મેરી કોમ

લોખંડી મહિલાનું તકલાદી ચિત્રણ

***

જથ્થાબંધ મેસેજ આપનારી હોવા છતાં મેરી કોમ જેવી ધરખમ પ્રતિભા પર આવી નબળી ફિલ્મ બનાવીને એક ઉમદા બાયોપિકનો ચાન્સ વેડફી નાખ્યો છે.

***

mary-kom-poster-4આપણા દેશમાં એવરેજ ભારતીયને કદાચ સચિનની સેન્ચુરીઝ કે ધોનીનો રેકોર્ડ યાદ હશે, પરંતુ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ભારતીય બોક્સિંગ ખેલાડીનું નામ સુધ્ધાં ખબર નહીં હોય! એનું કારણ છે કે આપણો દેશ ક્રિકેટ નામના એક જ ધર્મમાં માને છે. એટલે જ ‘ભાગ મિલ્ખા ભાગ’ કે ‘ચક દે ઈન્ડિયા’ જેવી ફિલ્મો ‘અન્ડરડોગ’ની સ્ટોરી બનીને રહી જાય છે.  એવી વધુ એક સ્ટોરી એટલે પ્રિયંકા ચોપરાને ચમકાવતી ‘મેરી કોમ’. મેરી કોમના પાત્રમાં ઘૂસવા માટે પ્રિયંકાએ ખૂબ પરસેવો પાડ્યો છે. આખી ફિલ્મ એકદમ સાફસૂથરી છે અને કેટલાય મુદ્દે આપણને વિચારતા પણ કરી મૂકે છે. પરંતુ આખી ફિલ્મ એક એવરેજ લેવલથી ઉપર ઊઠતી જ નથી.

મેગ્નિફિસન્ટ મેરી

‘મેરી કોમ’ ફિલ્મ સ્ટોરી છે મણિપુરની મેગ્નિફિસન્ટ એમ સી મેરી કોમની. એક તો ગરીબ ખેડૂતની દીકરી થઈને સ્પોર્ટ્સમાં જવાનું સપનું જોવું અને એ પણ બોક્સિંગ જેવા મારફાડ ખેલમાં. પરંતુ નાનપણથી જ ફાઇટિંગ સ્પિરિટ ધરાવતી મેરી પોતાના આ સપનાને વળગી રહી અને તેને સાકાર કરવા માટે બધાં વિઘ્નોને પંચ મારી મારીને નૉક આઉટ કરી દીધાં. શરૂઆતમાં એને પિતાનો વિરોધ સહન કરવો પડ્યો, પણ પછી એય મેરીના પેશનની સામે ઝૂકી ગયા. એક સામાન્ય સ્કૂલ ગર્લમાંથી વર્લ્ડ ચેમ્પિયન બનવાની આ સફરમાં મેરીને સાથ મળ્યો એના કોચ નારજિત સિંઘ અને પતિ ઑનલરનો. પોતાની કારકિર્દીની ટોચે હતી ત્યારે મેરીએ મેરેજ કર્યાં અને ટ્વિન્સ દીકરાઓની માતા બની. સૌને લાગ્યું કે હવે મેરીએ બોક્સિંગ ગ્લવ્સને અભેરાઈ પર ચડાવી દીધાં છે. પરંતુ એક ટ્રુ ફાઇટરને છાજે એ રીતે આઠ વર્ષ પછી મેરીએ કમ બેક કર્યું અને ફરીથી બોક્સિંગની દુનિયામાં ડંકો વગાડી દીધો. આ સ્ટોરી છે સાચુકલી મેરી કોમની અને એના પરથી બનેલી ફિલ્મની પણ.

બટ નો મેડલ ફોર ધીસ ફિલ્મ

સ્પોર્ટ્સ પર બનેલી ફિલ્મોનો ગ્રાફ દોરીએ તો તે નીચેથી શરૂ કરીને ક્લાઇમેક્સ પર આવતાં સુધીમાં એકદમ ઊંચે પહોંચી જાય તેવો હોય છે. યાદ કરો ‘લગાન’, જેમાં છેલ્લે તો આપણે ટેન્શનથી નખ ચાવી નાખીએ કે ભુવન સિક્સ નહીં મારે તો શું થશે? એવું કોઈ ટેન્શન અહીં આખી ફિલ્મમાં ક્યાંય બિલ્ડ થતું જ નથી. બોક્સિંગ જેવા હાઈ એનર્જી સ્પોર્ટ પરની ફિલ્મ હોવા છતાં આખી ફિલ્મ એકદમ ઢીલીઢાલી, થાકેલી એનર્જી વિનાની લાગે છે.

આ ફિલ્મના નવોદિત ડિરેક્ટર ઉમંગ કુમાર વર્ષો પહેલાં ‘એક મિનિટ’ નામનો પ્રોગ્રામ હોસ્ટ કરતા. એ પ્રોગ્રામની એકેએક મિનિટ આ આખી ફિલ્મ કરતાં ક્યાંય વધારે થ્રિલિંગ હતી. નો ડાઉટ, પ્રિયંકા ચોપરાએ મેરી કોમના પાત્રમાં જીવ રેડવા માટે ખાસ્સી મહેનત કરી છે, જૂના ઈલાસ્ટિક જેવી ઢીલી સ્ક્રિપ્ટ અને નબળા એક્ઝિક્યુશનમાં એ મહેનત સાવ એળે ગઈ છે. ફિલ્મનું એડિટિંગ પણ જાણે આપણે મેરી કોમનું એન્સાઇક્લોપીડિયાનું પેજ વાંચતાં હોઇએ એવું છે. એક પછી એક વર્ષવાર ચેમ્પિયનશિપ્સ આવતી જાય અને બે-ચાર મુક્કા મારે ત્યાં એ જીતી પણ જાય. એ જોઇને આપણને એવું જ લાગે કે મેરી કોમને તો દર વખતે જરાતરા મહેનતમાં જ સફળતા મળી ગઈ હશે. પરફેક્શન માટે ઝીણું ઝીણું કાંતતા પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલીને પણ આ વાતનો ખ્યાલ નહીં આવ્યો હોય?

હકીકતમાં અત્યારે 31 વર્ષની મેરી કોમ પૂર્વનાં રાજ્યોમાં સખત પોપ્યુલર છે. યંગસ્ટર્સ અને ખાસ કરીને યુવતીઓની તે રોલમોડલ છે. વળી તે ત્રણ બાળકોની પ્રાઉડ મધર પણ છે. પરંતુ એમાંની એકેય વસ્તુ આ ફિલ્મમાં રિફ્લેક્ટ થતી નથી. ઊલટું જે લોકો મેરીને નથી ઓળખતા એમના મનમાં એવી જ છાપ પડે કે બિચારી આટલું જીતી તોય એને કોઈ ઓળખતું નથી અને છોકરાં સાચવવામાં તો એને કેટલી તકલીફ પડી રહી છે.

પ્રિયંકા ચોપરા ઉપરાંત એના પતિ બનતા કલાકાર દર્શન કુમાર અને કોચના રોલમાં (પ્રીતીશ નંદી જેવા) દેખાતા નેપાળી અદાકાર સુનીલ થાપાનું કામ એમની જગ્યાએ બરાબર છે. ખાસ તો મેરીના પતિનું પાત્ર જોઇને છોકરીઓને થશે કે બધાંને આવો સમજુ પતિ મળે તો કેવું સારું! આમ તો 123 મિનિટ્સની આ ફિલ્મમાં ગીતો બહુ હેરાન નથી કરતાં પરંતુ શશી-શિવમનું સંગીત એવરેજ છે. હા, ‘ઝિદ્દી દિલ’ અને ‘સૂકું મિલા’ એ બે ગીત સાંભળવામાં સારાં લાગે છે.

સોચનેવાલી બાત

આપણે ત્યાં મોટે ભાગે ઈગ્નોર થતા કેટલાક મુદ્દા પણ આ ફિલ્મ ઉઠાવે છે, પરંતુ તેને વ્યવસ્થિત રીતે મૂકવામાં આ ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ છે. જેમ કે, શા માટે આપણે મણિપુર કે પૂર્વનાં અન્ય રાજ્યોને ભારતનો હિસ્સો નથી માનતા? શા માટે દેખાવને આધારે આપણે પૂર્વભારતના લોકો સાથે ઓરમાયું વર્તન રાખીએ છીએ? હિન્દી ફિલ્મોમાં કેટલા પૂર્વના ચહેરા દેખાય છે? કરોડોમાં આળોટતા ક્રિકેટરોની સામે અન્ય રમતોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તો પણ કેમ એમને પૂરતી સગવડો ન મળે? અન્ય ગેમ્સના હીરો પણ ક્રિકેટ જેટલા જ સન્માનીય છે એ સ્પોર્ટ્સ ફેડરેશન્સ, સરકાર અને દેશની જનતા ક્યારે સમજશે? ઘર અને બાળકો સાચવવા ઉપરાંત સ્ત્રીની પોતાની પણ એક આગવી ઓળખ હોય છે એવું આપણે ક્યારે સ્વીકારતા થઇશું?

ફાઈનલ પંચ

આ ફિલ્મ મેરી કોમ જેવી અદ્વિતીય પ્રતિભાને અપાયેલી નબળી અંજલિ છે. તેમ છતાં આ ફિલ્મ એકદમ સ્વચ્છ અને પારિવારિક છે. આનંદ એ વાતનો છે કે ક્વીન અને મર્દાની પછી સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ વધુ એક ફિલ્મ છે. સ્ત્રીને માત્ર ગ્લેમર ડૉલ તરીકે જ નહીં, બલકે એક સશક્ત વ્યક્તિ તરીકે રજૂ કરે તેવી વધુ ફિલ્મો આવતી રહે એવી આશા રાખીએ. એવું પણ ઈચ્છીએ કે આવી ફિલ્મ્સથી દેશમાં સ્પોર્ટ્સનું કલ્ચર વિકસવામાં મદદ મળે. મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોની જેમ આખા દેશમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી થઈ જાય તો આ પ્રવૃત્તિને વેગ મળે. પણ હા, તેનાથી આ મીડિયોકર ફિલ્મને ગ્રેસના માર્ક્સ મળી જતા નથી, એટલું યાદ રાખવું ઘટે.

રેટિંગ: **1/2 (અઢી સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s