અભી તો મૈં જવાન હૂં

***

બાસુ ચેટર્જીની ક્લાસિક કોમેડી ફિલ્મની રિમેક એવી ટાઇમપાસ ફિલ્મને અક્ષય કુમારે હાઇજેક કરી લીધી છે.

***

aa722de212efcdcdf61f8650eed1e86eએક જૂની કહેવત છે કે વાંદરો ઘરડો થાય, પણ ગુલાંટ ન ભૂલે. એવા ત્રણ ઘરડા વાંદરાઓ એટલે કે ત્રણ નૉટી નૉટી અંકલોનાં તોફાનોની વાર્તા કહેતી ફિલ્મ 1982માં બાસુ ચેટર્જીએ બનાવેલી. હવે ફિલ્મમેકર તિગ્માંશુ ધુલિયાએ એ જ વાર્તાને નવેસરથી પોતાની સ્ટાઇલમાં કહેવાનું નક્કી કર્યું છે. એમણે લખેલી અને અભિષેક શર્મા એ ડિરેક્ટ કરેલી ફિલ્મને ત્રણ સિનિયર એક્ટર્સ માંડ ઊંચકે છે, ત્યાં જ અક્ષય કુમારની એન્ટ્રી થાય છે અને આખી ફિલ્મને હિટ એન્ડ રનની જેમ ઊંચકીને ઢસડી જાય છે.

ઉમ્ર પચપન કી દિલ બચપન કા

લાલી (અનુપમ ખેર), કે.ડી. (અન્નુ કપૂર) અને પિંકી (પીયૂષ મિશ્રા) દિલ્હીના ત્રણ ઉમ્રદરાજ દોસ્તાર છે. આમ તો ત્રણેય સિનિયર સિટિઝનની કેટેગરીમાં પ્રવેશી ગયા છે, પરંતુ જુવાનીના તળાવમાં છબછબિયાં કરવાના અભરખા હજી ત્રણેયને ઓસર્યા નથી. લાલી જૂતાંનો શોરૂમ ચલાવે છે, પણ એની પત્ની (રતિ અગ્નિહોત્રી)ને રતિક્રિડામાં જરાય રસ નથી. એને કામદેવ કરતાં રામનામમાં વધારે રસ છે. કે.ડી. એટલે કે અન્નુ કપૂરનું જવાનીમાં એક પ્રેમપ્રકરણ અધૂરું જ રહી ગયેલું. એટલે તેઓ અાજીવન કુંવારા રહ્યા અને અત્યારે સ્ત્રીઓનો એક એનજીઓ ચલાવે છે. જ્યારે પિંકી અર્થાત્ પીયૂષ મિશ્રા ચાંદની ચૌકના મસાલા કિંગ છે. અત્યારે દાદા બની ગયા છે અને બિચારા વિધુર છે. પરંતુ એમની આંખોમાં વાસનાનાં સાપોલિયાં હજી પણ કબડ્ડી કરે છે.

દિલ્હીમાં સુંવાળો સાથ મેળવવાના ભડભડિયા પૂરા ન થયા, એટલે ત્રણેય જણા મોરેશિયસની વાટ પકડે છે. ત્યાં આહના (લિઝા હેડન)ના બંગલામાં થોડા દિવસ માટે ભાડે રહે છે. ‘હિપ્પી ગો લક્કી‘ સ્વભાવની લિઝાના જીવનનાં ત્રણ જ લક્ષ્ય છે, વિચિત્ર પ્રકારનાં કપડાં ડિઝાઇન કરવાં, ફેસબુક પર ઢગલાબંધ લાઇક્સ-કમેન્ટ્સ મેળવવી અને પોતાના ડ્રીમ મેન અક્ષય કુમારને મળવું. ત્યાં જ ખબર પડે છે કે અક્ષય કુમાર ત્યાં જ શૂટિંગ કરવા આવ્યો છે. એટલે આ ત્રણેય રસિક બુઢ્ઢાઓ વિચારે છે કે જો આ સોણી કુડીને અક્કી સાથે મેળવી આપીએ તો આપણો એ છોડી સાથે ગલીપચી કરવાનો મેળ પડી જાય. બસ, એમ વિચારીને ત્રણેય જણા કામદેવનું નામ લઇને અક્ષય કુમારની અને સરવાળે લિસી લિસી લિઝાની પાછળ પડી જાય છે.

અક્ષયકુમારની હિરોપંતી

તિગ્માંશુ ધુલિયા અત્યંત તેજસ્વી રાઇટર-ફિલ્મમેકર છે. એવું જ ડિરેક્ટર અભિષેક શર્માનું છે. એમણે આ પહેલાં ‘તેરે બિન લાદેન’ નામની અફલાતૂન કોમેડી ફિલ્મ બનાવેલી. પરંતુ બાસુ ચેટર્જી જેવા દિગ્ગજ ફિલ્મમેકરના પેંગડામાં પગ નાખવો આસાન નથી. એક ઠીકઠાક ગીત અને અક્ષય કુમારના નરેશન સાથે શરૂ થતી ‘ધ શૌકીન્સ’નું સ્ટાર્ટિંગ સરસ થાય છે. દરેક સ્ત્રીને માત્ર સેક્સનાં ચશ્માંમાંથી જોતાં આ ત્રણેય અંકલો કામસૂત્રવેડા કરવા માટે કેટલા ડેસ્પરેટ છે એ તો જાણે પહેલા અડધા કલાકમાં જ એસ્ટાબ્લિશ થઈ જાય છે. આ દરમિયાન તિગ્માંશુભાઉએ નાનાં નાનાં ઓબ્ઝર્વેશન્સ પણ સરસ ઝીલ્યાં છે. જેમ કે, આપણે ત્યાં લોકો બગીચામાં પ્રેમ કરવા, મકબરા પર જોગિંગ કરે છે અને ઝઘડવા માટે તો ભરચક રોડ પર જ મંડી પડે છે; ફિલોસોફીના નામે દંભ કરવા માટે લોકો ઓશોનું ‘સંભોગ સે સમાધિ તક’ પુસ્તક વાંચે છે; અને યુવતીને ગંદી નજરથી જોતા આધેડો પકડાય ત્યારે ‘મૈં તો તુમ્હારે બાપ કી ઉમ્ર કા હૂં, બેટી’ કહીને ઊભા રહે! અત્યારની ફેસબુકિયા જનરેશન ચાર લાઇક ઓછી મળે તો પણ દેવદાસિયા ડિપ્રેશનમાં સરી પડે…

પરંતુ આ ઓબ્ઝર્વેશન્સનો ઝરો ઇન્ટરવલ આવતાં સુધીમાં સુકાઈ જાય છે. જાણે આપણને હસાવવા માટે હાંફી જતા હોય એમ વચ્ચે થાક ખાવા માટે દર થોડી વારે ભંગારિયાં ગીતો પણ મુકાયાં છે. છાનગપતિયાં કરવા માટે તલપાપડ બુઢ્ઢાની વાત ચ્યુઇંગ ગમની જેમ ખેંચાતી જાય છે.

ત્યાં જ અક્ષયકુમાર મહાભારતના ‘મૈં સમય હૂં’ની જેમ પ્રગટ થાય છે અને એના નાર્સિસિઝમની બોટલનું ઢાંકણું ખૂલી જાય છે. અક્ષયકુમારે આ ફિલ્મમાં નાળિયેરમાં વ્હિસ્કી નાખીને પીતા દારૂડિયા સુપરસ્ટારનો રોલ કર્યો છે, જે કોઈ મીનિંગફુલ ભૂમિકાની તલાશમાં છે. પરંતુ નાના બાળકના હાથમાંથી જેમ કાગડો ચીલઝડપે પૂરી આંચકી જાય એ રીતે અક્કી પેલા ત્રણ શૌકીન્સના હાથમાંથી આ ફિલ્મ આંચકી જાય છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ લિટરલી અક્ષયકુમારની જ બનીને રહી જાય છે. હા, એક સુપરસ્ટારના નખરા, 200 કરોડ ક્લબવાળી ફિલ્મો, સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ્સની ઠેકડી, બોલિવૂડ સ્ટાર્સના હિલેરિયસ રિએક્શન્સ, નેશનલ એવોર્ડ વિનર બંગાળી ફિલ્મનો ઉપહાસ, મોરેશિયસ જેવા સ્થળે ફરતાં ભારતીય હનીમૂન કપલ્સ વગેરે મસ્ત ઝિલાયું છે. પરંતુ ‘કામ’ની કામનામાં નીકળેલા ત્રણ આધેડોની વાર્તા સાથે તેને કોઈ જ લેવાદેવા નથી. એક્ચ્યુઅલી ઇન્ટરવલ પહેલાં અને પછીની ફિલ્મ તદ્દન અલગ અલગ છે. બંને સ્ટોરીની ભેળસેળ કરવાને બદલે તિગ્માંશુ ધુલિયાએ બે સેપરેટ વાર્તાઓ જ લખવા જેવી હતી. ફિલ્મ ખેંચાય છે, પણ સાથોસાથ હસાવે પણ છે જ.

અંદાઝ તેરા મસ્તાના

જીવનના છેલ્લા વળાંકે સ્ત્રીઓના વળાંકોમાં અટવાતા આધેડોની એક્ટિંગમાં ત્રણેય અદાકારો (અનુપમ ખેર, અન્નુ કપૂર અને પીયૂષ મિશ્રા) જામે છે. પરંતુ સેકન્ડ હાફમાં એ ત્રણેયના ભાગે કશું કરવાનું આવ્યું જ નથી. બલકે તિગ્માંશુએ ‘શૌકીન’ને બદલે ‘ચશ્મે બદ્દૂર’ રિમેક બનાવી હોય એ દિશામાં સ્ટોરી દોડવા માંડે છે. અન્નૂ કપૂરની બેશરમી, અનુપમ ખેરની સમાજથી ડરી ડરીને છાનગપતિયાં કરવાની વૃત્તિ અને પીયૂષ મિશ્રાના સતત ગિલ્ટવાળા હાવભાવ આબેહૂબ ઊપસી આવે છે.

ઇવન અક્ષયકુમાર પણ પોતાના રોલમાં પરફેક્ટ લાગે છે. રાધર એની એન્ટ્રી થયા પછી ફિલ્મ બે વેંત ઊંચકાય પણ છે. પેલા ત્રણેય કલાકારો જેટલી હસાહસી મેળવે છે એટલી તો અક્ષય એકલો જ ઊસેટી જાય છે. સાંઠીકડા જેવી લિઝા હેડન પાસેથી એક્ટિંગની અપેક્ષા નથી, પણ એણે ‘ક્વીન’ની જેમ જ ગ્લેમરસ દેખાવા સિવાય ખાસ કશું કર્યું નથી. ફિલ્મમાં અધવચ્ચેથી એન્ટ્રી મારતા સાયરસ બ્રોચા અને કવિન દવે પણ આપણને છૂટક હસાવે છે.

આ ફિલ્મમાં ચાર જેટલા સંગીતકારો છે, પણ સમ ખાવા પૂરતું એકેય ગીત સાંભળવું ગમે એવું બન્યું નથી. વળી, દર થોડી વારે એક ગીત ટપકી પડે છે. અરે, એક ગીત તો અનુ મલિકના અવાજમાં છે. હા, સંદીપ ચૌટાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે.

ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ન્યૂ ઇઝ સિલ્વર

ન્યૂઝ ચેનલ્સની ભાષામાં કહીએ તો તિગ્માંશુ ધુલિયાએ ‘એડી ચોટીનું જોર’ લગાવ્યું હોવા છતાં ફિલ્મ ટાઇમપાસની કેટેગરીથી ઉપર ઊઠતી નથી. ઓરિજિનલની તોલે તો બિલકુલ આવે એવી નથી. તેમ છતાં એક ટાઇમપાસ એડલ્ટ મનોરંજક ફિલ્મ તરીકે ‘ધ શૌકીન્સ’ને ફુલ માર્ક્સ આપવા પડે. એટલે આ ફિલ્મના વડીલો પાસેથી બાબુજી આલોક નાથ જેવા સંસ્કારોની અપેક્ષા લઇને જશો તો દુ:ખી થશો (કેમ કે આ બાબુજીઓ સમી સાંજે શિલાજીતની શોધમાં નીકળે છે!). હા, બાળકોને લઇને તો બિલકુલ ન જશો.

રેટિંગ: *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s