સોનાલી કેબલ

ધીમી ગતિના સમાચાર

***

સ્થાનિક બિઝનેસને ખાઈ જતી તોતિંગ બિઝનેસ શાર્ક્સનો ઇનોવેટિવ સબ્જેક્ટ આળસુ ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે.

***

02-sonali-cableતમને યુટ્યૂબ પર એક મસ્ત વીડિયો મળી ગયો છે. તેને જોવા માટે તમે ક્લિક કરો છો, પરંતુ તમારું કંગાળ ઈન્ટરનેટ કનેક્શન એ વીડિયો પ્લે કરવામાં એટલી બધી વાર લગાડે છે કે ત્યાં સુધીમાં તો કાચબો પણ મેરેથોન પૂરી કરી દે. આખરે કંટાળીને તમે વીડિયો જોવાનો પ્લાન જ માંડી વાળો છો. બસ, આવા જ કંઇક હાલ ક્યુટ ક્યુટ રિયા ચક્રવર્તીને ચમકાવતી ફિલ્મ ‘સોનાલી કેબલ’ના થયા છે. સ્ટોરી એકદમ તાજગીસભર, પરંતુ આખી ફિલ્મ જૂના ઇલાસ્ટિક જેવી સાવ ઢીલીઢાલી.

બડી મછલી ઇટ્સ છોટી મછલી

સોનાલી તંડીલ (રિયા ચક્રવર્તી) મુંબઈમાં ‘સોનાલી કેબલ સેન્ટર’ નામે કેબલ અને બ્રોડબેન્ડ સર્વિસ ચલાવે છે. પરંતુ અચાનક માર્કેટમાં એક કાઠિયાવાડી બિગ બિગ બિઝનેસમેન નારાયણસિંહ વાઘેલા (અનુપમ ખેર) ‘શાઇનિંગ’ નામની નવી બ્રોડબેન્ડ સર્વિસ લઇને આવે છે અને આખા મુંબઈ શહેર પર ફરી વળે છે. મોટી શાર્ક માછલી નાની નાની માછલીઓને ગળી જાય એ રીતે શાઇનિંગ કેબલ ધડાધડ નાની લોકલ કેબલ સર્વિસીઝને ખાઈ જાય છે. એમાં આ સોનાલી કેબલનો પણ વારો નીકળી જાય છે. પરંતુ સોનાલી માથા ફરેલી છે. એ આ બિઝનેસ શાર્કને તાબે થવાનો ઇનકાર કરી દે છે. પરિણામે લોહી પણ વહે છે અને સોનાલીના નામની સુપારી પણ નીકળે છે.

આ બધી ભાંજગડની વચ્ચે સોનાલી એના બાળપણના દોસ્તાર રઘુ (અલી ફઝલ) ના પ્રેમમાં પડે છે. આ રઘુ સ્થાનિક રાજકારણી મીનાતાઈ પવાર (સ્મિતા જયકર)નો અમેરિકા રિટર્ન દીકરો છે. એક તબક્કો એવો આવે છે કે શાઇનિંગ કેબલ છેક ઉપલા લેવલે સેટિંગ કરીને રાજકારણીઓ સાથે પણ સાંઠગાંઠ કરી લે છે. આખરે સોનાલી કેબલ નામની કીડી શાઇનિંગ કેબલ નામના હાથીને પછાડવા માટે એક પ્લાન ઘડી કાઢે છે.

છોટોં કા મહત્ત્વ

સૌથી પહેલી વાત, કે આ ફિલ્મનો સબ્જેક્ટ ખરેખર સારો છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે કે પાણીથી લઇને કરિયાણાની દુકાનો સુધીની વસ્તુઓમાં વિરાટ કંપનીઓ કબ્જો જમાવી રહી છે અને નાના વેપારીઓનો ખો નીકળી રહ્યો છે. આ વિષય પર હિન્દીમાં ભાગ્યે જ કોઈ મનોરંજક ફિલ્મ બની છે. રાઇટર-ડિરેક્ટર ચારુદત્ત આચાર્યે ‘સોનાલી કેબલ’માં આ મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ રાઇટિંગની નબળાઈ કહો કે એક્ઝિક્યુશનની ઊણપ, આ ઉમદા સબ્જેક્ટ તદ્દન વેડફાઈ ગયો છે.

ફિલ્મની શરૂઆત ખરેખર સારી થાય છે. જાણે સ્પાઇડરમેન આંટાફેરા મારી ગયો હોય એમ શહેરના આકાશમાં રચાયેલાં કરોળિયાનાં જાળાં જેવા કેબલના વાયર્સ બિછાવવાની ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયા, કેબલ અને ઇન્ટરનેટ પ્રોવાઇડર્સનું કામકાજ, બમ્બૈયા ટપોરી પ્લસ મરાઠી પ્લસ હિન્દી લેંગ્વેજની ખીચડી, ગમી જાય એવાં કેરેક્ટર્સ… આ બધું જ શરૂઆતમાં મજા કરાવે છે. પરંતુ એ મજા માત્ર પહેલી પંદરેક મિનિટ જ ટકે છે. પછી કેબલ કનેક્શન વિનાના ટીવીની જેમ ફિલ્મ ખાલી ડબ્બો બનીને રહી જાય છે.

આમ થવા પાછળના લોચા ઘણા છે. જેમ કે, ઢીલો સ્ક્રીનપ્લે. માત્ર 127 મિનિટની જ હોવા છતાં ફિલ્મ સાવ કોઈ સોપ ઓપેરાની જેમ ધીમી ગતિએ ચાલે છે. પરિણામે મુદ્દો ગંભીર હોવા છતાં તેની સ્મોલ વર્સસ બિગની થ્રિલ અનુભવાતી જ નથી. બીજો લોચો નબળી એક્ટિંગનો છે. હિરોઇન રિયા ચક્રવર્તી સુપર ડુપર ક્યુટ છે અને એણે સારું પરફોર્મ કરવાનો ઓનેસ્ટ્લી પ્રયાસ પણ કર્યો છે. પરંતુ બિચારીના નાજુક ખભા આખી ફિલ્મ ઉપાડી શકવા અસમર્થ છે. થોડી નોંધપાત્ર એક્ટિંગ ગુજરાતી બિઝનેસમેન બનતા અનુપમ ખેરની છે. સતત એક કાનમાં ઇઅરબડ રાખીને ફરતા અને ખાખરો ખાયા કરતા અનુપમ ક્રૂર ઉદ્યોગપતિ તરીકે જામે છે, પણ એય મહેમાન કલાકારની જેમ જ આવ-જા કર્યે રાખે છે. હિરોઇનના પપ્પા તરીકે આ વખતે ગાયક-ગીતકાર સ્વાનંદ કિરકિરે સારા લાગે છે, પણ એમના ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી. હીરો અલી ફઝલ અને સતત હાથમાં સિગારેટ લઇને ફરતાં સ્મિતા જયકર પણ ખાસ જામતાં નથી. એક માત્ર ‘સદા’ બનતો નવોદિત જુવાનિયો રાઘવ જુયાલ મસ્ત ડાન્સ કરે છે એ જોવાની મજા પડે છે એટલું જ.

ફિલ્મમાં ચાર-ચાર સંગીતકારો છે, પણ સમ ખાવા પૂરતું એકેય ગીત મજા પડે એવું બન્યું નથી. ક્લાઇમેક્સમાં પણ ઇસ્ત્રી કરવાનાં કપડાંનું જેમતેમ પોટલું વાળી દેતા હોય એ રીતે આખી ફિલ્મનું ફીંડલું વાળી દેવામાં આવ્યું છે. ઇન શોર્ટ, કશું જામતું નથી.

સોનાલીનું કેબલ લેવાય?

અગાઉ એમટીવીની વીજે રહી ચૂકેલી રિયા ચક્રવર્તીનું નામ સાંભળીને તમારા મનમાં લડ્ડુ ફૂટતા હોય અને તમે આ ફિલ્મ જોવા માટે ધક્કો ખાઓ તો સમજી શકાય. બાકી આ ફિલ્મનો વિષય ઉમદા હોવા છતાં ટિકિટનો ખર્ચો કરવા જેવો નથી. મીન્સ સોનાલી ગમે તેટલી મસ્ત હોય, એનું કેબલ કનેક્શન લેવા જેવું નથી.

રેટિંગ: *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s