ફિલ્મિસ્તાન

સિનેમાનો જાદૂ, પાર્ટિશનની વેદના

***

નાના બજેટની અને મોટા હૃદયની આ ફિલ્મ કહે છે કે હિન્દુસ્તાન હોય કે પાકિસ્તાન, બંનેને જોડતી સિનેમા નામની ધમનીમાં લોહી તો એક જ વહે છે.

***

filmistaan1હજુ થોડાં અઠવાડિયાં પહેલાં જ વિજય રાઝની ફિલ્મ ‘ક્યા દિલ્લી ક્યા લાહૌર’ રજૂ થયેલી. તેમાં 1948ના યુદ્ધના માહોલમાં ભારત અને પાકિસ્તાનના ભાગલાની વેદના ટપકતી હતી. આ શુક્રવારે રિલીઝ થયેલી ‘ફિલ્મિસ્તાન’ પણ એ જ દુખતી રગ પકડે છે. આપણી કમનસીબી છે કે કૂવો ભરીને હસાવતી અને ખોબો ભરીને રડાવી દેતી આવી અદભુત ફિલ્મ આપણે ત્યાં બબ્બે વર્ષ સુધી વેચાયા વિના પડી રહે છે.

કહાની પૂરી ફિલ્મી હૈ

સુખવિંદર ઉર્ફ ‘સન્ની’ અરોરા (શરીબ હાશમી) એવો જુવાનિયો છે જે જિંદગીમાં પહેલો શબ્દ ‘મા’ નહીં બલકે ‘સિનેમા’ બોલતા શીખેલો. એની એબીસીડી સિનેમાના ‘સી’થી શરૂ થાય છે. ડગલે ને પગલે ફિલ્મોના ડાયલોગ્સ અને સ્ટાર્સની મિમિક્રી ફેંકતો સન્ની એક દિવસ બોલિવૂડનો મોટો હીરો બનવા ઈચ્છે છે. પરંતુ ફિલહાલ તો આસિસ્ટન્ટ ડિરેક્ટર બનીને સ્ટારડમનાં સપનાં જોઈ રહ્યો છે. એક અમેરિકન ગ્રૂપ સાથે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાના અસાઇનમેન્ટમાં એ રાજસ્થાનના રણમાં જાય છે અને એની કહાનીમાં ટ્રેજેડી શરૂ થાય છે.

પાકિસ્તાની ત્રાસવાદીઓ એ ગ્રૂપના એક અમેરિકન મેમ્બરને પકડીને પોતાની ડિમાન્ડ્સ પૂરી કરાવવા માગે છે. પરંતુ અમેરિકન રામુને બદલે ઈન્ડિયન શ્યામુ એટલે કે આપણો હીરો સન્ની ત્રાસવાદીઓના હાથે ઝલાઈ જાય છે. ત્રાસવાદીઓ એને પકડીને પાકિસ્તાનના બોર્ડર પરના એક ગામડાના ઘરમાં છુપાવીને રાખે છે. જ્યાં એની દોસ્તી એ ઘરના યુવાન આફતાબ (ઈનામુલ હક) સાથે થઈ જાય છે. આફતાબ ભારતની ફિલ્મોની પાઇરેટેડ સીડીનો ધંધો કરે છે. મતલબ કે એનું ઘર પણ આપણું બોલિવૂડ જ ચલાવે છે.

ધીમે ધીમે સન્નીના બોલિવૂડપ્રેમનો જાદૂ આખા ગામમાં ફેલાઈ જાય છે. સૌને લાગે છે કે આ સિનેપ્રેમી જુવાનિયો અલ્લાહનો પાક બંદો છે, એને સહી સલામત પાછો હિન્દુસ્તાનમાં જવા દેવો જોઈએ. પરંતુ પથ્થરદિલ ત્રાસવાદીઓ પીગળતા નથી. આખરે સન્નીને બોર્ડર ક્રોસ કરાવીને ભારત મોકલવા માટે આફતાબ એક આઈડિયા લડાવે છે.

મજબૂર યે હાલાત, ઈધર ભી હૈ ઉધર ભી

ભારત-પાકિસ્તાનના ભાગલા અને રાતોરાત બંને દેશો વચ્ચે ઊભી થઈ ગયેલી ક્યારેય ન તૂટનારી દીવાલ આજે પણ સર્જકોને ચૂભતી રહે છે. ફિલ્મિસ્તાનના લેખક-દિગ્દર્શક નીતિન કક્કડ આવા જ એક સર્જક માલુમ પડે છે. પરંતુ આ દર્દ બતાવવા માટે એમણે ક્યાંય ઝાઝા સિરિયસ કે મેલોડ્રામેટિક થયા વિના કેટલીયે વાતો હળવાશથી રમતી મૂકી દીધી છે. ફિલ્મ કહે છે કે પાકિસ્તાનથી આવેલા દિલીપ કુમારને આજે પણ ત્યાંના લોકો મિસ કરે છે. ત્યાંની સરકાર ભલે આપણી ફિલ્મો પર પ્રતિબંધ મૂકે, પાઇરસીના બજારમાં ‘લોલિવૂડ’ની પાકિસ્તાની ફિલ્મો કરતાં આપણા બોલિવૂડની ફિલ્મો જ વધારે જોવાય છે. ત્યાંના જુવાનિયાંવ પણ સલમાન ખાન અને રણબીર કપૂરના ફેન છે. બંને બાજુ ખાણીપીણી-પહેરવેશ-લોકો, સંગીત-ફિલ્મો-શોખ બધું એક જ છે, બસ સરહદ જ એક તરફ હિન્દુસ્તાન અને બીજી તરફ પાકિસ્તાન બનાવે છે. આ વાત પંખીના પીંછાની હળવાશથી અહીં રમતી મુકાઈ છે. પરંતુ ગરીબી અને બંદૂકની અણી કેટલાય જુવાનિયાઓનાં જીવન ઝેર કરી નાખે છે એ પીડા પણ ફિલ્મમાં હળવાશની સમાંતરે જ વહેતી રહે છે.

ફિલ્મમાં હીરો બનતા શરીબ હાશમી એક પણ એન્ગલથી આપણા ટિપિકલ બોલિવૂડ હીરોની વ્યાખ્યામાં ફિટ બેસતા નથી. પરંતુ એની ‘ચલતા ફિરતા બોમ્બે ટોકિઝ’ જેવા સન્નીની એક્ટિંગમાં ખરેખરી જીવંતતા દેખાય છે. એટલું જ નહીં, આ ફિલ્મે માત્ર પ્રોમો પરથી તેના ડાયલોગ થકી જ લોકોમાં કુતૂહલ જગાડેલું, તેનો શ્રેય પણ આ શરીબ હાશમીને જાય છે. ડાયલોગ્સ લખવામાં પણ એમણે જ કલમ ઉપાડી છે. શરીબ હાશમી અને એના જોડીદાર એવા ઈનામુલ હકની અફલાતૂન એક્ટિંગે આખી ફિલ્મમાં ક્યાંય કોઈ મોટી સ્ટારકાસ્ટની ખોટ વર્તાવા દીધી નથી.

સાચા સિનેપ્રેમીઓ માટે

ફિલ્મિસ્તાનમાં અડધો ડઝન ઉપરાંત એવા સીન્સ છે જે થિયેટર હૉલમાં લાફ્ટર રાયટ ફેલાવી દે છે, પરંતુ પ્રોમો જોઈને કોઈ ટિપિકલ બોલિવુડિયન કોમેડી ફિલ્મ જોવાની અપેક્ષાએ આવેલા લોકો આ ફિલ્મથી નિરાશ થશે. કેમ કે એક તો આ ફિલ્મની ગતિ ધીમી છે. અહીં ફિલ્મમાં મૈંનૈ પ્યાર કિયા ચાલતી હોય, તો ડિરેક્ટરે નિરાંતથી પ્રેક્ષકોના ચહેરાના હાવભાવ ઝીલ્યા છે. કેમેરા એન્ગલ્સ પણ કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોતા હોઈએ એ પ્રકારના જ રખાયા છે. ફિલ્મિસ્તાનમાં ટિપિકલ સ્ટાર્ટ, ટેન્શન અને ફિનિશ નથી. ફિલ્મ એની પોતાની એકધારી ગતિથી ચાલી જાય છે. વળી, બેકગ્રાઉન્ડમાં મુકાયેલાં ગીતો પણ જાણે આપણે રાજસ્થાન-પાકિસ્તાનની સફરે નીકળ્યા હોઈએ અને ઊંટસવારી વખતે સાંભળતા હોઈએ એવાં કમ્પોઝ કરાયાં છે. જે આખો અનોખો માહોલ ઊભો કરે છે.

ભારતીય સિનેમાનાં સો વર્ષની ઉજવણી રૂપે આવી ફિલ્મો બનવી જોઈએ. ભલે તેને ઝાઝા દર્શકો ન મળે, પણ એટલિસ્ટ આવી ફિલ્મો બબ્બે વર્ષ સુધી રિલીઝ માટે ટળવળતી રહે એ આપણી કમનસીબી છે. ફિલ્મપ્રેમના પેકિંગમાં જેમને એક હૃદયસ્પર્શી દાસ્તાન માણવામાં રસ હોય એમણે જ આ ફિલ્મ જોવાની તસ્દી લેવી, નહીંતર એમના માટે ઓપન એન્ડિંગવાળી આ ફિલ્મિસ્તાન કોમેડીને બદલે ટ્રેજેડી સાબિત થશે.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s