Happy Ending

પબ્લિક ખુશ નહીં હુઈ

***

આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ એવી ઘિસીપીટી રોમેન્ટિક કોમેડી ફિલ્મોની પટ્ટી ઉતારતી આ ફિલ્મ પોતે પણ એવી જ છે.

***

pots-happy-ending-1કંગના રનોટની ‘ક્વીન’ ફિલ્મમાં એક રૂપાળો ફ્રેન્ચ રસોઇયો કંગનાને કહે છે કે તમને ભારતીયોને બધી વાનગીઓમાં મુઠા ભરી ભરીને મસાલા જ શું કામ નાખવા જોઇએ છે? બસ, એવું જ કંઈક ‘હેપ્પી એન્ડિંગ’ના ટ્રેલરોમાં ગોવિંદા બોલતો નજરે પડતો હતો, કે હીરો-હિરોઇન મળે, ભેટે, પ્રેમ થાય, પેડોં કે ઇર્દગિર્દ ગીતો ગાય, ગ્લોબલ વોર્મિંગ કરાવી દે એવાં ચુંબનો કરે અને પછી હેપ્પી એન્ડિંગ થઈ જાય… આવા મસાલા હોય તો જ ફિલ્મો જામે. અમેરિકાથી આયાત થયેલી ડિરેક્ટર જોડી રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડીકેએ બોલિવુડની આ જ ફોર્મ્યૂલાઓની મજાક ઉડાવતાં ઉડાવતાં પોતે પાછી એવી જ ફિલ્મ બનાવી નાખી છે.

રાઇટર હીરો, પ્રેમમાં ઝીરો

અમેરિકામાં રહેતો યુદી જેટલી (સૈફ અલી ખાન) એક સક્સેસફુલ સેલિબ્રિટી રાઇટર છે, જે પોતાનાં નામ-દામને વટાવીને ઐયાશીઓ કરતો ફરે છે. છોકરીઓ જોઇને એની દાઢ સળકે છે પણ પ્રેમમાં પડવાની વાત આવે કે એ ઇન્જેક્શનનું નામ સાંભળીને નાનું બાળક ભાગે એ રીતે ભાગી જાય છે. અંગ્રેજીમાં કહીએ તો એ ‘કમિટમેન્ટ ફોબિઆક’ છે. આ જ ચક્કરમાં કરીના કપૂર, પ્રીટિ ઝિન્ટા અને કલ્કિ કોચલિન જેવી ગર્લફ્રેન્ડો સાથે એનું બ્રેકઅપ થઈ ગયું છે. આખરે એના સ્ટારડમની એક્સપાયરી ડેટ આવે છે અને ભાઈ કંગાલિયતને કિનારે આવીને ઊભા રહે છે. છેલ્લે સંકટ સમયની સાંકળ તરીકે એનો લિટરરી એજન્ટ બૉલિવૂડના એક ટિપિકલ હીરો અરમાનજી (ગોવિંદા)ને પકડી લાવે છે. આ અરમાનજી એક ટિપિકલ રોમેડી (રોમેન્સ પ્લસ કોમેડી) ફિલ્મ લખવાનું કામ સૈફને આપે છે. પરંતુ સૈફે છેલ્લાં સાડા પાંચ વર્ષથી એક અક્ષરેય લખ્યો નથી. એટલે કવિઓની ભાષામાં કહીએ તો પ્રેરણા રૂપે એને કોઇકની મદદ જોઇએ છે. એ મદદ એને દેખાય છે એની જ હરીફ લેખિકા આંચલ રેડ્ડી (ઇલિએના ડીક્રૂઝ)માં. ઇલિએના લવસ્ટોરીઓ લખે છે જે ગરમાગરમ ભજિયાની જેમ વેચાઈ જાય છે. પ્રેમની પ્રેરણા લેવાની લાલચમાં સૈફ ઇલિએનાની ભેગોભેગો ફરે છે, પણ એમાં એ પોતે જ પ્રેમમાં પડી જાય છે, અને પછી? વેલ, ફિલ્મનું ટાઇટલ!

વોહી પુરાની, પ્રેમ કહાની

એક જમાનો હતો, જ્યારે માત્ર બંગાળી ફિલ્મોના હીરો જ લેખક બનવા માગતા. પછી તો આપણા બધા જ હીરોલોગ માત્ર એમબીએ જ કરવાના રવાડે ચડી ગયા. આ ફિલ્મથી ફરી એકવાર રાઇટર હીરોની એન્ટ્રી થઈ છે, એ પણ ન્યૂ એજ સેલિબ્રિટી રાઇટર. દોઢેક મહિના પહેલાં આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે એવું લાગતું હતું કે આપણી ટિપિકલ પેમલા-પેમલીની વેવલી વાર્તાઓ કહેતી ફિલ્મોની તો આ ડિરેક્ટર જોડી ધજ્જિયાં ઉડાવી દેશે. પરંતુ ફિલ્મમાં ગોવિંદા કહે છે એમ હટ કે કુછ ભી નહીં હૈ, અને ફિલ્મ એ જ જૂનો મસાલો નવા પેકેટમાં પીરસે છે.

પરંતુ ફિલ્મનો લોચો એ નથી કે એ ચવાયેલી સ્ટોરી કહે છે, મેઇન લોચો એ છે કે એ ખાસ્સી ધીમી કમ ઢીલી છે અને માત્ર અર્બન ઑડિયન્સને જ અપીલ કરી શકે એવી છે. ફિલ્મના રાઇટર-ડિરેક્ટર રાજ નિદિમોરુ-ક્રિશ્ના ડીકે ટેલેન્ટેડ છે અને અગાઉ ૯૯, શોર ઇન ધ સિટી, ગો ગોવા ગોન જેવી સારી કહી શકાય એવી ફિલ્મો આપી ચૂક્યા છે. પરંતુ એમના દિમાગમાં પણ ક્યાંક ને ક્યાંક એ ધમાચકડી ચાલતી હોય એવું લાગે છે કે આપણી ઑડિયન્સ શું સાવ બેવકૂફ છે જેની સામે ગમે તે ફેંકો અને તે ખુશી ખુશી ચાટી જાય? આ ફિલ્મમાં માત્ર ચારેક સીનમાં દેખાતા ગોવિંદાનું પાત્ર એવું જ છે, જે માને છે કે હોલિવૂડની ફિલ્મોમાંથી ઉઠાવીને ઠપકારી દોને, કોને ખબર પડવાની છે? ફિલ્મ સો બસ્સો કરોડ કરોડ કમાઈ લે એટલે ભયો ભયો! જ્યારે સૈફ એવું માને છે કે આવા ધંધા થોડા કરાય? પણ આખરે સર્વાઇવ થવા માટે એ આવી જ એક ટિપિકલ પ્રેમકહાણી લખી આપે છે.

આ ફિલ્મમાં સૈફના અલ્ટર ઇગો એટલે કે અંતરાત્માનું પણ એક પાત્ર છે, જેનું નામ છે યોગી. આખો દિવસ ખા-ખા કરતો દાઢી અને ફાંદવાળો આ બીજો સૈફ-યોગી પેલા રાઇટર સૈફને સાચી સલાહો આપતો રહે છે. પરંતુ આપણે ત્યાં તો આમેય અંતરાત્માને સાંભળવાનો રિવાજ ઓછો છે એટલે આ પાત્ર પણ ફિલ્મમાં બોરિંગ બનીને રેહી જાય છે. ‘હેપ્પી એન્ડિંગ’માં સ્મિતથી લઇને ખડખડાટ હસાવી દે એવી ઘણી બધી મોમેન્ટ્સ છે, પણ તમને ‘આઇ એમ યંગ, ઓકે?… અચ્છા ચલો, યંગ એટ હાર્ટ’ જેવાં અંગ્રેજી નવલકથાઓમાં જોવા મળતાં વનલાઇનર્સમાં અને થોડી એડલ્ટ મજાકોમાં મજા પડતી હોય તો માણવી ગમે એવી છે.

સૈફ પોતાના સલામ નમસ્તે, લવ આજ કલ અને કોકટેઇલ જેવા છેલબટાઉ રોલમાં જ છે. ખાલી વચ્ચે વચ્ચે હાથમાં લેપટોપ લઇને લખવા માંડે છે એટલું જ નવું છે. થેન્ક ગોડ, ઇલિએના આ ફિલ્મમાં બરફીની જેમ સાવ ડોસી જેવી નથી લાગતી. પરંતુ સૌથી વધુ મજા કરાવે છે, ગોવિંદા. માત્ર ચાર જ સીનમાં એ એટલો બધો છવાઈ જાય છે કે બહાર નીકળ્યા પછી આપણને માત્ર એના જ ડાયલોગ્સ યાદ રહે છે. ખરેખર તો બોલિવુડના સુપરસ્ટારના નખરા અને એક રાઇટર વચ્ચેની કોમિક સ્ટ્રગલ પર આખી ફિલ્મ બનાવી હોત તો ખરેખરી મજા આવત. હા, ફિલ્મમાં સેકન્ડ બેસ્ટ પરફોર્મન્સ છે, રણવીર શોરીનું. આ માણસ અદ્ભુત એક્ટિંગ કરી શકે છે, પરંતુ ગોવિંદાની જેમ એનેય કોઈ સારા રોલ આપતું જ નથી. કલ્કિ કોચલિને તો પોતાનો એ જ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’વાળો જળોની જેમ ચોંટી રહેતી માથાફરેલી ગર્લફ્રેન્ડનો રોલ જ રિપીટ કર્યો છે. પ્રિટી ઝિન્ટા લાંબા સમય પછી સ્ક્રીન પર દેખાઈ છે. એના ચહેરા પરથી ડિમ્પલ્સ અને એનો ચાર્મ ગાયબ છે, અને ઉંમર પણ દેખાય છે.

ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અને અમદાવાદી સંગીતકાર જોડી સચિન-જિગરે બે ગીત સારાં બનાવ્યાં છે, જ્યારે બાકીનાં ગીતો વાગતાં હોય ત્યારે બહાર પોપકોર્ન લેવા જવાની ઈચ્છા થઈ આવે છે.

સૅડ એન્ડિંગ

ફિલ્મમાં સુપરસ્ટાર અરમાનજી બનેલા ગોવિંદા એક બ્રહ્મવાક્ય ઉચ્ચારે છે, ‘આપણે ત્રણસો રૂપિયા(ની ટિકિટ)માં લોકોને જીવવાની ફિલોસોફી નથી શીખવવી… પબ્લિક ખુશ હોની ચાહિયે યાર!’ સૅડ વાત એ છે કે ક્રિયેટિવિટીના ચમકારા હોવા છતાં આ હેપ્પી એન્ડિંગમાં પબ્લિક ખુશ થાય એવો ઝાઝો દમ નથી.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s