યે નાની બડી ડ્રામા ક્વીન હૈ!

***

અવતાર કે બાગબાનની ફીલ આપતી આ ફિલ્મમાં રેખા સિવાય કશું જ જોવા જેવું નથી.

***

03-super-naniબચ્ચાં લોગને એમનાં માતાપિતાની કદર ન હોય અને ડગલે ને પગલે એમનું અપમાન કરતાં હોય એવી થીમવાળી ફિલ્મો આપણે ગુજરાતીમાં ‘વિસામો’, હિન્દીમાં ‘અવતાર’થી લઇને ‘બાગબાન’ વગેરેમાં જોઈ ચૂક્યા છીએ. આપણા ગુજરાતી નાટક ‘બાએ મારી બાઉન્ડરી’ પરથી ઈન્દ્ર કુમારે બનાવેલી ફિલ્મ ‘સુપર નાની’ આ જ ફિલ્મોનું ફિમેલ વર્ઝન છે. પરંતુ નાટકના એડપ્ટેશનમાં લેખક વિપુલ મહેતા અને ડિરેક્ટર ઈન્દ્ર કુમારે એટલી વેઠ ઊતારી છે કે ફિલ્મ સાવ વાસી, અત્યંત ઉપદેશાત્મક અને ભયંકર મેલોડ્રામેટિક બની ગઈ છે. ઉપરાંત નવીનતાના નામે કંઈ કહેતા કંઈ જ નથી.

નાની બની સુપરસ્ટાર

ભારતી ભાટિયા (રેખા) એક આદર્શ ભારતીય નારી છે, જેણે પોતાનું આખું જીવન પરિવાર પાછળ ખર્ચી નાખ્યું છે. બદલે મેં ઉસ બિચારી કો ક્યા મિલા? તો કહે, પતિ આર. કે. ભાટિયા (રણધીર કપૂર), દીકરો સુકેતુ (સારાભાઈ વર્સસ સારાભાઈનો રોશેષ, રાજેશ કુમાર), પુત્રવધૂ, દીકરી બધાં એમને હૈડહૈડ કરતાં ફરે છે. ત્યાં જ ઠાકોરજી એમનું સાંભળે છે અને અમેરિકાથી ભારતીબેનના દોહિત્ર મન (શર્મન જોશી)ની એન્ટ્રી થાય છે. કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ જેવું ભાંગ્યું તૂટ્યું હિન્દી બોલતા મનથી નાનીની આ હાલત જોવાતી નથી. એટલે એ આ ફિલ્મના ડિરેક્ટરની દીકરી રિયા (નવોદિતા શ્વેતા કુમાર)ની સાથે મળીને દેશી નાનીને સુપર નાની બનાવી દે છે. આ કામમાં એને એડ ફિલ્મ મેકર સેમ ઉર્ફ બમ્બૂ (અનુપમ ખેર)ની પણ મદદ મળે છે.

હમારે આદર્શ, હમારે સંસ્કાર

આપણા ગુજરાતી નાટક પરથી બિગ બજેટની ફિલ્મ બને, ગુજરાતી સર્જકોને ફિલ્મની શરૂઆતમાં મોટા અક્ષરોમાં ક્રેડિટ મળે, તો એક ગુજરાતી તરીકે આપણને ગાડું ભરીને હરખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એક તો નાટક અને ફિલ્મ એ બંને અલગ માધ્યમો છે અને જ્યારે નાટક પરથી ફિલ્મ બને ત્યારે આખી વાર્તાને નવેસરથી ઘડવી પડે. બીજું, જે કૃતિને અડેપ્ટેશન માટે લઇએ તેનું ટાઇમિંગ અને રિલેવન્સ પણ જોવું પડે. પદ્મારાણી અને સનત વ્યાસ સરીખાં અદાકારોથી શોભતું ગુજરાતી નાટક ‘બાએ મારી બાઉન્ડરી’ સરસ મનોરંજન પ્લસ મનોમંથન કરાવતી કૃતિ હતી. પરંતુ એના પરથી ફિલ્મ બનાવવામાં સર્જકોએ એ ધ્યાન નથી રાખ્યું ડિટ્ટો આ જ પ્રકારની વાત કહેતી ઘણી ફિલ્મો આપણે ત્યાં આવી ગઈ છે.

બીજું, નાટકમાં પાત્રો લાઉડ થઈને મોટે મોટેથી લાંબા સંવાદો બોલે તો સમજી શકાય, પરંતુ ફિલ્મમાં આ જ વસ્તુ ત્રાસદાયક લાગવા માંડે છે. માતાની કદર કરવી જોઇએ, સંતાનોની હાજરીમાં પત્નીને માનથી બોલાવવી જોઇએ, એક સ્ત્રીએ પરિવારની સેવા પાછળ પોતાનું અસ્તિત્વ એ હદે ન ઓગાળી નાખવું જોઇએ કે તે પોતાની જાતને જ અરીસામાં ન ઓળખી શકે… આવા મેસેજ આપણા દર્શકો અસંખ્ય વખત મેળવી ચૂક્યા છે. ઇન ફેક્ટ, બદલાતા સમયમાં પરિવારોના પ્રશ્નો આ ફિલ્મમાં બતાવાયા છે તેના કરતાં ક્યાંય વધારે જટિલ બન્યા છે. એટલે આખી ફિલ્મ- ખાસ કરીને નવી પેઢીના દર્શકોને-ખાસ્સી આઉટડેટેડ અને એકપક્ષી લાગે છે. વર્ષો અગાઉ આવી જીવનમૂલ્યો સમજાવતી ફિલ્મો કાદર ખાન સાહેબ લખી ચૂક્યા છે, પરંતુ એમાં કાદર ખાનના ધારદાર સંવાદોનો મોટો ફાળો રહેતો. અહીં ‘મૈંને તુઝે નૌ મહિને અપની કોખ મેં પાલા હૈ’ ટાઇપના ઘિસાપિટા ડાયલોગ્સ માથા પર સૂકું નાળિયેર અફળાતું હોય એવા ત્રાસદાયક લાગે છે. ઉપરથી વાસી માલને ફરીથી વઘારી કારવીને પિરસતા હોય એમ જૂના એક્સપાયરી ડેટ્સ વટાવી ચૂકેલા એસએમએસિયા જોક્સ વાપરવાનો પણ છોછ રખાયો નથી.

વો જો હૈ ના રેખા અપની

અતિશયોક્તિ કરીને પણ કહી શકાય કે ડાર્વિનનો ઉત્ક્રાંતિનો નિયમ કદાચ રેખાને લાગુ પડતો લાગતો નથી. આજે પણ રેખા અત્યંત ખૂબસૂરત અને નમકીન લાગે છે. એમનો અવાજ આજે પણ ‘સિલસિલા’ના ટાઇમ જેટલો જ માદક છે. ફિલ્મના એક દૃશ્યમાં રેખા ટ્રેડિશનલ ડાન્સ કરે છે ત્યારે એવું જ લાગે કે અત્યારની અડધો ડઝન હિરોઇનોએ એમની પાસેથી બાકાયદા ટ્યૂશન્સ લેવાં જોઇએ. આ ફિલ્મમાં જોવાની મજા પડે એવું એકમાત્ર તત્ત્વ રેખા જ છે. હા, એમને વધારે ગ્લેમરસ બતાવવાની લાલચમાં એમના ચહેરા પર મેકઅપના એટલા બધા થપેડા કરવામાં આવ્યા છે કે ઘણા સીનમાં રેખાજી બિહામણાં લાગવા માંડે છે. જોકે, આજની તારીખે પણ પોતાના પાકિટના ચોરખાનામાં રેખાનો પાસપોર્ટ સાઇઝ ફોટો રાખીને ફરતા એમના આશિકોને રેખાજીનો આ અંદાજ જોવાની મજા જ પડશે.

તખતાના બીજા કલાકારો

એક તો આ નબળી અને પ્રીડિક્ટેબલ ફિલ્મ જોઇને એવું સહેજે લાગતું નથી કે આ એ જ ઈન્દ્ર કુમારની ફિલ્મ છે, જેમણે ભૂતકાળમાં દિલ, બેટા, રાજા, મન, ઈશ્ક જેવી ‘ધમાલ’ ફિલ્મો આપી છે. શર્મન જોશી આ ફિલ્મને બચાવવાના કેજરીવાલ જેવા પ્રામાણિક પ્રયત્નો કરે છે, પરંતુ એમના પ્રયત્નો તો દિલ્હીની સરકાર કરતાં પણ ઓછા સમય સુધી ટકે છે. અને મહેરબાની કરીને રણધીર કપૂરે વધારે ફિલ્મો ન કરવી જોઇએ, કેમ કે એમનો અવાજ એટલી હદે હસ્કી થઈ ગયો છે કે ધમણમાંથી આવતો હોય એવું લાગે છે. વળી, એમની આંખો પરના હાથીછાપ થોથરને કારણે એમના ચહેરા પર કોઈ હાવભાવ સ્પષ્ટ દેખાતા પણ નથી. રણધીર કપૂર કરતાં આપણા ગુજરાતી નાટકમાં સનત વ્યાસનું કામ હજાર દરજ્જે સારું હતું. લગભગ દર અઠવાડિયે નવી નવી ફિલ્મોમાં દેખાતા અનુપમ ખેરે પણ આ ફિલ્મમાં નાનો અને ટિપિકલ રોલ જ કર્યો છે. હા, આ ફિલ્મથી ઈન્દ્ર કુમારની દીકરી શ્વેતા કુમારે એક્ટિંગના પહેલે પગથિયે પગ મૂક્યો છે. પરંતુ એ બિચારીની કેરમની કૂકરી જેવડી મોટી આંખો સિવાય એનામાં બીજું કશું નોંધપાત્ર દેખાતું નથી. અને ફિલ્મના સ્પીડબ્રેકર જેવા સંગીત વિશે પણ વાત ન કરવામાં ટાઈમ ન બગાડીએ એ જ સારું છે.

આ નાનીને કહો ના

આગળ કહ્યું એમ આજેય હૃદયનો એક ખૂણો રેખા માટે રિઝર્વ રાખીને બેઠેલા એમના ડાઇહાર્ડ ચાહકો સિવાય કોઈને મજા પડે એવી આ ફિલ્મ નથી. ટૂંકમાં એક વાક્યમાં ફિલ્મ વિશે માત્ર એટલું જ કહી શકાય કે તમારાં મમ્મી-પપ્પાને માન આપો, નહીંતર તમને આ ફિલ્મ દસ વાર જોવાની સજા ફટકારવામાં આવશે!

રેટિંગ: * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s