ચારફૂટિયા છોકરે

આના કરતાં તો એપેન્ડિક્સનો દુખાવો સારો!

 ***

અત્યંત ગંભીર મુદ્દા ઉઠાવતી આ ફિલ્મ એટલી કંગાળ છે કે ફિલ્મ જોતાં જોતાં તમે વિષાદયોગમાં સરી પડો તોય નવાઈ નહીં!

***

chaarfutiya20chhokare20movie20postersનવરાત્રિ એટલે બોક્સ ઓફિસની ઓફ સિઝન. લોકો નવરાત્રિમાં ઝૂમવામાં વ્યસ્ત હોય એટલે મોટા સ્ટાર્સ તો પોતાની ફિલ્મો આ સમયગાળામાં રિલીઝ ન કરે. એટલે જ જેનો કોઈ લેવાલ ન હોય, જેનું ટોટલ બજેટ સલમાન-આમિરની ફી કરતાંય ઓછું હોય, ફિલ્મમાં સ્ટારના નામે ખર્યાં પાન જેવા અભિનેતાઓ હોય અને ઓવરઓલ નુકસાનીવાળો માલ હોય, એવી જ ફિલ્મો મોટે ભાગે રિલીઝ થતી હોય છે. સમજો ને કે નાની ફિલ્મોનો સ્ટોક ક્લિયરન્સ સેલ! આવી જ એક નુકસાનીવાળી ફિલ્મ બોક્સ ઓફિસ પર આ શુક્રવારે આવી છે. નામ છે, ‘ચારફૂટિયા છોકરે’. સોહા અલી ખાનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમાં મુદ્દા તો એકદમ ગંભીર ઉઠાવાયા છે, પરંતુ ટ્રીટમેન્ટમાં એટલી વેઠ ઉતારી છે કે ચાલુ ફિલ્મે તમને આત્મઘાતી વિચારો આવવા માંડે!

વિકાસના ચળકાટ તળેનો કાટ

નેહા માલિની (સોહા અલી ખાન) અમેરિકાથી આવેલી એક ઉત્સાહી સોફ્ટવેર એન્જિનિયર ટર્ન્ડ સમાજસેવિકા છે. બિહારના બિરવા નામના એક ગામમાં એ સ્કૂલ બનાવવાની નેમ સાથે ઊતરી પડે છે. પરંતુ ત્યાં જઈને ખબર પડે છે કે અહીં તો શિક્ષણના નામે મજાક ચાલે છે, ગામમાં બાર-તેર વર્ષનાં બાળકોનાં લગ્ન કરી દેવાય છે, શાહુકારો વ્યાજખોરીનાં સામ્રાજ્ય ચલાવે છે અને ખુલ્લે આમ દીકરીઓને ઉપાડી જઇને વેશ્યાવાડે વેચી દેવાય છે. ઉપરથી એક સ્થાનિક કોન્ટ્રાક્ટર કમ ગુંડો લખન ભૈયા (ઝાકિર હુસૈન) ગામના ત્રણ ટીનેજર બાળકોને રિવોલ્વર પકડાવીને કોન્ટ્રાક્ટ કિલર બનાવી દે છે. એટલે સ્કૂલ તો બનતાં બને છે, પણ સોહા એ ત્રણ બાળકોને ગુનાખોરીના માર્ગેથી પાછા વાળવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે.

કંગાળ, બાલિશ અને ધીમી

‘ચારફૂટિયા છોકરે’ ફિલ્મનો આશય ઉમદા છે. તેમાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, તે આપણી અત્યારની ફિલ્મો ઉઠાવતી નથી. એક તો સાચું ગામડું જ ફિલ્મના પડદેથી ગાયબ થઈ ગયું છે. અહીં ડિરેક્ટરે લોકેશનને વફાદાર રહેવાના પ્રયાસરૂપે બિહારના ગામડાનું લગભગ વાસ્તવિક ચિત્રણ કર્યું છે. જેમ કે, આખા ગામડામાં ક્યાંય પાકો રસ્તો જોવા ન મળે અને બધે જ કાદવકીચડ ખદબદતો દેખાય. શહેરોમાં મૉલ કલ્ચરના ચળકાટ નીચે ખરેખરા ઈશ્યૂઝની ઉધઈ દેશને કોરી ખાઈ રહી છે. જેમ કે, કારમી ગરીબી, પ્રાથમિક શિક્ષણનો અભાવ, વ્યાજખોરી, આલ્કોહોલિઝમ, બાળલગ્ન જેવી કુપ્રથાઓ, હ્યુમન-ચાઇલ્ડ ટ્રાફિકિંગ, ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યૂશન, ચાઇલ્ડ ક્રિમિનલ્સ, પૈસાખાઉ ગુંડાઓને છાવરતી પોલીસ, નઘરોળ તંત્ર અને જાડી ચામડીના અલ્પશિક્ષિત નેતાઓ. આ બધું જ ડિરેક્ટરે આ એક વાર્તામાં વણી લેવાનો પ્રયત્ન કર્યો છે.

પરંતુ આ મુદ્દાઓની ખીચડી એટલી બેસ્વાદ બની ગઈ છે કે માથું સણકા મારવા લાગે. એક તો નવોદિત રાઇટર-ડિરેક્ટર મનીષ હરિશંકરનું ડિરેક્શન એટલું શીખાઉ લાગે છે કે આખી ફિલ્મમાંથી કોઈ સસ્તી પ્રાદેશિક ફિલ્મ જોતા હોઇએ એવી વાસ આવ્યા કરે છે. ઉપરથી રૂંવે રૂંવે કીડીઓ ચટકા ભરે એટલું સ્લો સ્ટોરીટેલિંગ. એકસાથે ઘણું બધું કહી દેવાની લાલચમાં લોજિકને દેશવટો અપાઈ ગયો છે. આપણને સમજાય નહીં કે આપણી આંખ સામે ખરેખર કોઈ ફિલ્મ ચાલી રહી છે કે કોઈ બોરિંગ ડોક્યુમેન્ટરી? ઉપરથી ડિરેક્ટરે ફિલ્મના અંતે જે કંઈ બતાવ્યું છે તે ઘણા બધાને વાંધાજનક પણ લાગી શકે.

જોકે વાતને બેલેન્સ કરવા માટે એટલું કહી શકાય કે ભલે નબળો, પરંતુ દેશના ખરેખરા મુદ્દાઓને હાઇલાઇટ કરવાનો પ્રયાસ તો કોઇએ કર્યો. ખમતીધર અભિનેતા ઝાકિર હુસૈન એના ચિતપરિચિત દમદાર અંદાઝમાં છે. ‘ગોલમાલ’ સિરીઝમાં ‘વસૂલી’ના પાત્રમાં છવાઈ જનારા મુકેશ તિવારી રેઢિયાળ પોલીસ અધિકારીના રોલમાં લગભગ રિયલિસ્ટિક લાગે છે. ‘બેન્ડિટ ક્વીન’ ફેઇમ સીમા બિશ્વાસ પાસેથી સારી એક્ટિંગની અપેક્ષા હતી, પણ એમને જાણે પરાણે આ ફિલ્મમાં લીધાં હોય એવી સાવ શીખાઉ એક્ટિંગ કરી છે. ચાઇલ્ડ ક્રિમિનલ તરીકે હર્ષ મયારની એક્ટિંગ પણ બિલિવેબલ છે. આ જ હર્ષ અગાઉ ‘આઇ એમ કલામ’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂક્યો છે. જોકે સૌથી વધુ મહેનત ખુદ સોહા અલી ખાને કરી હોવાનું દેખાય છે, પરંતુ એક તો નબળા સ્ક્રીનપ્લેમાં એની પાસે ખાસ કશું કરવા માટેનો સ્કોપ પણ નથી, કે નથી એ પોતે એવી જમાવટ કરી શકતી. આ ફિલ્મ એની ફિલ્મી કારકિર્દીના કોફિનમાં છેલ્લો ખીલો બની શકે એવી ‘ક્ષમતા’ ધરાવે છે. હા, ફિલ્મની વચ્ચે પેશ કરાતાં ગામઠી ગીતો આપણા શહેરી કાન માટે તદ્દન નવાં છે.

બચીને રહેજો

ચારફૂટિયા છોકરે ફિલ્મમાં એવું કશું નથી, જેના માટે થિયેટરમાં લાંબા થવાની ઈચ્છા થાય. બલકે, આ ફિલ્મ તો કોઈને ડીવીડી પર પણ રેકમેન્ડ કરવા જેવી નથી. આ ફિલ્મ આપમેળે જ બોક્સઓફિસ પરથી બે-ત્રણ દિવસમાં જ ગાયબ થઈ જશે. એટલે તેના વિશે વિચારવા કરતાં કોઈ સારા ગરબાના પાસનો મેળ પડે તો ફેમિલીને ત્યાં ફેરવવાથી વધુ સારો સમય પસાર થશે!

રેટિંગ: * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s