ભાઈનો જય હો!

***

સલમાનભાઈના ફેન્સને તો આ ફિલ્મથી કિક વાગશે જ, પરંતુ જેમને સલમાનની ધડમાથા વિનાની ફિલ્મો ગમતી ન હોય એ લોકો પણ આ ફિલ્મથી ખાસ દુઃખી નહીં થાય.

***

download-high-resolution-hd-poster-of-kick-movie-8668આમ તો સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં ઝાઝું વિચારવાનું હોતું નથી. સ્ટોરી, સ્ક્રીનપ્લે, સહકલાકારો કે ઈવન હિરોઇન સુદ્ધાં ફોર્માલિટી ખાતર જ હોય છે. કારણ કે સલમાનનો ક્રેઝ એટલો બધો છે કે ચાહકો સલમાનનું નામ સાંભળીને જ બોક્સઓફિસ છલકાવી મૂકે છે. પરંતુ આ શુક્રવારે આવેલી ‘કિક’ તમામ લોચા-લબાચા છતાં એટલિસ્ટ સલમાન ખાનની અગાઉની ફિલ્મો કરતાં તો ઘણી સારી છે.

થિંક ઑફ ધ ડેવિલ

દેવીલાલ સિંહ (સલમાન ખાન) એવો જુવાનિયો છે, જેની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે, પણ અત્યાર સુધીમાં બાવીસ નોકરીઓ બદલી ચૂક્યો છે. કેમ કે એકેય કામમાં એને કિક નહોતી વાગતી. કિક માટે એ પ્રેમીપંખીડાંનાં લગ્ન કરાવી આપે, રસ્તા પરથી ભયંકર રીતે એની વર્ણસંકર પ્રકારની બાઇક ચલાવે, સીડીને બદલે ઘરની બારીમાંથી કૂદીને નીચે ઊતરે, લિવરનું રાજીનામું પડી જાય એટલો બધો દારૂ પીવે વગેરે. એ કિકના ચક્કરમાં જ ભાઈને ભારતીય ડિપ્લોમેટ (સૌરભ શુક્લા)ની સકાએટ્રિસ્ટ દીકરી ડૉ. શાયના મેહરા (જેકલિન ફર્નાન્ડિઝ) સાથે ઈશ્ક-વિશ્ક થઈ જાય છે. પરંતુ બંનેનો પ્રેમ એકાદા લવ સોંગ પૂરતો જ મર્યાદિત રહે છે. કોઈ દેખીતા કારણ વિના બંને અલગ થઈ જાય છે.

હવે કહાનીમાં ટ્વિસ્ટ એવો આવે છે કે આમ સોનાનું દિલ ધરાવતો દેવીલાલ સિંહ અચાનક ડેવિલ બની જાય છે અને ક્રિશ જેવો માસ્ક પહેરીને કરોડો રૂપિયા લૂંટવા માંડે છે. કોઇને સમજાતું નથી કે તે આવું શા માટે કરે છે. વળી, તે બધી જ ચોરી એટલી સફાઈથી કરે છે કે કોઈ તેને ચહેરે ઓળખતું પણ નથી. આથી જ આ કેસની તપાસ જાંબાઝ પોલીસ અધિકારી હિમાંશુ ત્યાગી (રણદીપ હુડા)ને સોંપાય છે.

અત્યાર સુધી દિલ્હીમાં ચાલી રહેલી સ્ટોરી સીધી પોલેન્ડના શહેર વોર્સોમાં શિફ્ટ થાય છે. હોમ મિનિસ્ટર અને એમનો સનકી તથા અત્યંત ક્રૂર ભત્રીજો શિવ ગજરા (નવાઝુદ્દીન સિદ્દીકી) અહીં એક દવાની જંગી ડીલ માટે આવ્યા છે. એટલે ઈન્સ્પેક્ટર હિમાંશુને ખાતરી છે કે ડેવિલ એ પૈસા લૂંટવા માટે અહીં પણ આવશે જ. જોગાનુજોગ રૂપાળી શાયના એટલે કે જેકલિન પણ હવે અહીં જ રહે છે. જેકલિનને જોવા માટે અને ડેવિલને પકડવા માટે હુડાભાઉ પોલેન્ડની વાટ પકડે છે. તમને શું લાગે છે, ડેવિલ અહીં આવશે? હુડા ડેવિલને પકડી શકશે? અને બાય ધ વે, આ જ્યોતિ બની જ્વાલાની જેમ દેવીલાલ સલમાન ડેવિલ શું કામ બન્યો હશે? વેલ, એના જવાબો તો અઢી કલાકની આ ફિલ્મમાં જ છુપાયેલા છે.

સલમાનોત્સવ

‘કિક’ 2009માં આવેલી આ જ નામની તેલુગુ ફિલ્મની રિમેક છે. એટલું જ નહીં, પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા આ ફિલ્મથી ડિરેક્ટર પણ બન્યા છે. સ્ટોરી અને સ્ક્રીનપ્લેની રીતે જોઇએ તો તેમાં એટલાં મોટાં મોટાં બાકોરાં છે કે તેમાંથી આખી બુલેટ ટ્રેન પસાર થઈ જાય. તેમ છતાં દબંગ, રેડી, બોડીગાર્ડ, એક થા ટાઇગર પ્રકારની તદ્દન હથોડાછાપ ફિલ્મોની સરખામણીએ તો આ ફિલ્મ સુપર કિક છે. આપણને થાય કે સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મ વર્ષો અગાઉ બનાવી નાખી હોત તો કદાચ સલમાનના નામે સાવ ગાંડીઘેલી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ જ ન થયો હોત. એની વે, આ કિક (ફિલ્મમાં બોલે છે એમ) ‘ઝેલેબલ’ બની છે તેનું એક કારણ કદાચ એ પણ છે કે તેના લેખકોની ટીમમાં રજત અરોરા અને ચેતન ભગત જેવાં નિવડેલાં નામો છે.

સલમાન ફેનક્લબને મજા પડે એવું આ ફિલ્મમાં બધું જ છે. સલમાન ગાય છે, ડાન્સ કરે છે, રૂંવાડા ખડા થઈ જાય (અને ધૂમ-3ની યાદ આવી જાય) એવી એક્શન સિક્વન્સિસ કરે છે, બાવડાં પણ બતાવે છે, અન્યાયની સામે લડે છે, સીટીમાર ડાયલોગ્સ પણ બોલે છે અને કોમેડી પણ કરે છે. આ બધા ઉપરાંત જાણે સલમાનના સ્ટારડમને અંજલિ આપવાની હોય એમ દબંગના સંદર્ભો પણ આવે છે અને એની અગાઉની ફિલ્મોનાં ડાન્સ સ્ટેપ્સ પણ આવે છે. સલમાન રિયલ લાઇફમાં કેવો ઉમદા ‘બીઇંગ હ્યુમન’ છે એવું બતાડવાનો પણ અહીં ભરપુર પ્રયાસ કરાયો છે.

ઠીક કિક

ટોમ એન્ડ જેરીની પકડાપકડી જેવી આ ફિલ્મની સ્ટોરી આમ તો અત્યંત નાનકડી છે, કદાચ એ જ કારણ હોય કે કેમ પણ ફિલ્મ શરૂ થયાની પહેલી એકાદ કલાક સુધી હળવી રોમેન્ટિક કોમેડી જ ચાલ્યા કરે છે. ગાડી મૂળ પાટે ચડતી જ નથી. મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં હિમેશ રેશમિયા, મીત બ્રધર્સ અને યો યો હની સિંઘ જેવાં નામ છે, પણ ફિલ્મનું મ્યુઝિક જનરલી સલમાનની ફિલ્મોમાં હોય છે એવું ધમાકેદાર નથી. એમાંય વચ્ચે અચાનક ટપકી પડતું નરગિસ ફખરીવાળું આઇટેમ સોંગ (જે મૈંનુ યાર ના મિલે) અને જુમ્મે કી રાત તો ફિલ્મના માંડ ગતિ પકડી રહેલા ફ્લો પર જીવલેણ હુમલો કરવા સિવાય કશું જ નથી કરતાં. આ બે ગીતોથી ચોખ્ખું દેખાઈ આવે કે સલમાનના ચાહકોને રિઝવવા માટે પરાણે નાખવામાં આવેલો આ અનિવાર્ય મસાલો છે.

આ ફિલ્મનું એક મોટું આકર્ષણ છે નવાઝુદ્દીન સિદ્દીકી, જે પહેલીવાર મેજર નેગેટિવ રોલમાં દેખાયો છે. પરંતુ એની એન્ટ્રી ઈન્ટરવલ વીતી ગયાની ખાસ્સી વાર પછી પડે છે અને એના ભાગે આંગળીથી ગણી શકાય એટલા સીન્સ પણ માંડ આવ્યા છે. પરંતુ એટલા સીનમાં પણ એ એટલો બધો છવાઈ જાય છે કે જો એનો વધારે મોટો રોલ હોત તો એ રીતસર સલમાનને ટેન્શન કરાવી દેત. જો આ ફિલ્મ ‘ધ સલમાન ફેસ્ટિવલ’ને બદલે સલમાન વર્સસ નવાઝુદ્દીનના સંઘર્ષ તરીકે બનાવી હોત તો જોવાની મજા પડત.

સલમાન ખાન હાથમાં જે દૂધિયા રંગના લોકેટવાળું બ્રેસલેટ પહેરે છે એનાથીયે વધારે ઢીલીઢાલી સ્ટોરી કોઈ ઉત્તેજનાની ચરમસીમાએ પહોંચ્યા વિના જ પૂરી થઈ જાય છે. ઈવન બિચારી જેકલિન તો છેલ્લી સિક્વન્સમાં ક્યાંય દૂર દૂર સુધી દેખાતી નથી. હા, જુમ્મે કી રાત ગીતમાં એ ટૂંકાં કપડાં પહેરીને જબરદસ્ત ડાન્સ કરે છે, સલમાનની ફિલ્મની હિરોઇનને બીજું શું જોઇએ?!

વિવિધ ભારતીના ફરમાઈશી ગીતોના કાર્યક્રમમાં ગીતની પહેલાં તેની ફરમાઈશ કરનારાઓનાં જથ્થાબંધ નામ એનાઉન્સ થતાં હોય છે. એ જ રીતે અહીં એટલાં બધાં સપોર્ટિંગ કલાકારો છે કે જે એકાદ-બે સીનમાં દેખાઈને ગાયબ થઈ જાય છે. જેમ કે, મિથુન ચક્રવર્તી, અર્ચના પૂરણસિંહ, સૌરભ શુક્લા, સંજય મિશ્રા, વિપીન શર્મા, સુમોના ચક્રવર્તી, કવિન દવે, રજિત કપૂર, સુનીલ પાલ, (ગિપ્પી ફિલ્મ ફેઇમ) રિયા વિજ વગેરે. આમાંથી બે કલાકારને બાદ કરતાં તમામનો ભયંકર વેડફાટ થયો છે.

સુપર કિક

પરંતુ આગળ કહ્યું એમ આ ફિલ્મ સલમાનની માઇન્ડલેસ ફિલ્મો કરતાં તો સારી છે. તેનાં પણ ઘણાં કારણો છે. પહેલું તો ખુદ સલમાન. એનું મહાડેશિંગ સ્ક્રીન પ્રેઝન્સ અને બધી જ સ્ટાઇલો પ્રેક્ષકોને જલસો કરાવવા માટે પૂરતી છે. ઢીલી જતી સ્ટોરીમાં પણ વચ્ચે વચ્ચે આવતી સિક્વન્સીસ-પછી ભલે તે કોમિક હોય કે એક્શન-પરફેક્ટ્લી કામ કરી જાય છે. સૌરભ શુક્લા, સંજય મિશ્રા અને અબોવ ઑલ નવાઝુદ્દીન સિદ્દીકી, આ ત્રણેયે પોતાના નાના પણ રાયના દાણા જેવા દમદાર રોલમાં એવું પાવરપેક્ડ પરફોર્મન્સ આપ્યું છે કે ફિલ્મ તેનો ચાર્મ સતત જાળવી રાખે છે. રણદીપ હુડાના ભાગે ખાસ એક્સ્પ્રેશન્સ આપવાનાં નહોતાં એટલે એ પણ એની ભૂમિકામાં યોગ્ય લાગે છે. એકદમ નવાં જ ફોરેન લૉકેશન્સ અને તેમાં અયનન્કા બોઝની સિનેમેટોગ્રાફી તાજગી અને સાથોસાથ થ્રિલ બંને ઉમેરે છે.

ભાઈ કી ફિલ્મ હો જાય?

ઈદના પાક મોકે (પાંચ હજારથી વધુ સ્ક્રીન્સમાં) રિલીઝ થયેલી આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળશે એ તો જાણે નક્કી જ છે. આ ઉન્માદમાં ફિલ્મ જોવાનો પ્લાન બનાવવો હોય અને નસીબજોગે ટિકિટ પણ મળી જાય, તો એકવાર જોવામાં કશું ખોટું નથી. આખરે તો ભાઈ કી મુવી હૈ, ભાઈ!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s