I

બ્યુટી એન્ડ ધ બીસ્ટ

***

અત્યંત લાંબી અને ઢીલી હોવા છતાં ભવ્ય કેન્વાસ પર બનેલી ડિરેક્ટર શંકરની આ મેગા ફિલ્મ એક વાર તો મોટા પડદે નિહાળવા જેવી જ છે.

***

poster-d3અગાઉ ‘જિન્સ’, ‘નાયક’, ‘સિવાજી’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા દક્ષિણના ધરખમ ફિલ્મ મેકર શંકરની નવી ફિલ્મ ‘આઈ’નું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે ફિલ્મ રસિયાઓ માથું ખંજવાળવા માંડેલા કે આ ફિલ્મમાં એક્ઝેક્ટ્લી છે શું? ડિરેક્ટર શંકર વિશાળ કેન્વાસ પર મોટી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મ ‘આઈ’ તાજેતરનાં વર્ષોમાં આવેલી સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. ત્રણ કલાક અને છ મિનિટ જેટલી એનાકોન્ડા છાપ લંબાઈ ધરાવતી આ ફિલ્મ વિશે પ્રશ્ન થાય કે તમિળમાંથી ડબ કરેલી ફિલ્મ આપણે શું કામ જોવી જોઇએ? વેલ, તેનાં એક નહીં, ઘણાં કારણો છે, પણ પહેલા ક્વિક સ્ટોરી.

દિલ, દોસ્તી અને દગાખોરી

ફિલ્મના પહેલા જ દૃશ્યમાં એક અત્યંત કદરૂપો ખૂંધવાળો બિહામણો માણસ નમણી નાજુક દિયા (એમી જેક્સન)ને લગ્નમંડપમાંથી ઉઠાવીને ક્યાંક લઈ જાય છે. આ ઘટનાક્રમની સાથે જ ચાલતા એક ફ્લૅશબૅકમાં આપણને ખબર પડે છે કે આ દિયા તો જાહેરખબરોની દુનિયાનો એક જાણીતો ચહેરો છે. બીજી બાજુ ચેન્નઈની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહેતો લિંગેસન (વિક્રમ) આ દિયા પાછળ તદ્દન ક્રેઝી છે. બોડીબિલ્ડર લિંગેસન મિસ્ટર તમિલનાડુ બનવા માટે પરસેવો પાડી રહ્યો છે અને મિસ્ટર ઈન્ડિયા બનવાના ખ્વાબ જુએ છે. હવે સંજોગોના પાસા એવા પડે છે કે લિંગેસન પણ મૉડલિંગની દુનિયામાં આવી ચડે છે અને એનાં સપનાંની રાણી દિયા સાથે એને પ્રેમ પણ થઈ જાય છે. પરંતુ પ્રગતિની પતંગમાં લંગસિયાં ન નાખે તો દુનિયા થોડી કહેવાય? બસ, નફરતના ચાકડે બદલો લેવાની એક ખૂનખાર યોજનાનો પિંડ બંધાઈ જાય છે. સાથોસાથ આપણા મગજમાં પણ એક મુદ્દો વિચારવા માટે છૂટ્ટો મૂકી દેવાય છે. અને હા, પેલો કદરૂપો ખૂંધવાળો માણસ કોણ હતો?

શા માટે જોવી ‘આઈ’?

  • અદાકાર વિક્રમ માટેઃ અગાઉ આપણે ‘રાવણ’ અને ‘અપરિચિત’ જેવી ફિલ્મોમાં આ અભિનેતાને જોઈ ચૂક્યા છીએ. અહીં આ ફિલ્મ ‘આઈ’માં વિક્રમે જેટલી મહેનત પોતાનું સ્નાયુબદ્ધ ગઠીલું શરીર બનાવવામાં કરી છે તેનાથી ક્યાંય વધારે મહેનત એણે એક સાવ અલગ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિ બનવા માટે કરી છે. એ માટે એને બે હાથે સલામ મારવી પડે. પૂરું થવાનું નામ જ ન લેતી આ ફિલ્મને વિક્રમે છેક સુધી લિટરલી પોતાના ખભે ઊંચકી બતાવી છે. હેવી મેકઅપથી ઢંકાયેલા હોવા છતાં વિક્રમે પોતાના પાત્રનાં ઈમોશન એટલી જ અસરકારકતાથી વ્યક્ત કર્યા છે.
  • ડિરેક્ટર શંકર માટેઃ આ ફિલ્મના લેખક-દિગ્દર્શક એવા શંકર જો કીડી પર પણ ફિલ્મ બનાવે તો એ ડાયનોસોર જેવડી હોય! શૂટિંગનાં સ્થળો હોય, ગીતો હોય, ફાઇટ્સ હોય કે ઇન્ટેન્સ ડ્રામા હોય, દરેક ઠેકાણે લગભગ ક્યારેય અગાઉ જોયું ન હોય એવી અદભુતતાનો ટચ જોવા મળે. હા, ફિલ્મ જોતી વખતે પાંપણો ઝપકાવતા રહેવું, જેથી ‘ડ્રાય આઈ સિન્ડ્રોમ’ ન થઈ જાય! બીજા દિગ્દર્શકોને આ ફિલ્મથી ખૂલ્લી ચેલેન્જ છે કે ચીલાચાલુ બીબાંમાંથી નીકળીને આ પ્રકારનું ઈનોવેટિવ વિચારી બતાવો તો ખરા.
  • અફલાતૂન સિનેમેટોગ્રાફી અને લૉકેશન માટેઃ આખી ફિલ્મના લગભગ બધાં જ દૃશ્યોને જાણે કોઈ ઊડતા પંખીની પાંખ પર બેસાડીને શૂટિંગ કર્યું હોય એવી ફીલ આવે છે. વળી, ડિરેક્ટરે લાંબા સમય સુધી ચીનમાં જઈને આપણે ક્યારેય ન જોયાં હોય એવાં સ્થળોએ શૂટિંગ કર્યું છે. રંગીન ફૂલોથી લદાયેલાં મેદાનો, લાલ રંગનું પાણી, જૅપનીસ હોડીઓ, ઘરો… આ બધું જ આપણી પરંપરાગત માન્યતા કરતાં ક્યાંય જૂદું અને અત્યંત ભવ્ય રીતે અહીં ઝીલાયું છે. ફલાણું દૃશ્ય કેવી રીતે શૂટ કર્યું હશે તે વિચારતા રહી જઇએ એવી જાદૂગરીથી કેમેરા ચલાવનારા પી. સી. શ્રીરામને પણ ‘જે સી ક્રસ્ન’ કહેવા પડે.
  • થીમ બેઝ્ડ સોંગ્સ માટેઃ ‘આઈ’ સાથે એ. આર. રહેમાને વધુ એક ફિલ્મમાં નબળું સંગીત આપ્યું છે, પણ તે ગીતોને એવી ખૂબીથી ફિલ્માવાયાં છે કે સંગીતની નબળાઈ પર આપણું ધ્યાન જ ન જાય. દરેક ગીતને એક થીમ આપી છે. જેમ કે, ‘અકલ મારી’ ગીતમાં ટીવી, માછલી, પાણી, મોબાઈલ ફોન, બાઇક વગેરેમાંથી સ્પેશ્યલ ઇફેક્ટ્સ દ્વારા હિરોઇન બને છે. બીજા એક ગીત ‘તુમ તોડો ના’માં વિખ્યાત પરીકથા ‘બ્યુટી એન્ડ ધ બીસ્ટ’ને જીવંત કરાઈ છે. આવું જ બાકીનાં ગીતોમાં પણ છે.
  • ફાઇટ સિક્વન્સીસ માટેઃ જિમ્નેશિયમમાં એક ગઠ્ઠાદાર હીરો પચાસેક પઠ્ઠા પહેલવાનોને ડમ્બેલની જેમ ઊંચકીને પછાડતો હોય એ ફાઇટ અને ચીનમાં ઘરોનાં છાપરાં પર કૂદાકા મારતી સાઇકલોથી થતી ફાઇટ હોય, આમાંથી કશું જ આપણે અગાઉ જોયું હોય એવું યાદ આવતું નથી.

કમઝોર કડી

૧૮૬ મિનિટ સુધી થિયેટરની સીટમાં બેસી રહેવું એ ગમે તેની ધીરજની કસોટી કરી લેતું કામ છે. આ ફિલ્મમાં ઘણાં સીન, ગીતો અને સાઇડ ટ્રેક આસાનીથી એડિટ કરી શકાયાં હોત. ઘણે ઠેકાણે તો ફિલ્મ એટલી લંબાય છે કે આપણને માળીની કાતર લઈને પડદા પર ધસી જવાની ઈચ્છા થઈ આવે! પ્રેક્ષકોને હસાવવા માટે ગંદાં વનલાઇનર્સ અને ગલીચ ઈશારાઓની મદદ લેવાઈ છે, જે આ ફેમિલી ફિલ્મમાં જરાય શોભતું નથી. ઈવન મોટે ભાગે ફિલ્મમાં કોમેડી આપણને હસાવી જ શકતી નથી. એવું જ એક્ટિંગનું છે. હિરોઇન એમી જેક્સન દેખાવમાં વ્હાઇટ ચોકલેટ જેવી મીઠડી લાગે છે, પણ એક્ટિંગમાં ડબ્બુ પુરવાર થાય છે. ખરેખર તો ફિલ્મમાં હીરો વિક્રમ સિવાય ઉપેન પટેલ કે અન્ય એક પણ કલાકારની એક્ટિંગમાં કશો ભલીવાર નથી.

સૌંદર્ય એટલે?

ક્રૂર હરકતનો અતિશય ક્રૂર બદલો લેવાની આ વાર્તા આપણને એક પ્રશ્ન સાથે છોડી મૂકે છે કે કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો છો ત્યારે માત્ર તેના દેખાવને જ ચાહો છો કે દેખાવની પાછળ રહેલા તેના આત્માને? જો ધીરજ હોય, ડબિંગ કરેલા સંવાદોની કે દક્ષિણના હીરોને જોવાની આભડછેટ ન હોય, તો આ ફિલ્મની સિનેમેટિક વેલ્યૂને મોટા પડદે જ માણવા જેવી છે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s