બદલાપુર બોય્ઝ

હુતુતુતુ, વાસી રમતની ઋતુ

***

કબડ્ડીની રમતની આસપાસ ચકરાવા લેતી આ ફિલ્મ હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવી હોય એવી વાસી લાગે છે.

***

badlapur-boys-movie-review-by-viewers-live-updateઅંગ્રેજીમાં એક વક્રોક્તિ છે કે, ‘હું કંઈ સાવ નક્કામો નથી, એમ તો હું નઠારાના ઉદાહરણ તરીકે ચાલું એમ છું.’ આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘બદલાપુર બોય્ઝ’ આ જ વક્રોક્તિનો પડઘો પાડે છે. કબડ્ડીની રમતની આસપાસ હુતુતુતુ રમતી આ ફિલ્મ જોઇને એ પણ ખબર પડે છે કે જો ‘લગાન’ અને  ‘ચક દે ઇન્ડિયા’ અત્યંત ખરાબ રીતે બની હોત તો તેની કંઈક આવી જ વલે થઈ હોત.

જો જીતા વોહી સિકંદર

ઉત્તર પ્રદેશનું બદલાપુર નામે ગામ. પાણી વિના ટળવળતા આ ગામમાં નહેર લાવવા માટે એક ખેડૂત આત્મવિલોપન કરી લે છે. પાણી તો નથી આવતું, ઉપરથી એ સદગત ખેડૂત પર પાગલનું લેબલ લાગી જાય છે. હવે આ ગામમાં કબડ્ડી ખાસ્સી પોપ્યુલર, અને એ ખેડૂતનો દીકરો વિજય (નિશાન નનૈયા) આ ગેમનો સચિન તેંડુલકર ગણી લો. પરંતુ નાનપણથી જ મજૂરીએ લાગેલા દીકરાને કબડ્ડીથી દૂર રખાય છે, પણ કબડ્ડી ગમે તેમ કરીને એની પાસે આવતી જ રહે છે. આ બદલાપુરની કબડ્ડી ટીમ સાવ ઢગલાના ઢ જેવી. માત્ર હારવા માટે જ સ્પર્ધામાં ઊતરે. ત્યાં ક્યાંકથી ખબર પડે છે કે અલ્લાહાબાદમાં સ્ટેટ લેવલની કબડ્ડીની ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. એટલે આ બદલાપુરની ટીમ ત્યાં પહોંચી જાય છે. જાણે વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી મળતી હોય એમ આ ટીમને ટુર્નામેન્ટમાં ઊતરવાનો મોકો મળે છે. એટલું જ નહીં, એક સમયના કબડ્ડીના ધાંસુ ખેલાડી અને અત્યારના કોચ સૂરજ ભાન સિંઘ (અન્નુ કપૂર) પણ દ્રોણાચાર્યની જેમ આ ચીંથરેવીંટ્યાં રત્નોની ટીમની વહારે આવે છે. પરંતુ એક મોટો આઘાત આ બદલાપુરના છોકરડાઓની રાહ જોઈને ઊભો જ હોય છે. હા, કબડ્ડીના દાવની વચ્ચે વચ્ચે પેલો કબડ્ડી ચેમ્પિયન વિજય (નિશાન નનૈયા) એક રૂપાળી છોકરી સપના (શરણ્યા મોહન)ના પ્રેમમાં પણ પડે છે, પરંતુ આ લવસ્ટોરીને ફિલ્મની મુખ્ય વાર્તા સાથે કશી જ લેવાદેવા નથી.

રમત સિવાય બધામાં રમત

‘બદલાપુર બોય્ઝ’ એક ટિપિકલ અન્ડરડોગની સ્ટોરી છે. આવી વાર્તાઓની થીમ કોમન હોય છે કે જેમના જીતવા પર કોઇએ આશા ન રાખી હોય એવા લંગડા ઘોડા પણ અસાધારણ હિંમત બતાવીને રેસ જીતી જાય. છેલ્લે અન્ડરડોગ જીતવાનો છે એવી ખબર હોવા છતાં પણ લોકોને આવી વાર્તાઓ ભારે પસંદ પડે છે. પરંતુ આ વાર્તા લખવામાં રાઇટર કમ ડિરેક્ટર શૈલેષ વર્માએ એટલી વેઠ ઊતારી છે કે કવિ કયા યુગમાં જીવે છે એ જ સમજાય નહીં. એક તો ફિલ્મમાં મુખ્ય પાત્રોની સંઘર્ષના પોઇન્ટ બદલાતા રહે છે. ખેડૂતની વ્યથાથી વાત શરૂ થાય, ત્યાં બદલાપુરની ઠોઠ નિશાળિયા જેવી કબડ્ડી ટીમની વાત પર ગાડી અટકે. ત્યાંથી વળી પાછી વાર્તા શિફ્ટ થઈને એક કોચના માન-અપમાનનું ગાણું ગાવાનું શરૂ કરી દે. તેમ છતાં દરેક તબક્કે આપણને તો એવો જ સવાલ થયા કરે કે બધું બરાબર, પણ આમાં આ લોકોએ આટલા બધા ઉધામા કરવાની જરૂર ક્યાં છે?

થિયેટરની સીટને ટોર્ચર ચેમ્બર બનાવી દેતો બીજો પોઇન્ટ છે આ ફિલ્મની અત્યંત પછાત અને ભયંકર હદે પ્રીડિક્ટેબલ ટ્રીટમેન્ટ. હીરો-હિરોઈન ગામડાના મેળામાં જાય અને ત્યાં પ્રેમમાં પડી જાય, એવું તો હવે વીર પાઘડાવાળા ટાઇપની ટિપિકલ ગુજરાતી ફિલ્મોમાં પણ ચવાઈ ગયું છે. વળી, ફિલ્મની મુખ્ય જોડી જે રીતે ટ્રેડિશનલ કપડાં પહેરીને નાચે છે એય તે હવે ભોજપુરી ફિલ્મોમાં પણ એક્સપાયરી ડેટ વટાવી ચૂક્યું છે. આ આખી ફિલ્મ ચવાયેલાં ક્લિશેથી પણ ભરચક છે. હિપ્પોપોટેમસ જેવી ચામડીવાળા બાબુલોગ, સ્વાર્થી ગામલોકો, વિના કારણે શરમાયા કરતી ગભરુ હિરોઇન, સર્વગુણ સંપન્ન હીરો, રમતના નામે ચાલતો ભ્રષ્ટાચાર, સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને એમાં પડતું ભંગાણ… આ બધું જ આપણે અનેક વાર જોઈ ચૂક્યા છીએ અને અહીં તો એકેય વાતને સારી રીતે પેશ કરાઈ નથી. ઈવન ફિલ્મમાં દર થોડા સમયે આવતા ટ્વિસ્ટ પણ લાકડે માંકડું વળગાડ્યું હોય એ રીતે સગવડિયા છે.

જોકે આખી ફિલ્મનો સાવ કાંકરો કાઢી નાખવા જેવો નથી. એક તો આ બદલાપુર બોય્ઝે કબડ્ડી જેવી ગેમને મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં લાવવાની કોશિશ કરી એ વાતે પણ સર્જકની પીઠ થાબડવી જોઇએ. ઇન ફેક્ટ, ફિલ્મમાં જેટલો સમય કબડ્ડીની મૅચ ચાલે છે એટલો સમય તો મજા કરાવે છે. બીજું, હવે આપણી ફિલ્મોમાં ભાગ્યે જ જેન્યુઇન ગામડું દેખાય છે. તે ઘણે અંશે અહીં ઝિલાયું છે.

આ ફિલ્મમાં અન્નુ કપૂર અને અમન વર્માને બાદ કરતાં લગભગ બધા જ ચહેરા અજાણ્યા છે. એટલે એક્ટિંગ ડિપાર્ટમેન્ટ તો કાચો જ છે. હા, અન્નુ કપૂર સાહેબે ટોપી પહેરીને કોચ દેખાવામાં મહેનત કરી છે, પણ એય આ ડૂબતા ટાઇટેનિકને બચાવી શકે તેમ નથી. એવું જ ગીતોનું છે. આમ તો ફિલ્મમાં આખી ને આખી લવસ્ટોરી જ નક્કામી છે, એટલે એના નામે નખાયેલાં ગીતો પણ દાળમાં કાંકરીની જેમ ખૂંચે છે.

કબડ્ડીને કરો ક્લિનબોલ્ડ

ભામાશા જેવી ઉદારવૃત્તિ દાખવીએ તો પણ બદલાપુર બોય્ઝ માટે થિયેટર સુધી ધક્કો ખવાય નહીં. જો તમે ટીવી પર કબડ્ડી લીગની મેચો જોઇને ઉત્તેજિત થઈ જતા હો, તો પણ આ ફિલ્મની ડીવીડી બહાર પડે ત્યાં સુધી ધીરજ રાખજો.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s