મર્દાની

ખૂબ લડી મર્દાની, વો તો મુખર્જીવાલી રાની થી!

 ***

સિંઘમ જેવી સ્ટાઇલિશ, સીઆઇડીના દયા જેવી ફિટ અને અબ તક છપ્પનના નાના પાટેકર જેવી ઠંડકથી એન્કાઉન્ટર કરતી રાની મુખર્જી બોલિવૂડની ફિલ્મોમાં આવેલી અત્યાર સુધીની બેસ્ટ પુલીસવાલી છે.

***

mardaani-first-lookએક સારી ફિલ્મ કેવી હોય? જેમાં એક છેડેથી બીજા છેડે ફટાફટ વહી જતી વાર્તા હોય, એ વાર્તાને આગળ ધપાવતાં એકદમ વાસ્તવિક લાગે એવાં પાત્રો હોય, આપણને જાણે હિપ્નોટાઇઝ કર્યા હોય એવું જકડી રાખનારું સ્ટોરીટેલિંગ હોય અને અંતે વિચારતાં કરી મૂકે એવો કોઈ મુદ્દો હોય. આ અઠવાડિયે રિલીઝ થયેલી રાની મુખર્જીને ક્રાઇમ બ્રાન્ચની એક કડક પુલીસવાલીના રોલમાં પેશ કરતી ફિલ્મ ‘મર્દાની’ આવી જ ફિલ્મ છે. પરિણીતા પછી લાગા ચુનરી મેં દાગ અને લફંગે પરિન્દે જેવી કંગાળ ફિલ્મો આપ્યા પછી ડિરેક્ટર પ્રદીપ સરકાર આ વખતે ખૂબ ખીલ્યા છે.

એક ક્રાઇમ અને ચોરપોલીસનો ખેલ

શિવાની શિવાજી રોય (રાની મુખર્જી) મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સિનિયર ઈન્સ્પેક્ટર છે. નખશિખ પ્રામાણિક અને સહેજ પણ અન્યાય ન સાંખી લેતી શિવાની પોતાના પતિ ડૉ. બિક્રમ રોય (બંગાળી એક્ટર જિશુ સેનગુપ્તા) અને ટીનએજર ભાણેજ સાથે મુંબઈમાં રહે છે. ચિલ્ડ્રન્સ શેલ્ટર હોમમાં રહેતી અને દિવસે રસ્તા પર ફૂલોના ગજરા વેચતી અગિયાર વર્ષની બીજી એક બાળકી પ્યારી રાનીને દીકરી જેવી વહાલી છે.

પરંતુ એક દિવસ પ્યારી ગાયબ થઈ જાય છે. એની તલાશના અંકોડા મેળવતાં રાનીને ખબર પડે છે કે એની પ્યારી તો વેશ્યાવૃત્તિ માટે બાળકોને ઉઠાવી જતા બહુ મોટા રેકેટનો ભોગ બની ગઈ છે. વળી આ હાઈ પ્રોફાઈલ સેક્સ ટ્રાફિકિંગનું જાળું એટલું ગૂંચવણભરેલું છે તથા એટલું બધું ફેલાયેલું છે કે તેને ઊકેલવું આસાન નથી. વળી, તેના અસલી સૂત્રધાર કોણ છે એ પણ કોઈ જાણતું નથી. પરંતુ રાની પીછો છોડતી નથી. ચોર પોલીસની આ રેસમાં ખુદ રાની અને એનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

એક તબક્કે રાની અને સેક્સ રેકેટનો સૂત્રધાર બંને સામસામા આવી જાય છે. પણ પછી? રાનીને પ્યારી મળે છે, પણ કેવા સંજોગોમાં? વેલ, એ માટે ઓવર ટુ મર્દાની-ધ ફિલ્મ.

માતાજીને પૂજતા દેશની વરવી વાસ્તવિકતા

માત્ર 113 મિનિટ્સની લંબાઈ ધરાવતી મર્દાની પરફેક્ટ થ્રિલર ફિલ્મ છે. (લફંગે પરિન્દે ફેઇમ રાઇટર) ગોપી પુથરન દ્વારા ખૂબ જ સારી રીતે લખાયેલી અને મંજાયેલા ફિલ્મ મેકર પ્રદીપ સરકાર દ્વારા સારી રીતે ડિરેક્ટ થયેલી ફિલ્મ. મજાની વાત એ છે કે સમગ્ર ફિલ્મ મૂળ વાર્તાને વફાદાર રહીને તેની જ આસપાસ ફરે છે. કોઈ પણ જાતની ખોટી ચરબી જેવી કે આઈટેમ સોંગ, લવ સ્ટોરી વગેરે ઉમેરવામાં આવ્યાં નથી. એક્ચ્યુઅલી, આ ફિલ્મને એકથી વધુ એન્ગલ્સથી તપાસવા જેવી છે.

પહેલી વાત ક્રાઈમ બ્રાન્ચની સિનિયર ઇન્સ્પેક્ટર શિવાની રોયના પાત્રની. સાદી સમજ માટે એવું કહી શકાય કે શિવાની સિંઘમનો ફિમેલ અવતાર છે. પરંતુ એ સિંઘમની જેમ વારે વારે ઈમોશનલ થઈને ડંડા નથી ઉપાડી લેતી. એ ઠંડા કલેજે કામ કરે છે. એનો એક પરિવાર પણ છે, પરંતુ એ ગુનાખોરીની દુનિયાનું ટેન્શન ઘરમાં નથી લાવતી. એના કામના કલાકો અનિશ્ચિત છે, પણ સામે પક્ષે એનો પરિવાર પણ સમજુ છે. બર્થડેના દિવસે પણ ઘરે આવતાં મોડું થઈ જાય તો મોઢું ચડાવવાને બદલે જે ક્ષણો મળે છે તેને માણી લેવામાં માને છે. એટલે જ તે વાસ્તવિકતાની વધારે નજીક લાગે છે. એક પોલીસ અધિકારીનું નાટ્યાત્મકતા વિનાનું માનવીય પાસું પ્રદીપ સરકારે બખૂબી ઝીલ્યું છે. પતિ કાબેલ ડૉક્ટર છે, પરંતુ ઘરની નેઇમપ્લેટ પર પત્ની શિવાનીનું નામ પહેલાં લખાયેલું દેખાય છે.

ફિલ્મ શરૂઆતમાં જ કહે છે કે તેમાં આકાર લેતી બધી જ ઘટનાઓ વાસ્તવિકતા પરથી પ્રેરિત છે. એટલે જ પોલીસ કોઈ કેસ પર કેવી રીતે કામ કરે, કેવી રીતે આરોપીને ટોર્ચર કરે, કેવી રીતે બાતમી ઓકાવે, કેવી રીતે આખું ઓપરેશન પાર પાડે એ બધું જ એકદમ રિયલ લાગે છે. પરંતુ સૌથી વધુ રિયલ લાગે છે, ખુદ રાની મુખર્જી. સૌ જાણે છે એમ રાનીએ આ ફિલ્મમાં બોડી ડબલની મદદ વિના બધા જ સ્ટન્ટ જાતે કર્યા છે.

મર્દાનીમાં દર્શાવાયેલો વાસ્તવિકતાનો બીજો અને વરવો આયામ એટલે સેક્સ ટ્રાફિકિંગ. એ હકીકત છે કે આપણા દેશમાંથી રોજના હિસાબે બાળકીઓ ગાયબ થાય છે, જેમાંથી મોટા ભાગની બાળકીઓની કોઈ જ ભાળ મળતી નથી. ફિલ્મ પોતે યુનાઇટેડ નેશન્સના આંકડા ટાંકીને આ વાત કહે છે. એ બાળકીઓને અત્યંત ખરાબ રીતે અપમાનિત કરીને અતિઘૃણાસ્પદ એવા વેશ્યાવૃતિના ધંધામાં દુનિયાભરમાં ધકેલી દેવાય છે. પરંતુ અફસોસ કે એ અખબારોના કોઈ ખૂણે સમાચારો બનીને રહી જાય છે. હચમચાવી મૂકે એવું આ વિષચક્ર પ્રદીપ સરકારે એવી રીતે ઝીલ્યું છે કે આપણે ધ્રૂજી ઊઠીએ.

ઑલ ઈઝ નોટ વેલ

થોડી હજુ વધારે સારી રીતે લખાઈ હોત તો આ ફિલ્મ એક અફલાતૂન ફિલ્મ બની શકી હોત, પરંતુ મેસેજના મામલે તેનો માર્ક કાપી લેવો પડે તેવું છે. સિંઘમની જેમ મર્દાની પણ એવો ખોટો મેસેજ આપે છે કે આપણા દેશમાં ન્યાયતંત્રના નામનું નાહી નાખવાનું જ છે. અને જો સ્ત્રીઓએ આ દેશમાં સુરક્ષિત જીવવું હશે તો કાયદો હાથમાં લીધા વિના નહીં ચાલે. એન્કાઉન્ટર અને માર બૂધું ને કર સીધું ટાઇપનો આ અપ્રોચ સમાજમાં અત્યંત ખોટો મેસેજ પાસ કરે છે. વળી, તે આ જ ખોટા મેસેજની લાકડીએ લોકપાલ બિલને પણ હાંકી લે છે, જે તદ્દન અયોગ્ય છે. ખરેખર તો ન્યાયતંત્ર પણ મામલાની ગંભીરતા સમજીને ગુનાખોરોને એમના અંજામ સુધી પહોંચાડે તે આ ફિલ્મનો યોગ્ય અંત હોવો જોઇતો હતો. હા, ફિલ્મની એટલી વાત સાચી કે સ્ત્રીઓની સામે ગંભીર અપરાધ થઈ જાય પછી હાથમાં મીણબત્તી લઇને નીકળવા કરતાં પહેલેથી જ આવું ન થાય એની તકેદારી રાખવામાં આવે તો?

ટીમ મેમ્બર્સ

આગળ કહ્યું તેમ રાની મુખર્જી પોલીસ ઓફિસરના રોલમાં એકદમ પરફેક્ટ છે. ‘નો વન કિલ્ડ જેસિકા’ પછી આ એનું બીજું દમદાર પરફોર્મન્સ છે. રાધર, સિંઘમની મૌસી છે. એના પતિ બનતા બંગાળી અદાકાર જિશુ સેનગુપ્તાનું ખાસ કશું કામ નથી, પરંતુ રાની પછી ધ્યાન ખેંચવામાં જે સૌથી વધારે સફળ થાય છે તે છે ફિલ્મનો વિલન ‘વોલ્ટ’ બનતો યુવા એક્ટર તાહિર રાજ ભસીન. અગાઉ વન બાય ટુ ફિલ્મમાં જરાતરા દેખાયેલો તાહિર આમ જોવા જાઓ તો ખાસ કશું કરતો જ નથી. બસ તે બર્ગર ખાય છે, સોફ્ટ ડ્રિંક પીવે છે, વીડિયોગેમ રમે છે અને મોબાઈલમાં વાતો કરે છે. પરંતુ આ બધું કરતાં કરતાં જે ઠંડક અને ક્રૂરતાથી આખો ધંધો હેન્ડલ કરે છે એ ખોફનાક છે. આપણ રૂંવેરૂંવે નફરતની ઝાળ લગાડી દેવામાં એ પૂરેપૂરો સફળ જાય છે. નાના પડદે વિલનનો રોલ કરનારી અભિનેત્રી મોના અંબેગાંવકરનો પણ નાનકડો પણ રાયના દાણા જેવો દમદાર રોલ છે. હા, સરફરોશ કે સિંઘમની જેમ રાની મુખર્જીના સાથીદારો તરીકે સપોર્ટિંગ કાસ્ટને વ્યવસ્થિત રીતે લેવામાં આવી હોત તો રાની ફિલ્મમાં દેખાય છે એમ સાવ એકલી એકલી ન લાગત.

ગો ફોર મર્દાની

આપણે ત્યાં આખા વર્ષમાં માંડ બે-ત્રણ ફિલ્મો એવી આવે છે જેમાં સ્ત્રીઓની ભૂમિકા અને તેના પ્રશ્નો કેન્દ્રમાં હોય. જેમાં હિરોઇન જ હીરો હોય. મર્દાની એમાંની એક છે. પરંતુ હા, ખરબચડી ભાષા અને કંપારી છૂટી જાય એવા દેહવિક્રયના વ્યવસાયનાં અમુક દૃશ્યોને કારણે આ ફિલ્મને સેન્સરનું એડલ્ટ માટેનું ‘એ’ સર્ટિફિકેટ મળેલું છે, એટલે અઢાર વર્ષથી નીચેના લોકો તો થિયેટરમાં જઈ નહીં શકે. પરંતુ બાકીના લોકો માટે આ ફિલ્મ બેશક જોવા જેવી અને ઠંડા કલેજે વિચારવા જેવી છે. બાય ધ વે, આ ફિલ્મ ખરેખરી સિક્વલને લાયક છે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s