ફગ્લી

જેવું નામ એવી ફિલ્મ!

 ***

બે સારી હિન્દી ફિલ્મોની સાવ દાઢે ચોંટે એવી હરિયાણવી ખિચડી એટલે આ ફગ્લી.

*** 

02-fuglyઅંકલ અંકલ, મેરે કો ભી ફિલિમ ડિરેક્ટ કરની હૈ!’
અબે બાવળી પૂછ, ફિલિમ બનાણે કે લિયે ઇસ્ટોરી ચાહિયે. હૈ તેરે પાસ?’
જી અંકલ, યે દેખિયે રંગ દે બસંતી કી સીડી. ઔર યે દુજ્જે પોકેટ મેં સે શૈતાન ફિલ્મ કી સીડી. યે દોણો કો મિલા કે એક લલ્લન ટોપ ઇસ્ટોરી બનાઉંગા મૈં.’
ઠીક હૈ ઠીક હૈ, બના લિજિયો ફિલિમ. લેકિણ ઇસ્ટોરી અપણી હરિયાણવી હોણી ચાહિયે. ઔર સુણ, યે અપણા બોક્સર બચ્ચા વિજેન્દર ભી અભી ઘર પે બૈઠા હૈ. ઉસે ભી એક અચ્છા સા રોલ દે દિજિયો.’
એકદમ પક્કા અંકલ. થેન્ક યુ અંકલ…!’

***

કંઇક આવા જ ડાયલોગની આપ-લે એક્ટર ટર્ન્ડ ડિરેક્ટર એવા કબીર સદાનંદ અને એના પ્રોડ્યુસર વચ્ચે થઈ હોવી જોઇએ. નહીંતર આવી ભંગાર ફિલ્મ અને ઉપરથી આવી બોલિવૂડિયન ઉઠાંતરી કઈ રીતે સંભવે?

એક યુગ જેવડી અઢી કલાક

રાષ્ટ્રપતિ ભવનની અંદરની પરેડ સાથે શરૂ થતી ફિલ્મમાં તરત જ હીરો બાઈક પર આવે છે અને ઈન્ડિયા ગેટની સામે આત્મવિલોપન કરી લે છે! એ પછી એવી અસહ્ય અવસ્થામાં પણ એ વિશ્વનું સૌથી લાંબું ડાઇંગ ડિક્લેરેશન આપે છે, એ પણ મીડિયાને, જે આ ફિલ્મની સ્ટોરી છે!  ચાર લંગોટિયા મિત્રો દેવ (મોહિત મારવાહ), દેવી (કિયારા અડવાણી), ગૌરવ (વિજેન્દર સિંઘ) અને આદિત્ય ઉર્ફ હગ્ગુ (અર્ફી લાંબા). એ ચારેયમાં ગૌરવ એટલે કે વિજેન્દર દિલ્હીના કોઈ મંત્રીનો દીકરો છે. એટલે ફાટીને ધુમાડે ગયેલાં એ ચારેય દોસ્તાર મોંઘીદાટ ગાડીમાં રખડે છે, દારૂ પીવે છે અને આપણા કાને બહેરાશ આવી જાય એવાં ગીતો ગાય છે.

એવામાં દેવી એટલે કે કિયારાની એક કરિયાણાવાળો છેડતી કરે છે અને બદલો લેવા માટે એના ત્રણેય દોસ્તાર એને કિડનેપ કરી લાવે છે. એ દોડાદોડીમાં આ દોસ્તારોને માથાફરેલ પોલીસમેન રાજવિંદર સિંઘ ચૌટાલા (જિમ્મી શેરગિલ)નો ભેટો થઈ જાય છે. એ પેલા કરિયાણાવાળાને પાઉંભાજીની જેમ પીસી નાખે છે અને ચારેય દોસ્તારોને કહે છે કે હું ચપટી વગાડતાંમાં સાબિત કરી દઈશ કે આ ખૂન તમે કર્યું છે. બચવું હોય તો મને ચોવીસ કલાકની અંદર પાંસઠ લાખ રૂપિયા આપી દો. એ પાંસઠ લાખ રૂપિયાનો મેળ કરવામાં ચારેય જણાં રેવ પાર્ટી કરે છે અને એક નેતાનું ખૂન કરવા પણ તૈયાર થઈ જાય છે. આ આખી ખિચડીને દેશભક્તિનો કલર આપવા માટે પાત્રો ભગતસિંઘનું ટીશર્ટ પહેરીને દેશભક્તિના ડાયલોગ્સ પણ ફટકારે છે. આ દરમિયાન તમને સતત એવું લાગશે કે કાં તો ઘડિયાળ અટકી ગઈ છે અથવા તો તમે કોમામાં ચાલ્યા ગયા છો!

હરિયાણવી બોલીનો ક્રેશ કોર્સ!

એક તો ફિલ્મનું અશ્લીલ કહી શકાય એવું નામ અને ઉપરથી જિમ્મી શેરગિલને બાદ કરતાં અજાણ્યા એક્ટર્સ. આ જોઈને એટલું તો નક્કી હતું કે ફિલ્મમાં ખાસ કશી ભલીવાર નહીં હોય. પરંતુ બોલિવૂડની જ બે સારી ફિલ્મોના પ્લોટની બિનધાસ્ત ઉઠાંતરી કર્યા પછીયે આટલી કંગાળ ફિલ્મ બને એ અજબ જેવી વાત છે. ફિલ્મ શરૂ થયાના પહેલા પોણા કલાક સુધી ફિલ્મની ગાડી પાટા પર જ ન આવે. ખાલી હિમાલય દર્શન કરાવવું હોય એમ બધાં દોસ્તારો લેહ-લદ્દાખ ફરવા ઉપડી જાય છે (દર્શકોનું અને સરવાળે ફિલ્મનું જે થવાનું હોય તે થાય!).

સ્ટોરીની માંડણી થયા પછી પણ પડદા પર જે કંઈ બને છે એ આપણે પોપકોર્નને બદલે હાજમોલાની બાટલી લઇને ફિલ્મ જોવા બેસીએ તો પણ અપચો કરાવી દે! મિનિસ્ટર કક્ષાના નેતાના દીકરાને એક સતત દારૂ પીધે રાખતો પોલીસવાળો સતત બ્લેકમેઇલ કર્યે રાખે અને આમ તો આખું દિલ્હી માથે લઈને ફરતા વછેરાઓ બ્લેકમેઇલ થાય પણ ખરા. જો ફિલ્મનું જ લોજિક એની સ્ટોરીમાં એપ્લાય કર્યું હોત તો તો ઇન્ટરવલ પહેલાં જ સ્ટોરી પૂરી થઇ જાત. ફિલ્મમાં જે ટ્વિસ્ટ્સ આવે એ પણ જાણે થાગડથીગડ કરીને નાખ્યા હોય એવા છે. ઈવન શરૂઆતમાં આવતું આત્મવિલોપન અને ફિલ્મનો ક્લાઇમેક્સ પણ જરાય જસ્ટિફાય થતાં નથી.

આટલું ઓછું હોય એમ આપણાં ફેવરિટ એવાં સોન્ગ એન્ડ ડાન્સ તો હોય જ! સિચ્યુએશન ગમે તેવી ટેન્શનવાળી હોય, પણ હિરોલોગને નાચવું તો પડે જ. આપણને જકડી રાખે એવા ડાયલોગ્સ પણ નથી કે એક્શન સિક્વન્સ પણ સદંતર ગેરહાજર છે. અરે, સલમાન ખાન અને અક્ષય કુમારને લઈને શૂટ કરેલું ‘યે ફગ્લી ફગ્લી ક્યા હૈ’ ગીત ફિલ્મમાં છેલ્લે પણ નથી આવતું!

તો પછી છે શું?

એક તો જિમ્મી શેરગિલ છે. ફેવીક્વિકથી ચોંટાડી હોય એવી ઘેઘૂર મૂછો સાથે હરિયાણવી બોલીનું ટ્રેક્ટર ઠાલવતો જિમ્મી મસ્ત વિલનગીરી કરે છે. એના દરેક સીનમાં બેકગ્રાઉન્ડમાં શિવતાંડવ વાગે છે. પરંતુ આખી ફિલ્મમાં એ એવાં એવાં કામ કરે છે, જે જોઈને શિવજી એને ત્રીજું નેત્ર ખોલીને તાત્કાલિક અસરથી ભસ્મીભૂત કરી દે.

ભળતાં સળતાં દ્રવ્યો લવાના આરોપોમાં બોક્સર વિજેન્દર સિંઘની બોક્સિંગની દુકાન લગભગ બંધ થઈ ગઈ છે. એટલે ભાઈ હવે (અજય જાડેજા અને કાંબલીની જેમ) એક્ટિંગના રવાડે ચડ્યા છે. પરંતુ આશ્ચર્ય વચ્ચે એણે સારું પરફોર્મન્સ આપ્યું છે. એના રાજાપુરી કેરી જેવા ચહેરા પર છૂટાંછવાયાં બે-ચાર એક્સપ્રેશન્સ પણ આવી જાય છે, તમે માનશો!

અને નવી હિરોઇન, કિયારા અડવાણી. આમ તો આપણી દર બીજી ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ એનું કામ હિપ્પી જેવાં ટૂંકા કપડાં પહેરીને ગ્લેમર ઉમેરવા અને ફસાદ કી જડ બનવા સિવાય ખાસ કશું નથી. પરંતુ એ એટલી બધી ક્યુટ દેખાય છે કે એના બંને કાન પર લીંબું-મરચાં લટકાવવાની ઈચ્છા થઈ આવે!

તો ફગલીની ગલી કે પતલી ગલી?

આમ કંઈ આ ફિલ્મ સાવ નાખી દીધા જેવી નથી. આ ફિલ્મ જોઈને તમે હરિયાણવી બોલીની ગાળો શીખી શકશો. તમારા દિમાગની નસો ખેંચાવા છતાં તમારે અઢી કલાક બેસી રહેવું પડશે એટલે ‘એન્ગર મેનેજમેન્ટ’ની નાનકડી એક્સર્સાઇઝ થઈ જશે. આ ઉપરાંત આ સંસારમાં દેહવિક્રયની કેવી ગંદી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, રાજકારણીઓ અને પોલીસ કેવાં નઠારાં કામો કરે છે, સ્ત્રીઓ સાથે કેવું કેવું થતું હોય છે… એવી વરવી વાસ્તવિકતાનું જ્ઞાન પણ એક જ ફિલ્મની ટિકિટમાં મેળવી શકશો. ઈન શોર્ટ, જિમ્મી શેરગિલના નામનું ટેટૂ કરાવવા તૈયાર થઈ જાય એવા એના ડાઇહાર્ડ ફેન્સ સિવાય કોઈને મજા આવે એવી આ ફિલ્મ નથી.

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s