હીરોપન્તી

એક્ટિંગવાલે પાપા કા એક્શનવાલા બેટા

***

પ્રોજેક્ટ ટાઈગર (શ્રોફ) જેવી આ ફિલ્મમાં બોરિંગ લવસ્ટોરીએ અદભુત એક્શનનો શિકાર કર્યો છે.

***

05-heropantiઆજથી 31 વર્ષ પહેલાં વાંસળીની જે ટ્યૂન પર પાપા જેકી શ્રોફે સ્ટારડમ મેળવેલું, એ જ ટ્યૂન પર આજે એનો દીકરો ટાઈગર ડાન્સ કરી રહ્યો છે. જેકીપુત્ર ટાઈગર અને નવોદિત કૃતિ સેનનને ચમકાવતી ફિલ્મ ‘હિરોપન્તી’ તેલુગુ ફિલ્મ ‘પરુગુ’ની રિમેક છે, જે હિરો-હીરોઈન અને થોડીક અદભુત ફાઈટ્સને બાદ કરતાં કશું જ નવું ઓફર કરતી નથી.

વહી પુરાના, પ્યાર કા દુશ્મન ઝમાના

હીરોપન્તી હરિયાણા નામના ભારતના એવા પ્રદેશની વાર્તા છે, જ્યાં ગમે તે કરો તો ચાલે પણ પ્રેમ કરો તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે. તોય ત્યાંના એક માથાભારે ચૌધરી સૂરજ સિંઘ (પ્રકાશરાજ)ની દીકરી રશ્મિ પ્રેમમાં પડે છે અને બરાબર લગ્નના દિવસે પોતાના પ્રેમી સાથે ભાગી છૂટે છે. ચૌધરીના મોભાદાર પરિવારમાં એક એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ, એક બાઉન્સર સપ્લાયર, પોતાની જ પેરેલલ આર્મી ચલાવતો ફાટેલ મગજનો ગગો વગેરે બાવડેબાજ માથાભારે લોકોનો કાફલો ભર્યો છે. અરે, ખુદ ચૌધરી સાહેબનો બાયોડેટા કહે છે કે એકવાર એમણે એક રાતમાં અઢાર લોકોને ઠાર મારેલા! આ કાફલો ભાગેલી દીકરી અને એના પ્રેમીને શોધવા નીકળે છે. એ લોકો ક્યાં હશે એની એના પ્રેમીના દોસ્તારોને જરૂર ખબર હશે એમ માનીને તાઉની સેના દોસ્તારોને કિડનેપ કરીને પોતાના ગાંવમાં પૂરી રાખે છે. એ સેનામાં એક છે બબલુ (ટાઈગર શ્રોફ), જે વાઘની જેમ તરાપ મારે છે, સિક્સપેક એબ્સ ધરાવે છે અને (એક્ટિંગની જેમ) એને કોઈનાથી ડરતાં આવડતું નથી.

જીભ અને મગજનું કામ હાથ પાસેથી લેતા ચૌધરીના ભાઈલોગ ટાઈગરને વોશિંગ મશીનમાં કપડાં ધોવાતાં હોય એ રીતે ધોઈ નાખે છે પણ એ ભાગેલાં પ્રેમીપંખીડાંનું લોકેશન જણાવતો નથી. આ ભાંજગડમાં ટાઈગરબાબાને ખબર પડે છે કે જેને જોઈને એને પહેલી નજર મેં પહલા પ્યાર થઈ ગયેલો એ છોકરી ડિમ્પી (કૃતિ સેનન) તો આ જ ચૌધરી સૂરજ સિંઘની નાની દીકરી છે.

આખરે દોસ્તારોને મારી નાખવાની ધમકીને વશ થઈને ટાઈગર કહે છે કે પ્રેમીપંખીડાં દિલ્હીમાં છે. તાઉનો આખો કાફલો જાન જોડીને દિલ્હી જાય છે, સાથે ડિમ્પીબેનને પણ લે છે. આ દિલ્હીદર્શન દરમિયાન ટાઈગર-કૃતિ વચ્ચે પણ લાગણીનાં વાવેતરથી પ્રેમનાં અંકુર ફૂટી નીકળે છે. ફરી પાછો ગ્લોબલ વોર્મિંગ જેવો પાપા પ્રકાશરાજનો ગુસ્સો ફાટે છે અને ડિમ્પીનાં લગ્ન બીજે ઠેકાણે ગોઠવાઈ જાય છે. હવે આ બંનેને માત્ર એક જ ચીજ ભેગાં કરી શકે છે, ધ ગ્રેટ ઈન્ડિયન ઈમોશનલ ડ્રામા!

ઓછી એક્શન, ઝાઝાં ઈમોશન

અગાઉ અક્ષયકુમાર અને કરીના કપૂર સ્ટારર ‘કમ્બખ્ત ઈશ્ક’ બનાવી ચૂકેલા ડિરેક્ટર શબ્બીર ખાનની આ ફિલ્મ ‘હીરોપન્તી’ જેકી શ્રોફના દીકરા ટાઈગરને લૉન્ચ કરવા માટે જ બનાવાઈ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ફિલ્મનું નામ પણ પાપા જેકીને જેનાથી સ્ટારડમ મળેલું એ ‘હીરો’ પરથી જ રખાયું છે. એટલું જ નહીં, દીકરો હીરો ફિલ્મની સિગ્નેચર ટ્યૂન પર જ આખી ફિલ્મમાં જાતભાતના કરતબ કરે છે. છેલ્લા થોડા દિવસથી ટાઈગરના નામ અને એના સફચટ ચહેરા વિશે ટ્વિટર પર જોક્સનું ઘોડાપુર વહી રહ્યું છે, પણ એટલું તો માનવું પડે કે એણે બોડી બિલ્ડિંગ માટે જિમ્નેશિયમમાં સારો એવો પરસેવો પાડ્યો છે. જે સ્ફૂર્તિથી એ કુદાકૂદ કરે છે એટલી જ સરળતાથી હૃતિક રોશન છાપ ડાન્સ પણ કરી શકે છે. પરંતુ હીરો બનવા માટે આટલાથી જ જો કામ ચાલતું હોત તો અત્યારે હર્મન બવેજાએ હૃતિકને રિટાયર કરી દીધો હોત! ટાઈગર એક્ટિંગમાં અત્યંત કાચો પડે છે. ઈવન એની સિગ્નેચર લાઈન ‘સબ કો આતી નહીં, મેરી જાતી નહીં’ બોલવામાં પણ એ જાણે કબજિયાત મટાડવાની દવા વેચતો હોય એવું લાગે છે!

ટાઈગરબાબાને એક્ટિંગમાં એટીકેટી આવે છે. તો હિરોઈન બનતી કૃતિબેબી દેખાવમાં સરસ ફેર એન્ડ લવલી છે, પણ એક્ટિંગમાં તો એ પણ કંઈ યાદ રહી જાય એવું ઓફર કરતી નથી. અહીં વિલનગીરી કરવા માટે પ્રકાશરાજ છે, જે હવે એકસરખા રોલ કરવા માટે કદાચ ગિનેસ બુકમાં પોતાનું નામ નોંધાવશે! અહીં ફરી પાછા ફરી પાછા એના એ જ જયકાંત શિક્રે ટાઈપના પાત્રમાં આવ્યા છે. પણ હા, એટલું માનવું પડે કે એવી કડક એક્ટિંગ એમને પરફેક્ટ આવડે છે. આ સિવાય આખી ફિલ્મમાં એક પણ પાત્રનો ઉલ્લેખ કરી શકાય એવું વેઈટેજ કોઈને મળ્યું નથી. માત્ર એક સીનમાં (કોમેડી નાઈટ્સની ‘ગુત્થી’ ફેઈમ) સુનીલ ગ્રોવર આવે છે, અને ખરેખર યાદ રહી જાય છે.

પ્રેમીઓને પકડીને ધોકાવવા સિવાય બીજો કોઈ કામધંધો ન હોય એવી સ્ટોરીવાળી ફિલ્મોની આપણે ત્યાં નવાઈ નથી. જ્યારે એ જ લાઈન પર ફિલ્મ બનાવવી હોય ત્યારે ફિલ્મમાં કંઈક તો નવું જોઈએ ને. અરે, હીરો હિરોઈનને ગુંડાઓથી બચાવે અને એ જોઈને હિરોઈન હીરોના પ્રેમમાં પડી જાય એ ટ્રેક તો કદાચ ડાયનોસોરના જમાનામાં પણ આઉટડેટેડ ગણાતો હશે! આટલી હદે એસેમ્બલી લાઈન પ્રોડક્શન જેવી બીબાંઢાળ ફિલ્મ હોવા છતાં તે લગભગ અઢી કલાક જેટલી તોતિંગ લાંબી છે. જો વિપશ્યના કે મેડિટેશન કરવાનો અનુભવ હોય તો જ આટલો સમય ધીરજ રાખીને બેસી શકીએ.

તેમ છતાં

એક્શન ક્રેઝી યંગસ્ટર્સને મજા પડે એવી એક્શન અને ચેઝ સિક્વન્સીસમાં ટાઈગરબાબા ફુલ માર્ક્સે પાસ થાય છે. પરંતુ એની આ ખૂબીનો ઝાઝો ઉપયોગ કર્યો હોત તો આ ટાઈગરની એક્ટિંગની ઊણપ ઢંકાઈ જાત. હા, ફિલ્મમાં સાજિદ-વાજિદે સારું મ્યુઝિક આપ્યું છે. ખાસ કરીને ‘જિયા લાગે ના’ તથા ‘હો જાઉંગા તબાહ’ તો મોબાઈલમાં ફરી ફરીને સાંભળવાની ઈચ્છા થાય એવાં સરસ બન્યાં છે.

પ્રોજેક્ટ ટાઈગરમાં જોડાવું કે નહીં?

બ્રૂસ લી અને જેકી ચેનની યાદ અપાવી દે એવી ફાઈટ્સ કરતા ટાઈગર શ્રોફને જોવો હોય, તો આ ફિલ્મ જોવા જઈ શકાય. પરંતુ એની થોડી ફાઈટ્સ જોવા માટે બાકીની લાંબી કંટાળાજનક ફિલ્મ સહન કરવાની તૈયારી રાખવી પડે. બાકી સારાં સોંગ્સ માટે સ્માર્ટ ફોન તો છેજ ને. હવે ચોઈસ ઈઝ યોર્સ!

રેટિંગઃ ** (બે સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s