શરાફત ગઈ તેલ લેને

એન્ટરટેનમેન્ટ ગયા તેલ લેને

***

એક મસ્તીભરી તોફાની સ્ટોરી અહીં બોરિંગ રાઇટિંગ, શીખાઉ એક્ટિંગ અને સત્ત્વ વિનાની ટ્રીટમેન્ટ નીચે ચગદાઈ ગઈ છે.

***

sharafat-gayi-tel-leneટ્રેલર નામના શો કેસમાં કોમેડીની આશાનાં તોરણો બંધાવ્યાં હોય અને શૉપની અંદર પ્રવેશ્યા પછી હસવું જ ન આવે તો, ગ્રાહક સુરક્ષામાં કેસ કરી શકાય ખરો? જો આ સવાલનો જવાબ ‘હા’ હોય તો આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘શરાફત ગઈ તેલ લેને’ના બનાવનારાઓ સામે આ કેસ માંડવા જેવો છે.

ભાઈ કા ફોન આયા

કોઈ સવારે તમારા ખાતામાં એક સાથે સો કરોડ રૂપિયા જમા થઈ જાય તો? આવું કેમ બન્યું એની ગડ હજી મગજમાં ન બેઠી હોય, ત્યાં દુબઈથી દાઉદભાઈનો ફોન આવે કે આમાંથી હું કહું એટલા રૂપિયા અમુક લોકોને આપતા જવાના છે, નહીંતર તમારું ઢીંચક્યાઉં! આવું થયું ચંબુછાપ કંજૂસ પણ સીધાસાદા નોકરિયાત પૃથ્વી ખુરાના (ઝાયેદ ખાન) સાથે. કુંવારો પૃથ્વી પોતાના રખડેલ રૂમ પાર્ટનર સેમ (રણવિજય સિંઘ) સાથે રહે છે અને બહુ થોડા સમયમાં જ પોતાની ચુલબુલી પ્રેમિકા મેઘા (ટીના દેસાઈ) સાથે લગ્ન પણ કરવાનો છે. ત્યાં જ આ ભાઈનો ફોન એની લાઇફમાં પંક્ચર પાડી દે છે. આ ફોન શું કામ આવ્યો, એમાંથી એ કેવી રીતે બચશે અથવા તો બચશે કે નહીં એ બધા જ સવાલોના જવાબો તમારે તમારા હિસાબે ને જોખમે આ ફિલ્મમાંથી શોધવાના છે.

મા મને થિયેટરમાંથી કાઢ

આ ફિલ્મના ડિરેક્ટર ગયા વર્ષે ડિમ્પલ કાપડિયા સ્ટારર ઠીકઠાક મનોરંજક ફિલ્મ ‘વ્હૉટ ધ ફિશ’ બનાવી ચૂક્યા છે. પરંતુ શરૂઆતમાં કહ્યું તેમ ટ્રેલર જોઇને આપણને આશાઓ બંધાવી હોય કે આ ફિલ્મ તો હસાવી હસાવીને આપણા ગાભા કાઢી નાખશે, પરંતુ એવું કશું બનતું નથી. આખી ફિલ્મમાં સમ ખાવા પૂરતા એક પણ વખત આપણે પેટ પકડીને હસી શકતા નથી. ઇન ફેક્ટ, એક નાનું અમથું રાયના દાણા જેવડું સ્મિત શોધવામાં પણ આપણને ફાંફા પડી જાય છે. એક તો ફિલ્મ જેના ખભે છે તેવો ઝાયેદ ખાન તો ઓલરેડી પુરવાર કરી ચૂક્યો છે કે એને ને એક્ટિંગને બાપે માર્યા વેર છે. સારી યાદશક્તિ ધરાવતા લોકો પણ અત્યારે માથું ખંજવાળતા હશે કે આ નમૂનાને ક્યાંક જોયો હોય એવું તો લાગે છે!

ઝાયેદનો રૂમ પાર્ટનર બનતો ‘રોડીઝ’ ફેમ રણવિજય સિંઘા હજી એના રોડીઝ વખતનાં એક્સ્પ્રેશન્સ જ આપ્યા કરે છે. આમેય વાંઢાવિલાસ જેવા ઘરમાં મગરમચ્છની જેમ પડ્યા રહેતા રૂમ પાર્ટનરોવાળા અફલાતૂન રીતે ફિલ્માવાયેલા ટ્રેક આપણે જૂની ‘ચશ્મે બદ્દૂર’થી લઇને ‘દિલ્હી બેલી’ સુધીની ફિલ્મોમાં જોતા આવ્યા છીએ. આ ફિલ્મના બનાવનારાઓએ એમાંથી કોઈ ધડો લીધો હોય એવું દેખાતું નથી.

ફિલ્મના લેખકો ગુરમીત સિંઘ અને રાજેશ ચાવલાને એવું હશે કે બબૂચક હીરો, દોઢ ડાહ્યો દોસ્તાર અને ફટાકડી હિરોઇન નાખી દઇએ એટલે લોકો લાફિંગ ગેસ છોડ્યો હોય એમ અમથા અમથા હસવા માંડશે. કેમ કે એ બંનેએ આખી ફિલ્મમાં એક પણ ઠેકાણે શાર્પ વનલાઇનર નાખ્યા નથી. કે જેને ખરેખર કોમિક કહી શકાય એવી કોઈ સિચ્યુએશન પણ નથી. આ ડૂબી રહેલી ફિલ્મને બચાવવા માટે લાઇફ જેકેટ લઈને પીઠ અભિનેતા અનુપમ ખેર પાણીમાં ઊતરે છે, પણ એય થોડી વારમાં પોતાના હથિયાર હેઠા મૂકી દે છે. જાણે પાણીમાં કાગળની હોડી તરવા મૂકી હોય એ રીતે ફિલ્મ પ્રેક્ષકોની પરવા કર્યા વિના એની એકધારી ગતિએ ચાલ્યા કરે છે અને પોણા બે કલાકમાં પૂરી જાહેર થઈ જાય છે. ઈવન ક્લાઇમેક્સ પહોંચતાં સુધીમાં તો સ્ટોરી પતંગના દોરાની જેમ એવી ગૂંચવાઈ જાય છે કે છેક સુધી ઊકલતી જ નથી.

યે ફિલ્મ ભી ગઈ તેલ લેને

થોડી માનવતા દાખવવા માટે એવું કહી શકાય કે આ ફિલ્મ સાફસૂથરી છે અને ક્યાંય કોઈ ગંદા-ગલીચ જોક કે ઈશારા નથી. અડધી ગુજરાતણ એવી મીઠડી હિરોઇન ટીના દેસાઈ પણ એના નૂડલ્સ જેવા વાળ સાથે જોવી ગમે છે. પરંતુ જેમ ફિલ્મનું ટાઇટલ કહે છે તેમ, યે શરારત ભી ગઈ તેલ લેને, આપણે આ ફિલ્મની પાછળ કાણી પાઈ પણ ખરચવા જેવી નથી. ભવિષ્યમાં ક્યારેક ટીવી પર આવે, તો જોવાનો પ્રયત્ન કરજો. હા, રિમોટ કંટ્રોલ હાથવગું રાખજો!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s