રોઅર: ધ ટાઇગર્સ ઑફ સુંદરબન્સ

વાઘ આવ્યો રે વાઘ

***

વાઘની જેમ દબાતે પગલે આવેલી આ ફિલ્મ ખરેખર હટ કે છે અને બાળકો સાથે જોવા જેવી છે.

***

roar-tigers-of-the-sunderbans-37850_3784પશ્ચિમ બંગાળમાં અને બંગલાદેશમાં ફેલાયેલાં સુંદરવનનાં મેન્ગ્રોવનાં ઘટાટોપ જંગલો, માનવશરીરની શિરાઓની જેમ વચ્ચેથી નીકળતી ખારા પાણીની નહેરો અને એ બધાની વચ્ચે રોફથી ફરતાં રૉયલ બેંગાલ ટાઇગર્સ તથા અન્ય પ્રાણીઓ. માણસ જ્યારે પ્રાણીના ઈલાકામાં ઘૂસણખોરી કરે અને પ્રાણી જ્યારે વીફરે ત્યારે શું થાય તેની વાર્તા માંડે છે આ શુક્રવારે આવેલી અનોખી ફિલ્મ, ‘રોઅર: ધ ટાઇગર્સ ઑફ સુંદરવન્સ’. રસપ્રદ વાત એ છે કે એક તો આ ફિલ્મમાં એકેય જાણીતો ચહેરો નથી. બીજું, આ ફિલ્મથી એક સમયનો ફ્લોપ હીરો કમલ સદાના ડિરેક્ટરની ખુરશીમાં ગોઠવાયો છે. આને કારણે કોઈએ આ ફિલ્મને સિરિયસલી લીધી નથી, પરંતુ વન્યજીવનને ધ્યાનમાં રાખીને છેલ્લાં વર્ષોમાં બોલિવૂડમાં આવેલી સારામાં સારી ફિલ્મોમાંની એક છે.

વીફરેલી વાઘણ

યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઉદય (પુલકિત) સુંદરવનનાં ગીચ જંગલમાં ફોટોગ્રાફી કરી રહ્યો છે. ત્યાં જ એને ખ્યાલ આવે છે શિકારીઓએ વાઘને પકડવા માટે બિછાવેલા છટકામાં સફેદ વાઘનું એક બચ્ચું સપડાઈ ગયું છે. લોહી નિંગળતા એ બચ્ચાને બચાવીને ઉદય કુતૂહલવશ પોતાની હોટલ પર લઈ આવે છે. પરંતુ થોડી જ વારમાં ફોરેસ્ટ ઓફિસર (અચિંત કૌર)ની ટીમ આવીને તે બચ્ચાને લઈ જાય છે. બરાબર એ જ રાત્રે એક વાઘણ આવીને ઉદયને ફાડી ખાય છે અને એની લાશ પણ ઉપાડી જાય છે. એ પછી રોષે ભરાયેલો એનો ભાઈ પંડિત (અભિનવ શુક્લા) ત્યાં આવી પહોંચે છે અને ગાંઠ વાળે છે કે પોતાના ભાઈનો કોળિયો કરનારી એ માનવભક્ષી સફેદ વાઘણનો શિકાર કરીને જ છૂટકો કરશે. એટલે એ બીજાં છ ટ્રેઇન્ડ લોકોની ટીમ લઈને સુંદરવનનાં જંગલમાં એ સફેદ વાઘણના શિકારે નીકળી પડે છે.

પરંતુ એ લોકોને ખબર નહોતી એક નહીં, બીજાં બે વાઘ પણ એ લોકોની રાહ જોઇને બેઠા છે. એટલું જ નહીં, જંગલમાં બીજાં પ્રાણીઓ એમનું લોહિયાળ ‘સ્વાગત’ કરશે એ તો અલગ! બસ, માણસ અને વાઘ વચ્ચે અરણ્યની મધ્યે ઉંદર-બિલ્લીની રમત શરૂ થાય છે. પણ બિલ્લી એટલે કે વાઘ અહીં ભારે શાણા છે અને શિકારીઓનો જ વન બાય વન શિકાર થવા લાગે છે. આ લડાઈમાં કોણ જીતશે?

મેન વર્સસ વાઇલ્ડ

ફિલ્મના પહેલા જ દૃશ્યમાં એક કાચિંડો જીભડો લાંબો કરીને એક જંતુને પોતાના મોઢામાં પકડી લે અને કેમેરાની ક્લિક થાય. એ જ મિનિટે ખ્યાલ આવી જાય કે આગામી બે કલાકમાં આપણને કંઇક નવું, નોખું ને નવતર જોવા મળવાનું છે. આપણને સૌને ખ્યાલ છે કે બેફામ શિકારને પગલે દેશમાં હવે માત્ર 1400 વાઘ જ બચ્યા છે. એ આંકડો પણ હવે કદાચ જૂનો થઈ ગયો હશે. ત્યારે વાઘનો અને એ પણ દુર્લભ એવા સફેદ વાઘનો શિકાર કરવા નીકળેલા લોકોની વાર્તા પહેલી નજરે આપણને વાંધાજનક લાગી શકે. પરંતુ થેન્ક ગોડ, આ ફિલ્મનો મેસેજ વાઘને મારવાનો નહીં બલકે એમને બચાવવાનો અને એમને એમનાં ઘર એવાં જંગલોમાં વિનાદખલ જીવવા દેવાનો છે.

આ ફિલ્મની તારીફમાં ઘણું બધું કહી શકાય એમ છે. નંબર વન, એનો સબ્જેક્ટ. આપણે ત્યાં ‘લાઇફ ઑફ પાઈ’ ફિલ્મ અલમસ્ત વાઘની હાજરીને કારણે અને અફલાતૂન થ્રીડી ફોટોગ્રાફીને કારણે ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી. પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને બનતી ફિલ્મો ખાસ કરીને બાળકોમાં લોકપ્રિય બનવાનું પૂરેપૂરું પોટેન્શિયલ ધરાવતી હોવા છતાં બહુ ઓછા ફિલ્મમેકર્સ તેને સ્પર્શે છે. પહેલા જ પ્રયત્નમાં કમલ સદાનાએ અને પ્રોડ્યુસર અબિસ રિઝવીએ આવો હટ કે વિષય પકડ્યો તે બદલ એમને ફુલ માર્ક્સ આપવા પડે.

બીજો પોઇન્ટ છે, સુંદરવનનાં જંગલોની પૃષ્ઠભૂ. આ ઠેકાણે અગાઉ ભાગ્યે જ કોઈ હિન્દી ફિલ્મ બની હશે. ભરબપોરે પણ તડકો માંડ જમીનને સ્પર્શે એવાં ગીચ જંગલો, સાપની જેમ ફેલાયેલી વાંકીચૂકી દરિયાઈ નહેરો અને તેમાં આવતી ભરતી-ઓટ, મગર, હરણ, સાપ (હવામાં ઊડતા સાપ!), તોતિંગ મગરમચ્છ, તારામઢેલું આકાશ, અનોખા કરચલા અને પક્ષીઓ, એન્ડ અબોવ ઑલ, ધ ગ્રેટ રોયલ બેંગાલ ટાઇગર્સ… આ બધું ભારતમાં હોવા છતાં કોઈ ફિલ્મમેકરે તેને કેમેરામાં કેદ કર્યું નથી.

ત્રીજો પોઈન્ટ, ફિલ્મની અફલાતૂન સિનેમેટોગ્રાફી. પ્રખ્યાત હોલિવૂડ મુવી ‘ધ ક્યુરિયસ કેસ ઓફ બેન્જામિન બટન’ સાથે સંકળાયેલા સિનેમેટોગ્રાફર માઇકલ વૉટસને પોતાના કેમેરામાં એટલું દિલધડક સુંદરવન ઝીલ્યું છે કે આપણે જોતા જ રહીએ. ખાસ કરીને એરિયલ ફોટોગ્રાફી તો ખરેખર કાબિલેદાદ છે.

ચોથો પોઇન્ટ, સાચુકલા વાઘ. ‘લાઇફ ઑફ પાઈ’માં વાઘને સંપૂર્ણપણે કમ્પ્યુટરથી ક્રિયેટ કરવામાં આવ્યો હતો. જ્યારે અહીં કમલ સદાનાભાઈએ થાઈલેન્ડ અને લોસ એન્જલસ જઇને સાચુકલા વાઘ સાથે શૂટિંગ કર્યું છે. હા, એટલું ખરું કે એમણે ઇનડૉરમાં વાઘ સાથેનાં દૃશ્યો શૂટ કરીને તેને કમ્પ્યુટરથી જંગલમાં ગોઠવ્યાં છે. પરંતુ એનાથી આપણા રોમાંચમાં જરાય ઊણપ આવતી નથી.

પાંચમો પોઇન્ટ, આપણે એનિમલ પ્લેનેટ કે ડિસ્કવરી ચેનલની કોઈ વાઇલ્ડલાઇફ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોતા હોઇએ એવી રિયલિસ્ટિક ફીલ આપતી આ ફિલ્મમાં ખૂબીપૂર્વક તે વિસ્તારની સ્થાનિક પરંપરાઓને પણ સાંકળી લીધી છે. જેમ કે, વન દેવી, ત્યાંના આદિવાસી કબીલાઓમાં મધપૂડાઓમાંથી મધ કાઢતા લોકોની જોખમી લગ્નવિધિ, વાઘ પાછળથી હુમલો ન કરે તે માટે માથાની પાછળના ભાગમાં મહોરું ચડાવીને ફરતા લોકો, પરિસ્થિતિ પ્રમાણે શરીરને રંગીને જંગલની રક્ષા કરતા ‘ગિરગિટી’ કોમના લોકો વગેરે. આ બધું જ ફિલ્મની ઓથેન્ટિસિટીમાં વધારો કરે છે. અને હા, ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ રોમાંચમાં વધારે કરે એવું ઓફબીટ છે. સારી વાત એ છે કે ફિલ્મની સ્ટોરીમાં પંક્ચર પાડવા માટે એક પણ ગીત ઠપકારવામાં નથી આવ્યું.

ત્રાડનું મ્યાઉં

એવું નથી કે આ ફિલ્મ નખશિખ અફલાતૂન જ છે. ઘણા લોચાય છે. એક તો ફિલ્મની સ્પીડ અત્યંત ધીમી છે. સુંદરવનને નિરાંતે કેપ્ચર કરવાની લાલચમાં ડિરેક્ટર કમલ સદાનાએ વાર્તાની ગતિ હલેસાંથી ચાલતી બોટની જેમ ધીમી કરી નાખી છે. વાર્તામાં દર થોડી વારે નવા ટ્વિસ્ટ્સ નાખ્યા હોત તો રોઅર બોક્સ ઓફિસને પણ ધ્રુજાવી દેત. ફિલ્મમાં હેમંત બિરજે ટાઇપના નવોદિત કલાકારોને બદલે થોડા મંજાયેલા એક્ટર્સ લીધા હોત તો વાર્તાની પકડ અને તેની અપીલમાં ખાસ્સો વધારો થાત.

સી ધ ફિલ્મ, સેવ ધ ટાઇગર

આ ફિલ્મનો અસલી હીરો વાઘ પોતે જ છે, જેની ખરેખરી એન્ટ્રી અડધી ફિલ્મે થાય છે. પરંતુ ત્યાં સુધીમાં પણ તે પોતાની હાજરી વર્તાવતા રહે છે. પ્રાણીપ્રેમી અને કશુંક હટ કે જોવા-બતાવવા માગતા લોકોએ આ ફિલ્મ અવશ્ય જોવી જોઇએ. ખાસ તો બાળકોને સાથે લઈ જઈને આ ફિલ્મ જોવાની મજા પડશે. હા, ફિલ્મ પતે કે તરત જ ભાગતા થઈ જવાને બદલે ફિલ્મને અંતે તેનું મેકિંગ બતાવે છે એ પણ જોવાની ખાસ ભલામણ છે. ફિલ્મ જોયા પછી બાળકોને એટલું ખાસ શીખવશો કે વાઘ જેવા ખૂનખાર પ્રાણીઓ પણ આપણા દોસ્ત છે અને એના કરતાં વધારે ખૂનખાર પ્રાણી તો માણસ પોતે છે, જેના લીધે આ જાજરમાન પ્રાણીના અસ્તિત્વની સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.

રેટિંગ: *** (ત્રણ સ્ટાર્સ)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s