ક્રીચરની સ્ટોરીમાં વેઠનું પંક્ચર

 ***

ડરામણી હિન્દી ફિલ્મોની યાદીમાં એક નવા દૈત્યની એન્ટ્રી થઈ છે, બ્રહ્મરાક્ષસ. પરંતુ આ નવો કન્સેપ્ટ ભંગાર ટ્રીટમેન્ટમાં તદ્દન વેડફાઈ ગયો છે.

***

creature-3d1ડરામણી ભૂતિયા, થ્રિલર ફિલ્મોનો આપણે ત્યાં એક આગવો દર્શકવર્ગ રહ્યો છે. એટલે જ તો જે ફિલ્મ થિયેટરમાં ચાલે કે ન ચાલે, પરંતુ ડીવીડી લાઇબ્રેરીઓમાંથી લોકો નિયમિતપણે તેને જોવા લઈ જતા હોય છે. આપણને ડરાવવા માટે ડિરેક્ટર વિક્રમ ભટ્ટ એક નવું પ્રાણી લઈ આવ્યા છે, ‘બ્રહ્મરાક્ષસ’. એ પણ થ્રીડીમાં! નો ડાઉટ, પડદા પર આ દૈત્ય ભારે ડરામણો લાગે છે, પરંતુ આખી ફિલ્મમાં પહેલો ભોગ લોજિકનો લેવાઈ જાય છે. પછી બાકી જે બચે છે એમાં પણ વિક્રમ ભટ્ટે એટલી વેઠ ઉતારી છે કે એક ચીલો ચાતરવાની ક્ષમતા ધરાવતી ફિલ્મ હાસ્યાસ્પદ બનીને રહી ગઈ છે.

માણસ વર્સસ બ્રહ્મરાક્ષસ

આહના દત્ત (બિપાશા બસુ) હિમાચલ પ્રદેશના જંગલમાં એક ફોરેસ્ટ હોટલ શરૂ કરે છે. પરંતુ એક રહસ્યમય પ્રાણી એક પછી એક તેની હોટલના મહેમાનો અને કર્મચારીઓનો કોળિયો કરવા માંડે છે. પહેલાં તો તેને દીપડો કે વાઘ જેવું કોઈ રાની પશુ માનીને કોઈ ગંભીરતાથી લેતું નથી, પણ પછી એક દિવસ એ દૈત્ય બધાને સાક્ષાત્ દર્શન આપે છે. ગોડઝિલા જેવું વિકરાળ શરીર, ઉપર અત્યંત ખોફનાક ચહેરો અને પ્રચંડ શક્તિશાળી. મુંબઈથી એક ઝૂલોજિસ્ટ પ્રોફેસર (મુકુલ દેવ) આવીને પ્રકાશ પાડે છે કે આ તો બ્રહ્મરાક્ષસ છે, જેને બ્રહ્માનો શાપ મળ્યો છે. આવી અતિગંભીર ઘટનાઓને કારણે બિપાશાને હોટલ બંધ કરવાની નોબત આવે છે. પણ બિપાશા કહે છે કે કાં તો હું નહીં, કાં આ બ્રહ્મરાક્ષસ નહીં. પછી શરૂ થાય છે, બિપાશા બસુ વર્સસ બ્રહ્મરાક્ષસ વચ્ચેની જીવસટોસટની ટ્વેન્ટી ટ્વેન્ટી જેવો રોમાંચક મુકાબલો.

લવ સ્ટોરીએ દાટ વાળ્યો

એક દૈત્ય કે ભૂત આવીને માણસોને રંજાડે અને તેનાથી છૂટકારો મેળવવા માટે અમુક લોકો ભેગા થઈને કોઈ ઉપાય કરે એ આવી ફોર્મ્યૂલા ફિલ્મોની ટિપિકલ રેસિપી છે. આ જ રેસિપી પર આ ક્રીચર ફિલ્મ બનાવાઈ છે. એટલે સ્વાભાવિક છે કે મગજનો તો જાણે ઉપયોગ કરવાનો રહેતો જ નથી. કેમ કે મગજને તસદી આપીએ તો પછી દર બીજી મિનિટે આપણને જે સવાલો ઊભા થાય, તેનો કોઈ જવાબ જડે નહીં અને માથામાં નકામો દુખાવો શરૂ થઈ જાય.

પરંતુ આપણા બોલિવૂડિયા ફિલ્મમેકરો બધા જ વર્ગના પ્રેક્ષકોને મજા કરાવવા માટે ફિલ્મમાં જરૂર હોય કે ન હોય, પરાણે એક લવસ્ટોરી ઘુસાડે. એ લવસ્ટોરી જાણે ગીતડાં ગાયાં વિના પૂરી ન થવાની હોય એમ દર થોડી વારે કૂકરની સિટીની જેમ ગીતો વાગ્યાં જ કરે. પરિણામે માંડ ફિલ્મમાં આપણે નખ ચાવવા માંડીએ એવું થ્રિલ ક્રિયેટ થયું હોય, ત્યાં ગીતડું આવે અને થ્રિલમાં પંક્ચર પાડી દે. માત્ર એક ગીત અરિજિત સિંહે ગાયેલું ‘સાવન આયા હૈ’ કંઇક સાંભળવું ગમે તેવું છે. બાકી બધાં ગીતો ઈલ્લે.

બાકી એટલું તો માનવું પડે ગોડઝિલા કમ ડાયનોસોર જેવો આ બ્રહ્મરાક્ષસનો કન્સેપ્ટ છે ઈન્ટરેસ્ટિંગ. વળી, થ્રીડીમાં અને જાણે કોઈ ગાડીનું એક્સલરેટર દબાવતું હોય એવો અવાજ કરે છે ત્યારે તે રૂંવાડા ઊભા કરી દે છે.

બોલિવૂડમાં ‘રાઝ’થી (ભલે ઉઠાઉ) હોરર નવો ચીલો ચાતરનાર ભટ્ટ કેમ્પના વિક્રમ ભટ્ટે હવે ફિલ્મની ટ્રીટમેન્ટમાં રીતસર વેઠ ઉતારવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગે છે. જેમ કે, આ ફિલ્મમાં કલાકારોની આસપાસની પ્રોપર્ટીઝ, જંગલની ગુફા વગેરે એટલું નકલી લાગે છે કે જાણે કોઈ રામસે બ્રધર્સની સસ્તી હોરર ફિલ્મ જોતા હોઇએ એવું લાગે. ઉપરથી બ્રહ્મરાક્ષસ સામે બાથ ભીડવા માટે જે નુસખા અપનાવાય છે તે સાવ નિર્મલ બાબા પોતાના દરબારમાં ઉપાયો સૂચવતા હોય એવા છે. જેમ કે, પીપળાના પાનની રાખ ચોપડેલાં અને પુષ્કર સરોવરમાં ડૂબાડેલાં હથિયાર હોય તો જ બ્રહ્મરાક્ષસ મરે!

વિક્રમ ભટ્ટને બિપાશા બસુ પર વધુ પડતો વિશ્વાસ હોય કે કેમ, પણ આખી ફિલ્મ બિચારીના નાજુક ખભા પર નાખી દીધી છે. અને બિપાશા બસુ ક્યારેય પોતાની એક્ટિંગ માટે વખણાઈ નથી એ હકીકત છે. હીરોના નામે પાકિસ્તાની એક્ટર ઇમરાન અબ્બાસને લીધો છે, જે બિચારાના ભાગે ગીતો ગાવાં અને દોડાદોડી કરીને દુ:ખી થવા સિવાય કશું આવ્યું નથી. આ ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટમાં પણ જબ્બર ખાલીપો વર્તાય છે. મુકુલ દેવ અને મોહન કપૂર જેવા કલાકારો વચ્ચે આંટાફેરા કરી જાય છે, પરંતુ ફિલ્મને જકડી રાખે એવું કોઈ ચુંબકીય તત્ત્વ એમનામાં નથી.

એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો પડે કે ફિલ્મમાં એક તબક્કે કોઈ કારણ વિના દીપડાનો શિકાર થતો બતાવાય છે. એટલું જ નહીં, લોકો એ શિકાર પર ખુશ પણ થાય છે. દેશમાં જ્યારે પ્રાણીઓનો બેફામ શિકાર થતો હોય, ત્યારે આવું બતાવવું બિલકુલ વખોડવાલાયક છે. વળી, આ દૃશ્ય ફિલ્મની સ્ટોરીમાં પણ તદ્દન બિનજરૂરી છે.

આ ફિલ્મને ત્રાસદાયક બનાવવામાં તેની લંબાઈ પણ છે. 135 મિનિટ્સ એટલે કે સવા બે કલાકની આ ફિલ્મને આરામથી કાપીને 90-100 મિનિટ્સમાં પૂરી કરી શકાઈ હોત. અફસોસ. હવે કોઇએ વિક્રમ ભટ્ટને કાતર ગિફ્ટમાં આપવી જોઇએ!

ક્રીચરના પિક્ચરમાં જવાય?

એટલું ખરું કે વિક્રમ ભટ્ટે આ ફિલ્મમાં એની ટેવ પ્રમાણે કોઈ ગરમાગરમ બેડરૂમ દૃશ્યો બતાવ્યાં નથી. એટલે તે પરિવાર સાથે જોઈ શકાય તેવું સાફસૂથરું તો છે જ. જો આવી થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય અને વચ્ચે આવતી નક્કામી લવસ્ટોરી, ગીતો અને ધડમાથા વિનાની સિક્વન્સિસમાં કશો વાંધો ન હોય, તો આ ફિલ્મ જોવાનું જોખમ લઈ શકાય ખરું.

રેટિંગ: **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s