લૂટેરી દુલ્હન

***

આ ફિલ્મ જોવા માટેની ફોર્મ્યૂલા સિમ્પલ છેઃ આને કા, ફિલિમ દેખને કા, હંસને કા ઔર જાને કા, લેકિન દિમાગ નહીં ચલાને કા!

***

dolly-ki-doli-2nd-look-embeપહેલી જ વાર ડિરેક્ટરની ખુરશી પર બેઠેલા અભિષેક ડોગરાની ફિલ્મ ‘ડૉલી કી ડોલી’ પાસેથી લોકોને પાણીપુરીની લારીવાળા જેટલી જ અપેક્ષા હોય. મન થયું, તો ખાઈ લીધી. પૌષ્ટિક ન હોય તો કંઈ નહીં, બે ઘડી મજા આવવી જોઇએ. એ પછી લટકામાં મળતી ‘સૂખા પૂરી’ જેવું નાનકડું સરપ્રાઇઝ મળી જાય તો ગંગા નાહ્યા.

શાદી કે બાદ

ડૉલી (સોનમ કપૂર) એવી કામણગારી કન્યા છે, જે પ્રેમ કા ગેમ ખેલીને માલેતુજાર જુવાનિયાંવને લટ્ટુ બનાવે છે, શાદી બનાવે છે અને પછી ઉલ્લુ બનાવે છે. સુહાગરાતના બીજા દિવસે જ સાસરિયાંને ઊંઘતા છોડીને ઘર સાફ કરીને નૌ દો ગ્યારહ થઈ જાય છે. એની આ ગેમમાં દુબેજી (મનોજ જોશી), બાબુ (મોહમ્મદ ઝીશન અય્યુબ) અને બીજા લોકો પણ સામેલ છે. ડૉલીના પતિ થઇને પતી ગયેલી પાર્ટીઓ સોનુ સેહરાવત (રાજકુમાર રાવ) અને મનજોત સિંઘ ચઢ્ઢા (વરુણ શર્મા) ડૉલીને બરાક ઓબામાના સ્નિફર ડૉગની જેમ શોધી રહ્યા છે. બીજી બાજુ પોલીસ પણ હરકતમાં આવે છે અને ડૉલીને શોધી કાઢવાનો કેસ સોંપાય છે સલમાન જેવી સ્ટાઇલો મારતા પોલીસમેન રોબિન સિંઘ (પુલકિત સમ્રાટ)ને. આગળ શું થાય છે એ જાણવા માટે તમારે વગર કંકોતરીએ પહોંચી જવાનું ડૉલી કી બારાતમાં.

બેન્ડ બાજા બારાત

સલમાનભાઈના બડે ભાઈ અરબાઝ ખાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ માત્ર સો મિનિટની જ છે, મતલબ કે દોઢ કલાક પ્લસ દસ મિનિટ. એટલે ફિલ્મની સ્ટોરી ફટાફટ ભાગે છે. આપણે હજી કંટાળવાનું વિચારતા હોઇએ ત્યાં તો ઇન્ટરવલ પડી જાય. ફરી પાછો કંટાળો ડોકિયું કરવાની હિંમત કરે ત્યાં તો થિયેટરવાળા આપણને બેટરી બતાવીને કહે કે, ‘સાબ, જાને કા ટેમ હો ગયા!’ ફિલ્મનો ઇન્ટરવલ પહેલાંનો ભાગ ટ્રેલરમાં બતાવે છે એવો જ એન્ટરટેનિંગ છે, જ્યારે સેકન્ડ હાફમાં દિલ્હીના રાજકારણ જેવી વિચિત્રતાઓ ફૂટી નીકળે છે.

પરંતુ ફિલ્મમાં સૌથી વધુ મજા કરાવે છે રાજકુમાર રાવ તથા વરુણ શર્મા (‘ફુકરે’ ફિલ્મનો ‘ચૂચો’)ની સુપર્બ કોમિક ટાઇમિંગવાળી એક્ટિંગ. રાજકુમાર રાવ લંબી રેસનો ઘોડો છે અને સખત વર્સેટાઇલ એક્ટર છે. એ ‘શાહિદ’ અને ‘કાઇપો છે’ જેવા ઇન્ટેન્સ રોલ કરી જાણે છે, તો અહીં ‘ડૉલી કી ડોલી’માં પાગલ મજનુ દીવાના બનીને કોમેડીથી લઇને ઠુમકા લગાવવામાં પણ એકદમ પાવરધો લાગે છે. હરિયાણવી બોલીમાં તો એ એટલો નેચરલ લાગે છે કે એની સામે ‘પીકે’નો ભોજપુરિયા આમિર ખાન પણ સિન્થેટિક લાગે. અને વરુણ શર્મા. વરુણ આ ફિલ્મનો અનસંગ હીરો છે. સૌથી વધુ લાફ્ટર એ ખેંચી જાય છે અને વિવેચકો બીજા કલાકારોને પોંખવામાંથી ઊંચા નથી આવતા. પરંતુ એ જો આવા બાઘા જુવાનિયાના એકસરખા જ રોલ કર્યા કરશે, તો ‘થ્રી ઇડિયટ્સ’ના ‘ચતુર મહાલિંગમ’ એટલે કે ઓમી વૈદ્યની જેમ ફેંકાઈ જશે.

આ દેશમાં સોનમ કપૂરના ચાહકોની સંખ્યા કેજરીવાલના સમર્થકો કરતાં પણ વધારે છે. એ દર બીજી ફિલ્મમાં રંગરંગ વાદળિયાં જેવાં કપડાં પહેરીને ચુલબુલી ગર્લની એકસરખી એક્ટિંગ કરે છે તોય લોકોને આનંદ આવતો રહે છે. ચરિત્ર અભિનેતા રાજેશ શર્મા અહીં હીરોના શોખીન મિજાજના હરિયાણવી પપ્પાની ભૂમિકામાં છે. એમને બહુ ઓછી સ્ક્રીનસ્પેસ મળી છે, પણ બધા જ સીનમાં છવાઈ જાય છે. બીજો હીરો પુલકિત સમ્રાટ દેખાવે રૂડોરૂપાળો છે, પણ જેટલી વાર એને જોઇએ એટલી વાર ‘દબંગ’નો સલમાન જ યાદ આવે છે. મનોજ જોશી એમની રાબેતા મુજબની એક્ટિંગ સાથે ફિલ્મમાં છે. એમ તો અર્ચના પુરણ સિંહ પણ અચાનક વાવાઝોડાની જેમ આવીને ફિલ્મમાં ઘોંઘાટનું લેવલ ઊંચું લાવી દે છે.

ફિલ્મની સૌથી મોટી નિરાશા હોય, તો તે છે મોહમ્મદ ઝીશન ઐયુબ. ‘રાંઝણા’ ફિલ્મમાં હીરો ધનુષના દોસ્તાર ‘મુરારી’ તરીકે આખી ફિલ્મમાં છવાઈ જનારો આ ટેલેન્ટેડ કલાકાર અહીં સાવ નીરસ લાગે છે. જાણે એની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય એ રીતે એની એક્ટિંગમાં કોઈ સ્પાર્ક જ દેખાતો નથી.

હવે બે શબ્દ સંગીતકારો સાજિભાઈ-વાજિદભાઈની શાનમાં. આ લોકો હવે બધી જ ફિલ્મોમાં ‘દબંગ’નું જ બીબું વાપરે છે. એક આઇટેમ સોંગ (જેમાં પાછા પ્રોડ્યુસર મલાઇકા અરોરાએ જ ઠુમકા લગાવ્યા હોય!), એક નૈના સોંગ (સિંગરઃ વિના અપવાદે રાહત ફતેહ અલી ખાન), એક છમિયા સોંગ, એક પાર્ટી સોંગ અને એક લવ સોંગ. ધેટ્સ ઑલ. કુછ નયા સોચો યાર!

ચાંલ્લો કેટલો?

જેમ લગ્નમાં મુહૂર્ત વીતી ગયું હોય અને ગોરમહારાજ ફાસ્ટ ફોરવર્ડમાં વિધિ પતાવી દે એ રીતે ડિરેક્ટર સાહેબે વાર્તાનો વીંટો વાળી દીધો છે. એટલે ફિલ્મમાં લોજિકનો પાલવ પકડશો તો બહુ બધા સવાલો થશે (જેમ કે, આ ડૉલીનો એકેય ફોટો કોઈ પાસે કેમ ન હોય? બધા લોકો પોતાના દાગીના ઇસ્ત્રી કરેલાં કપડાંની જેમ ખુલ્લા કબાટમાં શા માટે રાખે? બધા લોકો એક જ ટ્રિકથી કઈ રીતે ફસાઈ જાય? પોલીસ આમ અક્કલ વગરની જેમ શા માટે વર્તે છે? વગેરે), અને સરવાળે દુખી થશો. એના કરતાં ફિલ્મમાં ઘણી બધી લાફ્ટર મોમેન્ટ્સ છે, એમાં હસીને ખુશ થજો. ખુશ જ થવું હોય તો ફિલ્મમાં એક નાનકડું સરપ્રાઇઝ પણ છે! અને હા, તમે જો ‘સોનમ કપૂર ફેન ક્લબ’ના સભ્ય ન હો, તો ડીવીડી બહાર પડે ત્યાં સુધી પણ રાહ જોવામાં વાંધી નથી.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s