ઝખ્મી ઔરત

 ***

નવો ખેલાડી આવીને સેન્ચુરી મારી જાય છતાં ટીમ મેચ હારી જાય એવું આ ફિલ્મનું થયું છે.

*** 

04-hate-story-2સેક્સ અને રિવેન્જ (બદલો) વિશ્વની સૌથી જૂની જણસ છે. આ શુક્રવારે રિલીઝ થયેલી ઈરોટિક થ્રિલર ફિલ્મ ‘હેટ સ્ટોરી-2’માં આ બંને ભરપુર માત્રામાં ઠાલવ્યા છે. પરંતુ દેખીતી રીતે જ ફિલ્મને ચર્ચાસ્પદ બનાવવા માટે નખાયેલાં ઈરોટિક દૃશ્યો ફિલ્મ પર હાવી થઈ જાય છે અને તેની સામે રિવેન્જ એટલે કે બદલો લેવાનું ખુન્નસ મોળું પડી જાય છે. પરિણામે ફિલ્મ ‘ઓકે ઓકે’ની કેટેગરીમાંથી બહાર આવી શકી નથી.

બદલે કી આગ

મંદાર મ્હાત્રે ઉર્ફ ભાઉ (સુશાંત સિંહ) એક બાહુબલી નેતા છે. સત્તા અને સ્ત્રીઓને માત્ર ઉપયોગ કરવાની વસ્તુ જ સમજતા આ નેતાએ સોનિકા (કોમેડી સર્કસ ફેઇમ સુરવીન ચાવલા) નામની નમણી યુવતીને પરાણે પોતાની રખાત બનાવીને રાખી છે. પિંજરામાં પૂરાયેલી મેના જેવી સોનિકાએ એકેએક શ્વાસ મંદાર મ્હાત્રેને પૂછીને લેવો પડે, નહીંતર તે એને ચપટીમાં મસળી નાખે.

આ મેના એટલે કે સોનિકાને પોતાના ફોટોગ્રાફી ક્લાસના એક છોકરા અક્ષય (જય ભાનુશાળી)ને પ્રેમ કરી બેસે છે. ભાઉની કેદમાંથી ભગાડીને અક્ષય સોનિકાને ગોવા ભગાડી જાય છે, જ્યાં તેઓ બંને ચોંચમાં ચોંચ પરોવીને જૂની ફિલ્મનું સુપરહીટ રિમિક્સ ગીત ગાય છે અને મજા કરે છે. પરંતુ શિકારી કૂતરાની જેમ ભાઉ ક્યાંકથી ત્યાં આવી ચડે છે અને પ્રેમીપંખીડાંની લવસ્ટોરીનો ધ એન્ડ કરી નાખે છે. ઈવન સોનિકાને પણ જીવતી દાટી દેવાનો પ્રયાસ કરે છે.

પરંતુ ડિરેક્ટર રાખે તેને કોણ ચાખે? સોનિકા ગમે તે રીતે ત્યાંથી બચીને ભાગી છૂટે છે અને ભાઉની ગેમ ઓવર કરવા નીકળી પડે છે. ત્યાંથી શરૂ થાય છે સોનિકાની હેટ સ્ટોરી.

ઉછીની સામગ્રીમાંથી મોળી વાનગી

જે લોકો હોલિવૂડની ફિલ્મોના શોખીન હશે એમને શરૂઆતમાં જ ખ્યાલ આવી જાય કે ‘હેટ સ્ટોરી-2’નો પહેલો પોણો કલાક ક્વેન્ટિન ટેરેન્ટિનોની કલ્ટ ફિલ્મ ‘કિલ બિલ’માંથી લઈ લેવાયો છે. જોકે આપણે તો રોટલાથી કામ ટપાકાથી નહીં, એ ન્યાયે ફિલ્મની શરૂઆત ખાસ્સી ગ્રિપિંગ લાગે છે. ફિલ્મ ફ્લેશબેક અને વર્તમાનમાં શટલકોકની જેમ આગળ વધે છે. આપણા ગુજરાતી જુવાનડા જય ભાનુશાળી અને સુરવીનની લવ સ્ટોરી ચ્યુઇંગ ગમની જેમ શરૂઆતમાં મજા કરાવે છે, પરંતુ ધીમે ધીમે એ ચ્યુઇંગ ગમ મોળી પડતી જાય છે, વળી હિરોઇનનો બદલો લેવાની દાસ્તાન પણ એવી જ ચ્યુઇંગ ગમની જેમ ખેંચાતી જાય છે.

ઈન્ટરવલ આવતાં સુધીમાં એટલું તો નક્કી થઈ જાય છે કે સેકન્ડ હાફમાં હિરોઈન વીફરેલી વાઘણની જેમ વિલનલોકોની ઐસીતૈસી કરી નાખશે. ટ્વેન્ટી ટ્વેન્ટી મેચના બીજા દાવની પહેલી જ ઓવરમાં મોટી વિકેટ મળી જાય એ રીતે શરૂઆત તો ખૂનખાર થાય છે, પણ આ બદલે કી આગ ધીમે ધીમે ઠરવા લાગે છે. એક સમયે પારેવાની જેમ ફફડતી હિરોઈન બદલો લેવા માટે નીકળી તો પડે છે, પણ તેની પાસે બદલાનો એક્ઝેક્ટ રોડમેપ હોય એવું લાગતું નથી. વળી, ડિરેક્ટર વિશાલ પંડ્યા અને લેખિકા માધુરી બેનર્જીને આપણી હિરોઈનમાં ભારતીય નારીની દર્દભરી દાસ્તાન નાખવાની લાલચ થઈ આવે છે. એટલે ભારતીય નારી પુરુષોના દમન હેઠળ કેટલી દબાયેલી છે તેના ડાયલોગ્સ ભભરાવવામાં આવે છે. ઉપરથી લોહિયાળ બદલો લેવા નીકળેલી હિરોઈન અન્ય લોકોની મદદ લીધા વિના એક પણ ડગલું આગળ વધી શકતી નથી.

ચોર-પોલીસ જેવી થ્રિલિંગ ચેઝની વચ્ચે અચાનક સન્ની લિયોની પ્રગટ થાય છે અને ‘પિંક લિપ્સ’ જેવું ભંગાર આઈટેમ સોંગ ગાવા મંડે છે. રિવેન્જની દાસ્તાન માંડ ત્યાંથી આગળ વધે છે ત્યાં જ બીજું એક લવ સોંગ આવી જાય છે. ઈન શોર્ટ, ઈન્ટરવલ પહેલાંની દિલધડક સિક્વન્સિસ અને શૃંગારરસનાં દૃશ્યો જોઈને ઉત્તેજિત થયેલી પબ્લિક ધીમે ધીમે શાંત પડતી જાય છે અને આખરે ખાસ કશી ઉત્તેજના બતાવ્યા વિના ફિલ્મ હળવેકથી પૂરી થઈ જાય છે.

પરફોર્મન્સ ડિપાર્ટમેન્ટ

દક્ષિણની અને પંજાબી ફિલ્મોમાં હોમવર્ક કરીને આવેલી સુરવીન ચાવલા આ ફિલ્મની કરોડરજ્જુ છે. સ્કિન શોથી લઈને એક્શન સિક્વન્સિસ સુધીના બધા જ ડિપાર્ટમેન્ટમાં તે લગભગ દસમાંથી દસ માર્ક લઈ જાય છે. ઈવન સુશાંત સિંઘ જેવો મંજાયેલો સશક્ત અદાકાર ‘મેરે બાબા કહા કરતે થે’ ટાઇપની શાયરીઓ બોલવામાં સાયકો ખૂનીને બદલે ફન્ની બની જાય છે. પરંતુ સુરવીનની અદાકારી જરાય મોળી પડતી નથી. જય ભાનુશાળીના ભાગે ગીતો ગાવા સિવાય ખાસ કશું આવ્યું નથી. એની આગામી ફિલ્મ ‘દેસી કટ્ટે’માં એ કેવોક કમાલ કરે છે એ જોવાનું રહ્યું.

લોકોને થિયેટરમાં ખેંચી લાવવા માટે એડલ્ટ કન્ટેન્ટની મદદ લેવાઈ છે, પરંતુ અગાઉ આવેલી ફિલ્મોની સરખામણીએ તો આ ફિલ્મમાં ખાસ્સું ઓછું એડલ્ટ કન્ટેન્ટ છે. એટલે એના નામે આવેલી પબ્લિક નિરાશ થશે!

દયાવાન ફિલ્મનું ‘આજ ફિર તુમ પે’  ગીત આજે અઢી દાયકા પછીયે એટલું જ તરોતાજા લાગે છે. અરિજિત સિંઘ અને સમીરા કોપ્પીકરના કંઠે ગવાયેલું તેનું રિમિક્સ વર્ઝન મજા કરાવે છે. અન્ય બે ગીતો ‘કભી આયને પે’ અને ‘હૈ દિલ યે મેરા’ પણ સાંભળવામાં સારાં લાગે છે, પણ અગેઈન ફિલ્મની ગતિમાં મોટું ગાબડું પાડે છે. ખાસ કરીને સન્ની લિયોનીનું આઇટેમ સોંગ ‘પિંક લિપ્સ’. તેને તો નાહકનું જ ઈન્જેક્ટ કરાયું છે.

વેરથી વેર શમે?

સુરવીન ચાવલાના પૂરેપૂરા પ્રયત્ન પછી પણ આ ફિલ્મ એક એવરેજ ઢીલીઢાલી બદલે કી આગ ટાઇપની સ્ટોરીથી આગળ વધી શકે તેમ નથી. સુરવીનના પરફોર્મન્સ અને અમુક સિક્વન્સિસ માટે થિયેટર સુધી ધક્કો ખાવો હોય તો ખાઈ શકાય. નહીંતર ડીવીડી રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવામાં કશો વાંધો નથી.

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s