કરવા ગયા ચાઈનીઝ કંસાર અને થઈ ગયું ઈટાલિયન થૂલું!
***
હંટરવાલી ફિયરલેસ નાદિયાની યાદ અપાવતી અને ‘કિલ બિલ’ની પ્રિક્વલ જેવી કંગનાની આ ફિલ્મ ઉપરના હેડિંગ જેટલી જ વિચિત્ર છે, જેમાં માત્ર એક જ ચીજ ખૂટે છે, એન્ટરટેઈનમેન્ટ!
***
એક હતી ફિયરલેસ નાદિયા, જે હંટર ચલાવતી, બિલ્ડિંગો પરથી કૂદીને સીધી ઘોડા પર બેસી જતી, ગુંડાઓને ઠાંય ઠાંય કરી દેતી. અને આ છે રિવોલ્વર રાની, જે ગંદી ગાળો બોલે છે, પોતાના જ હસબંડને ચૌદ ગોળીઓ મારીને છલ્લી છલ્લી કરી દે છે અને ઈલેક્શન જીતવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. રાઈટર-ડાયરેક્ટર સાઈ કબીર એવી વિચિત્ર ફિલ્મ લઈને આવ્યા છે જે જરાય હજમ થાય એવી નથી.
રાની કી કહાની ચંબલ કી ઝુબાની
બંદૂક કી કોખ મેં પલી અલકા સિંઘ ઉર્ફ રિવોલ્વર રાની (કંગના રણૌત) ચંબલની બાહુબલી નેત્રી છે. એની જીભ કરતાં બંદૂકડી વધારે ચાલે છે, ખુશ થાય તોય ગોળીબાર કરે, ઉસકા દિમાગ ભન્ના જાયે તોય ઠાંય ઠાંય કરે અને જશનની તો શરૂઆત જ બેજોટાળી ધણધણવાથી થાય. ફેર એન્ડ લવલી લગાવ્યા પહેલાંની દુખિયારી મોડલ જેવી દેખાતી કંગનાની માથે ચોવીસ ખૂન બોલે છે, ઈન્ક્લુડિંગ હર હસબંડ. નાનપણથી જ એને એના બલ્લી મામા (પીયૂષ મિશ્રા)એ પાલપોસ કે બડી કરી છે.
આ અલકા સિંઘે એના પોલિટિકલ રાઈવલની હત્યા કરી નાખેલી, જેથી હરીફ પાર્ટીના પૃથ્વીરાજ ચૌહાણના વંશજો એનો ઘડો લાડવો કરી નાખવાની ફિરાકમાં છે. પરંતુ એમના નેતા ઉદય ભાન (ઝાકિર હુસૈન) નવા નવા નેતા બન્યા છે, એટલે મૌકે કી નઝાકત સમજીને પોલિટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે અલકાને ખતમ કરવા માટે એનો જીવ જેનામાં છે એવા સ્ટ્રગલર ફિલ્મી હીરો રોહન કપૂર (વીર દાસ)નો ટોટો પીસવાનો શરૂ થાય છે.
આ વીર દાસ બડી ચાલાક માયા છે. ચિકની ચુપડી વાતો કરીને એ અલકા સિંઘને પોતાના પ્રેમમાં પાડે છે અને એની પાસેથી પૈસા ખંખેરીને પોતાની ફિલ્મ માટે પૈસા ભેગા કરવાનો પેંતરો આદરે છે. પણ ભાઈસા’બ પોતાની ચાલમાં પોતે જ ફસાય છે અને અલકાને પ્રેગ્નન્ટ કરી બેસે છે. એટલે પરાણે એની માંગમાં સિંદૂર પૂરવાનો વારો આવે છે. પરંતુ પેરેલલ ચાલતું ગંદું રાજકારણ એને ફરીવાર એક મુસ્લિમ યુવતી સાથે નિકાહ કરવા મજબૂર કરે છે. આ બધી જ ખીચડીની સમાંતરે એવો ખૂફિયા નિર્ણય લેવાય છે કે રિવોલ્વર રાની કો ગોલિયોં સે ભૂન ડાલો… પછી? ઓવર ટુ ક્લાઈમેક્સ.
યે ક્યા હો રહા હૈ?
વર્ષો પહેલાં સ્ટેશન પર અને ફૂટપાથ પર મળતી સસ્તી પોકેટબુક્સની ફીલ આપતી રિવોલ્વર રાનીના પ્રોમો જોઈને લાગતું હતું કે જેબ્બાત! ક્વીન પછી ફરી પાછી કંગના બધા હીરોલોગની ઠાંય ઠાંય કરી નાખશે. પરંતુ 132 મિનિટ્સની આ ફિલ્મમાં પડદા પર જે કંઈ થાય છે એના માટે જે શબ્દો સૂઝે છે તે છે, એબ્સર્ડ, વિચિત્ર. પોકેટબુક્સનાં કવર પેજ જેવાં ટાઈટલ્સના બેકગ્રાઉન્ડમાં ઉષા ઉથુપના અવાજમાં વિચિત્ર શબ્દોવાળું ગીત વાગે છે, આ એવા ગામની વાત છે જ્યાં બધાંને તરસ લાગે તો પાણીને બદલે દારૂ ગટગટાવે છે, અહીં સૌ તાળું ચાવીથી નહીં બલકે ગોળી મારીને ખોલે છે, અહીંયા ચંબલ ફિલ્મ સિટી બને છે જ્યાં હીરો-હિરોઈન ટાઈટેનિકનો પોઝ આપે છે, ન્યૂઝ રીડર ગાલિબની ખોટી શાયરીઓ ફટકારે છે અને ફિલ્મની પંક્તિઓ બોલે છે…!
(ક્વીન) રાનીમાંથી રિવોલ્વર રાની બનેલી કંગના પણ ઓછી વિચિત્ર નથી. એનાં સ્ટીલના વાડકા જેવાં અંડરગાર્મેન્ટ્સ સુદ્ધાં ઈટાલીથી આવે છે, કોઈ એના ‘ઈંગ્લિસ’નું અપમાન કરે, તો ઉસકો દિમાગ ભન્ના જાવે હૈં! જનતાની સામે જઈને હરીફની જાહેરસભામાં ઠાંય ઠાંય કરી આવે છે, સુબહ કી રામ રામ નગદ અને શામ કી રામ રામ એડ્વાન્સમાં આપે છે અને પોતાને આંગ સાંગ સૂ ચીની બહેન ગણાવે છે… અને હા, એના ચહેરા પરની કાળાશમાં પણ વધઘટ થતી રહે છે, બોલો!
આ બધા જમેલામાં આપણને એક જ વસ્તુ અનુભવાય છે, કંટાળો. તમે ગેંગ્સ ઓફ વસેપુરના પીયૂષ મિશ્રા મૂકી દો, એના જેવું (પણ અહીં સંજીવ શ્રીવાસ્તવે આપેલું) વિચિત્ર મ્યુઝિક ભભરાવી દો, તિગ્માંશુ ધુલિયાની ફિલ્મોમાં હોય છે એવું ચંબલનું બેકગ્રાઉન્ડ, ત્યાંની ‘આવેગો-જાવેગો’વાળી બોલી ઠાંસો, ગોલિયોં કી રાજનીતિ ખેલતા ગંદા રાજકારણીઓ લઈ લો, દર બે મિનિટે બંદૂકોના ભડાકા કરો… લેકિન જનાબ, ફ્લેવરના ચટકા હોય આખી ફિલ્મ ન હોય! ઓફ્ફ બીટ સ્ટાઈલની વચ્ચે કંઈક નવા પ્રકારની સ્ટોરી આપવાની હોય. ફિલ્મને ગોકળગાયથી થોડી ઝડપી એવી સ્પીડ આપવાની હોય, કેમ કે ટિકિટ ખર્ચીને આવેલા દર્શકો ટૉકિઝમાં રાતવાસો નથી કરવાના, એમને પાછા ઘરે પણ જવાનું હોય છે! વળી, તમારી પાસે કંગના, પીયૂષ મિશ્રા, વીર દાસ, ઝાકિર હુસૈન જેવા ટેલેન્ટેડ કલાકારો હોય પણ એ લોકો ‘બાવડી ભૂત’ની જેમ ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારાહ આના સિવાય ખાસ કશું કરતા નથી. અરે, ફિલ્મમાં આશા ભોસલેનું પણ એક ગીત છે, લેકિન તમારું દિમાગ પણ કંગનાની જેમ એવું ‘ભન્નાઈ’ ગયું હોય છે કે તમે તેની મજા માણી ન શકો. ઉપરથી માહોલને છાજે એવા ચોટદાર વનલાઈનર્સ પણ અહીં ગાયબ છે. બાકી હતું તે જથ્થાબંધ ગાળો આપણા સેન્સર બોર્ડે ‘મ્યુટ’ કરી દીધી છે.
એક માત્ર જલસો કરાવે છે, મધ્યપ્રદેશની એક સ્થાનિક ન્યૂઝ ચેનલ ‘સજાગ સમાચાર’ની પાયલ પરિહાર નામધારી ન્યૂઝ રીડર. આ પાયલબેન એકદમ ગંદું હિન્દી બોલે છે અને સમાચારના નામે દર વખતે એક પંક્તિ ફટકારે છે. એ પંક્તિના નામે ફિલ્મી ગીત, ગાલિબની ખોટી શાયરી એવું પણ આવે!
ભડાકે દઈ દો આ ફિલ્મને!
ક્વીન જોયા પછી હવે કંગનાને લીધે આ ફિલ્મ જોવા લાંબા થવાની લાલચ થાય એ સ્વાભાવિક છે, પરંતુ ખબરદાર! આ રિવોલ્વર રાની જોવા કરતાં ફિયરલેસ નાદિયાની કોઈ જૂની ફિલ્મ જોવી કે ફ્લોરા ફાઉન્ટનની ફૂટપાથ પર મળે છે એવી સુરેન્દ્ર મોહન પાઠક ટાઈપની કોઈ પોકેટબુક્સ ખરીદીને વાંચવી વધારે ફાયદાનો સોદો પુરવાર થશે. ક્લાઈમેક્સ પરથી લાગે છે કે હજી તો ડાયરેક્ટર આ ફિલ્મની સિક્વલ બનાવવાની ફિરાકમાં છે. પરંતુ હોલિવૂડમાં ક્વેન્ટિન ટેરેન્ટિનો નામના ડાયરેક્ટરે ઓલરેડી ‘કિલ બિલ’ નામે એ સિક્વલ બનાવી નાખી છે! તમારે એ જોવી હોય તો મોસ્ટ વેલકમ, પણ આ રિવોલ્વર રાનીને તો ભડાકે જ દેજો!
રેટિંગઃ * (એક સ્ટાર)
(Published in Gujarati Mid Day)
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.