હવા હવાઈ

હૈયું સોનાનું, ફિલ્મ લાખેણી

 ***

થોડી ધીમી હોવા છતાં આ ફિલ્મ એટલો ઉમદા મેસેજ આપે છે કે વેકેશન લેશનના ભાગરૂપે પણ જોવી જોઈએ.

***

hawaa-hawaai-review-new-horizontal-size-image_0ફાટ ફાટ થાય એવું ટેલેન્ટ ભર્યું હોય, પણ ઈશ્વરે એવા ઠેકાણે જન્મ આપ્યો હોય, જ્યાં જીવતા રહેવું જ સૌથી મોટો સંઘર્ષ હોય. આવું ચીંથરે વીંટ્યું રત્ન જ્યારે પોતાના પેશનની રેસમાં ઊતરે અને સૌની અપેક્ષાથી વિપરીત જીતીને બતાડે એ થઈ ‘અન્ડરડોગ’ની સ્ટોરી. આવા અન્ડરડોગ્સની વાર્તા કહેતી અનેક ફિલ્મો આપણે જોઈ છે, પરંતુ અમોલ ગુપ્તેએ પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘હવા હવાઈ’માં જે રંગો પૂર્યાં છે, તે એને એવી બધી ફિલ્મોથી એક ડગલું આગળ લાવીને મૂકી દે છે.

સ્કેટિંગ શૂઝ પર સરકતું સપનું

અર્જુન હરિશ્ચંદ્ર વાઘમારે (પાર્થો ગુપ્તે) બારેક વર્ષનો ટાબરિયો છે. એના પિતા (મકરંદ દેશપાંડે)ના અકાળ અવસાન બાદ પરિવાર ધારાવીમાં આવીને વસે છે. ઘર ચલાવવા મમ્મી (નેહા જોશી) ઘરઘરનાં કામ કરે છે અને અર્જુન એક ચાની ટપરી પર ‘રાજુ’ બનીને વૈતરું કરે છે. પરંતુ સ્કેટિંગ એકેડમીમાં નાઈટ ડ્યુટી દરમિયાન એની આંખે એક સપનું બંધાય છે કે આપણેય આ રમત શીખવી. ઈશ્વરે ટેલેન્ટ તો ગાડું ભરીને ઠાલવ્યું છે, પણ ઈતર પ્રવૃત્તિમાં નાખવાના પૈસા હોત તો સ્કૂલે જવાને બદલે ચાની ટપરીએ રોજની બાર કલાક થોડો મજૂરી કરતો હોત!

ત્યારે અર્જુનની વહારે આવે છે એના દ્રોણાચાર્ય સ્કેટિંગ કોચ અનિકેત ભાર્ગવ ઉર્ફ ‘લકી સર’ (શાકિબ સલીમ). અર્જુનનું સ્કેટિંગ પ્રત્યેનું પેશન, એની ટેલેન્ટ અને એને એકલવ્યની જેમ સ્કેટિંગ શીખતો જોઈને તે અર્જુનને સ્કેટિંગની તાલીમ આપવાનું શરૂ કરે છે.

અર્જુનની આ તપસ્યાની સફરમાં એના સાથીદારો બને છે એના દોસ્તારો ગોચી, ભુરા, અબ્દુલ અને મુરુગન. એ લોકોય સમાજના એવા વર્ગનાં બાળકો છે, જેની સામે જોવાની આપણને ફુરસદ નથી. એમાંથી એક ગેરેજમાં જોબ કરે છે, બીજો કચરો વીણે છે, ત્રીજો એક ઝૂંપડપટ્ટીમાં આંખો ફોડીને ભરતકામ કરે છે અને ચોથો ટ્રાફિક સિગ્નલ પર ફુલોની વેણી વેચે છે. પણ આ ચારેયનાં હાર્ટ એકદમ એક્સ્ટ્રા લાર્જ સાઈઝનાં છે. આ લોકો અર્જુનને કેવી રીતે મદદ કરે છે એ સિક્રેટ અને ફિલ્મનું નામ ‘હવા હવાઈ’ શા માટે છે એ તમે જાતે જ ફિલ્મમાં જોશો તો વધારે મજા આવશે!

ઘૂઘવતી લાગણીઓનો દરિયો

અગાઉ તારે ઝમીં પર અને સ્ટેનલી કા ડબ્બા બનાવી ચૂકેલા અમોલ ગુપ્તેનો બાળકો પ્રત્યેનો પ્રેમ હવા હવાઈના દરેક સીનમાં દેખાય છે. સ્ટેનલી કા ડબ્બાની જેમ અહીં પણ એમણે મુખ્ય રોલમાં પોતાના હોનહાર દીકરા પાર્થો ગુપ્તેને લીધો છે. માનવું પડે કે બાપ-દીકરા બંનેએ ખરા દિલથી કામ કર્યું છે.

હવે પહેલો બેઝિક સવાલ, આ ફિલ્મ જોવા જેવી છે ખરી?  બેશક જોવા જેવી છે. આખા પરિવારને સાથે લઈને અને ખાસ તો બાળકોને બતાવવા જેવી ફિલ્મો આમ પણ ઓછી બને છે, અને જ્યારે આવી નખશિખ સુંદર ફિલ્મ આવે ત્યારે તે ચૂકવી ન જોઈએ.

આપણને કદાચ સવાલ થાય કે ‘એવા તે કયા હીરા ટાંક્યા છે આ ફિલ્મમાં? આમાં તો કોઈ જાણીતા સ્ટાર્સ પણ નથી.’ માત્ર સ્ટાર્સ હોય તો જ થિયેટર ભરાય એ સિનેમાની કમનસીબી કહેવાય. ‘હવા હવાઈ’માં આપણા હૃદયને સ્પર્શી જાય એવી એક્ટિંગ કરતાં બાળકો તેના ખરા સ્ટાર છે. હવા હવાઈ આપણને એવા ભારતનાં બાળકોની વાત કરે છે જે આપણી આસપાસ બધે જ હોવા છતાં આપણને દેખાતું નથી. કારમી ગરીબીના સંચામાં પિલાતું બાળપણ ડિરેક્ટર અમોલ ગુપ્તેએ આપણને બતાવ્યું છે. પણ મજાની વાત એ છે કે અહીં એ ગરીબ બાળકોને દયાને પાત્ર નથી બતાવ્યા અને સમાજ તો કેવો જાલીમ છે એવી કડવાશ પણ વેરી નથી. ગરીબ કુટુંબમાં જન્મ્યા હોય તો શું થયું, ટેલેન્ટ, સપનાં, સાચી દોસ્તી, પ્રેમ એ કંઈ બેન્ક બેલેન્સનાં મોહતાજ થોડાં છે?

તમારા હૃદયને શું સ્પર્શશે?

એક તો બધાં જ બાળકોની એક્ટિંગ અને એમની ઝિંદાદિલી. અમોલ ગુપ્તેએ દરેક બાળક પાસેથી એક ઝવેરીની જેમ કામ લીધું છે. કેટલાક સીન તો હસાવી હસાવીને તમારી આંખો ભીની કરી દેશે!

બીજું, ફિલ્મમાં જીવન બદલી નાખે એવા ઘણા મેસેજ છુપાયેલાં જેમ કે, જરૂર પડ્યે પરિવારની જવાબદારી ઉઠાવવી, કોઈપણ સ્થિતિમાં ખુશ રહેવું, સપનાં જોવાનું ક્યારેય, કોઈપણ સ્થિતિમાં ન છોડવું, ઈશ્વરે કોઈ ટેલેન્ટ આપી હોય તો તેને ખીલવવા માટે બધા જ પ્રયત્નો કરી છૂટવા; આપણી આસપાસની દુનિયા વિશે સંવેદનશીલ બનવું; સાચા મિત્રો હીરા જેવા હોય છે, એમને મેળવવા અને એમની કદર કરવી; પૈસો નહીં પેશન અગત્યનું છે; ઈશ્વર ગમે તે સ્થિતિમાં આપણને લાવીને મૂકે પણ આપણું કામ રોદણાં રોવાનું નહીં, મહેનત કરીને આગળ વધવાનું છે… કોઈ બાબાજીના પ્રવચન જેવા લાગતા આ મેસેજ હવા હવાઈમાં ગજબનાક સરળતાથી અપાયા છે.

ત્રીજું, સપોર્ટિંગ કાસ્ટની અદભુત એક્ટિંગ. બાળકો ઉપરાંત શાકિબ સલીમ, નાનકડા રોલમાં છવાઈ જતા મકરંદ દેશપાંડે, હંમેશાં ‘પપ્પુ કંઘી’ જેવા રોલમાં દેખાતા રઝાક ખાન, અર્જુનની મમ્મી બનતી નેહા જોશી… આ લોકોએ ઝાઝા મેલોડ્રામેટિક થયા વિના હૃદયસ્પર્શી એક્ટિંગ કરી છે.

ચોથું, મીનિંગફુલ ગીતો. ફિલ્મમાં સ્ક્રિપ્ટ અને ડિરેક્શન ઉપરાંત અમોલ ગુપ્તેએ ગીતો લખવાની જવાબદારી પણ સુપેરે ઉઠાવી છે (એક ગીતમાં તો ગળું પણ ખંખેર્યું છે). એમાં ચુલ્હે કે અંગારે, ઘૂમ ગઈ, સપનોં કો ગિનતે ગિનતે અને ટાઈટલ સોંગ હવા હવાઈ એટલાં સારાં બન્યાં છે કે કાનમાં થઈને સીધાં હૃદયમાં ઊતરી જાય. આ માટે સંગીતકાર હિતેષ સોનિકને પણ એટલું જ ક્રેડિટ આપવું પડે.

કોઈ કાળી ટીલી ખરી?

એક તો આ ફિલ્મની સ્ટોરી ટિપિકલ અંડરડોગની છે, જે આપણે જો જીતા વોહી સિકંદરથી લઈને ઈકબાલ સુધીની ફિલ્મમાં જોઈ ચૂક્યા છીએ. એટલે ઘણા લોકોને સ્ટોરી ખાસ્સી પ્રીડિક્ટેબલ લાગશે. પરંતુ અહીં જે જલસો છે તે અમોલ ગુપ્તેના ડિરેક્શનનો અને બાળકોની એક્ટિંગનો છે.

કેટલાક લોકો એવી પણ ફરિયાદ કરશે કે ફિલ્મ ધીમી છે. હા, એ વાત ખરી છે. ફિલ્મમાં ઘણે ઠેકાણે અમોલ ગુપ્તેનો બાળકો પ્રત્યેનો પ્રેમ અને સમાજનો વિરોધાભાસ ફિલ્મની ગતિ પર હાવી થઈ જાય છે. પરિણામે ફિલ્મ ભારે ઢીલ છોડેલા પતંગની જેમ ઝોલ ખાય છે. પરંતુ આખી ફિલ્મ જ ટોટલ બે કલાકની છે. વળી, લાજવાબ એક્ટિંગ આ ખામી ઘણે અંશે ભરપાઈ કરી દે છે.

તો આ વીકએન્ડનું  પ્લાનિંગ કરવું?

બેશક. ભલે આ ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર્સ ન હોય અને એટલે મલ્ટિપ્લેક્સમાં પ્રેક્ષકોને ગેરહાજરીને કારણે શોઝ કેન્સલ થતા હોય, પરંતુ આયુર્વેદિક દવા જેવી ગુણકારી અને છતાં આઈસક્રીમ જેવી ટેસ્ટી આ ફિલ્મ સિનેમાઘરોમાંથી ગાયબ થાય એ પહેલાં ફેમિલી સાથે અને બચ્ચાંલોગના દોસ્તારોને પણ સાથે લઈને જોઈ જ નાખો.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s