નવા વર્ષનો ઉમદા મેસેજ

***

પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરે કોઈ બાળક આત્મહત્યા કરે એ સમાચાર તમને વિચલિત કરે છે? તમારા સંતાનના બે-પાંચ ટકા માર્ક ઓછા આવે તો તમારું બ્લડપ્રેશર ઊંચું નીચું થઈ જાય છે? તો સમજો કે આ ફિલ્મ તમારા માટે છે.

***

take_it_easy-movie-posterમહાન વિચારક ખલિલ જિબ્રાન કહી ગયેલા કે તમારા સંતાનના તમે ટ્રસ્ટી છો, માલિક નથી. પરંતુ આપણે સિફતપૂર્વક આ વાત ભૂલી જઇએ છીએ અને સંતાનો પાસેથી અધિકારપૂર્વક અવાસ્તવિક અપેક્ષાઓ રાખવા માંડીએ છીએ. ભણતરનો ભાર ઓછો ન હોય તેમ આપણે આપણી અધૂરી અપેક્ષાઓનો બોજ પણ એમના માથે લાદી દઇએ છીએ. પરંતુ આપણા સૌની સ્થિતિ મહાભારતના દુર્યોધન જેવી છે. આપણને સુપેરે ખ્યાલ છે કે આ બધું ખોટું છે, પરંતુ બાળક પાસેથી ભણતર-સ્પોર્ટ્સ એમ બધાં જ ક્ષેત્રે બેસ્ટ પરફોર્મન્સનો દુરાગ્રહ છોડી શકતા નથી. બસ, આ જ વાત કરે છે આ શુક્રવારે રિલીઝ થયેલી ઓછા બજેટ અને મોટા સ્ટાર વિનાની ફિલ્મ ‘ટેઇક ઈટ ઈઝી’. મગજની નસો ખેંચાઈ જાય એવા ડ્રામાથી ફાટફાટ થતી આ ફિલ્મ તો ઠીકઠાક છે, પણ એનો મેસેજ સો ટચના સોના જેવો શુદ્ધ છે.

ભણતર ભાર વિનાનું કે ભાન વિનાનું?

‘ટેઇક ઈટ ઈઝી’ સ્ટોરી છે આપણા મુંબઈની એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતાં બે બાળકો અજય અને રઘુની. અજય એક કોર્પોરેટ નોકરી કરતા પપ્પા (જોય સેનગુપ્તા) અને હાઉસવાઇફ મમ્મી (દિપાન્નિતા શર્મા)નો દીકરો છે. પપ્પાજી પોતાના ચિરંજીવીને ઍસ્ટ્રોનૉટ બનાવવા માગે છે, પરંતુ દીકરા ચાંદ-તારામાં જરાય રસ નથી. પરંતુ પપ્પા ઈચ્છે છે કે હું દીકરા પર આટલો ખર્ચો કરું છું તો દીકરો અભ્યાસ-સ્પોર્ટ્સ બધામાં પહેલો નંબર શેનો ન લઈ આવે? અજયના નસીબ સારા છે કે એના દાદા (અનંગ દેસાઈ) સમજુ છે અને બાપ-દીકરા વચ્ચે બફરનું કામ કરતા રહે છે.

ટેણિયા અજયના જ ક્લાસમાં ભણતો રઘુ એક ભૂતપૂર્વ દોડવીર પપ્પા (રાજ ઝુત્સી)નો દીકરો છે. વર્ષો પહેલાં પપ્પા ઝુત્સીનો ઓલિમ્પિકની એક રેસમાં એવો સ્નાયુ ખેંચાયેલો કે આજે પણ લાકડીની મદદથી ખોડંગાતાં ચાલે છે. આ પપ્પા પોતાની ટૂંકી પછેડી કરતાં ક્યાંય લાંબી સોડ તાણીને પણ પોતાનાં દીકરા-દીકરીને મોંઘીદાટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવે છે. એમની એવી હિંસક ઈચ્છા છે કે હું ઓલિમ્પિકમાં મેડલ ન મેળવી શક્યો તો કંઈ નહીં, હવે મારો દીકરો મારી એ ઈચ્છા પૂરી કરશે.

સંતાનો પરનાં શારીરિક-માનસિક પ્રેશરથી શરૂ થયેલી આ સ્ટોરી ઘરથી આગળ વધીને સ્કૂલ સુધી પહોંચે છે. ત્યાં સત્તાના ઘમંડ અને ચેલેન્જની એવી સાઠમારી ખેલાય છે કે એની વચ્ચે બિચારાં બાળકોનો ખો નીકળે છે.

ધ ગ્રેટ ઈન્ડિયન ડ્રામેબાજી

એક શુદ્ધ સાત્ત્વિક વાનગીમાં ટેસ્ટ લાવવા માટે તેમાં પરાણે તેલ-મસાલા નાખ્યા કરો, તો તે વસ્તુમાં સરવાળે ફાયદા કરતાં નુકસાનનું પલ્લું જ ભારે થઈ જાય. લેખક-દિગ્દર્શક સુનીલ પ્રેમ વ્યાસની આ ફિલ્મ ‘ટેઇક ઈટ ઈઝી’માં એવું જ થયું છે. બાળકો પાસેથી રેસના ઘોડા જેવી અપેક્ષાઓ રાખતાં ‘હેલિકોપ્ટર પેરેન્ટ્સ’ અને એ અપેક્ષાઓના ભાર નીચે ચગદાતાં બાળકોની શી હાલત થાય છે એ મેસેજ આપવાના ઉત્સાહમાં એમણે ફિલ્મની સ્ટોરી પર ધ્યાન આપ્યું જ નથી. એટલે જ શરૂઆતથી અડધી ફિલ્મ બાળકો પર થતા શારીરિક-માનસિક અત્યાચારની છુટીછવાઈ વાતોનું કલેક્શન માત્ર બની રહે છે. જ્યારે ફિલ્મમાં ‘ઢેંટેણેન’ ટાઇપનો ડ્રામા લાવવા માટે ઈન્ટરવલ પછીના ભાગમાં બિલકુલ અવાસ્તવિક લાગે તેવી ઈગો ટસલ ઊભી કરી દેવાઈ છે. બે-પાંચ માર્ક માટે ઘરમાં કોઈનું અવસાન થયું હોય એવું વાતાવરણ સર્જી દેતાં પેરેન્ટ્સનું અને ઈજાગ્રસ્ત બાળકને પણ બેરહેમીથી ટીપી નાખતા આલ્કોહોલિક પિતાનું ચિત્રણ કરવામાં પેટ ભરીને અતિશયોક્તિ કરાઈ છે. પરિણામે કંઈક આવી જ વાત કહેતી ફિલ્મો ‘તારે ઝમીં પર’ અને ‘થ્રી ઈડિયટ્સ’ જેવી અસરકારકતા અહીં ક્યાંય દેખાતી નથી.

એવું જ એક્ટિંગની બાબતમાં પણ છે. નાની નાની વાતોમાં ફિલ્મનાં મોટાં પાત્રો એવી તો રાડારાડી કરી મૂકે છે કે આપણા દિમાગની નસો ખેંચાઈ જાય. સતત સિરિયસ થઈને ગાંડા કાઢતાં મમ્મી-પપ્પાઓ બાલિશ અને બાળકો મૅચ્યોર લાગે છે. દિપાન્નિતા શર્મા-જોય સેનગુપ્તા તથા જ્યોતિ ગૌબા-રાજ ઝુત્સીએ બાળક માટે પઝેસિવ મમ્મી-પપ્પાની ટિપિકલ કેરિકેચરિશ એક્ટિંગથી વિશેષ કશું જ કર્યું નથી. એમાંય સતત મગજનો પારો ઊંચો રાખીને ફરતી વ્યક્તિના રોલ રાજ ઝુત્સીએ એટલા બધા કર્યા છે કે એ એનો સ્થાયી ભાવ હોય તેવું લાગવા માંડ્યું છે. જોવાની મજા સૂધિંગ પર્સનાલિટીવાળા અનંગ દેસાઈ, વીરેન્દ્ર સક્સેના અને કેમિયો સ્પેશ્યાલિસ્ટ એવા બ્રિજેન્દ્ર કાલા (‘પીકે’માં આમિર ખાનને ભગવાનની મૂર્તિ વેચનારા મહાશય)ને જોઇને આવે છે. બચ્ચાંપાર્ટી એકદમ ક્યૂટ છે, પણ ડ્રામાના ડોઝમાં એમની હળવી ક્ષણો દબાઈ ગઈ છે. ‘ચિલ્લર પાર્ટી’ ફિલ્મમાં જેમ બાળકોનાં યાદ રહી જાય એવાં પાત્રો તૈયાર થયાં હતાં એવું અહીં થયું નથી. મ્યુઝિક તો સાવ કંગાળ છે.

ભાવનાઓં કો સમજો

આ ફિલ્મમાં એવું કશું જ નથી, જે આપણને ખબર ન હોય. એટલે પૈસા ખર્ચીને થિયેટર સુધી લાંબા થવાની તો સલાહ અપાય જ નહીં. હા, બાળક પર ભણતરનો ભાર ન નાખીએ, એના પર ફર્સ્ટ નંબરે આવવાનું પ્રેશર ન લાવીએ, એમને એમનું બાળપણ માણવા દઇએ, આપણી અધૂરી અપેક્ષાઓ એમના પર લાદવાને બદલે એમને એમનાં રસ-રુચિ પ્રમાણે આગળ વધવા દઇએ, સારા માર્ક કરતાં એમને સારા માણસ બનાવવાની પ્રેરણા આપીએ, તો નવા વર્ષની એનાથી સારી શરૂઆત બીજી એકેય નહીં હોય. ડીવીડી બહાર પડે ત્યારે આ ફિલ્મ જરૂર જોજો અને શાંતિથી વિચારજો.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s