હોલિડે

અક્ષય જેક્સન શો

 ***

અક્ષય કુમારની આ એક્શન પેક્ડ થ્રિલર ત્રણ કલાકની તોસ્તાન લંબાઈ છતાં જકડી રાખે છે.

***

poster2‘ગજિની’વાળી ડિરેક્ટર એ. આર. મુરુગાદોસની અક્ષયકુમાર સ્ટારર ‘હોલિડે’ આમચી મુંબઈમાંથી પસાર થતી એવી થ્રિલ ટ્રેઇન છે જેમાં દરેક તબક્કે રોમાંચનું નવું સ્ટેશન આવે છે. આ ટ્રેઇનની રાઇડની મજા લેવાની છે, પણ જો એમાં લોજિકની સાંકળ ખેંચશો તો મનોરંજનના પાટા પરથી ઊથલી પડશો!

મિશન મુંબઈ

કેપ્ટન વિરાટ બક્ષી (અક્ષય કુમાર) ભારતીય આર્મીનો સભ્ય છે અને સાથોસાથ ‘ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી’ (ડીઆઈએ)નો પણ અંડરકવર એજન્ટ છે. ચાલીસ દિવસના વેકેશનમાં એ જ્યારે ફૌજી ભાઈઓ સાથે પોતાના ઘરે મુંબઈ આવે છે ત્યારે એક પોકેટમારને શોધવામાં અકસ્માતે તે બોમ્બબ્લાસ્ટ કરનારા એક આતંકવાદીને પકડી લે છે. આતંકવાદીની પોતાની આગવી સ્ટાઈલમાં પૂછપરછ કરતાં બહાર આવે છે કે એક આતંકવાદી જૂથ મુંબઈમાં એકસાથે બાર ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ કરી ચૂકી છે. હવે અક્ષય કુમારની સામે ચેલેન્જ છે કે એક જ સમયે થનારા બાર બોમ્બ વિસ્ફોટોને કેવી રીતે રોકવા. બીજું, સરહદની પેલે પાર બેઠેલા આ આતંકવાદી જૂથના માસ્ટરમાઇન્ડ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી આ સિલસિલો અટકે નહીં. એટલે એક ઓપરેશન પાર પડે ત્યાં સુધીમાં તો બીજી અને એના કરતાં પણ વધારે ખતરનાક ચેલેન્જ તેની સામે આવીને ઊભી રહે છે. આ જીવસટોસટના માહોલમાં અક્કીનાં મમ્મી-પપ્પા એને એક મારકણી કુડી સાયબા (સોનાક્ષી સિંહા) સાથે એનાં લગ્ન કરાવી આપવાની ફિરાકમાં છે. અક્ષયે એ ‘ઓપરેશન લવ સ્ટોરી’ પણ સફળતાપૂર્વક પાર પાડવાનું છે.

ઓન્લી થ્રિલ, નથિંગ એલ્સ

છેલ્લાં બે-ચાર વર્ષમાં સાઉથની એટલી બધી બીબાંઢાળ ફિલ્મોની રિમેક આપણા માથે મારવામાં આવી છે કે વધુ એક રિમેકનું નામ સાંભળીને જ આપણે માથું નમાવીને બે હાથ જોડીએ. કેમ કે એ જ રંગબેરંગી કપડાં પહેરીને નાચગાના અને ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી કરી દે તેવી ટિપિકલ ફાઇટ્સ. પરંતુ આમિર ખાન સાથે ‘ગજિની’ બનાવનારા ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ જ્યારે આપણી સામે આવી સાઉથ ઈન્ડિયન ડિશ પેશ કરે ત્યારે આપણે એક ચાન્સ તો લેવો પડે. ગઈ કાલે રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ‘હોલિડે’ એમની જ તમિળ ફિલ્મ ‘થુપ્પક્કી’ (અર્થાત્ બંદૂકડી)ની રિમેક છે. મુરુગાદોસ મસાલા એન્ટરટેનર વાનગી બનાવવામાં પાવરધા રસોઇયા છે. આ વખતે એમણે ટેરરિઝમ, હીરોઈઝમ, સ્પાયિંગ (જાસૂસી), દેશભક્તિ, થ્રિલ, એક્શન, (ચપટીક) લવસ્ટોરી જેવા મસાલા નાખીને એક ખરેખર ટેસ્ટી વાનગી તૈયાર કરી છે. હા, એમાં લોજિક નામનો વિવેચકોના સ્વાદને માફક આવે એવો મસાલો ઈરાદાપૂર્વક નાખ્યો નથી.

અક્ષય કુમાર અહીં હીરો છે પણ સુપરહીરો જેવાં (હવામાં ઊડવા સિવાયનાં) લગભગ બધાં જ કામ એણે કર્યાં છે. એ એકલે હાથે સિરિયલ બ્લાસ્ટ્સને અટકાવે છે અને ખૂનખાર આતંકવાદીઓના દાંત ખાટા કરી દે છે. એ જેમ્સ બોન્ડની જેમ જાસૂસી કરે છે, બ્રૂસ લી અને જેકી ચેન જેવી માર્શલ આર્ટથી ભરપુર ફાઈટ કરે છે, મિલ્ખા સિંઘને પણ લઘુતાગ્રંથિ થઈ જાય એવી ઝડપે દોડીને ચેઝ કરે છે અને આતંકવાદીઓને કમકમાં આવી જાય (અને નબળાં હૃદયવાળાંઓને અરેરાટી થઈ જાય) એવાં ઠંડા કલેજે આતંકખોરોને વેતરી પણ નાખે છે. અક્ષય કુમારના અભિનયની ખૂબી કહો કે મુરુગાદોસનું સુપર્બ ડિરેક્શન, આમાંનાં મોટા ભાગનાં કામ અવાસ્તવિક હોવા છતાં સહેલાઈથી પચી જાય છે.

‘હોલિડે’ને લોજિકનાં ચશ્માંમાંથી જોઇએ તો આખો ડાયનોસોર પસાર થઈ જાય એટલાં મોટાં છિંડાં દેખાય છે. જેમ કે, એક આર્મીમેન હોવા છતાં એના વાળ વારેવારે લટો સરખી કરવી પડે એટલા લાંબા છે શા માટે છે? સરેઆમ બોમ્બ વિસ્ફોટ કરનારો આતંકવાદી ગાયબ થઈ જાય અને છેક સુધી કોઇને ગંધ સુદ્ધાં ન આવે? એક સાથે બાર બાર સિરિયલ બ્લાસ્ટ્સનું પગેરું મળે પણ તેનો છેડો ક્યારેય હીરો સુધી ન પહોંચે? એટલું જ નહીં, ખૂનખાર આતંકવાદી સાથે ખુદ ડિફેન્સનો એક ઉચ્ચ અધિકારી ભળેલો હોય? વળી, અક્ષય એક ખૂફિયા સુરક્ષા સંગઠનનો સભ્ય હોય, પણ એનો કોઈ બોસ ન હોય? (ખુદ જેમ્સ બોન્ડને પણ પોતાના બોસ ‘એમ’ને જવાબ દેવો પડે છે!) પરંતુ આગળ કહ્યું એમ આ ફિલ્મ લોજિક માટે નહીં, ડિરેક્ટરના મેજિક માટે જોવાની છે.

આ ફિલ્મ ત્રણ કલાક જેટલી એનાકોન્ડા સાઇઝની લાંબી છે. તેમ છતાં દર થોડી વારે ડિરેક્ટર એક નવી જ થ્રિલિંગ સિક્વન્સનું કાર્ડ ઊતર્યે રાખે છે અને આપણો રસ જળવાઈ રહે છે. સતત એ ઈંતેજારી રહે છે કે હવે આ ચેલેન્જને અક્ષય કેવી રીતે પાર પાડશે, અને ત્યાં જ ફિલ્મ દર વખતે ફ્રી હિટ પર સિક્સ ફટકારે છે. પણ હા, વારે વારે લવ સ્ટોરીના ટ્રેક પર ચડી જતી આ ફિલ્મ અને અમુક સોંગ્સ પર કાતર ચલાવી હોત તો ફિલ્મ ઓર ધારદાર બનત.

એક્ટિંગ વેક્ટિંગ

અક્ષય કુમારની ખૂબી એ છે કે તેની ફિલ્મ રિલીઝ થયા પહેલાં નહિવત્ હાઇપ ઊભો કરે છે, પણ પછી અફલાતૂન પરફોર્મન્સ ડિલિવર કરે છે. જેમ કે, ‘સ્પેશિયલ 26’. હોલિડેમાં પણ એવું જ છે. આ કમ્પ્લિટ અક્ષય એક્શન શો છે. એનો એકેએક પંચ, દરેક સ્ટાઇલ, બધી જ ફાઇટ્સ પ્રેક્ષકોને ટટ્ટાર થઈ જવા પર મજબૂર કરે છે.

ફિલ્મમાં સોનાક્ષી સિંહા પણ છે, જે એના પોતાના પપ્પાને થપ્પડ મારે છે, વિશ્વની લગભગ બધી જ રમતો રમે છે (છતાં જાડીપાડી લાગે છે), ગીતો પણ ગાય છે… પરંતુ અફસોસ, ફિલ્મની મૂળ વાર્તા સાથે એને કશી જ લેવાદેવા નથી! દર વખતની જેમ એ ફિલ્મની પૂરપાટ ભાગતી સ્ટોરીમાં અચાનક બ્રેક મારવા સિવાય કશું જ કામ કરતી નથી.

ગોવિંદા આ ફિલ્મમાં ‘સ્પેશિયલ અપિયરન્સ’માં છે, પણ બિચારો કોમેડિયન બનીને રહી ગયો છે (એના નવા ઉગાડેલા વાળ કંઈક વિચિત્ર લાગે છે). ગોવિંદા કરતાં વધારે ફૂટેજ તો અક્ષયના દોસ્તાર બનતા એક્ટર સુમિત રાઘવનને મળ્યું છે! ઝાકિર હુસૈન જેવો અફલાતૂન એક્ટર અહીં તદ્દન વેડફાયો છે. આતંકવાદીઓનો મુખિયા બનતો આપણો હુરટી પોયરો ફ્રેડી દારૂવાલા ઉર્ફે ફરહાદ ધ્યાન જરૂર ખેંચે છે, પણ જોઈએ એટલો ખૂનખાર-ડરામણો લાગતો નથી.

પ્રીતમ અને ઈર્શાદ કામિલે મળીને મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં ખાસ કશું ઉકાળ્યું નથી. ગીતો સરેરાશ છે. જો પરાણે હિરોઇનને નાખવાની લાલચ રોકી શકાઈ હોત તો ગીતોનું સ્પીડબ્રેકર છાપ અટામણ નાખવાની પણ જરૂર ન પડી હોત.

હોલિડે હો જાય?

બેશક. આખો પરિવાર એકસાથે મળીને જોઈ શકે એવી આ હોલિડેમાં એક કમ્પ્લિટ મસાલા થ્રિલર ફિલ્મમાં હોય એવા બધા જ રસ મોજુદ છે. ફિલ્મ જોયા પછી આપણા ફૌજી ભાઈઓ દેશ માટે કેવી કુરબાની આપે છે એનું માન થઈ આવશે એ લટકામાં. વળી, શરૂઆતના ટાઇટલ ક્રેડિટ્સથી લઈને છેક સુધી મુંબઈના મેટ્રો અને મોનોરેલ સહિતના લેન્ડમાર્ક્સ આહલાદક ફીલિંગ આપે છે. જઈ આવો તમતમારે ઝાઝું વિચાર્યા વિના. ફિલ્મને વધુ એન્જોય કરવાની એક ટિપઃ ‘આવું કંઈ થોડું હોય?’ એવું વિચારવાને બદલે ‘ધારો કે આવું થયું હોય તો?’ એવું વિચારીને ફિલ્મ જોશો તો વધારે મજા આવશે! એન્જોય યોર હોલિડે!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s