કાંચી

શો મેનનો વધુ એક ફ્લોપ શો

***

એક જમાનાના શો મેન સુભાષ ઘઈની ઘાઈ ઘાઈમાં બની હોય તેવી લાગતી આ ફિલ્મ એમની જ ફિલ્મ તાલના અતિ નબળા અલ્ટરનેટ વર્ઝન જેવી છે.

***

mishti_kartik-aaryan__733394એક હતા સુભાષ ઘઈ. એ એટલી એન્ટરટેનિંગ ફિલ્મો બનાવતા કે અનેક વાર જોયા પછીયે આજે પણ ટીવી પર ચાલતી હોય તો ચેનલ ફેરવવાનું મન ન થાય. અરે, માત્ર એમની ફિલ્મોનાં નામ બોલીએ ત્યાં જ મોઢું ભરાઈ જાય. એમની ફિલ્મોમાં હિરોઈનો વધારે સુંદર દેખાતી. પોતાના કલાકારો પાસેથી એ સારામાં સારું કામ કઢાવી શકતા. સંવાદથી લઈને સંગીત અને અદાકારીથી લઈને ડિરેક્શન સુધીના તમામ ડિપાર્ટમેન્ટમાં એ પૂરા માર્ક્સ લઈ જતા. એટલેસ્તો પોતાની ફિલ્મમાં એ નાનકડું ગેસ્ટ અપિયરન્સ કરે તો લોકો તેને પ્રેમથી વધાવી લેતા. પરંતુ ‘તાલ’ પછી એ પોતાનો જાદુ જાણે ગુમાવી બેઠા. રામ ગોપાલ વર્માની જેમ જાણે એ ફિલ્મ મેકિંગની કળા ભૂલતા ગયા હોય એવું લાગે. યાદેં, કિસ્ના, બ્લેક એન્ડ વ્હાઈટ, યુવરાજ જેવી એમની કંગાળ ફિલ્મોની યાદીમાં વધુ એક ઉમેરો થયો છે, ‘કાંચી’નો.

તાલ પાર્ટ-ટુ

ધારો કે સુભાષભાઉની જ એશ-અક્ષય-અનિલ સ્ટારર તાલમાં જરા જૂદું બન્યું હોત તો? મતલબ કે બિલ્યનેર ઉદ્યોગપતિ અમરિશ પુરીનો દીકરો ચંબા કે તારાબાબુ (આલોકનાથ)ની દીકરી માનસી (એશ)ના પ્રેમમાં એવો પડી જાત કે એ માનસીના લોકલ પ્રેમીની હત્યા કરી નાખત, અને એ હત્યાનો બદલો લેવા માટે માનસી મુંબઈ આવત તો? બસ, તો તે આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ કાંચીની સ્ટોરી બની જાત! બિલીવ મી, આટલી સિંગલ લાઈન સ્ટોરી સિવાય ફિલ્મમાં કશું જ નવું નથી. ચંબાને બદલે અહીં કોશમ્પા ગામ છે, ઐશ્વર્યાને બદલે મિશ્ટી (મૂળ નામ ઈન્દ્રાણી ચક્રવર્તી) છે (જે કપડાં પણ તાલની ઐશ્વર્યા જેવાં જ પહેરે છે!), અક્ષય ખન્નાને બદલે કાંચીની અપોઝિટ પ્યાર કા પંચનામા ફેઈમ કાર્તિક તિવારી છે, શહેરી બાબુ પહાડી ગામમાં આવીને ફોટોગ્રાફીને બદલે પેઈન્ટિંગ કરે છે. પોતાના પ્રેમીની હત્યાનો બદલો લેવા માટે મિશ્ટીબેન મુંબઈ આવે છે અને હત્યારાના પહોંચેલા પિતા શ્યામ કાકડા (મિથુન ચક્રવર્તી) અને કાકા ઝુમર કાકડા (રિશિ કપૂર)ના સામ્રાજ્યનો ઘડો લાડવો કરી નાખે છે.

ખૂબસૂરત પેકિંગમાં તકલાદી માલ

જો ફિલ્મમાં મોટા અક્ષરે પોતાનું નામ અને હસતું મુખારવિંદ લઈને ન પધારતા હોત તો કોઈ માની જ ન શકે કે આ ‘અ ફિલ્મ બાય સુભાષ ઘઈ છે’! એક તો શો મેનની આ ફિલ્મ અઢી કલાક લાંબી છે, જે ભલભલા હી મેનને પણ ભારે પડી જાય. સુભાષ ઘઈની ફિલ્મોનું સૌથી મજબૂત પાસું એનું દમદાર સંગીત રહ્યું છે, જેમાં અહીં ઈસ્માઈલ દરબાર અને સલીમ સુલેમાન તદ્દન નિષ્ફળ ગયા છે. એક માત્ર ટાઈટલ સોંગ ‘કાંચી રે કાંચી’ થોડું સાંભળવાલાયક બન્યું છે, બાકીનાં પોણો ડઝન ગીતો ફિલ્મને એનાકોન્ડાની જેમ ખેંચવા સિવાય કશું જ નથી કરતાં. એક્ટિંગ ડિપાર્ટમેન્ટના પણ એવા જ હાલ છે. ફિલ્મનું સૌથી વધું માર્કેટિંગ કરાયેલું પાસું એટલે કે નવોદિત હિરોઈન મિશ્ટી બેહદ સુંદર છે, પણ આ કાંચી એક્ટિંગમાં હજી ઘણી કાચી છે. ફિલ્મમાં મિકી માઉસ જેવો ચહેરો કરીને ફરતા મિથુનદા અને સતત જોકરવેડા કરતા રિશિ કપૂર પણ છે. નવા નિશાળિયા જેવા હીરોલોગ પોતાના ખભે ફિલ્મ ઉપાડી શક્યા નથી એટલે મિથુનદા અને રિશિદાને આ ઉંમરે ન શોભે એવાં કૃત્યો કરવાનો વારો આવ્યો છે. ઘઈદાદા પોતાની હિરોઈનથી એટલા પ્રભાવિત લાગે છે કે સતત એને જ બતાવ બતાવ કરાય છે, જેમાં મીતા વશિષ્ઠ અને (લાઈફ ઓફ પાઈ ફેમ) આદિલ હુસૈન સરીખાં કલાકારો લિટરલી વેડફાઈ ગયાં છે.

પરંતુ ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે દરેક સીનમાંથી ટપકતું નકલીપણું. ફિલ્મનો એક પણ કલાકાર, એકેય સંવાદ, એક પણ ઈમોશન જેન્યુઈન લાગતું નથી. ઈવન એક્શન સીન્સમાં કેબલની મદદથી કરાતા જમ્પ પણ તદ્દન કૃત્રિમ લાગે છે. કાંચીની રિલીઝ પહેલાંના પ્રોમોમાં સુભાષ ઘઈનો સ્વપ્રશસ્તિવાળો એક પીસ બતાડાતો હતો, જેમાં ઘઈસા’બ કહે છે કે ફિલ્મો માટે લખવું, ફિલ્મો બનાવવી એમનું પેશન રહ્યું છે. હશે, પણ એ પેશનની ધાર હવે ક્યાંક બુઠ્ઠી થઈ ગઈ હોય એવું લાગે છે.

ફિલ્મમાં એકતરફ એવું બતાવાયું છે કે આખું કોશમ્પા ગામ કાંચીનું દીવાનું છે, પણ જે પ્રકારે એ ગંદી ગાળો બોલે છે, હાથ ઉપાડો કરે છે, રાડારાડી કરે છે, એ જોતાં સૌ એના નામનાં ગીતડાં ગાતાં હોય એ ગળે ઊતરે એવું નથી. વળી, દેશના ટોચના ગણાતા ઉદ્યોગપતિઓને પણ જે રીતે મિશ્ટી એક મોબાઈલ વીડિયો અને એક મેમરી કાર્ડથી પંદર વર્ષની જેલ કરાવી દે એના પર તો બાળકો પણ વિશ્વાસ ન કરે. આ ઉપરાંત ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન મુવમેન્ટનું પ્રોજેક્શન પણ લોજિકની પેલે પારનું છે. બાય ધ વે, ફિલ્મમાં એક સીનમાં મિથુનદા કહે છે કે દેશમાં છેલ્લાં દસ વર્ષમાં અનહદ કરપ્શન વધ્યું છે. એ ઈશારો કોની સામે હશે? અને હા, ‘કંબલ કે નીચે’ જેવું દ્વિઅર્થી ગીત (જેમાં ઘઈનાં પોતાનાં જ સુપરહીટ ગીતોનો કચરો થતો હોય તે) સુભાષ ઘઈની ફિલ્મમાં? છી છી છી!

ફિલ્મની પોઝિટિવ સાઈડ માટે એવું કહી શકાય કે નૈનિતાલનાં લોકેશન્સમાં શૂટ થયેલું કોશમ્પા ગામ સારું દેખાય છે!

ભગવાન બચાવે આ કાંચીથી!

સુભાષ ઘઈ સાહેબને બે હાથ જોડીને રિક્વેસ્ટ કે હવે પછી જો તેઓ આવી જ ફિલ્મો બનાવવાનાં હોય તો પ્લીઝ તમારા પેશનને થોડો વિરામ આપો અને અમારા પર દયા ખાવ. આ પ્રકારની ફિલ્મો એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા માલ જેવી છે, જે આડઅસર સિવાય બીજું કશું જ ન કરે. ઈન શોર્ટ, કાંચી પર મારો ચોકડી.

રેટિંગઃ 0.5 * (અડધો સ્ટાર)

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s