બાળ હોરર ફિલ્મ

***

આ ફિલ્મમાં કોન્જોઇન્ડ ટ્વિન્સ બનેલી બિપાશા બસુનાં બે ધડ છે અને બે માથાં છે, પરંતુ આખી ફિલ્મ બિલકુલ ધડમાથાં વિનાની છે. ડરાવવાને બદલે હસાવતી આવી ફિલ્મો માટે ‘બાળ હોરર’ જેવો નવો પ્રકાર શરૂ કરવો જોઇએ.

***

alone-hindi-horror-movie-2015-bipasha-basuએકબીજાંની સાથે જોડાયેલાં શરીરવાળાં (કન્જોઇન્ડ ટ્વિન્સ) બાળકોને લઇને હોરર ફિલ્મ બનાવવાનો વિચાર અત્યંત રોમાંચક છે. આ વિચાર પરથી ડિરેક્ટર ભૂષણ પટેલે બિપાશા બસુને લઇને ફિલ્મ બનાવી ‘અલોન’. પરંતુ આ વિચાર એમનો નથી. આઠ વર્ષ પહેલાં થાઇલેન્ડમાં આ જ વાર્તા સાથે બનેલી આ જ નામની ફિલ્મનું હિન્દી રૂપાંતરણ માત્ર છે. પણ જો વિચાર કરવાથી જ ધાર્યું પરિણામ મળી જતું હોત તો ભારત દેશ ક્યારનોયે સુપરપાવર બની ગયો હોત. એક લીટીની વાર્તાને બાદ કરતાં આ ફિલ્મનું એક્ઝિક્યુશન એટલું નબળું છે કે ફિલ્મમાં ગણીને છ જ ડરામણી મોમેન્ટ્સ છે, એ પણ ટાંકણીના ટોપકાં જેવડી. એમાંય તે ભયને બદલે હસવું આવે છે.

શરીર બે, (ભટકતો) આત્મા એક

સંજના અને અંજના (બિપાશા બસુ) પેટેથી જોડાયેલી સિયામિઝ ટ્વિન્સ બહેનો છે. બંને બહેનને એક જ યુવાન કબીર (નવોદિત કરણ સિંઘ ગ્રોવર) સાથે પ્રેમ થઈ જાય છે. પરંતુ કબીરને માત્ર સંજનામાં જ રસ પડે છે. એટલે બંને બહેન વચ્ચે તડ પડે છે અને ધડ છૂટાં પાડવાનું ઑપરેશન થાય છે. આ ઑપરેશનમાં એક બહેન અંજના શ્રીજી ચરણ પામે છે. હવે સાત વર્ષ પછી અંજના ભૂત બનીને કેરળની માલીપા કાળો કેર વર્તાવવા આવી પહોંચે છે.

કન્સેપ્ટના ફુલ માર્ક્સ
ફાંટાબાજ કુદરતની કારીગરીથી ધડથી જોડાયેલાં બાળકો જન્મે. ભલે એમનાં શરીર જોડાયેલાં હોય, પણ લાગણીઓ તો નોખી હોય ને. કંઈક આવી જ લાગણીઓની વાત કહેતું દિશા વાકાણી ઉર્ફ ‘દયા ટપુ કે પાપા ગડા’ને લઇને એક સુપરહીટ ગુજરાતી નાટક પણ બનેલું. પરંતુ કોન્જોઇન્ડ ટ્વિન્સના લવ ટ્રાયેંગલને હોરરનો ટ્વિસ્ટ આપી દઇએ તો? આ વિચાર માટે પેલી થાઇલેન્ડની આ જ નામની ફિલ્મના સર્જકોને વિથ ડિસ્ટિંક્શન પાસ કરવા પડે. પરંતુ થાઇથી લઇને કોઇપણ વાનગી ભારતમાં આવે એટલે એનું એવું વરવું ભારતીયકરણ થઈ જાય કે ખુદ ઓરિજિનલનાં સર્જકો પણ તેને ઓળખી ન શકે. એટલું જ નહીં, એક દિશામાં જતી આ વાર્તામાં છેલ્લી દસ મિનિટમાં સારો એવો રોમાંચક ટ્વિસ્ટ આવે છે, જેનાથી આખી વાર્તા શીર્ષાસન કરતી હોય એમ અવળી થઈ જાય છે.

દર્શકોની આંખે વસે એવો બીજો પ્લસ પોઇન્ટ છે કેરળનાં બૅકવૉટર્સનાં નયનરમ્ય લોકેશન્સ. આ અગાઉ ચારેકોર પાણી, નાળિયેરી, લાંબી હોડીઓ અને હાઉસબોટોથી ભરચક આવાં લોકેશનોનો ભાગ્યે જ કોઈ હિન્દી ફિલ્મમાં ઉપયોગ થયો છે. લેકિન અફસોસ પ્લસ પોઇન્ટની નૌકા અહીં જ અટકી જાય છે.

વાસી કઢી જેવી ટ્રીટમેન્ટ

ભૂતપ્રેતની ફિલ્મ હોય એટલે આપણને અંદાજ હોય જ કે હમણાં અંધારી રાત, કિચૂડાટ કરતા દરવાજા, કારણ વિના ભસ્યે રાખતાં કૂતરાં, મચ્છરની જેમ આખા જ્યાં ત્યાં ભટકતો રહેતો આત્મા અને મચ્છર અગરબત્તીના ધુમાડાથી મચ્છરો ભાગે એમ ભગવાનની છબી જોઇને દૂર ભાગી જતું ભૂતડું, જાણે પિત્ઝા પર વિવિધ પ્રકારનાં ટોપિંગ્સ કર્યાં હોય એવાં ચિત્રવિચિત્ર મેકઅપવાળી ચુડેલ, એ ભૂત કરતાં વધારે ડરામણો લાગતો તાંત્રિક, ડૉક્ટર હોવા છતાં આત્મા-તાંત્રિકની વાતો કરતો તબીબ… આ બધું જ એટલું ચવાઈ ગયેલું છે કે હવે ‘ક્લિશે’ની કેટેગરીમાં આવે છે. વળી, લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે પરાણે નાખવામાં આવતાં બેડરૂમ સીન અને જાણે અંતઃવસ્ત્રોની જાહેરખબર કરતી હોય એમ ટૂંકાં કપડાં પહેરીને ફર્યે રાખતી હિરોઇન. આ બધો જ વાસી મસાલો ફિલ્મના સરસ કન્સેપ્ટને બેરહેમીથી રહેંસી નાખે છે.

વળી, ડિરેક્ટરને પોતાની ફિલ્મની વાર્તામાં વિશ્વાસ ન હોય એમ લોકોને ડરાવવા માટે જમાના જૂની શૉક થેરપી જ અજમાવે છે. અચાનક ક્યાંકથી ભૂત દેખાઈ ચડે અને લાઉડ મ્યુઝિક સાથે આપણે આંચકો ખાઈ જઈએ એવી ડરામણી મોમેન્ટ્સ પણ આખી ફિલ્મમાં કુલ મળીને છ જ છે.

કોઈ ફિલ્મ પરથી પ્રેરણા લઇએ એટલે તેની બેઠ્ઠી નકલ કરવી એવો નિયમ જરાય નથી. આ ફિલ્મમાં બિપાશા બસુ કોન્જોઇન્ડ ટ્વિન્સ છે તે વાતને ફિલ્મનાં ટ્રેલરોમાં જ કહી દેવાને બદલે અડધી ફિલ્મ સુધી તેને સસ્પેન્સ રાખી હોત તો આ ‘અલોન’ પાથબ્રેકિંગ ફિલ્મ બની શકી હોત.

ભૂતિયા ડિપાર્ટમેન્ટ

એક પછી એક હોરર ફિલ્મોમાં દેખાતી જતી બિપાશા બસુ અત્યારના સમયની લેડી હેમંત બિરજે કે દિપક પરાશર બની જાય તો નવાઈ નહીં. પરંતુ તેનાથી એની કૃત્રિમ એક્ટિંગ ઢંકાઈ જતી નથી. આ ફિલ્મથી ટેલિવિઝન સિરિયલોનો જાણીતો ચહેરો કરણસિંહ ગ્રોવર ફિલ્મોમાં પ્રવેશ્યો છે, પરંતુ એની એક્ટિંગ પણ નાયલોનની ફેક્ટરીના સિન્થેટિક કાપડ જેટલી જ કૃત્રિમ લાગે છે. આપણા પર થોડી દયા ખાવા માટે ફિલ્મમાં ઝાકિર હુસૈન જેવા મજબૂત એક્ટરને લીધા છે, એટલું સારું છે. એમ તો નીના ગુપ્તા પણ એક જમાના પછી ફિલ્મોમાં દેખાયાં છે, પરંતુ અફસોસ પ્રજાનાં નાણાંની જેમ એમનોય સદંતર વેડફાટ થયો છે.

જમવામાં સ્વીટ ડિશની જેમ ફિલ્મમાં જરૂર હોય કે ન હોય ગીતો નાખવાં એવું માનતા આપણા ફિલ્મમેકરો ગીતને કારણે ફિલ્મની ગતિની ઘોર ખોદી નાખે છે એના પર કેમ ધ્યાન નહીં આપતા હોય? આ ફિલ્મમાં ભલે અંકિત તિવારી, મિથુન અને જીત ગાંગુલી જેવા ત્રણ સંગીતકારોને લીધા છે, પરંતુ એકેય ગીતમાં કશો ભલીવાર નથી અને ફિલ્મની ઓલરેડી બેસ્વાદ દાળમાં પાણી રેડવાનું જ કામ કરે છે.

જેમ સાત વર્ષ સુધી કોઈ મૃતદેહ ગંધ માર્યા વિના રહી શકે નહીં એવું લોજિક અહીં તદ્દન ગેરહાજર છે, એ જ રીતે ફિલ્મના ડબિંગમાં પણ લોચા દેખાઈ આવે છે. ઘણાં દૃશ્યોમાં હોઠ ચીનમાં ફફડતા હોય અને ડાયલોગ જપાનમાં બોલાતા હોય એવું લાગ્યા કરે છે.

એકલા ન ચાલો રે

હોરર ફિલ્મો જોઇને પોતાના રૂંવાડા ઊભા કરનારો મોટો વર્ગ આપણે ત્યાં છે. એમના લાભાર્થે એટલું કહી શકાય કે ક્યાંકથી ખાંખાખોળાં કરીને આ જ નામની થાઈ ફિલ્મ અથવા તો થોડાં અઠવાડિયાં અગાઉ આવેલી હોલીવુડ ફિલ્મ ‘જેઝબેલ’ જોઈ પાડો. આ ફિલ્મ ‘અલોન’ જેટલી નિરાશા તો નહીં જ થાય. બાકી આપણી ‘અલોન’ જોવા જઇને થિયેટરમાં અલોન એટલે કે એકલા બેસીને બગાસાં ખાવા કરતાં તેની ડીવીડી બહાર પડે તેની રાહ જુઓ.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s