એન્ટરટેનમેન્ટ

એન્ટરટેનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા!

*** 

જો દિમાગને ડીપ ફ્રીજમાં મૂકવાનો વાંધો ન હોય, તો આ ફિલ્મ ટાઇમપાસ ફેમિલી વીક એન્ડ એન્ટરટેનમેન્ટ બની શકે તેવી છે.

***

04-its-entertainmentએવી એક સનાતન (અને વાજબી) ફરિયાદ છે કે આપણે ત્યાં બાળકોની ફિલ્મો બનતી નથી. એક્ચ્યુઅલી, આપણે ભારતીયો કરકસરિયા સ્વભાવના છીએ એટલે બાળકો માટે સ્પેશિયલી અલાયદી ફિલ્મો બનાવવાને બદલે મોટાઓની ફિલ્મો જ એવી બાલિશ બનાવીએ છીએ કે જેથી તેમાં મોટાઓની સાથોસાથ બાળકોને પણ એટલી જ મજા પડે. વન્ડર ડોગ ‘જુનિયર’ ઉર્ફ ‘એન્ટરટેનમેન્ટ’ને ચમકાવતી આ ફિલ્મ જોવા માટે બચ્ચાલોગ તો મમ્મી-પપ્પાલોગને થિયેટર સુધી ખેંચી જ લાવવાના છે, પરંતુ પેરેન્ટ્સલોગને પણ એન્જોયમેન્ટ મળી રહે એટલે ફિલ્મમાં અક્ષયકુમાર આણિ સિનિયર મંડળી પણ છે.

હર કુત્તે કા દિન આતા હૈ

અખિલ લોખંડે (અક્ષય કુમાર) એક નંબરનો કડકો બાલુસ માણુસ છે, જે નાનાં મોટાં કામ કરીને ફાઇવસ્ટાર હોસ્પિટલની ખટિયા પર પડેલા એના પિતાનો ઈલાજ કરે છે. પાર્ટટાઇમમાં એ સફેદી કી ચમકાર જેવી સોપ ઓપેરાની એક્ટ્રેસ એવી સાક્ષી (તમન્ના ભાટિયા) સાથે ઈલુ ઈલુ કરે છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે સાક્ષીના પપ્પા (મિથુન ચક્રવર્તી) આલોકનાથમાંથી અમરીશ પુરી બની જાય છે, અને કહે છે કે તારા જેવા કડકા સાથે મારી દીકરી ન પરણાવું. મારા જમાઈ બનવું હોય તો બિલ ગેટ્સ જેટલા પૈસા કમાઈને લાવ.

 

ત્યાં જ અક્ષય કુમારને ખબર પડે છે કે હકીકતમાં તો એ બેંગકોકના મશહુર ઝવેરી પન્નાલાલ જોહરી (દલીપ તાહિલ)નો ડીએનએ છે, એટલે કે ડેડી કી નાજાયઝ ઔલાદ છે. બરાબર એ જ વખતે પન્નાલાલ પોતાની ત્રણ હજાર કરોડની જાયદાદ એમના વફાદાર કૂતરા એન્ટરટેનમેન્ટ (જૂનિયર – ધ વન્ડર ડોગ)ના નામે કરીને આ દુનિયામાંથી કલ્ટી થઈ જાય છે. બસ, એ જાયદાદ મેળવવા માટે અક્કી બેંગકોક જઈને કુત્તાને રાસ્તામાંથી હટાવવાની કોશિશ શરૂ કરી દે છે. પરંતુ કૂતરો ડેઢ શાણો છે, એ દર વખતે બચી જાય છે.

 

વળી, આ કહાનીમાં બીજો ટ્વિસ્ટ આવે છે. પન્નાલાલના બે બદમાશ કઝિન્સ કરણ (પ્રકાશ રાજ) અને અર્જુન (સોનુ સૂદ) બેંગકોકની જેલમાંથી સજા કાપીને બહાર નીકળે છે. એમનું કહેવું છે કે કઝિન હોવાને નાતે એ જાયદાદ એમને મળવી જોઇએ. એટલે અક્કી કુત્તે કે પીછે, ઔર કઝિન્સ અક્કી કે પીછે,  લાસ્ટ મેં કુત્તા ઔર અક્કી દોનો કઝિન્સ કે પીછે… ટૂ મચ ફન!

બાઉ વાઉ, દિમાગ કો સાથ મેં મત લાઓ!

આમ તો ટ્રેલર્સ જોઇને જ ખબર પડી જાય છે કે આ ફિલ્મ જોવા માટે દિમાગને સ્લીપિંગ મોડમાં મૂકીને જવાનું છે. કેમ કે દિમાગ લઈને સાજિદ ખાનની ફિલ્મ હમશકલ્સ જોવા ગયેલા લોકો ભારોભાર પસ્તાયેલા, જ્યારે આ ફિલ્મ તો સાજિદ ખાનની બે ફિલ્મો લખી ચૂકેલા ભાઈઓ સાજિદ-ફરહાદની છે. સાજિદ ખાનને જેમ પોતાની ફિલ્મોમાં પીજે (પૂઅર જોક્સ) ઘુસાડવાનો શોખ છે, એ જ રીતે આ સાજિદ-ફરહાદે પણ પોતાની અગાઉની ફિલ્મો (ગોલમાલ2-3, સિંઘમ, ચેન્નઈ એક્સપ્રેસ વગેરે)ની જેમ ચાર હાથે પીજે ઠપકાર્યા છે. સેમ્પલ તરીકે આ જુઓ, અક્ષયકુમારનો દોસ્તાર જુગનુ (કૃષ્ણા) વીડિયો લાઇબ્રેરી ચલાવે છે, જેનું નામ છે, ‘મેરે પાસ સિને-મા હૈ!’ અને એ બધા જ ડાયલોગ્સ ફિલ્મો અને ફિલ્મસ્ટાર્સનાં નામવાળાં જ બોલે છે. મતલબ કે ‘આઈ રજનીકાંટ બિલીવ ઈટ’,  ‘એક બાર ગિરા તો ઈસકી અનુપમ ખેર નહીં!’ વગેરે.

ટેક્નિકલી જોવા જઇએ તો આ ફિલ્મ ફુવડ-સ્લેપસ્ટિક કોમેડીથી ભરપુર છે, જેમાં લગભગ કશું જ અનએક્સ્પેક્ટેડ કે શોકિંગ બનતું નથી. ફિલ્મમાં અક્ષય કુમાર કૂતરા સાથે વાતો કરે છે, કૂતરાની આંખમાંથી આંસુ નીકળી આવે છે, કૂતરા મલ્ટિપ્લેક્સમાં શોલે જોવા જાય છે, હિરોઇનનો બાપ પોતાની દીકરીને કૂતરા સાથે લગ્ન કરવાની સલાહ આપે છે, બંને વિલન વાતેવાતે ઈમોશનલ થઈ જાય છે અને આવું તો ઘણું બધું છે જેને લોજિક સાથે કશી જ લેવાદેવા નથી. ફિલ્મના ડાયલોગ્સ લખતી વખતે જોક્સ ખૂટી પડ્યા હશે, એટલે સાજિદ-ફરહાદે વર્ષો જૂના ચવાયેલા જોક્સ પણ ઠપકારી દીધા છે. અરે, જૂની હિન્દી ફિલ્મ ‘પ્યાર કિયે જા’નો મહેમૂદ-ઓમપ્રકાશવાળો સીન પણ બેઠ્ઠો મૂકી દેવાયો છે. પરંતુ આ બધાનો સરવાળો કરો, તો લગભગ અઢી કલાકની આ ફિલ્મ હસાવે છે, વચ્ચે જરા ઢીલી પણ પડે છે, પરંતુ કંટાળો તો જરાય આપતી નથી.

એક્શનવેક્શન કર લો જી!

મજાની વાત એ છે કે લોકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે અહીં હીરો અક્ષયકુમાર છે, પણ સૌથી વધુ લાફ્ટર ઉઘરાવી જાય છે, કૃષ્ણા, જ્હોની લિવર, પ્રકાશરાજ અને ક્યુટ ડોગી એન્ટરટેનમેન્ટ. આ ઉપરાંત ફિલ્મમાં પોણો ડઝન જેટલા મહેમાન કલાકારો છે, જે ખાલી એકએક સીનમાં હાઉકલી કરીને જતા રહે છે. અરે હા, ફિલ્મમાં રૂડીરૂપાળી હિરોઇન તમન્ના ભાટિયા પણ છે, પરંતુ એ બિચારી કરતાં ફિલ્મમાં પેલા ડોગીના સીન વધારે છે!  એક્ટિંગની બાબતમાં પણ એવું જ છે. તમન્ના કરતાં પેલો ડોગી વધારે વિવિધતાવાળાં એક્સપ્રેશન્સ આપે છે. અને નોટ ટુ ફર્ગેટ, પ્રકાશરાજ. આ માણસ ગજબ એક્ટર છે. એ જેટલી સ્વાભાવિકતાથી વિલનગીરી કરી શકે છે એટલી જ સહજતાથી લોકોને હસાવી પણ શકે છે.

ડોગી લોકોને સૂસૂ લાગે, તો એ લોકો થાંભલો શોધે. જ્યારે આપણી ફિલ્મોમાં પણ લોકોની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જરૂર હોય કે ન હોય, વચ્ચે વચ્ચે ગીતો મૂકવામાં આવે છે, જેથી લોકો બચ્ચાં-કચ્ચાંને લઈને બાથરૂમ યાત્રા કરી આવે. અહીં આપણા ગુજ્જુભાઈ મયૂર પુરીએ લખેલા અને બીજા ગુજ્જુભાઈઓ સચિન-જિગરે કમ્પોઝ કરેલાં ગીતો છે. આમ તો ગીતોમાં ખાસ કશો ભલીવાર નથી, પરંતુ ‘જ્હોની જ્હોની’ અને ‘વીરે દી વેડિંગ હૈ’ પોપ્યુલર થયાં છે.

ટાઇમપાસ એન્ટરટેનમેન્ટ

શરૂઆતમાં કહ્યું એમ આ ફિલ્મ બાળકોને મજા કરાવશે. ‘આપણે તો ખાલી ટેન્શન ફ્રી થવા માટે જ ફિલ્મો જોઈએ છીએ’ એવું કહેતાં મોટેરાંને પણ આ ફિલ્મ જોઇને આનંદ થશે. હા, વચ્ચે વચ્ચે જરાતરા બિલો ધ બેલ્ટ કહી શકાય એવી સિચ્યુએશન્સ છે, પરંતુ કમનસીબે હવે તો એ પણ ‘ફેમિલી ફિલ્મ’ની વ્યાખ્યામાં જ આવે છે. એટલે નાના ગલૂડિયા જેવી શોર્ટ એન્ડ સ્વીટ વાત એ છે કે આ ફિલ્મ માઇન્ડલેસ વીકએન્ડ એન્ટરટેનમેન્ટ છે, બચ્ચાંકચ્ચાંને લઈને જોઈ આવો.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s