યે કૌન ચિત્રકાર હૈ?

***

એક અફલાતૂન કલાકૃતિ જેવી આ ફિલ્મ આટલાં વર્ષથી સેન્સરમાં અટવાયેલી હતી તે આપણા ફિલ્મ ઉદ્યોગની કમનસીબી છે.

***

pmkxkz7j5ajw33ew-d-0-nandana-sen-randeep-hooda-rang-rasiya-movie-new-posterઓશો રજનીશ કહેતા કે કોઈ વસ્તુને કોઇનાથી છુપાવવી હોય તો તેને બરાબર તેની નજર સામે જ મૂકી દો. વ્યંગમાં કહેવાયેલી આ વાત આપણા વારસાની બાબતમાં કરુણ રીતે સાચી ઠરે છે. હોલિવૂડની ફિલ્મોના પ્રતાપે આપણે ત્યાં લોકો લિયોનાર્દો દ વિન્ચી વિશે જેટલું જાણતા હશે એના કરતાં હજારમા ભાગનું પણ ઓગણીસમી સદીના ધરખમ ભારતીય ચિત્રકાર રાજા રવિ વર્મા વિશે નહીં જાણતા હોય. કરોડો ભારતીયો કેલેન્ડરમાં છપાયેલાં દેવી-દેવતાઓ તરીકે રોજિંદા ધોરણે એમનાં ચિત્રો નિહાળે છે-પૂજે છે, પરંતુ તેના સર્જક વિશે મુઠ્ઠીભર કળારસિકો સિવાય ભાગ્યે જ કોઈને ખબર હોય છે. ૨૦૦૮થી બનીને તૈયાર પડેલી કેતન મહેતાની ફિલ્મ ‘રંગ રસિયા’ ફાઇનલી છ વર્ષ પછી સેન્સર સાથેના સંઘર્ષ પછી રિલીઝ થઈ છે. સમયના કેન્વાસ પર રંગ, કળા, વિવાદ, વિચાર, શૃંગાર, ધર્મના લસરકા સાથેની આ ફિલ્મ સિનેમાના ચાહકોએ ચૂકવા જેવી નથી.

કળા વર્સસ સંસ્કૃતિ

 

a16qsqr2botl
રાજા રવિ વર્મા

૧૮૪૮માં ત્રાવણકોર (કેરળ)માં જન્મેલા રાજા રવિ વર્મા (રણદીપ હૂડા) એક અત્યંત પ્રતિભાશાળી ચિત્રકાર હતા. એમની કળા અને ઉપલબ્ધિઓથી ખુશ થઇને ત્રાવણકોરના મહારાજા (આશિષ વિદ્યાર્થી) એમને ‘રાજા’ની પદવી આપે છે. પરંતુ મહારાજાના અવસાન પછી રાજગાદીએ બિરાજેલા એના નાના ભાઈ (પ્રશાંત નારાયણન) સાથેના ખટરાગ અને પત્ની સાથેના સંબંધ વિચ્છેદથી વ્યથિત રવિ વર્મા મુંબઈની વાટ પકડે છે. ત્યાં તે બરોડા સ્ટેટના દીવાન (સચિન ખેડેકર)ને ત્યાં રહે છે. અહીં એમની મુલાકાત થાય છે સુગંધા (નંદના સેન) સાથે. તેનું અફાટ સૌંદર્ય રવિ વર્માને ચિત્રો બનાવવા માટે પ્રેરિત કરે છે. તે દરમિયાન વર્મા બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ત્યાં રહીને ભારતીય સંસ્કૃતિની ગાથાઓ આલેખતાં ચિત્રો બનાવવાનું બીડું ઝડપે છે. ભારતના ભવ્ય વારસાને પ્રત્યક્ષ નિહાળ્યા બાદ તે સુગંધાને પ્રેરણામૂર્તિ તરીકે રાખીને ભારતીય દેવી-દેવતાઓનાં ચિત્રો દોરે છે. આ જ ચિત્રોના જાહેર એક્ઝિબિશન દરમિયાન રવિ વર્મા જુએ છે કે લોકોને એમણે તૈયાર કરેલાં દેવી-દેવતાઓમાં સાક્ષાત્ ઈશ્વરનાં દર્શન થાય છે. એટલે વર્મા એક જર્મન પ્રિન્ટર ફ્રિટ્ઝ લાઇઝર (જર્મન અભિનેતા જિમ બીવન) સાથે મળીને એક પ્રેસ શરૂ કરે છે અને પોતાનાં ચિત્રોને જથ્થાબંધ સંખ્યામાં છાપીને દેશના ખૂણેખૂણામાં પહોંચાડવાનું નક્કી કરે છે.

 

આ જ અરસામાં રવિ વર્માએ દોરેલાં કેટલાંક નગ્ન ચિત્રો વિવાદ પકડે છે. જ્યારે હિન્દુ રક્ષા સમિતિના વડા પંડિત ચિંતામણિ (દર્શન જરીવાલા) તરફથી પણ એમના પર કાયદેસર કેસ ચાલે છે કે આખરે ઈશ્વરનાં ચિત્રો બનાવવાની અને તેનું વેપારીકરણ કરવાની અનુમતિ રવિ વર્માને કોણે આપી? આ કેસની સાથે જ કળા, અભિવ્યક્તિ, ધર્મ, સંસ્કૃતિના પણ સવાલો ઉપસ્થિત થાય છે.

દરેક સ્ટ્રોકમાં સિક્સર

આપણા ગુજરાતી ફિલ્મમેકર કેતન મહેતાએ રાજા રવિ વર્માના જીવન અને ત્યારના ભારતને સજીવન કરવામાં ભારે જહેમત ઉઠાવી છે. તેને કારણે આ ફિલ્મ અલગ અલગ ઘણાં કારણોસર મસ્ટ વૉચ મુવીઝની કેટેગરીમાં આવીને બેસે છે. જેમ કે…

 

91dwdhanjjl-_sl1500_
રાજા રવિ વર્માએ સર્જેલું ‘સરસ્વતી’ દેવીનું વિખ્યાત પેઇન્ટિંગ

કારણ-૧ – રાજા રવિ વર્માનાં ચિત્રોઃ દેવી સરસ્વતી, લક્ષ્મીજી, રામાયણ-મહાભારતના પ્રસંગો, મેનકા દ્વારા વિશ્વામિત્રનો તપોભંગ, ઉર્વશી અને પુરુરવાની પ્રેમકહાણી, નળ-દમયંતી, યશોદા-બાલકૃષ્ણ, રાધા-કૃષ્ણ, દીવાન પર બેઠેલી સ્ત્રી વગેરે પ્રખ્યાત ચિત્રોનાં સર્જન પાછળથી કથાઓ અત્યંત રોમાંચક છે. નંદના સેનને મોડલ તરીકે રાખીને રિક્રિએટ થતાં આ ચિત્રો આપણી આંખ સામે સજીવન થઈ ઊઠે છે એ કળારસિકોના રૂંવાડા ઊભા કરી દેવા માટે સક્ષમ છે.

 

કારણ-૨ – આર્ટ ડિરેક્શન અને પ્રોડક્શનઃ પ્રોડક્શન ડિઝાઇનર નીતિન ચંદ્રકાન્ત દેસાઈ ફરીફરીને સાબિત કરતા આવ્યા છે કે આધુનિકતાની આપાધાપી વચ્ચે ઐતિહાસિક ભારત ખડું કરવામાં એમનો જોટો જડે તેમ નથી. અહીં પણ તેઓ જાણે આપણને ટાઇમટ્રાવેલ કરાવતા હોય એમ એમણે ઓગણીસમી સદીનું મુંબઈ, કેરળ ખડું કરી દીધું છે. આખી ‘રંગ રસિયા’ ફિલ્મમાં ત્યારનાં શહેરો, લોકોના પહેરવેશ, વાહનવ્યવહાર, રીત-રિવાજો, માન્યતાઓ, દક્ષિણ ભારતની માતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા વગેરે આપણી સામે આંખ મરડીને બેઠું થઈ જાય છે. નીતિન દેસાઈનું આર્ટ ડિરેક્શન કહો કે કેતન મહેતાની કાબેલિયત કહો, આખી ફિલ્મ જાણે એક હાલતું ચાલતું પેઇન્ટિંગ હોય તેવું લાગે છે.

કારણ-૩ – સમાંતરે ચાલતી સંસ્કૃતિઓનો ઉદયઃ રાજા રવિ વર્મા જે કાળખંડમાં જીવી ગયા તે આપણી આઝાદી તથા પૂર્ણ સ્વરાજ્યની માગણીના, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના, ફોટોગ્રાફી અને સિનેમાના, ભારતમાં સિનેમાનાં પગરણના સૂર્યોદયનો સમય હતો. આથી જ રવિ વર્માની વાર્તાની સાથોસાથ લોકમાન્ય ટિળક પૂર્ણ સ્વરાજ્યની માગણી કરતા હોય, દાદાભાઈ નવરોજી પણ સ્વતંત્રતાની વાત કરતા હોય, તાજી સ્થપાયેલી કોંગ્રેસ ભાખોડિયાંભર ચાલતી હોય, સ્ટિલ કેમેરાથી ફોટા પડતા હોય, મોડર્ન સિનેમાના શોધકો લ્યુમિએર બ્રધર્સ મુંબઈની વોટસન હોટલમાં પોતાના ‘સિનેમેટોગ્રાફ’નું ડેમોન્સ્ટ્રેશન આપતા હોય, ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે રવિ વર્માના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હોય (જોકે પરેશ મોકાશીની પ્રખ્યાત મરાઠી ફિલ્મ ‘હરિશ્ચંદ્રાચી ફેક્ટરી’માં રાજા રવિ વર્માનો ઉલ્લેખ સુધ્ધાં નહોતો એ આશ્ચર્યજનક વાત છે.)… આ બધું જ મુખ્ય વાર્તાની સમાંતરે ચાલતું રહે છે, જે ફિલ્મના આનંદને ઓર નક્કર બનાવે છે.

કારણ-૪ – શૃંગાર રસઃ સુષ્ઠુ સુષ્ઠુ જોવા ટેવાયેલા આપણા દર્શકોને આઘાત લાગે તે રીતે કેતન મહેતાએ આ ફિલ્મમાં શૃંગાર રસનું નિરુપણ કર્યું છે. આપણી ફિલ્મોમાં કદાચ પહેલી જ વાર અહીં નારી દેહની ફ્રન્ટલ ન્યૂડિટી દેખાઈ છે. આ જ કારણોસર કેતન મહેતાએ સેન્સર બોર્ડ સામે લાંબી ફાઇટ પણ કરી છે. પરંતુ આ નગ્નતા જરાય અશ્લીલ કે બિભત્સ લાગતી નથી. બલકે નખશિખ પ્રેમ અને શૃંગારિક લાગે છે. આ ફિલ્મમેકરની સફળતા છે.

કારણ-૫ – વૈચારિક દ્વંદ્વઃ ‘રંગ રસિયા’ વર્તમાન સમયમાં રાજા રવિ વર્માનાં ચિત્રોની હરાજી વખતે ચાલી રહેલા હિંસક વિરોધથી શરૂ થાય છે અને બીજી જ સેકન્ડે તે ઓગણીસમી સદીમાં એવા તબક્કે પહોંચી જાય છે, જ્યાં આ જ (ચિત્રોમાં નગ્નતાનાં) કારણોસર એમના પર કાયદેસરની કાર્યવાહી ચાલેલી. આ જક્સ્ટાપોઝિશન છાપરે ચડીને કહી આપે છે કે ભલે સમય બદલાયો હોય, પરંતુ એક પ્રજા તરીકે આપણી માનસિકતા સહેજ પણ બદલાઈ નથી. વળી, તે સમયની સંકુચિત ધાર્મિક માન્યતાઓના સંવાદો સાંભળીને આપણી અત્યારની ઓડિયન્સ હસે છે, પરંતુ કરુણતા એ છે કે એવા જ ધર્માંધ ખ્યાલો આજે પણ જીવે છે, બલકે ઓર મજબૂત થઈ રહ્યા છે. ઉપરાંત ફિલ્મ આપણને એ વિચારતા કરી મૂકે છે કે શું વિશ્વમાં ધર્મ જ સૌથી વધુ વેચાય છે? શું આપણે આપણી કલ્પનાઓને પણ ભયના પાંજરામાં પૂરી દીધી છે? શું આપણી કામસૂત્ર અને ખજૂરાહોની મહાન સંસ્કૃતિ નારીદેહનાં પ્રદર્શન માત્રથી તૂટી જાય એટલી તકલાદી છે? આ ઉપરાંત એક કળાકાર-સર્જકનું તરંગીપણું, એના નખરા, એનું ફ્રસ્ટ્રેશન, એને થતી પ્રેરણાની પળો, દુનિયાદારીથી એની અલિપ્તતા વગેરે બધું જ કેતન મહેતાએ આબેહૂબ ઝિલ્યું છે.

ચિત્રના કાળજે ડાઘ

આ ફિલ્મ એક અફલાતૂન ક્લાસિક કૃતિ બની શકી હોત, પરંતુ અમુક બાબતોએ તેની આડે જાણે બર્લિન વૉલ ખડી કરી દીધી છે. રંગ રસિયા ફિલ્મ મરાઠી સર્જક રણજિત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ પરથી બનાવાઈ છે. પરંતુ કોઈ સંભવિત વિવાદથી હાથ ધોઈ નાખવા માગતા હોય તેમ કેતન મહેતાએ ફિલ્મની શરૂઆતમાં એવું કહીને હાથ ઊંચા કરી દીધા છે કે આ ફિલ્મ રાજા રવિ વર્માનું સત્તાવાર બાયોપિક (જીવનવૃત્તાંત) નથી. પરંતુ ફિલ્મનાં સ્થળ-કાળ, પાત્રો બધું જ સાચુકલું છે. તો પછી એકે પ્રેક્ષક તરીકે આપણે હકીકત અને કલ્પના વચ્ચે ભેદરેખા ક્યાં દોરવાની? આ ચોખવટને કારણે તો સમગ્ર ફિલ્મની ઑથેન્ટિસિટી ઉપર સવાલ ખડા થઈ જાય છે. ઘણી હકીકતો પણ ફિલ્મમાંથી ગાયબ છે. જેમ કે, રવિ વર્માને બે ભાઈ અને એક બહેન હતાં, જ્યારે ફિલ્મમાં એમને માત્ર એક ભાઈ હોવાનું દર્શાવાયું છે. એમને બે દીકરા અને ત્રણ દીકરીઓ પણ હતાં, પરંતુ ફિલ્મમાં આ બધાં જ ગાયબ છે. વળી, ફિલ્મમાં રવિ વર્મા જે રીતે કામુક પુરુષ બતાવાયા છે, તેવા એ વાસ્તવમાં હતા ખરા? આમાંથી કશાનો ઉત્તર ફિલ્મમાંથી મળતો નથી. ફિલ્મમાં એકપણ ઠેકાણે સાચા રવિવર્માની તસવીર ડિસ્પ્લે કરાઈ નથી.

અન્ય કસબીઓની કળા

રાજા રવિ વર્માના પાત્રમાં રણદીપ હૂડાએ એના અભિનયની મર્યાદાઓ છતાં પાત્રમાં જીવ રેડી દીધો છે. મારકણી આંખોવાળી નંદના સેનની ડાયલોગ ડિલિવરીમાં થોડા લોચા છે, પરંતુ એણે જે રીતે બોલ્ડ દૃશ્યો આપ્યાં છે એ આંખો પહોળી કરી દે છે. ઉપરાંત ફિલ્મમાં રહેલાં જથ્થાબંધ કલાકારો જેવાં કે પરેશ રાવલ, દર્શન જરીવાલા, સચિન ખેડેકર, વિક્રમ ગોખલે, સુહાસિની મૂળે, આશિષ વિદ્યાર્થી, ચિરાગ વોરા, વિપિન શર્મા, ફેરિના વઝીર, રજત કપૂર વગેરે પણ એમની જગ્યાએ પરફેક્ટ લાગે છે. સંદેશ શાંડિલ્યનું જસ્ટ અબોવ એવરેજ મ્યુઝિક હોવા છતાં ફિલ્મનો ટાઇટલ ટ્રેક અને ‘અનહદ નાદ જગા દે’ ગીતો ખરેખર સારાં બન્યાં છે. અહીંયા ખાસ ઉલ્લેખ અનિલ મહેતા ઉપરાંત ફિલ્મના બે વિદેશી સિનેમેટોગ્રાફર્સ ક્રિસ્ટો બાકાલોવ અને રાલી રાલ્ત્સેવનો તથા કોશ્ચ્યૂમ ડિઝાઇનર્સનો પણ કરવો પડે.

જોઈ નાખો આ કલાકૃતિને

જો તમને ખરેખર કશુંક હટ કે માણવામાં રસ હોય અને ભારતીય વારસાને, એક મહાન ભારતીય ટેલેન્ટને પિછાણવાની ઈચ્છા હોય, તો તમારે વહેલી તકે ‘રંગ રસિયા’ જોવા જવું જોઇએ. હા, ન્યૂડિટીના દેખીતા કારણોસર આ ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ અપાયું છે એટલે બાળકોને તો ભૂલેચૂકે પણ સાથે રાખશો નહીં. સાથોસાથ તમારા દિમાગની ખિડકિયાં પણ ખુલ્લી રાખીને જજો.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s