસ, આ ફિલ્મ એટલિસ્ટ એમના માટે જોઈ શકાય. બાકી શરૂઆતમાં સિટીઓ વગાડવા માટે મજબૂર કરી દેતી શમિતાભ અધવચ્ચેથી આપણને છૂટાછવાયા સીનને બાદ કરતાં વધારે સંતોષ આપી શકતી નથી એય હકીકત છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s