યૂથ એટ કન્ફ્યુઝન ડોટ કોમ
***
ઇલાસ્ટિક રબરની જેમ ખેંચાયે જતી આ ફિલ્મમાં એ. આર. રહેમાનનું સંગીત જ આપણને ઊંઘી જતાં બચાવે છે.
***
ગળથૂથીમાં વોડકા-રમ અને બ્રેકફાસ્ટમાં બર્ગર આરોગતી જનરેશનનાં લડકા-લડકી એકબીજાનાં પ્રેમમાં પડે, પછી એ જ પ્રેમ વિશે કન્ફ્યુઝન થાય, પછી લડે-ઝઘડે અને ખાસ્સા એવા તમાશા પછી પ્રેમનો અહેસાસ થાય. આવી ચાર દિવસ રાખી મૂકેલા વાસી પિત્ઝા જેવી પ્લાસ્ટિકિયા ઈમોશન્સથી ભરપુર ફિલ્મ સાથે જોડાયેલાં નામ મોટાં છે, પણ ફિલ્મમાં કંઈ કહેતા કંઈ ભલીવાર નથી.
ક્યા યહી પ્યાર હૈ?
દીનેશ નિગમ ઉર્ફ ‘ડિનો’ (અરમાન જૈન) અર્બન યંગિસ્તાનનો કોલેજિયન નબીરો છે. કોલેજના પહેલા દિવસથી એ પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા શેટ્ટી ઉર્ફ ‘કે’ (દીક્ષા શેઠ) સાથે સ્ટેડી છે. સ્ટેડી એટલે કે બંને બીએફ-જીએફ મીન્સ કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ છે. એ બંને સિવાય આખી કોલેજને ખબર છે કે એ બેય એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. અચાનક કરિશ્માના પપ્પા એની શાદી એક ચંબુછાપ નમૂના સાથે નક્કી કરી નાખે છે. એટલે બંને નક્કી કરે છે કે આ ‘ગ્રેટ શિટ્ટી મર્યાદા’ને મારો ગોલી અને ભાગી છૂટો. બંને પૈસા-સામાન એટસેટરા લઈને નૌ દો ગ્યારહ થઈ જાય છે. આગળ આ પ્રેમી પંખીડાં અને પાછળ એમનાં મમ્મી-પપ્પાલોગ.
ભાગતાં ભાગતાં ‘ડિનો’ અને ‘કે’ને લાગે છે કે લગ્ન કરી નાખીએ, પછી કોઈ આપણું શું બગાડી લેવાનું છે. ઘડિયાં લગ્ન કરી લીધા પછી એ લોકો જ્યાં આશરો લે છે ત્યાં પણ પેરેન્ટ્સલોગ પહોંચી જાય છે. એટલે બંને ત્યાંથી પણ ‘કલ્ટી’ થઈ જાય છે. ભાગતાં ભાગતાં છત્તીસગઢના જંગલમાં માઓવાદીઓની વચ્ચે પહોંચી જાય છે, પરંતુ પેરેન્ટ્સ લોકો એમને ત્યાંથી પણ શોધીને ઘરભેગાં કરે છે. આ દરમિયાન કહાનીમાં બીજો ટ્વિસ્ટ એ આવે છે કે એકદમ સુંવાળી જિંદગી જીવવા ટેવાયેલાં આ બંને લાઈફનો આ ખરબચડો ચહેરો જીરવી શકતાં નથી અને ભયંકર ઝઘડો કરી બેસે છે. એટલે ઘરે પહોંચ્યાં પછી બંનેનાં પેરેન્ટ્સનો કાળો કકળાટ કરે છે અને લગ્નનું કંટ્રોલ અલ્ટર ડિલીટ કરવાનું શરૂ કરે છે. ત્યાં જ અચાનક બંનેને પોતાની અંદર એકબીજા માટે રહેલો પ્રેમ દેખાઈ જાય છે અને ફરી પાછાં એકબીજાં સાથે ભાગી જાય છે!
કેન્ડી ફ્લોસ ઈમોશન્સ
‘લેકર હમ દીવાના દિલ’ નકલી ફૂલના બુકે જેવી છે. એનું પેકેજિંગ દેખાવમાં સારું લાગે, પરંતુ ઓરિજિનલ ફૂલો જેવી સુગંધ ન આવે. ઉપરથી અનેક વાર જોઈ ચૂક્યા હોઈએ એવી ફીલિંગ તો ખરી જ. આ ફિલ્મથી પાથ બ્રેકિંગ રોમેન્ટિક ફિલ્મોના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીના નાના ભાઈ આરિફ અલીએ પોતાના ફિલ્મમેકિંગ કરિયરની શરૂઆત કરી છે. પરંતુ એમણે કંઈ કહેતાં કંઈ નવું કરવાનો પ્રયત્ન કર્યો નથી. અગાઉ આપણે શાદ અલીની સાથિયા, અબ્બાસ ટાયરવાલાની જાને તૂ યા જાને ના કે ખુદ ઇમ્તિયાઝ અલીની જ સોચા ના થા કે જબ વી મેટમાં જોઈ ગયા છીએ એના એ જ રોમેન્ટિક પ્લોટ્સની ભેળપૂરી ફરીથી પેશ કરાઈ છે. પ્રેમમાં પડેલાં યુવક-યુવતીને પ્રેમ કરતાં વહેમ વધારે હોય અને સાથે રહે તોય ઝઘડ્યાં કરે. આવી ચવાઈને મોળી પડી ગયેલી ચ્યુઇંગ ગમ જેવી સ્ટોરીલાઇનનો ઘિસોપિટો ટ્રેક વધુ એક વાર રિપીટ થયો છે.
ઉપરથી આ ફિલ્મમાં રાજ કપૂરની દીકરી રીમાના દીકરા અરમાને બડે અરમાન સે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યો છે. એટલે કે અરમાન કુમાર રણબીર-કરીનાના કઝિન છે. કદાચ એ કારણ હોય કે કેમ પણ કપૂર ખાનદાનના લેટેસ્ટ જમાઈ એવા સૈફ અલી ખાને આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે. પરંતુ રણબીરના આ ભાઈમાં એની ટૂથબ્રશ છાપ જાડી આઈબ્રો સિવાય કશું જ ધ્યાન ખેંચે એવું નથી.
પોણો ડઝન તેલુગુ-તમિલ ફિલ્મોમાં ઝળકી ચૂકેલી હિરોઈન દીક્ષા શેઠ દેખાવમાં આહલાદક લાગે છે, પરંતુ એક્ટિંગમાં તો એણે પણ દાટ વાળ્યો છે. ફિલ્મમાં રોહિણી હતંગડી, વરુણ બડોલા જેવાં કલાકારો એકાદ-બે સીન પૂરતાં દેખાય છે બાકી બધાં ઈલ્લે. વડીલો તો જાણે જલ્લાદ હોય અને સંતાનો સાથે ક્રિમિનલ્સની જેમ વર્તન કરતાં હોય એ રીતે એમનું ચિત્રણ કરાયું છે.
જો આરિફ અલીની આ ફિલ્મને ન્યાય કરવા ખાતર થોડું પોઝિટિવ કહેવું હોય તો એ. આર. રહેમાને એમની કક્ષાનું તો નહીં, પરંતુ સાંભળવું ગમે એવું સંગીત આપ્યું છે. એમણે કમ્પોઝ કરેલાં ખલીફા, તૂ શાઈનિંગ, અલાહદા, માલૂમ જેવાં ગીતો હેડફોનમાં સાંભળવામાં લિજ્જત આવે એવાં બન્યાં છે. હા, અમિતાભ ભટ્ટાચાર્યે હંમેશની જેમ શબ્દો સાથે મસ્ત કારીગરી કરી છે.
આપણને સવાલ એ થાય કે ઈમ્તિયાઝ અલીએ પોતાના ભાઈની ફિલ્મ શરૂ થયા પહેલાં એની સ્ક્રિપ્ટ નહીં વાંચી હોય? કે વાંચીને કોઈ સલાહસૂચન નહીં કર્યાં હોય? ઈવન સૈફ અલી ખાને તેને પ્રોડ્યુસ કર્યાં પહેલાં પણ સ્ક્રિપ્ટ પર નજર સુદ્ધાં નાખી નહીં હોય (કે પછી એણે પોતાની કપૂરપત્નીનું માન રાખવા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હશે)? બોક્સ ઓફિસ પર અનેક વાર સાબિત થતું આવ્યું છે કે સ્ક્રિપ્ટ ઈઝ ધ ઓન્લી કિંગ. છતાં આપણે ત્યાં એને જ સૌથી ઓછું મહત્ત્વ અપાય છે.
ક્યા આપ ક્રેઝી હૈ?
લેકર હમ દીવાના દિલ આપણા માટે કશું જ નવું ઑફર કરતી નથી. પાછલા દાયકામાં આવેલી હિન્દી રોમકોમ ફિલ્મોના સીન ભેગા કર્યા હોય એ રીતે ફિલ્મ પોતાની રીતે પડદા પર ચાલ્યા કરે છે અને આપણે સીટ પર બગાસાં ખાધાં કરીએ છીએ. ઈમ્તિયાઝ અલીના કે રણબીરના ભાઈઓના નામે કે રહેમાનના નામે પણ આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં લાંબા થવા જેવું નથી.
રેટિંગઃ * (એક સ્ટાર)
(Published in Gujarati Mid Day)
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.