બેવકૂફિયાં

***

ડરાવવાને બદલે હસાવતી, મગજને દેશવટો આપતી અને હૉલીવુડમાંથી બેશરમ ઊઠાંતરી કરતી વિક્રમ ભટ્ટની વધુ એક કહેવાતી હોરર ફિલ્મ.

***

366290xcitefun-khamoshiyan-film-posterમૃત્યુ પછીનું જીવન અને ભટકતા શાપિત આત્માઓની વાતો કરીને આપણને બીવડાવતી હોરર ફિલ્મોનો એક વફાદાર દર્શકવર્ગ છે. એટલે જ આ વર્ગને સંતોષવા માટે દર થોડા સમયાંતરે કોઈ ને કોઈ હોરર ફિલ્મ આવતી જ રહે છે. પરંતુ ખબર નહીં કેમ, છેક ‘રામસે બ્રધર્સ’ની ભૂતિયા ફિલ્મોના જમાનાથી આપણે ત્યાં એવું વાહિયાત સમીકરણ ઘૂસી ગયું છે કે ભૂતપ્રેતની વાર્તા કહેતી ફિલ્મ હોય એટલે એમાં અમુક ચોક્કસ ફોર્મ્યૂલા અને વલ્ગર બેડરૂમ સીન જ ભર્યા હોય. વિક્રમ ભટ્ટે લખેલી અને નવા ડિરેક્ટર કરણ દારાની ફિલ્મ ‘ખામોશિયાં’ આવી જ ભંગારિયા ફિલ્મોમાં વધુ એક ઉમેરો છે.

મેન વર્સસ વાઇલ્ડ

કબીર મલ્હોત્રા (અલી ફઝલ) એક ‘દેવદાસ’ ટાઇપ નિષ્ફળ પ્રેમી અને નિષ્ફળ લેખક છે. લેખક હોવાની સાબિતી રૂપે એણે ‘એપલ’ કંપનીનું મોંઘુંદાટ લેપટોપ પણ વસાવી રાખ્યું છે, પરંતુ એ લેપટોપ પર ભગવાનનાં સ્ટિકર લગાવવા સિવાય તેનો કશો ઉપયોગ કરતો નથી. નવી વાર્તાની શોધમાં એ છેક કાશ્મીરના જંગલમાં આવેલી એક અંતરિયાળ હૉટેલમાં રહેવા જાય છે. ખબર નહીં કેમ પણ આ ભેદી હૉટેલમાં એક ખૂબસૂરત યુવતી મીરાં (સપના પબ્બી) સિવાય કોઈ નથી. એટલે કબીરભાઈ એ મીરાં પાછળ અને એક ભૂતડું કબીર પાછળ હેરાન થવા માંડે છે. હવે એ ભૂતડું કોણ છે અને પેલી મારકણી કાયાવાળી માદક મીરાં અહીં એકલી કેમ ગુડાણી છે એ જાણવા માટે આખી ફિલ્મ સહન કરવાની તૈયારી રાખવી પડે.

વાસી માલ

હજુ થોડા મહિનાઓ પહેલાં જ વિક્રમ ભટ્ટની બિપાશા બસુ સ્ટારર હોરર ફિલ્મ ‘ક્રીચર’ આવેલી. જાણે એ જ ફિલ્મના સેટ પર આ ફિલ્મનું પણ શૂટિંગ આટોપી લીધું હોય એ હદે આ ફિલ્મ ‘ખામોશિયાં’ સેકન્ડ હેન્ડ લાગે છે. આપણે એક પછી એક હોરર ફિલ્મો ‘છાપતા’ જઇએ છીએ, પરંતુ લોકોને ડરાવવાની પદ્ધતિઓમાં કશું જ પરિવર્તન આવ્યું નથી. એ જ અચાનક ક્યાંકથી સ્ક્રીન પર આવી જતો ભૂતિયો ચહેરો, તેની સાથે જ કાન વીંધી નાખે એવું ડરામણું સંગીત, અનાજ દળવાની ઘંટીમાં નહાઈને નીકળ્યું હોય એવું ધોળુંધબ ભૂત, કૂતરાંના અવાજો, સ્ત્રીની ચીસો, આપણી સામે આંખો કાઢતાં જંગલી પ્રાણીઓ વગેરે જ ફરી ફરીને આવતાં રહે છે. હા, આ ફિલ્મમાં નવીનતાના નામે માત્ર એટલું જ છે કે અહીં સ્ત્રીભૂતને બદલે પુરુષભૂત છે.

the-silence-of-the-lambsમાત્ર અડધા-પોણા કલાકમાં કહી શકાય એવી વાર્તાને અહીં સ્પીડબ્રેકરની જેમ આવતાં ગીતો નાખી નાખીને પરાણે બે કલાક સુધી ખેંચી છે. પરંતુ તેનાથીયે મોટો ક્રાઇમ એ છે કે આ ફિલ્મમાં અલ્ફ્રેડ હિચકોકની ‘સાઇકો’ જેવી ઑલ ટાઇમ ક્લાસિક ફિલ્મમાંથી નિરાંતે ઉઠાંતરી કરવામાં આવી છે. ફિલ્મનું પતંગિયાવાળું પોસ્ટર હૉલીવુડની કલ્ટ સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘સાઇલન્સ ઑફ ધ લેમ્બ્સ’માંથી બઠાવી લેવાયું છે! એમાંય નકલમાં અક્કલ ન હોય એ વાત પુરવાર કરવા માટે ભેદી તાંત્રિક, પ્રાણીઓના બલિ, આ દુનિયા અને બીજી દુનિયા વચ્ચેના સાત પડાવ જેવા તદ્દન બેતુકા ટ્રેક ઘુસાડીને આપણી સહનશક્તિની તબિયતથી કસોટી કરાઈ છે.

એમાં જો ભૂલેચૂકેય તમારું મગજ ચાલુ રહી ગયું, તો તમને જથ્થાબંધ સવાલો થવા માંડશે. જેમ કે, આ હીરોભાઈ લેખક છે તો લખવાને બદલે પારકી સ્ત્રીઓ સાથે વીંટળાવામાં જ એમને કેમ રસ પડે છે? હિટ એન્ડ રન જેવો અકસ્માત કર્યા પછી પણ હિરોઇનને કેમ કોઈ પકડવાની તસદી લેતું નથી? પતંગિયાંને લાંબો સમય બરણીમાં પૂરી રાખે તોય તે કેમ જીવતાં રહે છે? આ તાંત્રિક સેલ્સની નોકરીએ જવા નીકળ્યો હોય એમ ઇસ્ત્રીટાઇટ કપડાંમાં કેમ ફરે છે? જાણે રેડીમેઇડ ગાર્મેન્ટના શોરૂમમાં કપડાંની વેરાયટી બતાવતાં હોય એમ ક્લાઇમેક્સમાં દર બીજી મિનિટે એક નવું ભૂત કેમ પ્રગટ થાય છે? ફિલ્મનું સૌથી વધુ પ્રમોટ કરાયેલું ટાઇટલ ગીત સાવ છેલ્લે અને વણજોઇતી જગ્યાએ કેમ આવે છે? ભૂત રાઇટર હીરોનું લખેલું ભૂંસી નાખે છે તોય એને કેમ ખબર પડતી નથી? હીરોની પહેલી બુકનું નામ હિન્દી છે, તો એ અંગ્રેજીમાં શું કામ લખે છે અને વાચકોને પોતાની બુકમાંથી પેરેગ્રાફ સંભળાવે છે એ પાછા હિન્દીમાં કેમ છે? ઉફ્ફ, ઉઠા લે રે દેવા!

ભૂતિયા ફિલ્મના માણસો

જો હીરો અલી ફઝલને તમે જાણીતો ચહેરો ગણો તો એને બાદ કરતાં ફિલ્મમાં કોઈ જાણીતાં કલાકારો નથી. આ અલી ફઝલને આપણે ‘થ્રી ઇડિયટ્સ’, ‘બોબી જાસૂસ’, ‘ફુકરે’ જેવી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ અને બધી જ ફિલ્મોમાં એણે દુઃખી થવાનું સાતત્ય જાળવી રાખ્યું છે. અનીલ કપૂરની ટીવી સિરીયલ ‘૨૪’માં દેખાયેલી હિરોઇન સપના પબ્બી દેખાવે સારી લાગે છે, પરંતુ એની એક્ટિંગને બદલે દિગ્દર્શક આપણને એના શરીરનાં અંગ-ઉપાંગો જ બતાવ બતાવ કરે છે. હજી એક ગુરમીત ચૌધરી નામનો ફેશન મૉડલ જેવો અભિનેતા પણ ફિલ્મમાં છે, પરંતુ એ જીવતા કરતાં મરેલાની એક્ટિંગમાં વધારે સારો લાગે છે.

ખામોશિયાંથી રાખો દૂરિયાં

જુઓ, આપણી જિંદગી અત્યંત અણમોલ છે અને આપણો સમય એનાથીયે વધુ કીમતી છે. એટલે જીવનની મૂલ્યવાન બે કલાક આવી ગાંડીઘેલી ફિલ્મ પાછળ બગાડીએ તો પેલા અલ્ફ્રેડ હિચકોક કબરમાંથી બેઠા થઇને એમની ફિલ્મની સીડી લઇને આપણી પાછળ દોડે અને કહે કે, ‘મારી ઓરિજિનલ માસ્ટર પીસ ફિલ્મ જોવાને બદલે તમે આવો ડુપ્લિકેટ માલ જુઓ છો? ધિક્કાર છે તમને.’. આવું ન થવા દેવું હોય તો ખામોશિયાંથી કીપ સૅફ ડિસ્ટન્સ.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s