મછલી જલ કી રાની હૈ

ગરીબી રેખા નીચેનું હોરર મુવી

***

સમ ખાવા પૂરતું પણ કશું નવું ઓફર ન કરતી આ હોરર ફિલ્મ ચાલીસેક વર્ષ પહેલાં રિલીઝ થઈ હોત તો પણ એમાં લોકો બગાસાં જ ખાતાં હોત!

***

machhli-jal-ki-rani-hai-2014કોઈ ચોક્કસ જગ્યાએ અતૃપ્ત આત્માઓ ભટકતી હોય, ફિલ્મનાં મુખ્ય કલાકારો ત્યાં જાય અને એ આત્માની અડફેટે આવી જાય એવી અનેક ફિલ્મો આપણે જોઈ ચૂક્યા છીએ. આ શુક્રવારે રિલીઝ થયેલી સ્વરા ભાસ્કર અભિનીત ફિલ્મ ‘મછલી જલ કી રાની હૈ’ એમાં વધુ એક કંગાળ ઉમેરો છે. પરંતુ ફિલ્મનો વાંક એકની એક વાર્તાને બદલે એના સાવ નિમ્ન સ્તરના પ્રોડક્શનનો છે. કહેવા પૂરતી આ હોરર ફિલ્મ છે, પરંતુ હરામ બરાબર એકાદ વાર પણ ડરામણી મોમેન્ટ આવતી હોય તો!

ભટકતો આત્મા, ભૂતિયું મકાન અને ચવાયેલી સ્ટોરી

આયેશા (સ્વરા ભાસ્કર)ના એન્જિનિયર પતિદેવની બદલી મુંબઈથી જબલપુર થાય છે. સાથે એમનો ચારેક વર્ષનો દીકરો પણ છે. અહીં એમને રહેવા માટે એક ડાક બંગલા ટાઈપનું ઘર અપાય છે. પરંતુ શિફ્ટ થયાના થોડા જ દિવસમાં સ્વરાને રહસ્યમયી અવાજો સંભળાય છે અને કોઈ ભેદી પડછાયા દેખાય છે. ઉપરથી એના ઘરમાં વિચિત્ર બનાવો બનવા લાગે છે. જેમ કે, કપ ફૂટવા માંડે છે, કૂકર ઊછળવા માંડે છે, લાઈટો ચાલુબંધ થાય છે વગેરે. બીજી બાજુ એના પતિદેવની ફેક્ટરીમાં પણ ઉપરાછાપરી એક્સિડેન્ટ્સ થવા લાગે છે. ગભરાઈને સ્વરા એક તાંત્રિકની મદદ લે છે, તો તાંત્રિકનું પણ ધી એન્ડ થઈ જાય છે. આટલું ઓછું હોય એમ એમના પાડોશમાં જે પરિવાર રહે છે એ પણ કંઈક રહસ્યમય રીતે વર્તન કરે છે.

શરૂઆતમાં તો સૌને લાગે છે કે નવી જગ્યા છે એટલે આવું થાય છે, પરંતુ ઈન્ટરવલ આવતાં સિચ્યુએશનમાં ગંભીર ટર્ન આવે છે, જ્યારે એના જ ઘરમાં એની કામવાળીનું કરપીણ મોત થઈ જાય છે. સ્વરાના ડૉક્ટર પપ્પા બીજા એક તાંત્રિકને શોધી લાવે છે. આ તાંત્રિકનો પરિવાર પેઢી દર પેઢી ભૂતોને પકડવાનો હોલસેલ કોન્ટ્રેક્ટ ધરાવે છે. પછી શરૂ થાય છે, ગુડ વર્સસ ઈવિલનો જંગ. એ દરમ્યાન ફિલ્મમાં એક સસ્પેન્સ પણ ખૂણેખાંચરેથી જડી આવે છે.

નબળા એક્ટર્સ અને પુરાતન યુગની ટ્રીટમેન્ટ

ડિરેક્ટર દેબલોય ડેની આ ફિલ્મ ‘મછલી…’ જોઇને સતત એવો પ્રશ્ન થાય કે આ ફિલ્મ કયા જમાનાની હશે. એવું પણ થાય કે કદાચ જ્યાં ભૂત થતા હોય એવી અવાવરુ જગ્યાએથી જ આ ફિલ્મ જડી આવી હશે. જો ફિલ્મના હીરો તરીકે ભાનુ ઉદય જેવા અજાણ્યા અભિનેતાને બદલે હેમંત બિરજે કે દિપક પરાશરને લીધા હોત તો પણ આ ફિલ્મ એટલી જ જૂની લાગત! ફિલ્મના લગભગ બધા જ સીનમાંથી આપણને જૂનવાણીપણાની વાસ આવ્યા કરે.

એક તો બે કલાકની ફિલ્મમાં પહેલો પોણો કલાક તો પ્રસ્તાવના બાંધવામાં જ નીકળી જાય, જેને પાછી ફિલ્મ સાથે કશી લેવાદેવા ન હોય. આવી સ્ટોરી અનેક વાર જોઈ ચૂક્યા હોઈ, આપણે જે અટકળો કરતા હોઈએ એવું જ આગળ બનવા લાગે એટલે આપણા પર કંટાળાનો હુમલો થાય. કોઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન વિના આગળ વધ્યે જતી સ્ટોરીને સપોર્ટ આપવા માટે (‘રાંઝણા’ ફિલ્મની બિંદિયા ફેઇમ) સ્વરા ભાસ્કર બિચારી એકલી ઝઝૂમ્યા કરે. આખી ફિલ્મમાં પોતાના પાત્રને જીવંત બનાવવા માટે એ એક જ સિન્સિયર પ્રયાસ કરતી હોય એવું લાગે. બાકીની સપોર્ટિંગ કાસ્ટ તો એટલી કંગાળ લેવામાં આવી છે કે જાણે ‘બંદર છાપ દંતમંજન’ કે હરસ-મસા-ભગંદરની જાહેરખબરોમાંથી પકડી લાવ્યા હોય એવા લોકો જ સ્ક્રીન પર આવ્યા કરે છે. એમની એક્ટિંગમાં કશો ભલીવાર નથી. ફિલ્મમાં મુરલી શર્મા જેવો ઉમદા અદાકાર છે, પણ એના ભાગે બે-ચાર સીનમાં અલપ ઝલપ દેખાવા સિવાય કશું જ આવ્યું નથી.

ફિલ્મના ભૂતોથી આપણે કદાચ ડરીશું નહીં એવું ડિરેક્ટરને લાગ્યું હશે, એટલે એમણે ફિલ્મમાં ગીતો પણ મૂક્યાં છે. એનું પિક્ચરાઇઝેશન એવું કર્યું છે જાણે નાના શહેરમાં શૂટ થયેલો કોઈ સસ્તો મ્યુઝિક વીડિયો જોઈ લો. મોટા ભાગની ફિલ્મ જ્યાં આકાર લે છે એ ઘરનું ઈન્ટિરિયર પણ કોઈ નાના બજેટના સ્ટેજ પ્લે જેવું છે. વક્રતા એ છે કે એ જ ઘરમાં રહેતી સ્વરા ભાસ્કરને ઈન્ટિરિયર ડિઝાઈનર બતાવાઈ છે! બાય ધ વે, આ ફિલ્મનું નામ ‘મછલી જલ કી રાની હૈ’ શા માટે રખાયું હશે? કહેવાય છે કે આ ફિલ્મની સિક્વલ પણ પ્લાન થઈ રહી છે. હવે એ લોકો તેને કદાચ ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ કે ‘જેક એન્ડ જિલ વેન્ટ અપ ધ હિલ’ એવું કંઈક નામ આપશે!

આ ભૂતપિશાચથી સબૈ ભય ખાવૈ!

હોરર ફિલ્મો લોકોમાં સતત પ્રિય રહેતો ફિલ્મપ્રકાર છે, છતાં તેનો સપ્લાય અત્યંત ઓછો રહે છે. ભૂતપ્રેતની ફિલ્મોમાં એની એ જ ચવાયેલી સ્ટોરીઝ જોઈને લોકો હવે કંટાળ્યા છે. એમને કશુંક નવું આપવું જોઈએ. કમનસીબે આ ‘મછલી જલ કી રાની હૈ’ ટાઇપની ફિલ્મો ‘હોરર ફિલ્મો તો આવી જ હોય’ એવું મહેણું સાચું ઠરાવે છે. સ્વરા ભાસ્કર જેવી ઉમદા અભિનેત્રીના ફેન્સ પણ દુઃખી થઈ જાય એવી આ ફિલ્મથી સલામત અંતર રાખવામાં જ માલ છે.

રેટિંગઃ * (એક સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s