હમશકલ્સ

ત્રાસનો ટ્રિપલ રોલ

***

આ ફિલ્મ નથી, પોણા ત્રણ કલાકનું સાજિદ ખાનના પૂઅર જોક્સનું કલેક્શન છે.

***

06-humshakalsઆમ તો ‘હિંમતવાલા’ની રિમેક બનાવીને સાજિદ ખાને સાબિત કરી જ દીધેલું કે એ કઈ કક્ષાની હથોડાછાપ ફિલ્મો બનાવી શકે છે. પરંતુ ના, ઑડિયન્સના દિમાગનું ભેજાફ્રાય કરવાની એની અતૃપ્ત ઈચ્છા હજી પૂરેપૂરી સંતોષાઈ નથી. એટલે જ એ ‘હમશકલ્સ’ લઈને આવ્યો છે. સૈફ, રિતેશ અને રામ કપૂરના ટ્રિપલ રોલવાળી આ ફિલ્મના દરેક પાત્રમાંથી સાજિદ ખાન જ પોતાના વાહિયાત પી.જે. (પૂઅર જોક્સ) કહેતો હોય એવું લાગે છે!

કમઅક્કલ્સ

અશોક સિંઘાનિયા (સૈફ અલી ખાન) લંડનનો એવો અબજોપતિ છે જે પાન ખાવા જાય તો પણ હેલિકોપ્ટર લઈને નીકળે! જાણે ભારતને ગુલામ બનાવવાનો બદલો લેતો હોય એ રીતે એ નિર્દોષ અંગ્રેજોને પોતાના ગંદા જોક્સ સંભળાવીને બોર કરે છે. એનો એક દોસ્તાર પણ છે, કુમાર (રિતેશ દેશમુખ). એ ખાલી ખાલી ટાઇમપાસ કરવા જ એની સાથે ફર્યા કરે છે. સૈફના પપ્પા (આકાશ ખુરાના) છ વર્ષથી કોમામાં છે. વધુમાં એના કંસમામા (રામ કપૂર) સૈફને ગાંડો સાબિત કરીને એની અબજોની સંપત્તિ હડપ કરી જવા માગે છે. આ મામો લિટરલી કંસ છે, કેમ કે એનું નામ જ ‘કુંવર અમર નાથ સિંઘ’ યાને કે ‘કંસ’ છે!

એક સાયન્ટિફિક આઈડિયા લડાવીને આ મામો સૈફ અને રિતેશને પાગલખાને પહોંચાડે છે. જ્યાં પહોંચીને ખબર પડે છે કે ત્યાં તો ઓલરેડી સૈફ અને રિતેશના હમશકલ્સ મોજુદ છે. ગામને કોકેઇનના પરોઠા ખવડાવી દેવા બદલ એમને એટલા ઇલેક્ટ્રિક શોક્સ અપાયેલા કે હવે એ બંનેની ડાગળી ચસકી ગઈ છે અને પોતાને પાંચેક વર્ષના બાળક સમજવા લાગ્યા છે. કહાનીમાં એવો ટ્વિસ્ટ આવે છે કે આ ગાંડા સૈફ-રિતેશ ઓરિજિનલ સૈફ-રિતેશની જગ્યાએ બંગલામાં ગોઠવાઈ જાય છે. બીજી બાજુ, ઓરિજિનલ સૈફ-રિતેશને મામાની આખી ગેમ ખબર પડે છે ત્યારે એમની પાસે હુકમનો એક્કો આવે છે. પાગલખાનાના ભોંયતળિયે ખૂંખાર પાગલ જ્હોની (અગેઈન રામ કપૂર)ને પૂરી રખાયો છે, જે કોઈ વ્યક્તિ છીંક ખાય તો તેને મારવા દોડે છે અને લોલિપોપ ચૂસે તો જ શાંત થાય છે!

હવે, હમશકલ્સની આ બીજી ત્રિપુટી પણ પાગલખાનાની બહાર નીકળે છે અને છોકરીઓ બનીને આપણો ટાઈમ વેસ્ટ કરે છે. આટલું ઓછું ન હોય એમ એક નવા સાયન્ટિફિક આઈડિયાથી ત્રીજા સૈફ-રિતેશ એન્ટર થાય છે. હમશકલ્સની ત્રિપુટી પૂરી કરવા માટે ત્રીજો રામ કપૂર પણ આવે છે. આ બધા વચ્ચે એટલી ધમાચકડી થાય છે કે આપણા દિમાગની હાલત વૉશિંગ મશીનમાં ફરતાં કપડાં જેવી થઈ જાય છે.

અ સાજિદ ખાન ફિલ્મ એ ક્રેડિટ નથી, વોર્નિંગ છે

‘કોમેડી ઑફ એરર્સ’ એ હાસ્યનો એવો પ્રકાર છે જેમાં એક પછી એક ગરબડોની હારમાળા સર્જાતી રહે અને એમાંથી આપણે પેટ પકડીને હસી પડીએ એવું હાસ્ય નિષ્પન્ન થતું રહે. પરંતુ પોતાના નબળા જોક્સ પર સાજિદ ખાનને એટલો બધો પ્રેમ છે કે એ સ્ટોરીમાંથી નહીં, બલકે એ સડેલા વનલાઈનર્સમાંથી જ હાસ્ય પેદા કરવાનો પ્રયાસ કરતો રહે છે. પરંતુ મોટા ભાગે એની એવી કમેન્ટ્સમાંથી હાસ્ય પેદા થતું જ નથી. પડદા પર એટલું વાહિયાત ફારસ ભજવાય છે કે આખરે એ વાહિયાતપણા પર આપણને હસવું આવવા લાગે છે!

સાજિદ આ વિશ્વમાં કંઈ પણ સિરિયસલી લેતો હોય એવું લાગતું નથી. કેમ કે, ફિલ્મની શરૂઆતમાં જ એ મોટા અક્ષરોમાં કહે છેઃ ‘એક શાણા માણસે મને શીખવ્યું છે કે…. સોરી ભૂલી ગયો!’ પછી એ એવું કહે છે કે પોતે પીટર સેલર્સ, કિશોર કુમાર અને જિમ કેરી જેવા ધરખમ હાસ્ય કલાકારોથી પ્રેરિત થયો છે. સાચી વાત છે, હમશકલ્સમાં ઘણી સિચ્યુએશન્સ આ કલાકારોની ફિલ્મોમાંથી ઉઠાવી લેવાઈ છે, પણ સાજિદ એ લોકોમાંથી કશું શીખ્યો હોય એવું લાગતું નથી. કેમ કે ફારસ હાસ્યપ્રદને બદલે કદાચ હાસ્યાસ્પદ લાગી શકે, પણ વાહિયાત તો ન જ લાગવું જોઈએ!

પોણા ત્રણ કલાક ઉપરની આ ભયંકર ધીમી ફિલ્મમાં એક પછી એક એવી સિચ્યુએશન્સ આવતી રહે છે કે તમને તમારા પોતાના માનસિક સંતુલન પર શંકા થઈ આવે. ફોર એક્ઝામ્પલ્સ, શરીર ઈન્સાન કા લેકિન દિમાગ કુત્તે કા; કોકેઈન કે પરાઠે, વોડકા કે પરાઠે; પોતાની ચેમ્બરમાં વિશ્વના સરમુખત્યારોનાં પોસ્ટર્સ રાખતો અને ખૂનખાર પાગલોને બોર્ડ પર લોખંડ ઘસીને એના અવાજથી ઇરિટેટ કરતો પાગલખાનાનો વૉર્ડન (સતીશ શાહ); શુદ્ધ હિન્દી અને મરાઠી ગાળ બોલતા પ્રિન્સ ચાર્લ્સ વગેરે વગેરે.

હજી સાજિદગાથા ચાલુ જ છે. આ ઉપરાંત એણે વલ્ગેરિટી, ગે જોક્સ અને પોટ્ટી હ્યુમરનું પણ છૂટથી મેળવણ નાખ્યું છે. (એક સેમ્પલઃ મૈં તુમ્હારી રાતેં રંગીન કર દૂંગા… આઈ મીન મૈં તુમ્હેં રંગીન લેમ્પ્સ ગિફ્ટ મેં દૂંગા!) એની ટેવ મુજબ એણે હિન્દી ફિલ્મસ્ટાર્સની પટ્ટી ઉતારવાનું પણ બાકી નથી રાખ્યું. એણે દિલીપ કુમાર, રણજિતથી લઈને રાજેન્દ્રનાથની એવી ભંગાર મિમિક્રી કરાવી છે કે અત્યારની જનરેશનને કદાચ હસવું આવે, પણ જૂની ફિલ્મોના ચાહકોની આંખો ક્રોધથી લાલ થઈ જાય! જોકે, સાજિદને એક વાતે માર્ક આપવા પડે, કે એણે પોતાના પર પણ જોક કરી છે. એનું એક પાત્ર ટોર્ચર કરવા માટે પોતાની જ ‘હિમ્મતવાલા’ બતાવે છે!

પાર્ટનર્સ ઈન ક્રાઈમ… સોરી, કોમેડી!

સૈફ અને રિતેશ આપણને હસાવવા માટે એટલી બધી મહેનત કરે છે કે અમુક સીનમાં આપણે એમના પર દયા ખાઈને હસી પણ પડીએ છીએ. પરંતુ ખરેખર જે માણસ બધા પર લિટરલી ભારે પડ્યો છે તે છે રામ કપૂર. આ માણસ ત્રણેય રોલમાં અલગ, રિયલ અને એકદમ સુપર્બ લાગે છે. એની એન્ટ્રી માત્રથી ઑડિયન્સના મોંમાંથી ‘ખીખીખી’, ‘હીહીહી’ કે (લેડિઝ હોય તો) ‘કું કું કું’ એવા અવાજો નીકળવા માંડે છે!

ખૂનખાર હિટલરપ્રેમી વૉર્ડન ‘વાય. એમ. રાજ’ (બોલે તો, યમરાજ!) તરીકે સતીશ શાહે ઘણા સમયે મોટા પડદે એન્ટ્રી મારી છે અને એ પણ સુપર્બ! ‘કરન્ટી બિજલાની’ જેવા વિચિત્ર નામ સાથે ચંકી પાંડે પણ એક નાનકડા રોલમાં છે, પણ એ પોતાના ટિપિકલ ગાંડાવેડા સિવાય ખાસ કશું ઓફર કરતો નથી. આપણા દર્શન જરીવાલા પણ ફિલ્મમાં છે, પણ એમના ભાગે સમ ખાવા પૂરતો એક પણ સારો સીન નથી.

અરે હા, ફિલ્મમાં બ્યુટિફુલ તમન્ના ભાટિયા, બિપાશા બસુ અને ઈશા ગુપ્તા જેવી સુંદરીઓ પણ છે, પરંતુ એમનું કામ ટૂંકાં કપડાં પહેરીને ગીતો ગાવા સિવાય ખાસ કશું છે નહીં. ગીતની વાત પરથી યાદ આવ્યું, ફિલ્મનું ‘કૉલર ટ્યૂન’ સોંગ ખરેખર ઝક્કાસ બન્યું છે, પરંતુ બાકીનાં ગીતોમાં હિમેશ રેશમિયાએ દાટ વાળ્યો છે (કોમેડીનો ત્રાસ ઓછો હતો કે હિમેશભાઈએ ગળું પણ ખંખેર્યું છે!).

તમે ખરેખરા હિંમતવાલા છો?

જેમ એક જ લાઈનમાં પાંચ પાનની દુકાનો હોય, તોય દરેકને પોતપોતાના ઘરાકો તો મળી જ રહે. એ ન્યાયે સાજિદના પી.જે.ના હથોડાછાપ કલેક્શન જેવી આ ફિલ્મને પણ એના ફોલોઅર્સ મળી જ રહેવાના. જો તમને સાજિદ ખાનના ટેસ્ટની હ્યુમર ગમતી હોય, તો તમારા હિસાબે ને જોખમે ફિલ્મ જોવાનું જોખમ ખેડી શકો. એટલિસ્ટ ત્રણ કલાક, થોડા રૂપિયા અને એકાદી મેટાસિનની ગોળી સિવાય ખાસ કશું ગુમાવવાનું નથી આવે!

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s